મૈં અટલ હૂં
-રાકેશ ઠક્કર
પંકજ ત્રિપાઠી અભિનયમાં કમાલ કરીને એવોર્ડ જીતવામાં અવ્વલ રહે છે ત્યારે તેની વધુ એક ફિલ્મ ‘મૈં અટલ હૂં’ માં અભિનયથી પ્રભાવિત કરી ગયો છે. માત્ર એનો અભિનય ફિલ્મનો સૌથી મોટો અને એકમાત્ર પ્લસ પોઈન્ટ ગણાયો છે.
નિર્દેશક રવિ જાધવે અટલ બિહારી વાજપેઇ જેવા મહાન વ્યક્તિના જીવન પર સંશોધન કરીને ફિલ્મ ‘મેં અટલ હૂં’ બનાવવાનો પ્રયત્ન સારો કર્યો છે પણ અપેક્ષા મુજબ અસરકારક બની શકી નથી. સમીક્ષકોએ શ્રેષ્ઠ બાયોપિક કેમ ના બની શકી એના કારણમાં કેટલીક વધુ પડતી લંબાઈ સહિતની ઘણી ખામીઓ જણાવી છે. વાર્તા સીધી સરળ અને માત્ર સારા પ્રસંગો સાથેની છે. ફિલ્મનો પહેલો ભાગ ધીમી ગતિએ ચાલે છે. માત્ર ઇતિહાસના પાનાં પલટાવવામાં આવી રહ્યા હોય અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ હોય એવો અહેસાસ આપે છે.
બીજા ભાગમાં ઝડપ વધે છે અને વાજપેઈના જીવનના ઘણા પાસા બતાવે છે. જ્યારે વાજપેઇ રાજકીય ક્ષેત્રે પ્રભાવશાળી બને છે ત્યારે ફિલ્મ જામે છે. પણ સમસ્યા એ છે કે ઘણા પ્રસંગોને બહુ ઉતાવળમાં બતાવી દીધા છે. એમના જીવનના રાજકીય પ્રસંગોને વિગતે બતાવ્યા નથી. એમનું કોલેજ જીવન, આરએસએસમાં યોગદાન, અખિલ ભારતીય જનસંઘનું નિર્માણ, કારગિલ યુધ્ધ જેવા મહત્વના પ્રસંગોને વિગતે બતાવ્યા નથી. અમુક પ્રસંગો તો ઉપર ઉપરથી બતાવી દીધા છે. પણ એમની લવસ્ટોરીને પૂરી બતાવી છે. ઘણી જગ્યાએ ફિલ્મ કંટાળાજનક બની જાય છે. બાકી વાજપેઈની જિંદગી આટલી કંટાળાજનક ન હતી. નિર્દેશક જાણીતી વાતોને પણ સારી રસપ્રદ રીતે રજૂ કરી શક્યા નથી.
નિર્દેશકે એક ઘટના પરથી બીજી પર છલાંગ જ મારી છે. વાતના ઊંડાણમાં ગયા ન હોવાથી દર્શકને જોડી શકતા નથી. એમના જીવનના કેટલાક પ્રસંગો બતાવ્યા જ નથી. જેમકે એમના પરિવાર સાથે શું થયું હતું અને એ એકલા કેમ હતા.
જો પંકજ ત્રિપાઠી જેવા અભિનેતાએ મુખ્ય ભૂમિકા ભજવી ના હોત તો ફિલ્મની ખાસ નોંધ લેવામાં આવી ના હોત. પંકજે ઘણા દ્રશ્યોમાં આંખોથી અભિનય કર્યો છે. સંવાદ અદાયગી પણ સારી છે. તે વાજપેઇના અંદાજમાં ભાષણ આપે છે એ દરેક વખતે જોવા જેવું બન્યું છે. પંકજે પાત્રને સાકાર કરવા પોતાના તરફથી પૂરતો પ્રયત્ન કર્યો છે. તે હૂબહૂ વાજપેઇ જેવો દેખાય છે અને એમના સ્વભાવની ખાસિયતને પકડી છે. બોલવાનો અને ચાલવાનો અંદાજ અદ્દલ વાજપેઇ જેવો છે. જોકે, પંકજ યુવા વાજપેઇ તરીકે એટલો જામતો નથી.
પંકજે પાત્રને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં સ્ક્રીપ્ટની ખામીને લીધે પણ એમ લાગશે કે એના જેવી અભિનય ક્ષમતા ધરાવતા એવોર્ડ્સ વિજેતા અભિનેતા માટે દર્શકોને વધારે આશા હતી. કેટલાક દ્રશ્યોમાં પંકજના અભિનયનો ચમકારો દેખાય છે. કટોકટી દરમ્યાન વાજપેઇ જેલમાંથી છૂટયા બાદ વરસાદમાં ભાષણ આપે છે એ જોવા જેવું છે.
કેટલાક દમદાર સંવાદ રુવાંડા ઊભા કરી દે એવા છે. લેખનમાં રહેલી નબળાઈની અસર ફિલ્મ પર પડી છે. 93 વર્ષનું લાંબુ જીવન જીવનારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇના જીવનનું ઘણું બધું બતાવવાના પ્રયત્નમાં નિર્દેશક ઘણી બાબતોનો માત્ર ઉલ્લેખ કરીને આગળ વધી ગયા છે. ઘટનાઓ બતાવી છે પણ એની વાજપેઇ પર શું અસર થઈ એ બતાવ્યું નથી.
એક મરાઠી પુસ્તકના કિસ્સાઓ પર આધારિત આ ફિલ્મમાં કેટલાક પ્રસંગો કે મુદ્દાને વધારે ફૂટેજ આપીને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહી ચૂકેલા નિર્દેશક રવિ જાધવે એમની સામે આંગળી ચીંધવાનો મોકો આપ્યો છે. એ દ્રશ્યોમાં ખ્યાલ આવી જાય છે કે કોઇની તરફેણમાં આ વાત રજૂ કરી છે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિના જીવન પરની ફિલ્મના લેખનમાં હોવી જોઈતી તટસ્થતા નથી.
પંકજ સાથે પિયુષ મિશ્રા, એકતા કૌલ, પ્રમોદ પાઠક, રાજા રમેશકુમાર સેવક વગેરેએ બીજી મહત્વની ભૂમિકા એમના લુક સાથે ભજવી છે. પણ એક-બે કલાકારને બાદ કરતાં બાકીનાનું કામ કમાલનું લાગતું નથી. નિર્દેશકે બીજા પાત્રોનો વિસ્તાર જ કર્યો નથી. પંકજની જેમ બીજા કલાકારો ડાયલોગ ડિલિવરીમાં પ્રભાવિત કરી શક્યા નથી. કેમકે એમણે વધારે પડતા નાટકીય અંદાજનો સહારો લીધો છે. આ ફિલ્મ વાજપેઇના પ્રશંસકો અને પંકજ ત્રિપાઠીના ચાહકોને ચોક્કસ ગમે એવી છે.