પરી સમીરને પોતાના બેડરૂમ તરફ લઈને ગઈ. બેડરૂમ તરફ જતાં જતાં જે થોડી સેકન્ડો મળી તે સમીર વેસ્ટ જવા દેવા નહોતો માંગતો તેણે પરીની સામે જોયું અને તે બોલ્યો કે, "બાય ધ વે યુ આર લુકીંગ સો બ્યુટીફુલ ઈન પીંક ટી શર્ટ.. લુકીંગ પીંકી પીંકી.." પરી ફક્ત સ્માઈલ કરતી રહી તેણે સમીરની કોમેન્ટનો કોઈ જવાબ ન આપ્યો.
પરી જરા અકળાઈને બોલતી હોય તેમ તેણે ત્રાંસી નજરે સમીરની સામે જોયું અને બોલી કે, "તને કોણે આ રીતે જાણ કર્યા વગર આમ સરપ્રાઈઝલી આવવાનું કહ્યું હતું?"
"તે હું તને પછી કહીશ.." સમીર એટલું બોલીને અટકી ગયો અને એટલામાં બંને નાનીમાના રૂમમાં આવી ગયા એટલે પરી પણ ચૂપ થઈ ગઈ અને સમીર પણ ચૂપ થઈ ગયો.
સમીરે "જય શ્રી કૃષ્ણ નાનીમા" બોલી નાનીમાના પગમાં પડ્યો અને નાનીમાએ પણ "સુખી થા બેટા, સો વર્ષનો થા અને તારા માતા પિતાની સેવા કરજે " તેવા આશિર્વાદ આપ્યા. નાનીમાએ સમીરને પોતાના બેડ ઉપર જ બેસવા કહ્યું અને તેની સામે જોઈને તેને પૂછ્યું કે, "શું નામ છે બેટા તારું?"
"જી, નાનીમા મારું નામ સમીર છે." સમીર બીજું કંઈ બોલે અને કંઈ બાફે તે પહેલા જ પરી એકદમથી બોલી ઉઠી કે, "નાનીમા આ મારો અને છુટકીનો ફ્રેન્ડ છે."
"તું શું કરે છે અત્યારે બેટા?" નાનીમાએ સમીરને પૂછ્યું.
"એ પી એસ આઈ છે." સમીર જવાબ આપે તે પહેલા જ પરી બોલી ઉઠી.
"મેં એને પૂછ્યું છે તો તું કેમ વચ્ચે બોલે છે બેટા?" નાનીમાએ પરીને ટોકી.
જે પરીને જરાપણ ન ગમ્યું. એક તો સમીર પોતાની પરમિશન વગર બીન બુલાયે મહેમાનની જેમ ટપકી પડ્યો હતો અને તેમાં પણ પાછું નાનીમા સમીરનું ઉપરાણું લેતાં હોય તેમ તેને લાગ્યું એટલે તેણે ફરીથી નાનીમા ન જુએ તે રીતે સમીરની સામે જોઈને પોતાનું મોં મચકોડ્યું.. અને સમીર પરીની આ હરકતોની મજા લેતો હોય તેમ ખુશ થયો અને હસી પડ્યો.
તેને હસતાં જોઈને નાનીમાએ સમીરને પૂછ્યું કે, "શું થયું બેટા તું કેમ હસે છે?"
"એ તો કંઈ નહીં નાનીમા આ પરી...
અને ફરીથી પરી વચ્ચે જ ટપકી પડી અને આ વખતે તો તેણે ગજબ કર્યું, ગુસ્સાથી સમીરનો હાથ પકડી લીધો અને તેને નાનીમાની બાજુમાંથી ઉભો કરવા માટે રીતસરનો ખેંચ્યો અને તેને કહેવા લાગી કે, "ચાલ, હવે આપણે બહાર મોમ ડેડ સાથે બેસીશું?"
સમીર પરાણે ઉભો થયો અને એ પણ બોલતાં બોલતાં કે, "બેસવા દે ને થોડીવાર નાનીમાની પાસે, શું આમ ખેંચે છે?"
પરીને આ રીતે ગુસ્સે થતાં જોઈને નાનીમા બોલ્યા કે, "ખોટું ન લગાડીશ બેટા મારી પરી મારી ઢીંગલી ખૂબ ભોળી છે."
સમીર નાનીમાની પાસેથી ઉભો થયો અને બોલ્યો કે, "હા તમારી વાત બિલકુલ સાચી છે, નાનીમા." સમીર ફરીથી નાનીમાને પગમાં પડ્યો અને બોલ્યો કે, "હું નીકળું નાનીમા, ફરી પાછો આવીશ તમને મળવા માટે.." અને નાનીમાએ પ્રેમથી સમીરના માથે હાથ મૂક્યો અને તે તેમજ પરી બંને બેઠક રૂમમાં પ્રવેશ્યા.
હજુ પણ ગુસ્સામાં અને ગુસ્સામાં પરીએ ફીટોફીટ સમીરનો હાથ પકડી રાખ્યો હતો એટલે સમીર હસતાં હસતાં તેને કહેવા લાગ્યો કે, "ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન મિસ પરી, તમે મારો હાથ હજુ પકડેલો જ રાખ્યો છે." અને જાણે ચારસો ચાળીસ વોલ્ટનો કરંટ લાગ્યો હોય તેમ પરીએ ઝાટકા સાથે સમીરનો હાથ છોડી દીધો. સમીરથી રહેવાયું નહિ તે હસી પડ્યો. બંને બેઠકરૂમમાં સોફા ઉપર ગોઠવાઈ ગયા.
સમીરે ક્રીશાની સામે જોયું અને બોલ્યો કે, "આન્ટી હું હવે રજા લઉં?"
"હા સ્યોર બેટા" એમ બોલીને ક્રીશા પણ સમીરની સાથે સાથે સોફા ઉપરથી ઉભી થઈ અને શિવાંગ પણ પોતાની જગ્યાએથી ઉભો થયો. છુટકી સમીરની સામે ને સામે જ જોઈ રહી હતી અને મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, કેટલો બધો હેન્ડસમ લાગે છે સમીર, એકદમ સ્ટાઉટ બોડી અને ગ્રેટ પર્સનાલિટી..
સમીર તેની સામે જોઈને બે વખત બોલ્યો કે, "કવિશા બાય, કવિશા બાય.." પણ તેનું ધ્યાન નહોતું તે તો સમીરના વિચારોમાં ખોવાયેલી હતી.
પરીએ પોતાના ખભા વડે તેને પાછળથી જરા ધક્કો લગાવ્યો ત્યારે તે એકદમ ચમકી અને બોલી કે, "હા, બાય સમીર આવતો રહેજે આ જ રીતે.."
"હા, સ્યોર" એટલું બોલીને સમીર ત્યાંથી નીકળી ગયો.
ક્રીશાના હાથના બનાવેલા રસમ અને રાઈસ તૈયાર હતા એટલે બધા ડાઈનીંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગયા પરી પણ નાનીમાને હાથ પકડીને ડાઈનીંગ ટેબલ પાસે લઈ આવી અને ચેર આગળ ખેંચીને તેમને ચેર ઉપર બેસાડ્યા.
સમીર એકદમથી આ રીતે ઘરે આવી પહોંચ્યો હતો એટલે છુટકી અને પરી બંને ચૂપ હતા પરંતુ ક્રિશાએ સમીરની વાત કાઢતા કહ્યું કે, "સમીર સ્વભાવથી ખૂબજ સારો અને ડાહ્યો છોકરો લાગે છે અને તેણે જે રીતે ઓપરેશન કરીને ડ્રગ્સવાળી ગેંગને પકડી પાડી તે રીતે તે ખૂબજ હોંશિયાર અને બહાદુર પણ કહેવાય અને વળી આવીને તરત પગે લાગ્યો એટલે ગુણીયલ અને સંસ્કારી પણ કહેવાય બાકી આજના છોકરા છોકરીઓને તો કોઈને પગે લાગવાનું કહીએ એટલે શરમ આવે અને ગમે પણ નહીં. બસ ખાલી હાય હલ્લો કરતાં જ આવડે.
શિવાંગે ક્રીશાની વાતમાં ટાપસી પૂરી અને બોલ્યો કે, "સાચી વાત છે તારી કીશુ. ખરેખર ડાહ્યો અને સંસ્કારી છોકરો છે. પણ તમારો બંનેનો એકસાથે ફ્રેન્ડ કઈરીતે બન્યો તેની કંઈ ખબર ન પડી..??"
શિવાંગનો પ્રશ્ન પૂરો થાય તે પહેલા જ જમતા જમતા પરી અને છુટકી બંનેના હાથ અટકી ગયા અને બંને એકબીજાની સામે જોવા લાગ્યા....
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/1/24