Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - આદિમાનવ અને આપણે

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - આદિમાનવ અને આપણે

શીર્ષક : આદિમાનવ અને આપણે
©લેખક : કમલેશ જોષી
મિત્રો, તમને કોઈ આદિમાનવ કહે તો તમને કેવું લાગે? તમે ગુસ્સે થઈ એનું જડબું તોડી નાખો કે ખડખડાટ હસી પડો? કે પછી બે’ક ઊંડા શ્વાસ લઈ એના કથનની યોગ્યતા કે અયોગ્યતા વિશે ચિંતન કરો? જો ચિંતન કરવાની ભૂલ કરી ગયા તો વિચારતા-વિચારતા તમે એ પ્રશ્ન ઉપર આવશો કે ખરેખર આપણો ઉલ્લેખ સમજુ લોકો ‘આદિમાનવ’ તરીકે ક્યારેય કરશે ખરાં? અંદરથી તરત જ જવાબ આવશે કે ચોક્કસ, આજથી બસો, બારસો કે બાર હજાર વર્ષ પછી, એટલે કે ૨૦૨૪ ને બદલે જયારે ૩૦૨૪ કે ૫૦૨૪ કે ૧૦૦૨૪ ની સાલ ચાલતી હશે ત્યારે સાતમું ભણતું ટાબરિયું જયારે માનવ ઈતિહાસનો પાઠ ભણતું હશે ત્યારે ચોક્કસ એના ટીચર, દસ વીસ હજાર વર્ષ પહેલાના લોકોની, એટલે કે આપણી ચર્ચા ‘આદિમાનવ’ તરીકે જ કરશે. એ જમાનાનો સ્કૂલ બોય આપણા વિશે પણ ગમ્મત અને કરુણાભરી કલ્પનાઓ જ કરવાનો છે.

નિશાળમાં ભણતા ત્યારે આપણે જેમ નિર્વસ્ત્ર, ગુફાવાસી અને રખડતું-ભટકતું જીવન જીવતા બિચારા આદિમાનવની વાતો સાંભળીને કોઈ લઘરવઘર, ટારઝન ટાઈપના જંગલી માનવની કલ્પના કરતા એમ પાંચ-પંદર કે વીસ હજાર વર્ષ પછીનો સ્કૂલ બોય આપણા વિશે એ જમાનાના ગૂગલમાં વાંચીને ભારોભાર કરુણા અને કોમેડી ફિલ કરવાનો છે. અમારા એક વડીલે તો કહ્યું, "પાંચ હજાર વર્ષ શું, આજકાલ જમાનો બદલવાની જે સ્પીડ છે એ મુજબ તો સો, સીત્તેર કે પચાસ વર્ષ પહેલાનો માનવ પણ લગભગ ‘આદિમાનવ’ જેવો જ અવિકસિત, આઉટડેટેડ, અપ્રસ્તુત, અપ્રાસંગિક લાગવા માંડ્યો છે બોલો..!" એ સાંભળી અમે સૌ તો અવાચક જ બની ગયા.
તમે જ વિચાર કરો ને! તમે પાંચમું ભણતા ત્યારે તમારી રોજની પોકેટમની કેટલી હતી? દસ, વીસ કે પચ્ચીસ પૈસા? અને અત્યારે પાંચમું ભણતા નિશાળિયા માટે તો એ દસ-વીસ અને પચ્ચીસ પૈસા કોઈ ‘એન્ટીક’ આઈટમની જેમ જોવા પણ ન મળે એવા દુર્લભ નથી બની ગયા? ક્યાં મહિનાના સતર રૂપિયાના પગારથી નોકરી કરતા તમારા દાદા અને ક્યાં મહીને સત્તર હજારથી નોકરી શરુ કરતો તમારો સન? ક્યાં પંદર હજારમાં તમારા દાદાજીએ લીધેલું તમારું પહેલું મોટા ફળિયા વાળું જુનવાણી મકાન અને ક્યાં પંદર લાખમાં પણ તમે લીધેલું બખોલ જેવડું સિંગલ બી.એચ.કે. ? ‘ગાંધીજી’ના જમાનામાં રાજકોટથી પોરબંદર પહોંચવા માટે માટે બળદગાડા કે ઊંટ પર ચાર કે પાંચ દિવસ લાગતા હતા એ સાંભળીને ફોર વ્હીલમાં ચાર-પાંચ કલાકમાં રાજકોટથી પોરબંદર પહોંચી જતો આજનો જુવાનીયો ગમ્મત અને કરુણા ફિલ ન કરે? કોઈ એક પડોશીના ઘરે ટીવી જોવા આખી શેરી કે સોસાયટી ભેગી થતી કે લગ્ન પ્રસંગે મોડી સાંજ થઈ જાય ત્યારે ફુલેકા ફરતે અજવાળું કરવા મોટા માણસો ત્રીસ-ચાલીસ ફાનસ ભાડે લઈ રાખતા કે યુદ્ધ સમયે સમાજના જાગૃત લોકો ‘લાઈટુ બંધ રાખો’ ની બૂમો પાડતા ગલીઓમાં ફરતા એવી વાતો સાંભળી મોબાઈલ, ઇન્ટરનેટના આજના જમાનાનો આજનો યંગસ્ટર, હજુ બે-પાંચ દશકાઓ પહેલાના એ યુગને ‘આદિમાનવ’નો યુગ કહે એમાં આપણે ગુસ્સે થવું વ્યાજબી છે ખરું?

તોયે ટુજી ટેકનોલોજી વાળા આપણે ફાઈવજી ટેકનોલોજી વાળી આપણી યુવા પેઢી પર ગુસ્સે થયા વિના રહી શકતા નથી અને સામા પક્ષે ઓવનમાંથી ગરમાગરમ બહાર નીકળેલો ‘સ્પાઈસી, હોટ એન્ડ બોલ્ડ’ જુવાનીયા જેવો પીત્ઝા, ચૂલાની તાવડી પરથી શેકાઈને થાળીમાં પીરસાયેલા ‘પોચા, ઢીલા અને નરમ’ દાદાજી જેવા બાજરાના રોટલા સામે, રોટલો જાણે ‘આદિમાનવોનો ખોરાક’ હોય એમ એની સામે, છણકો કર્યા વિના રહી શકતો નથી. જવાનીને ‘દીવાની’ કરી મૂકવા આતુર બનેલો ‘વેલેન્ટાઇન ડે’, સ્ત્રી સન્માનનો સંદેશો આપતા ‘રક્ષાબંધન’ સામે, રક્ષાબંધન જાણે ‘આદિમાનવોનો તહેવાર હોય એમ’ મસ્તી ભરી ‘સિસોટી’ વગાડવાનું ચૂકતો નથી. રાત્રિને રંગીન કરવા આંખ આંજી નાખતી લબુકઝબુક થતી લાલ-લીલી પીળી લાઈટો, ગામના કે ઘરના મંદિરમાં ઝાંખું પણ દિવ્ય અજવાળું ફેલાવતા ‘દીવડા’ સામે, દીવડો જાણે ‘આદિમાનવોનો ઝાંખો સૂરજ’ હોય એમ ડોળા કાઢવાનું ચૂકતી નથી.
મિત્રો, દરેક જુવાન પેઢીની ‘અપડેટેડ’ લાઇફસ્ટાઈલ એની પછીની યુવા પેઢી માટે ‘આઉટડેટેડ’ થઈ જવાની છે, પણ જો દરેક પેઢી યાદ રાખે કે ‘આઉટડેટેડ’ જ ‘અપડેટેડ’ના જન્મનું કારણ છે તો એકબીજા માટે ગુસ્સો‌ કે કરુણાને બદલે પૂજ્યભાવ, માન, સન્માન અને ગૌરવની લાગણી ચોક્કસ જન્મે. ગ્રેહામ બેલે જો ડબલા-ડૂબલી જેવો પહેલો ‘આદિમાનવ’ ટાઈપ ફોન ન બનાવ્યો હોત તો શું આજનો એપલ આઈ ફોન જન્મ્યો હોત ખરો? મિત્રો, તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે અયોધ્યામાં, દશ હજાર વર્ષે પણ જે ‘આઉટ ડેટેડ’ નથી થયા એવા ‘માનવના શ્રેષ્ઠ વર્ઝન’ જેવા ‘પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન’ના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે. આજનો રવિવાર નિજ મનના અરીસાને ગુરુચરણની સરોજ રજથી સ્વચ્છ કરી, રઘુકુલની વંશ પરંપરાઓ અને પ્રભુ શ્રી રામની ક્વોલીટીઝનું માત્ર થોડી ક્ષણો માટે પણ ઈમાનદાર યશોગાન કરીએ તો આપણી ભીતરે રહેલી, આપણને ‘આઉટડેટ’ કે ‘આદિમાનવ’ બનાવી રહેલી ખામીઓનું રીપેરીંગ થઈ જાય અને હંમેશા ‘અપડેટેડ’ રાખતી ખૂબીઓ ખીલી ઉઠે એવું મારું તો માનવું છે, તમે શું માનો છો?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)