પ્રેમ સમાધિ
પ્રકરણ-39
વિજય ટંડેલનાં વિશાળ બંગલાનો ભવ્ય દરવાજો ખુલ્યો અને અંદર એક કાર આવી.. ચોંકીદારે દરવાજો ખોલી સલામ મારી... ગાડી પાર્ક થઇ એમાંથી નારણ ટંડેલ ઉતર્યો અને ચોકીદારની ખબર પૂછી.... અને ખૂલેલાં બંગલાનાં દરવાજામાં પ્રવેશ કર્યો.
પેલી સ્ત્રીએ આવકાર આપ્યો... બોલી " આવો નારણભાઇ તમારાં ભાઇ ઉપર છે તમારી રાહ જુએ છે એમનાં ખાસ પેલાં બામણનો છોકરો આજે થોડીવાર પહેલાં આવ્યો છે એમની સાથે બેઠાં છે.”
નારણે પેલી સ્ત્રીની સામે પણ ના જોયું અને બોલ્યો ભલે એ "બામણ" અમારો ખાસ માણસ અને મિત્ર છે... પછી બામણ શબ્દ પેલી સ્ત્રીનાં મોઢે શોભ્યો ના હોય એમ ચહેરો બગાડી ત્યાંથી ઉપર આવવા દાદર ચઢી ગયો.
પેલી સ્ત્રી દરવાજો બંધ કરી એનાં રૂમમાં જતી રહી.. નારણે રૂમને ટકોરા માર્યા અંદરથી વિજય ટંડેલે કહ્યું “આવીજા નારણ દરવાજો ખૂલ્લોજ છે.”
નારણ રૂમમાં પ્રવેશ્યો... લાઇટોથી ઝળહળતાં રૂમમાં એણે વિજય તરફ નજર કરી હસ્યો પછી તરતજ કલરવ તરફ ગયો. કલરવની પાસે જઇને એણે કલરવને પકડી ઉઠાડ્યો અને ગળે લગાવી માથે હાથ ફેરવવા લાગ્યો.
કલરવને પણ પોતાનું વ્યક્તિ હોય એવો એહસાસ થયો એને નારણનાં સ્પર્શમાં પિતા જેવી લાગણી વર્તાઇ. નારણની આંખો નમ થઇ એણે કલરવને ચહેરો પકડી કહ્યું "દીકરા આપણે બંન્ને પહેલીવાર મળ્યાં પણ સંબંધ મૂળ જૂનો અને ગાઢ છે. તારાં પિતા મારાં અને વિજયનાં ખાસ મિત્ર છે ખૂબજ સારાં અને પ્રમાણિક માણસ છે.”
કલરવે આશ્ચર્યથી પૂછ્યું "નારણકાકા પાપા ક્યાં છે ?” એની આંખોમાં જવાબ સાંભળવા કૂતૂહલ હતું એની કીકી માત્ર નારણનાં ચહેરાં પર અને આંખો પર તકાયેલી હતી. નારણનાં ચહેરાં પર નિરાશા વ્યાપી એણે કહ્યું “દીકરા અમે છુટા પડી ગયાં અમારો એક સાથી માર્યો ગયો તારાં પિતાને હુમલો થવાથી જ્યાં દોડી જવાય ત્યાં જવા કીધેલું અમે સાથેજ હતાં એક હોટલમાં.... એ નરાધમનાં માણસોએ હુમલો કર્યો એ કઇ તરફ ગયા નથી ખબર...”.
“દીકરાં તારી માં અને બહેનનાં ખૂન થયાંના સમાચાર સાંભળ્યા પછી એ જુનાગઢ આવવાજ નીકળવાનાં હતાં.. બધુ નક્કી થયું.. અને અચાનક અમારાં ઉપર જીવલેણ હુમલો થયો એમને પેલા નરાધમ સાથે વેર લેવું હતું તારી માં અને બહેનનો ખૂનનો બદલો લેવો હતો એમનો એ વિકરાળ ચહેરો હું હજી ભૂલ્યો નથી એ બોલેલાં... મારો દીકરો કલરવ એકલો છે હજી નાનો છે એ આ કારમો આધાત નહીં જીરવી શકે મારે એની પાસે જવું છે...”
કલરવ સાંભળી રહેલો એની આંખમાંથી આંસુ સરી પડ્યાં.. એ બોલ્યો “પાપા તો આવ્યા નહીં હું રાહ જોઇ અગ્નિદાહ આપી એમની શોધમાં સુરત આવેલો પણ મને ત્યાં કોઇ મળ્યું નહીં આટલાં મોટાં શહેરમાં હું એમને ક્યાં શોધું ?”
કલરવ બોલી રહેલો... નારણ અને વિજયની આંખો એક થઇ... વિજયે આંખનો પલકારો કર્યો અને શાનમાં કહ્યું એને સાંભળ. નારણે પૂછ્યું “પછી તેં શું કર્યુ ક્યા ગયો ? અહીં કેવી રીતે આવ્યો ?”
કલરવે નિરાશ વદને કહ્યું “અંકલ હું એમની ઓફીસે ગયેલો ત્યાં મને રીતસર કાઢી મૂકેલો મને એવું કહ્યું કે તારો બાપ નોકરીમાં નથી હવે એમને નોકરીમાંથી છૂટા કર્યા છે પણ ત્યાં પટાવાળો હતો એણે બહાર મને મૂકવા આવવાનાં બહાને મારી સાથે આવ્યો... મને કહ્યું સાહેબ ભગવાનનાં માણસ હતાં. અમારો બીજા કર્મચારી લાંચીયા અને લાલચી હતાં.. એમનો ખાસ મિત્ર મધુ એણે તારાં બાપાને બરબાદ કર્યા.... પણ મને ખબર છે તારાં પાપાનાં મિત્ર વિજય ટંડેલ છે અહીં બધી ખૂબ ચર્ચાઓ થાય છે તારે વધારે વિગત જોઇએ તો મોડી સાંજે અહીં પાછો આવજે તને બધી બાતમી આપીશ હમણાં જા...”
નારણ અને વિજયે ફરીથી એકબીજા સામે જોયું વિજયથી ના રહેવાનું એણે કહ્યું “પછી તું સાંજે ગયેલો ? શું થયું” વિજય પૂછતો પૂછતો ઉભડક બેસી ગયો.
નારણ પણ ખુરશીમાં શાંતિથી કલરવની બાજુમાં બેસી ગયો એણે કહ્યું “પહેલાં ચા કોફી-નાસ્તો કરી લે....”
કલરવે કહ્યું “મને ભૂખજ નથી... મારાં હૃદયમાં બીજી આગ છે મને મારાં પિતા નહીં મળે ત્યાં સુધી એ ઠંડી નહી પડે”. વિજય સમજાવતાં કહ્યું "તું ચિતાં ના કર તું શાંતિતી કોફી-નાસ્તો કરી લે...” પછી નારણને પૂછ્યું" બીજી કોફી છે તું પીલે... મેં મારી મંગાવી હતી પણ મૂડ નથી...”
નારણે કહ્યું “ના અત્યારે કોફી થોડી ચાલે ? આ વાત સાંભળતાં હવે બીજું જોઇશે...” એમ કહી કલરવ સામે જોયું... કલરવને કહ્યું “દીકરાં શાંતિથી કોફી નાસ્તો પતાવ અમે અમારી બીજી વ્યવસ્થા કરીએ.”.
“હવે તારું જીવન બદલાઇ ગયું છે તારાં પિતા ખૂબજ... પણ તારે બીજી રીતે તૈયાર થવું પડશે તારાં પિતાને અમે શોધી લઇશુ. એ ચોક્કસ ઇરાદા સાથે ક્યાંક છૂપાયાં છે જુનાગઢ પણ ગયાજ હશે એ તને શોધી નાંખશે પણ અમારી શોધ ચાલુજ છે કંઇક તો એંધાણ મળશેજ”.
નારણની આંખોમાં વાત્સલ્ય હતું એણે વિજયને કહ્યું "શંકરનાથને તો શોધી જ નાંખીશુ પણ કલરવનું શું કરીશું ? મારી સાથે શીપ પર લઇ જઊ ? આમ પણ સુમન આવવાનોજ છે..”. ત્યાં વચ્ચે કલરવ બોલ્યો “સુમન મારો મિત્ર છે અમે એકજ કલાસમાં ભણતાં...” નારણે કહ્યું “વાહ તો તો બેઉ મિત્ર સાથેજ” પછી વિજયે પાછો ઇન્ટરકોમ પર ઓર્ડર કર્યો... વ્હીસ્કીની બોલ આઇસ ક્યુબ, સોડા, ગ્લાસ અને નાસ્તો મંગાવ્યો.
નારણે કહ્યું “વિજય પેલી પાસે ના મંગાવીશ.. હજી એ અહીં કેટલા દિવસ છે ? તારી દીકરી અહીં આવશે”. વિજયે હસતાં કહ્યું “કાલે તારી સાથે શીપ પર આવશે પછી બીજું વિચારીશું. હા અહીં મારી દીકરી આવવાની છે”. નારણે કહ્યું “શીપ પર પર એનું શું કામ છે ? એને પાછી મોકલી દે ને..”. ત્યાં એક ચાકર ઓર્ડર પ્રમાણે બધુ લઇને આવ્યો.
કલરવ બધુ જોઇ રહેલો એણે કહ્યું “અંકલ મારી વાત ખૂબ અગત્યની છે હવે હું એ દિવસે આખો વખત સુરતમાં આજુબાજુ રખડતો રહ્યો સાંજે ઓફીસની બહાર પેલાં પટાવાળાની રાહ જોતો બેસી રહેલો અને.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-40