HUN ANE AME - 19 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 19

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 19

સવારના પોરમાં ગીતા રાકેશના માથામાં તેલ માલીશ કરતી હતી. નીરવ રસોડામાં કામ કરતી મનાલી પાસેથી ચાનો કપ લઈ તેની બાજુમાં આવીને બેસતા બોલ્યો, "ઓહો! હેડ મસાજ. શું વાત છે. તને યાદ છે તું નાનો હતો ત્યારે બાજુવાળા અમરશિકાકાને જોઈ હેડ મસાજ કરવાની જીદ્દ કરતો."

એટલે જૂની યાદોને તાજી કરતા ગીતાએ કહ્યું, " હું ગમે તેવા કામમાં હોઉંને તો તે કામ છોડીને મારે આને તેલ માલિશ કરવી જ પડતી." એટલામાં મનાલી પણ ચાનો કપ લઈ બાજુમાં આવીને બેસી ગઈ.

"હા હા. એને તેલ માલિશ ના કે'વાય. તમને ખબર છે ભાભી, હું જ્યારે એમ કે'તો કે હેડ મસાજ કરી દ્યો. ત્યારે આમ આમ તેલ છાંટી દેતી." તેને હાથના ઈશારા કરતા જોઈ નીરવે કહ્યું, "પણ તું મમ્મી જ્યારે કામમાં હોય ત્યારે જ જીદ્દ કરતો. તો શું કરે? અત્યારે તો તને હેડ મસાજ કરી દે છે ને. પપ્પા તને ખિજાઈ જતા એ યાદ છેને."

"હા. એની ઘરવાળીને હું હેરાન કરતો તો એ ખિજાઈ જતા." આવું સાંભળી ગીતાએ રાકેશના માથામાં હાથ ફેરવતા ફેરવતા હળવેથી ટાપલી મારી, "ગાંડા, એમ કે'વાય?"

"એમજ કે'વાય. જે ઘરમાં પત્ની પોતાના પતિનું માનતી હોય ત્યાં મમ્મી હોય બાકી તો તમારી જેમ જ હોય. જોયું ભાભી. બે દિવસ પપ્પા ચાલવા ન્હોતા ગયા. મમ્મી બે દિવસથી એવી ખિજાઈ છે કે આજે કાંઈ બોલ્યા વગર જ વહેલા ઉઠીને ચાલતા થઈ ગયા." આટલું કહેતાજ બીજી ટાપલી પડી. નીરવે ટેબલ પર પડેલ સમાચાર પત્રિકા વાંચવાનું શરૂ કર્યું.

માનલીએ કહ્યું, " તમને જોઈને લાગે તો છેજ કે તમે બધાને બહુ હેરાન કરતા હશો."

"શું ભાભી તમે પણ આ બધાની જેમ લાગી ગયા!"

"નાનો હતો ત્યારનો હેરાન જ કરે છે. હવે તો મારા આ નાના કાનાને કોઈ સાંચવવાવાળી આવી જાય તો બસ."

"શું મમ્મી તું પણ. મારે એટલું જલ્દી હેરાન નથી થવું."

"લગન કરવા એ હેરાનગતી ના કે'વાય." માનલીએ કહ્યું.

એટલે રાકેશે તેને જવાબ આપ્યો, " એ તમે મને શું કામ સમજાવો છો? એના કરતા મોટાભાઈને જ પુછો. હેરાનગતી કે'વાય કે ના કે'વાય."

મનાલીએ એકદમ મોટી આંખો કરી નીરવની સામે જોયું તો તે તૂટેલા શબ્દોમાં બોલવા લાગ્યો, "અરે તું મારી સામે શું જુએ છે?"

"રાકેશભાઈએ શું કીધું તમે સાંભળ્યું ને?"

"હા, તો?" મનાલીની સામે જોતાં જ તેણે શબ્દો ફેરવી નાખ્યા. "તો.. તો શું રાકેશ તું પણ. એ હેરાનગતી થોડી કે'વાય? આ જો આ પેપરમાં મેરીજ એડ આવી છે. 'કાયરા માટે વર જોઈએ છે. સદગુણી અને સંસ્કારી યુવાન.' તારે લાયક જ છે. માત્ર ઉંમરમાં થોડો ઉતાર ચડાવ છે. ખાલી પાંત્રીસ વરસની છે."

મનાલીએ ફોટો જોતા કહ્યું, "ખાલી ફોટો જોતા ચાલીસ બેતાલીસની લાગે છે. બાકી લખવામાં પાંત્રીસ જ ઉંમર લખી છે."

"તમે બધા ભેગા મળીને મારી ક્લાસ લ્યો છો ને તે મને ખબર છે. પણ ના, કરો કરો. હજુ મજાક કરો. મારા ગયા પછી કોની સાથે મજાક કરશો?"

"આમ શું બોલે છે?" ગીતા એકદમ બોલી તો નીરવે પણ મન ઉદાસ કરતા કહ્યું, "મમ્મી, મનાલી તમને લોકોને રાકેશે કહ્યું કે એ જાય છે."

"જાય છે એટલે? હજુ તો ત્રણ ચાર દિવસ રોકશેને?" મનાલીએ પૂછ્યું.

"ના મારે જવું પડે તેમ છે. કાલે રાતે જ મુંબઈથી ફોન આવ્યો 'તો. મારે આજે જ નીકળવું પડશે."

રાકેશની આ વાતનો કોઈ ઇન્કાર ના કરી શક્યું. બધાને પહેલાથી જ ખબર હતી કે તે ત્રણ દિવસ માટે જ આવ્યો છે. આજે ત્રીજો દિવસ પૂરો થાય છે ને આજે સાંજે તે જતો રહેશે. આમ છતાં મનાલી અને ગીતા તેને રોકવા મથ્યા પણ તે સફળ ના થઇ શક્યા. રાકેશે અહમને ફોન કરી બોલાવી લીધો અને તેની સાથે જ બપોરનું ભોજન કરી નીકળી ગયો. ઘરમાં તેના ગયાથી ફરી પાછી શાંતિ છવાઈ ગઈ. જો કે આ વખતની શાંતિ અલગ હતી. રાકેશે ત્રણ દિવસમાં હસી-ખુશીની વાતોમાં એ સમજાવી દીધું કે તે પહેલાની જેમ હવે તેઓથી દૂર નથી. આ વાત રાકેશના મનમાં પહેલેથી ચાલતી હતી કે તે હવે આ ઘરમાં પાછો ક્યારેય નહિ આવે. તે હમેશ માટે જઈ રહ્યો છે એટલે તેણે પોતાના ઘરના તમામ લોકો માટે પોતાની યાદ ભરી દીધી અને જલ્દી આવીશ એવું કહી પોતાના પરિવારને આશા થકી બાંધી તે ચાલ્યો ગયો.

ઘરમાં રાધિકા રાત્રીના જમવાની તૈય્યારીમાં લાગેલી હતી. ડોરબેલ વાગી, તેણે દરવાજો ખોલ્યો તો સામે મયુર બે બેગ અને થોડો કંઈક બીજો સમાન લઈને ઉભેલો. તે જોઈ રાધિકાને આશ્વર્ય થયું અને તેણે પૂછ્યું, "આ બધું શું છે?"

તેણે ઘરમાં દાખલ થતા કહ્યું, "કહું છું, કહું છું." અને તેના નોકરને બોલાવી બધો જ સામાન સામેના મોટા રૂમમાં લઈ જવા કહ્યું. ત્યારબાદ રાધિકાને કહેવા લાગ્યો, "હવે બોલ."

"શું બોલ? આ બધું શું છે? કોની બેગ ઉપાડીને લઈ આવ્યા છો?"

"હું તને કહેતા ભૂલી ગયો. મારો એક ફ્રેન્ડ છે. તે થોડા દિવસ આપણી લોકોની સાથે રોકાશે."

"એટલે તમે અત્યારે મુંબઈ જઈ રહ્યા છો અને તે અહીં આવશે. એ પણ હું એકલી હોઈશ ત્યારે! તમે કશું વિચાર કર્યો છે?"

મયુરે તેના બન્ને હાથ રાધિકાના બંને ગાલ પર મૂકી દીધા. "અરે મારી ભોળી રાધુ, મને ખબર છે તું અન્કમ્ફર્ટેબલ થઈશ. ચિંતા કરવાની જરૂર નથી. એણે એનો વધારાનો સામાન મોકલાવ્યો છે. હું જ્યારે મુંબઈથી પાછો આવીશ એ પછી એ અહીં આવશે."

રાધિકાના ચેહરા પર એક હળવું સ્મિત પ્રસરી ગયું. તેણે કહ્યું, "તમે મારું કેટલું ધ્યાન રાખો છો. નઈ?"

"હવે ધ્યાન તો રાખવું જ પડે ને. તે હોટેલમાં હતો. ઘણો સમય રોકવાનો છે. તો મેં તેને કહી દીધું 'ભઈ ક્યાં સુધી તું આમ હોટેલમાં રહીશ? આના કરતા મારા ઘરે ચાલ.' ને મહાપરાણે એણે હા પાડી છે."

"બઉ સારું."

"ચાલ ફટાફટ જમવાનું તૈય્યાર કર મારે મોડું થાય છે."

"સારું, જાવ. જઈને હાથ-મોઢું ધોઈ લ્યો હું તૈય્યારી કરું છું." આટલું કહી રાધિકા રસોડા તરફ ગઈ અને મયુર પોતાના રૂમ તરફ.

રાત્રીના બાર એક વાગ્યે રાકેશ તાપીના બ્રીજ પર એકલો બેઠો હતો. સિગારેટ પીતો એ હિતેશની રાહ જોતો હતો. થોડીવારમાં હિતેશ ત્યાં આવ્યો.

"બોલ મેરે યાર!" હિતેશે આવતાની સાથે જ કહ્યું.

"તને નથી લાગતું તું બહુ વહેલો આવ્યો છે?"

"શું કરું? સીઝન છે આઈસ્ક્રીમની. એટલે મોડે સુધી પાર્લરમાં જ રહેવું પડે છે. લે તારા માટે લાવ્યો છું." એણે બેગમાંથી એક આઇસ્ક્રીમનું બોક્સ કાઢ્યું.

"ના તું જ ખા. મારે માટે તો આ જ બસ છે."

"તારી સિગારેટ કરતા મારો આઈસ્ક્રીમ ઓછું નુકસાન કરશે."

રાકેશે સ્મિત આપતા કહ્યું, "આખા સિટીમાં એક મારો ભાઈ અને એક તું. તમે બે જ છો જેને હું અને મને તમે સમજો છો."

એટલામાં હિતેશે બોક્સ તોડી તેની સામે ધર્યું, " બઉ સરસ. લે હવે એ તારી સિગરેટ ફેંકી દે અને આ ખાવાનું શરૂ કર." રાકેશે હસતા મોઢે સિગરેટ ફેંકી દીધી અને તેના હાથમાંથી ચમસી લઈ આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું.

"સાગરે જાણ કરી તું ત્યાંથી તારો સામાન લઈને નીકળી ગયો છે."

"હા. મેં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે."

"કેમ?"

"હું એ લોકોને પણ કેટલી તકલીફ આપું, આમેય દોઢ વર્ષથી ત્યાં જ હતો."

"યા યા... રાઈટ. અત્યારે ક્યાં જાય છે?"

"મુંબઈ"

"ફરી પાછું શું થયું? હજુ ત્રણ દિવસ પહેલા તો ત્યાંથી આવ્યો છો."

"જ્યાં સુધી બધું સેટ નહિ થાય ત્યાં સુધી ધક્કા થવાના જ. હવે તો છેલ્લો ધક્કો છે."

"... ને પછી?"

"પછી ત્યાંનો સ્ટુડિયો શરૂ. એટલે ત્યાંજ સેટલ. હંમેશ માટે તો નહિ. પણ થોડા વર્ષો તો ત્યાંજ રહેવાનું થશે."

"ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવતો કે હું તારી જેમ કોઈ ઓફિસે સેટ થઈ ગયો હોત તો કેટલી મજા પડેત. પણ પછી તરતજ એવું લાગે કે એની કરતા તો મારુ પાર્લર ઠીક છે. ઘડીક અહીં ને ઘડીક તાહિ, શું લાઈફ છે યાર તારી!"

રાકેશે સ્મિત આપતા કહ્યું, "સરસ આઈસ્ક્રીમ હતો."

"થૅન્ક્સ. એક સવાલ પૂછું."

"પૂછ. તારે માટે ના છે કોઈ દિવસ."

"તું ફરી તારા ઘરે તો જવાનો છેને? કારણ કે જેટલો મેં તને જાણ્યો છે, મને નથી લાગતું કે તું ફરી પાછો જઈશ."

"એતો ખબર નથી. બધાને એ જ કીધું છે કે હું સમય મળ્યે આવીશ. ખાલી ભાઈને કહીને આવ્યો છું કે ફરી ક્યારે આવું એ નક્કી નથી."

"મને તારી આ વાતોમાં કશુંક સન્તાયેલું રહસ્ય દેખાય છે."

"શું રહસ્ય છે?"

"શું છે એ તો મને નથી ખબર. પણ તું સાગરભાઈને ત્યાં અચાનક એમ કહે છો કે તે નવું ઘર લીધું છે અને તું ત્યાં શિફ્ટ થઈ રહ્યો છે. બીજી બાજુ અહમ સાથે વાત થઈ તો તેણે કહ્યું કે તારું ઘર તો હજુ ચણતર કામમાં છે, બને છે. તું એમ કહે છે કે થોડા દિવસો પછી તું મુંબઈ સેટ થવાનો છે. આમાં હું શું સમજુ?"

"એમાં સમજવાનું કશું નથી. હું થોડા વર્ષો સુધી ત્યાં રહીશ. એટલામાં મારું ઘર બનીને તૈય્યાર થઈ જશે."

"મને હજુયે નથી સમજાયુ. તું અત્યારે મુંબઈ જઈ રહ્યો છે. પછી ત્યાંથી પાછો સુરત આવીશ અને પછી અમુક વર્ષો માટે મુંબઈ રહેવાનો છે. ચાલ એ બધું સમજાયું. પણ પહેલા તું અહીંથી જઈશ અને પછી પાછો આવીશ ત્યારે ક્યાં રહેવાનો છે? સાગરભાઈને ત્યાંથી તું તારો બધો સામાન લઈને નીકળી ગયો છે અને પોતાના ઘરે તો જવાનો નથી. તો આ બધું છે શું મિસ્ટર રાકેશ? તે તારા ઘરનું એડ્રેસ પણ નથી આપ્યું અને મેં અહમને પૂછ્યું તો તેણે પણ કાંઈ ના કીધું."

તે આ બધું સાંભળી બસ હસ્યે જ જતો હતો. હિતેશની મુંજવણ જોઈ તેણે કહ્યું, "હું કહીશ તો તને વિશ્વાસ આવશે? તને સાચું લાગશે?"

હિતેશ વિચાર કરી બોલ્યો, "હા. મને લાગશે. કારણકે તારી આ ગૂંચવણ છે એના કરતા તું જે કહીશ તે મને સાચું લાગશે."

રાકેશે કહ્યું, "આજે એક છેલ્લો ધક્કો છે. અમુક લીગલ કામ અને પેપર વર્ક છે. એ બધું પતે એટલે અહીં આવી અહીંનું બધું કામ ત્યાં શિફ્ટ કરીશ. પછી પાછો મુંબઈ જઈને આ કંપની અને સ્ટુડિયોને સાથે ચલાવીશ. સમજાયું?"

"હા એ સમજાયું. તો તારું જે ઘર અહીં બને છે એનું શું?"

"મારુ કામ માત્ર સોફ્ટવેરનું જ છે. જેના પર હું ત્યાંથી નજર રાખીશ અને મારા આસિસ્ટન્ટ તરીકે અહમ અહીંથી બધું સંભાળશે. એટલે હું ત્યાં મારા કામની સાથે મારો સ્ટુડિયો પણ ચલાવી શકું. પછી ત્યાં બધું સેટ કરી ફરી અહીં શિફ્ટ કરી દઈશ. એ વખતે મારે ઘર જોઈશેને. હવે વાત મારા રહેવાની છે તો ત્યાં સુધી હું બીજા કોઈના ઘરમાં રહેવાનો છું."

"મારે એ જ સાંભળવું છે. કોના ઘરમાં?" હિતેશ વધારે ને વધારે અધીરો બનતો જતો હતો.

"તું આ બોક્સનું શું કરીશ?" રાકેશે આઈસ્ક્રીમના બોક્સ તરફ ઈશારો કર્યો.

"એમાં શું કરવાનું? જે બેગમાંથી કાઢ્યું છે એ જ બેગમાં પાછું નાખીને કચરાપેટીમાં નાખીશ."

"સેમ. અમે પણ પહેલા ભેગા હતા. સમયજોગ અલગ થયા. અમે માંથી હું એકલો રહી ગયો. હવે ઉપરવાળાની ઈચ્છા છે કે પછી ભાગ્યનો કોઈ ખેલ. લોકોએ અમને સમજ્યા જ નથી. અમે એક બીજાને જાણીયે એ પહેલા જ અલગ થયા અને હવે એક જ ઘરમાં."

"કોની વાત કરે છે?"

"રાધિકા. હું રાધિકાના ઘરમાં રહેવાનો છું." હિતેશને વિશ્વાસ જ ના થયો. રાકેશ બોલ્યો, "મારો સામાન લઈને મયુર ગયો છે. હું રાધિકા સાથે રહેવાનો છું એટલે કોઈને એડ્રેસ નથી આપ્યું. અહમને પણ સમજાવી દીધું છે. એટલે એણે પણ મોઢું બંધ કરી દીધું."

"આ વાત રાધિકાને ખબર છે?"

"ના. અત્યારે તો નથી. પણ હું મુંબઈથી પાછો આવીશ એટલે તેને પણ ખબર પડી જશે."

"એ તારી સાથે રહેવાં તૈય્યાર થશે? તારી હરકતો બદલાઈ ગઈ છે. તું આ સિગારેટ, ડ્રિંક્સ વગેરે લેતો થઈ ગયો છે અને એ ત્યાં મયુર સાથે."

"એ મારી સાથે રહેવા ક્યારેય તૈય્યાર નહિ થાય. હું જાણું છું. પણ તેને તૈય્યાર મયુર કરશે. ત્યાં સુધી તું આ સસપેન્સ ને સસ્પેન્સ જ રાખજે."

રાકેશે અહમની જેમ જ હિતેશને સમજાવી કોઈને ના કહેવાની સલાહ આપી નીકળી ગયો. રાકેશને તેના પર પૂરો વિશ્વાસ હતો. પોતાનો પરિવાર છોડી તેને જ્યારે ઘરની બહાર જવું પડ્યું ત્યારે સાગર અને હતેશ બે જ તેની સાથે હતા. છતાં તેણે બીજા કોઈને ના કહી તેનું આ સસ્પેન્સ, આ રહસ્ય ખાલી હિતેશને જણાવ્યું. તેને પણ રાકેશની કહેલી વાત છપનાં જેવી લગતી હતી. પણ રાકેશ કદી જુઠ્ઠું ના બોલે એમ જાણી તેના પર વિશ્વાસ મુક્યો.