Rajashri Kumarpal - 35 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 35

Featured Books
Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 35

૩૫

બીજું વિષબીજ વવાયું!

વિધિની આ એક વિચિત્રતા છે. એક તરફ માણસો મહોત્સવ માણતા હોય, ત્યારે એ જ ઉલ્લાસસાગરને તળિયે બીજી બાજુ કરુણ રુદનનાં બીજ વવાતાં હોય! કોંકણવિજય એ પાટણમાં મહોત્સવની સીમા હતો. એક પળભર સૌને લાગ્યું કે હવે પાટણના મહારાજની સીમામર્યાદા સ્થપાઈ ગઈ. મહારાજ કુમારપાલે વિશ્રાંતિનો શ્વાસ લીધો. ધારાવર્ષદેવ અર્બુદ ગયા. સોમેશ્વર હજી શાકંભરીની પ્રતીક્ષા કરતો પાટણમાં જ રહ્યો. આમ્રભટ્ટ શકુનિકાવિહારની રચનામાં રચી રહ્યો. આલ્હણ-કેલ્હણને મહારાજે નડૂલ પાછું સોંપી દીધું. દંડનાયકને તેડાવી લીધો.

આ પ્રમાણે જ્યારે પાટણમાં ઉપરઉપરથી શાંતિ સ્થપાઈ ગઈ લાગતી હતી, બરાબર ત્યારે જ શાંતિસાગરમાં અંદર વિષનાં બીજ પણ આવી રહ્યાં હતાં! નવા રમનારાઓ એક પછી એક ઊભા થતાં હતા. 

તે દિવસે ભાંડારિક કપર્દિકજીને અને અર્ણોરાજને જોયા ત્યારે જ નીલમણિને લાગ્યું હતું કે વિષહર છીપ રાજભંડારમાં મૂકી ગઈ છે.

કુમારપાલ મહારાજનું શસ્ત્રથી પતન કરવું એ એની શક્તિની બહારની વાત હતી. કેવળ અજયપાલની મહત્ત્વાકાંક્ષાના અગ્નિમાં જ મહારાજનું પતન થાય તો – બીજો કોઈ ઉપાય ન હતો. નીલમણિએ એટલા માટે પ્રતિહાર વિજ્જ્લદેવને સાધ્યો. વિજ્જ્લદેવની રૂપમતીને એણે જોઈ હતી. એ જોઈએ તે કરતાં વધારે રૂપાળી હતી. જોઈએ તે કરતાં વધારે રૂપ વિધિ ત્યારે આપે છે, જ્યારે એને ક્રૂર મશ્કરી કરવાની ઈચ્છા થાય છે! રૂપમતી એ પાટણની ક્રૂર મશ્કરી હતી. અત્યારે એનો કાંઈ હિસાબ ન હતો, કોઈને ખબર પણ ન હતી, પણ ભવિષ્યના પાટણમાં એ જ અમાપ બનવાની હતી! કહે છે કે સામ્રાજ્યો પડે છે ત્યારે સુરા અને સુંદરી એ બે જ વિધિના શસ્ત્ર હોય છે. આ બંનેનાં ચરણે લાખો માણસોને પ્યાદાં બનાવીને વિધિ મૂકી દે છે અને પછી એ ખડખડ હશે છે. એનું એવું એક ક્રૂર હાસ્ય સેંકડો સપ્તભૂમિપ્રાસાદોના ખંડેર સર્જે છે!

આ રૂપમતી રાજમહાલયનાં ખબરઅંતર આપવા માટે દેથળી જતી-આવતી. ત્યાં એના માવતર હતા, એટલે કોઈને લેશ પણ સંદેહ આવ્યો ન હતો.

રૂપમતી દ્વારા જ નીલમણિએ દેથળી દરબારનો સંપર્ક સાધ્યો.

એ પ્રમાણે એણે સાધેલા સંપર્કે હવાને વધારે ઉન્મત કરી મૂકી.

‘મહારાજ!’ તેણે અજયપાલને કહ્યું: ‘મૂંડિયો જતી રસાયણ નાગાર્જુનનું જાણે છે. તમે રાહ જોતા જ રહેશો. તમે પસાર થઇ જશો ને કુમારપાલ મહારાજ તો હજી ત્યાં બેઠા હશે! નિત્યયૌવનની સાધના ચાલતી લાગે છે!’

અજયપાલને આ નવું જ સત્ય મળ્યું. ખરેખર એમ પણ કેમ ન બને? વાત એને સાચી લાગી. તેના હ્રદયમાં ઈર્ષા તો હતી જ. એના મંતવ્યથી રાજગાદી ખરી રીતે એના પિતા મહીપાલની હતી. અત્યારે એ પોતે જ ત્યાં હોય! પોતે જ મહારાજ અજયપાલ હોય!

એમ કહેવાય છે કે લાંબી મુસાફરીના છેલ્લા વિસામા ભયંકર હોય છે. પર્વતશૃંગની છેલ્લી રેખા સાચવવી મુશ્કેલ હોય છે. છેલ્લી પળની રાહમાં અધીરાઈનો સમુદ્ર છલકે છે. અજયપાલને પણ એમ જ થયું. એના મનથી મહારાજ કુમારપાલ જોઈએ એટલી ત્વરાથી વૃદ્ધ થતા ન હતા. અને જે વૃદ્ધ ન થાય તે જાય ક્યારે? 

એટલા માટે કોઈક વખત, કોઈક અંધારઘેરી રાતે કાંઈક બને, તો એ પળે કોઈ જ વસ્તુ મહારાજને મદદ કરનારી થઇ પડવી ન જોઈએ.

આ સીધીસાદી વ્યવહારુ વાત, નીલમણિની કરામત, વિજ્જ્લદેવનો સાથ અને રૂપમતીના દેથળીના હેરાફેરા... એક દિવસ કપર્દીજી કાવ્ય સુધારતા રહ્યા, ને પેલી વિષહર છીપને પગ આવી ગયા.

પણ આવ્યા એટલે એણે દોટ મૂકી. એ દેથળી દરબારમાં અજયપાલને ત્યાં સંઘરાઈ ગઈ.

પાટણની મહાશાંતિમાં વિષનું એક નાનકડું બીજ વવાઈ ચૂક્યું હતું. એનું ફળ તો લંબે કાળે આવવાનું હતું, પણ કહે છે કે વૃક્ષ કરતાં બીજ જ વધુ બળવાન હોય છે. 

આ બીજ ત્યાં રહ્યું – નીલમણિના હ્રદયમાં અને વિષહર છીપના અંતરમાં.