૩૨
ગુરુના ગુરુ
‘રામચંદ્ર!’ મહારાજ કુમારપાલના પ્રતિહાર વિજ્જલદેવે બીજે દિવસે પ્રભાતમાં આવીને ત્યાં મહાઆચાર્યના હાથમાં એક વિજ્ઞપ્તિપત્ર આપ્યો ને કલિકાલસર્વજ્ઞ એને જોતા જ સમજી ગયા: આ કામ રામચંદ્રનું! તેમણે ધીમેથી રામચંદ્રને બોલાવ્યો: ‘રામચંદ્ર! જરા આવો તો.’
રામચંદ્ર તરત આવ્યો. તેના એક હાથમાં ગ્રંથના પાનાં રહી ગયાં હતાં.
‘રામચંદ્ર!’ કલિકાલસર્વજ્ઞે કાંઈક ગંભીર અવાજે કહ્યું: ‘આ તમે મહારાજને લખાવ્યું છે?’
‘શું, પ્રભુ?’
‘જુઓ આ...’ આચાર્યે તેની સામે વિજ્ઞપ્તિપત્ર ધર્યો. સોનેરી શાહીમાં એ શોભી રહ્યો હતો.
રામચંદ્ર તેમાં ઉતાવળી નજર નાખી ગયો. તેણે ગુરુ સામે જોયું, બે હાથ જોડ્યા: ‘અપરાધ તો મેં કર્યો છે, પ્રભુ!’
‘બીજું કાંઈ નહિ, રામચંદ્ર! મહારાજે એ ઈચ્છા ઘણી વખત મારી પાસે પણ પ્રગટ કરી હતી. પણ મેં એના ઉપર ઠંડુ પાણી રેડ્યું હતું. સોમનાથ ભગવાનના સુવર્ણકળશમહોત્સવ પહેલાં આખી પૃથ્વીને અનૃણી કરી નાખવાની મહાકાવ્યના આદર્શ જેવી આ ઘેલછા મહારાજને તમે લગાડી લાગે છે! આ વિજ્ઞપ્તિ એમની એ વિશેની જ છે. મહારાજને ઘેલછા થઇ છે, ગુરુદેવ દેવચંદ્રજીને બોલાવીને વિક્રમી યશ સિદ્ધ કરવાની! કલ્પના તમે આપી લાગે છે! આ વિજ્ઞપ્તિપત્રનો ભાષાવૈભવ જ એ કહી દે છે! રામચંદ્ર! ઉતાવળ થાય છે; તમે આ શરુ કર્યું, પણ એ ઠીક નથી!’
રામચંદ્રે બે હાથ જોડીને માથું નમાવ્યું.
‘તો હવે ગુરુ દેવચંદ્રજી મહારાજને પધરાવવા કોણ – તમે જશો? મેં એમનાં પાદપંકજ સેવ્યાં છે, રામચંદ્ર! તેમને ગંધ પણ આવશે કે આ રાજાને પ્રસન્ન કરવા માટે છે, તો તેઓ આ તરફની ભૂમિનો વિહાર જ છોડી દેશે! તમે સકલ સંઘનું આમંત્રણ લઇ આવો.’
‘પ્રભુ! મહારાજના અંતરમાં આ ઉગ્ર ઈચ્છા બેઠી હતી. દેવબોધે મહારાજને કંઈક મદ્યપાન વખતે યવ્યા-ત્વયા દર્શાવ્યું હશે, ત્યારથી સુવર્ણસિદ્ધિની કલ્પના એમના મનમાં રાત-દી રમતી થઇ હતી. આ સોમનાથનો અવસર આવ્યો, એટલે મેં તો માત્ર સમયમર્યાદા આપી છે, પ્રભુ! મહારાજે અભિવાદન, અભિગ્રહ (જૈન મુનિ ગમે તેવો હોય, પણ તેને નમવું પડે તેવો નિયમ) સ્વીકારેલ છે, એ તો પ્રભુને ધ્યાનમાં હશે. એટલે કોઈ આપણા પંથને લાંછન લગાડનારો મહારાજને મળી જાય ને ઠગબાજી કરે તે પહેલાં આ થાય તો સારું. એમ ધારીને એમણે કહ્યું, એ મેં લખ્યું છે. બાકી તો ગુરુજી દેવચંદ્રાચાર્ય જેવા સમર્થ પુરુષ છે. એમને શું અલભ્ય છે?’
હેમચંદ્રાચાર્ય રામચંદ્ર સામે જોઈ રહ્યા: ‘રામચંદ્ર! ઠીક છે, ગુરુજી વિહાર કરતાં આવશે, તો આપણાં ધન્યભાગ્ય થશે. આપણામાંના પણ અનેકને ખબર પડશે – જૈન મુનિ એટલે શું! તમે સંઘનો વિજ્ઞપ્તિપત્ર મેળવો. મહારાજનો તો આ છે; પછી બંને ગુરુજી પ્રતિ મોકલીએ.’
રામચંદ્રે સંઘનો વિજ્ઞપ્તિપત્ર મેળવ્યો. મહારાજનો સાથે રાખ્યો. ગુરુ દેવચંદ્રાચાર્યને પાટણમાં પધારવાની વિજ્ઞપ્તિ મોકલી.
કોઈ મહત્વનું ધર્મકાર્ય હશે એમ ધરીને દેવચંદ્રાચાર્ય આવ્યા.
દેવચન્દ્રાચાર્યને અભિવાદન આપવા ગયેલો માનવસમૂહ ત્યાં રસ્તે થોભી રહ્યો હતો.
ગુરુજી આવતા દેખાયાં. હેમચંદ્રાચાર્યે પોતાના ગુરુને આવતા જોયા ને એમણે બે હાથ જોડીને મસ્તક નમાવ્યું. મહારાજ કુમારપાલે પ્રણામ કર્યા. રાણી ભોપલદે નમી રહ્યાં. ભાણેજ પ્રતાપમલ્લ પંચાંગ પ્રણિપાત કરી રહ્યા.
કુમારપાલ મહારાજ પોતાના ગુરુના પણ આ ગુરુને જોતાં આશ્ચર્યથી થંભી જ ગયા. એવી તો કોઈ દેવત્વભરી વિનમ્રતા ગુરુની મુખમુદ્રામાં બેઠી હતી કે જાણે એમની પાસે હવાનો પણ ઘસારો ન લાગે એમ જવાની જ સહજ વૃત્તિ થઇ આવે. આંખમાં પ્રસન્નતા રેલાઈ રહી હતી. મોં ઉપર વૃદ્ધાવસ્થાના થાકને બદલે ગૌરવ દેખાતું હતું. એમની કોઈ વયમર્યાદા જ જણાતી ન હતી. ઘડીકમાં જાણે શક્તિના સ્ત્રોત સમા જુવાન જણાતાં હતા. ઘડીકમાં વૃદ્ધોના પણ વૃદ્ધ જેવી પ્રાજ્ઞ અવસ્થા ત્યાં દેખાતી હતી.
મહારાજ કુમારપાલ તો આ જૈન મુનિને જોઇને દિંગ થઇ ગયા.
પોતાના ગુરુ હેમચંદ્રને પણ એમણે એમની પાસે અજ્ઞ થતા દીઠા. કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહે એવી એક અપાર્થિવ હોવાનો જાણે સતત સ્ત્રોત ગુરુની પાસેથી નીકળી રહ્યો ને તમામને સ્પર્શતો હોય તેવું લાગ્યું!
બધાને એકીસાથે એક આશ્ચર્ય થયું હતું: કોઈ પણ પ્રકારની ઈચ્છા – સ્વર્ગની પણ – જાણે કે બે પળ શમી જતી હોય એવું લાગ્યું!
દેવચન્દ્રાચાર્યની ગાજતેવાજતે પધરામણી થઇ. હેમચંદ્રાચાર્યની પૌષધશાળાના પુસ્તકભંડારો જોઈ ગુરુજી પ્રસન્નપ્રસન્ન થઇ ગયા. ત્યાંના સેંકડો લહિયાઓ નીરખી એમને ગૌરવ લાગ્યું. નાનકડા ચાંગદેવ માટે પોતે કથેલું ભવિષ્ય સાચું પડતું દેખી તેઓ આનંદથી પુલકિત થઇ ગયા.
બેત્રણ દિવસ દેવચન્દ્રાચાર્ય પાસે મહારાજની જ્ઞાનગોષ્ઠિ ચાલતી રહી.