૨૯
હૈય રાજકુમારી
ભગવાન સોમનાથના અભિનવ મંદિરની ઘોષણાએ પાટણની હવામાં ફેરફાર કરી નાખ્યો. એ ઘોષ થયો અને એની વીજળિક અસર દેશને ખૂણેખૂણે પહોંચી ગઈ. તમામના અંત:કરણમાં સૂતેલું એક મહાન અને ભવ્ય મંદિર રચવાનું સ્વપ્ન ઊભું થયું. બધાનાં મનમાં ઉત્સાહ આવી ગયો. ઠેકાણેઠેકાણે એ જ વાત થવા માંડી. સ્થળેસ્થળે ભગવાન સોમનાથનો મહિમા ગવાવો શરુ થયો. નવીનવી ભક્તમંડળીઓ નીકળી પડી.
લોકોએ ભગવાન સોમનાથના નામે, ભાવ બૃહસ્પતિનાં ચરણે, સોનારૂપાની નદીઓ વહેવરાવવા માંડી. દેશભરમાંથી અનેક પ્રકારનાં સાધનોનો વરસાદ વરસવો શરુ થયો. સમસ્ત ગુર્જરપ્રજા અનોખો ઉલ્લાસ અનુભવી રહી. ઠેરઠેરથી જનપ્રવાહ પાટણ તરફ વહેવા માંડ્યો – ગાડાં ઉપર ને ઊંટ ઉપર, પાલખીમાં ને સુખાસનમાં, હાથી ઉપર, ઘોડા ઉપર ને રથમાં, પગપાળા ને અડવાણા, અથડાતા-કુટાતા. જેમ જેને ઠીક પડે તેમ સૌ અણહિલપુર આવી રહ્યા હતા.
સોમનાથમંદિરના નિર્માણ માટે, ભાવ બૃહસ્પતિ પાટણમાંથી વિદાય લે તે પહેલાં ભગવાન સોમનાથને નામે, એમનાં ચરણે, ફૂલ નહિ તો ફૂલપાંદડી મૂકવાની ભાવના પ્રબળ બની હતી.
સૌને મન આ અમૂલખ અવસર હતો. સાતસાત પેઢીનાં ધન કાઢીને નેવુંનેવું વરસની ડોશીઓ જોજનોનો પ્રવાસ વેઠીને પણ આ મહોત્સવ જોવા માટે આવી રહી હતી. ગુજરાતને ખૂણેખૂણે વાત પહોંચી ગઈ. મહારાજ કુમારપાલે રાજભંડાર ખુલ્લો મૂક્યો હતો. સોમનાથના અભિનવ મંદિરનું નિર્માણ કરવા મહાઅમાત્ય વાગ્ભટ્ટને પોતાને જવાની આજ્ઞા થઇ હતી. સોમનાથના મહંત ભાવ બૃહસ્પતિને સર્વાધિકાર સોંપી અદ્ભુત દેવમંદિર ઊભું કરવા મહારાજે રાજભંડાર ખુલ્લા મૂક્યા છે એ વાતથી લોકના હ્રદયમાં ગુર્જરેશ્વર કુમારપાલ પ્રત્યે એક અનોખી જ રાજભક્તિ ઊભી થઇ ગઈ. એમણે ઉપાડેલો પવિત્રતાનો સંસ્કારઘોષ આ પ્રકાશમાં નવું જ સ્વરૂપ પામ્યો. લોકમાં ભાવના પ્રગટી. ગુજરાતમાં એક નવા પ્રકારનો સંસ્કારવારસો હોવો જ જોઈએ. ઠેકાણે-ઠેકાણે એ સંસ્કારનો આદરસત્કાર થવા માંડ્યો મદ્ય તજાવા માંડ્યું. માંસ પ્રત્યે ઘૃણા છૂટી. અમારિમાં પવિત્રતા લાગી. પશુવધ પાપરૂપ દેખાયો. નવો સંસ્કારવારસો ઊભો થઇ રહ્યો હતો.
પાટણ નગરી આ મહોત્સવનો ઉલ્લાસ માણી રહી હતી, ત્યાં સમાચાર આવ્યા કે આમ્રભટ્ટે કોંકણવિજય સિદ્ધ કર્યો છે. મલ્લિકાર્જુન હણાયો છે. અખૂટ ને અમૂલ્ય સમૃદ્ધિ લઈને એ પણ પાટણ તરફ આવી રહ્યો છે.
ભાવ બૃહસ્પતિની વિદાયઘડીનો દિવસ પાસે આવતો ગયો તેમતેમ પાટણમાં માનવમહાસાગર ઊભરાવા માંડ્યો. ઠેકાણે-ઠેકાણેથી કારીગરો આવવા માંડ્યા. શિલ્પીઓ આવ્યા. પથ્થરફોડા આવ્યા. નાવિકો આવ્યા. મજૂરોનો પ્રવાહ આવી રહ્યો હતો. વાગ્ભટ્ટે દેશભરમાં ઘોષ કરાવીને સોમનાથ મંદિરના પુનર્નિર્માણદિનના મહોત્સવને જાહેર કરી દીધો હતો. ગાડાં, ઘોડાં, ઊંટ, પાલખી, સુખાસન, વાહન, રથ અને હાથીની કતારની કતાર સહસ્ત્રલિંગને કિનારે અને સરસ્વતીને કાંઠે ઊભરાવા માંડી. સેંકડો ને હજારો માણસ વિદાયઘડીની રાહ જોતાં પાટણની આસપાસ પથારો કરીને ચારે તરફ પડ્યાં હતાં!
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે હવાના આ ફરેલા રૂપને આત્મસંતોષથી જોયા કર્યું. હજી એમને એક શંકા હતી – અજયપાલની. એના વીરત્વની ભાવનાની અતિશયતામાં પતન રહ્યું હતું. એણે જોયું કે જોજનથી માણસો ભગવાન સોમનાથના નામે આવી રહ્યાં હતાં. જ્યાંજ્યાં ખબર પડી ત્યાંત્યાંથી તમામ માણસો હાથ ઉપરનું કામ છોડીને તરત ચાલી નીકળ્યાં હતાં. અજયપાલ હજી ફરક્યો ન હતો. આચાર્યને આ ગર્વભર્યા અસમાધાનકરી સ્વભાવમાં પાટણનું પતન દેખાઈ રહ્યું.
અજયપાલ ન આવ્યો તે મહારાજ કુમારપાલને ગમ્યું નહિ એમના કાનમાં શ્રેષ્ઠી આભડના શબ્દોનો ભણકાર હજી આવી રહ્યો હતો: ‘નિજકુળ વિના રાજલક્ષ્મી પાંગરતી નથી!’ ગમે તેમ પણ અજયપાલ એનો ભત્રીજો હતો. રાજનો એ જ વારસ હતો. એની સોમનાથભક્તિ તો લોકપ્રસિદ્ધ હતી. આવા મહાન ઉત્સવ-સમયે એ ન આવે તો લોકમાં કેટલી-કેટલી વાતો વહેતી થાય!
મહારાજે અર્ણોરાજને બોલાવીને કહ્યું: ‘અર્ણોરાજ! તું દેથળી જા. જઈને અજયપાલને બોલાવી લાવ!’
અર્ણોરાજને પોતાનું કામ ઘણું કપરું જણાયું. પણ તેણે મહારાજને નમીને વિદાય લીધી.
એવો જ બીજો પ્રશ્ન દેવબોધનો હતો. પંડિત દેવબોધ પાટણમાં હોય ને સોમનાથના અભિનવનિર્માણનો ઘોષ હોવા છતાં એના મહોત્સવ સમયે એ ન આવે, તો લોકના મનમાં કાંઈ ને કાંઈ કલ્પના ઊઠે! પણ દેવબોધનો રસ્તો આચાર્ય કાઢશે જ એ વિશે મહારાજને શ્રદ્ધા હતી.
પંડિત દેવબોધ ઉપર ઋણ વધતું જ જાય છે, વધતું જ જાય છે, એ સમાચાર તો દિવસમાં દસ વખત આચાર્ય પાસે આવતા, પણ પંડિતને આભડ શ્રેષ્ઠીની ઓથ અપાવીને આચાર્યે એના દિલને પોતાના તરફ વાળી લીધું હતું. સમય જતો ગયો તેમતેમ સોમનાથના અભિનવનિર્માણની વધુ જાહેરાત થતી ગઈ. ગુજરાત બહારનાં કેટલાંક રાજકુટુંબો સોમનાથ ભગવાનને ઇષ્ટદેવ કરતાં પણ વધુ માનતાં હતાં, એમને વંશપરંપરાથી ભગવાન સોમનાથનાં ચરણે દર વર્ષે સોનુંરૂપું મોકલ્યે રાખ્યાં હતાં.
પણ એ બધાં રાજકુટુંબોમાં હૈય ચેદિરાજની સોમનાથ-ભક્તિ અનન્ય હતી. ચેદિરાજને વંશપરંપરાથી બે વસ્તુ વરસમાં આવતી હતી: અણહિલપુર પાટણ સાથે જુદ્ધ અને સોમનાથ પાટણની ભક્તિ ચેદિરાજ લક્ષ્મણદેવે કલિંગદેશમાં વિજય કર્યો ત્યારે કલિંગરાજની સુવર્ણ-રત્ન-જડિત કાલીયનાગની મૂર્તિ એણે સોમનાથ આવીને ભગવાનને ચરણે ધરી! ચેદીરાજે એક સુવર્ણમંદપિકા મોકલી હતી.
હૈયરાજે સોમનાથ ભગવાનનો કરેલો સુવર્ણકમળોનો અભિષેક એ તો લોકહ્રદયમાં હજી જીવંત રહેલું કાવ્ય બની ગયો હતો.
આ હૈહયરાજની એક રાજકુમારિકા કર્પૂરદેવી (સિદ્ધરાજ જયસિંહના પૌત્ર સોમેશ્વરની પત્ની અને પૃથ્વીરાજ ચૌહાણની માતા), ચેદિથી આ મહોત્સવપ્રસંગને પ્રત્યક્ષ નિહાળવા પોતે આવી રહી હતી. એક ઉતાવળા સાંઢણીસવારે આવીને ભાવ બૃહસ્પતિને ચરણે આ સંદેશો મોકલ્યો. સોનાનાં એકસોને એક કમળ ભગવાન સોમનાથનાં ચરણે મૂકવાનો એનો સંકલ્પ હતો.
આ સમાચાર આવ્યા ને પાટણની રાજદ્વારી સૃષ્ટિમાં જરાક ખળભળાટ પણ થયો. હૈય, શાકંભરી, અર્બુદ, નડૂલ, ગોપકપટ્ટન, સિંધ – તમામ રાજકુટુંબો સોમનાથની અચળ ભક્તિ ધરાવતાં હતાં, પણ એમણે ગુજરાતને એક મહેણું માર્યું હતું: તમારે ત્યાં ગર્જનકો આવ્યા, અમારા ભગવાન સોમનાથને લૂંટી ગયા, તમે કાંઈ કરી ન શક્યા! આનો કોઈ જવાબ પાટણ પાસે ન હતો; પણ એટલે તો ભગવાન સોમનાથની ભક્તિનિમિત્તે, બીજા આંહીં આંગળી ચીંધતા આવે એ રાજદ્વારી ભય આવે પ્રસંગે ખડો થઇ જતો. કર્પૂરદેવીના સમાચારે પણ એજ પ્રશ્ન ઊભો કર્યો. પાટણનો કોઈ રાજદ્વારી રંગ-પરિચય એ મેળવી ન જાય એની તકેદારી તરત લેવાવા માંડી.
ભાવ બૃહસ્પતિએ પંડિત દેવબોધની સ્વપ્નવાટિકામાં કર્પૂરદેવી માટે બંદોબસ્ત કરાવરાવ્યો.
મહારાજને પણ એ ગમ્યું. ચેદિરાજની કુમારિકાનું ગૌરવભર્યું સન્માન કરવાની એમણે આજ્ઞા આપી. પણ દુકાળમાં આ અધિક માસ દેવબોધ પંડિતને ભારે પડી ગયો. હૈય રાજકુટુંબનો પોતે જાણીતો હતો. આંહીં પણ ભાવ બૃહસ્પતિ જેવાએ માગણી કરી હતી. યોગ્ય પણ એ જ હતું, એટલે એણે તો આ પ્રસંગે હવે તમામ ઋણબોજમાંથી મુક્તિ જ મેળવવી રહી! અથવા પ્રતિષ્ઠા ગુમાવવી રહી!
એને કલિકાલસર્વજ્ઞ સાંભરી આવ્યા. એમના વિના બીજો કોઈ ઉપાય તેની પાસે ન હતો.
એણે એક સાધુને વિજ્ઞપ્તિ કહેવરાવી. આભડ શ્રેષ્ઠીને બોલાવીને પાછળ બેસારી રાખી, હેમચંદ્રાચાર્યે પંડિત દેવબોધને પોતાની પાસે બોલાવરાવ્યા.
પંડિત આવ્યો. એની ચાલમાં એજ ગૌરવ હતું. વાણીમાં હજી એવો જ ગર્વ હતો. વિદ્યા પ્રત્યે એ જ અસાધારણ પ્રેમ હતો. વનરાજિવિહોણા મહાન પર્વતશૃંગ જેવી એની કેવળ ઉન્નત ગગનમાંથી અવ્યવહારુ કલ્પના હેમચંદ્રાચાર્યને સ્પર્શ્યા વિના ન રહી.
‘પ્રભુ! મને હવે ભાગીરથી-તટ બોલાવી રહેલ છે!’
‘તમને? અને આ સરસ્વતી-તટનું શું પંડિતજી?’ આચાર્યે કહ્યું: ‘આંહીંથી તમને કોણ જાવા દેશે?’
‘હવે આ સમય પણ છે. ચેદિરાજ કુમારિકા સાથે હું ચાલી નીકળું. પણ આંહીંના તમામ ઋણ પતાવવાં બાકી રહે છે!’
‘ઋણ? એ તો ઠીક હવે; પણ તમને આંહીંથી જવા કેમ દેવાય? હજી તો મહારાજને સુવર્ણસિદ્ધિની કલ્પના રહી ગઈ છે!’
દેવબોધ મુક્તપણે હસી પડ્યો: ‘અરે! એ કલ્પના મારી ફળે તેમ હોય તો-તો હું જ પહેલું એક સુવર્ણમંદિર ન બંધાવું?’
હેમચંદ્રાચાર્ય મૂળ વાત ઉપર આવ્યા: ‘પંડિતજી! ભાગીરથીતટેથી પાછા ક્યારે ફરશો?’
‘પણ પહેલું ઋણમોચન તો થાય!’
‘શ્રેષ્ઠીજી!’ આચાર્યે મોટેથી કહ્યું. તરત આભડ શ્રેષ્ઠી બહાર આવ્યો. તેની દશાંગુલિમાં ચમકી રહેલ રત્નોની તેજછાયાથી પૃથ્વી ભાતીગળ બની ગઈ. દેવબોધ એ જોઈ રહ્યો.
‘પંડિતજી યાદ કરે છે, આભડ શ્રેષ્ઠી!’
‘હા, પ્રભુ! હું હાજર જ છું!’ આભડે કહ્યું.
‘એમને ભાગીરથીતટે જવું છે. ચેદિરાજકન્યાનો સાથ મળે તેમ છે. એમનું ઋણમોચન આજ સાંજ પહેલાં કરી નાખો, શ્રેષ્ઠીજી! આવો પુણ્યલ્હાવો ફરી-ફરીને નહિ આવે.’
‘પ્રભુ!’ શ્રેષ્ઠીએ બે હાથ જોડ્યા: ‘કેટલા દ્રમ્મનો ખપ છે? ગંગાતટ સુધીનું માપ રાખીને જ બોલજો, એટલે ફરી આપને વાણીનો શ્રમ ન પડે!’
મુક્ત થયેલો દેવબોધ હૈયરાજકુમારીના સન્માન-સમારંભમાં પડી ગયો. એણે પણ એક મહોત્સવ આરંભ્યો. કલિકાલસર્વજ્ઞ એક દિવસ ત્યાંથી નીકળ્યા ને જરાક અંદર દ્રષ્ટિ કરી: ત્રિલોકની જાણે મોહિની ખડી કરવાની હોય તેમ દેવબોધે ત્યાં અનુપમ રચના માંડી હતી.
પણ ઋણમુક્તિ દેવબોધની લાંબો સમય ચાલી નહિ. ભાવ બૃહસ્પતિની વિદાયવેળાએ પણ એ દેખાયો નહિ. ગજરાજ ઉપર મહંત પાસે કવિ વિશ્વેશ્વર બેઠો હતો, સેંકડો ને હજારો માણસો વિદાયના શંખધ્વનિની રાહ જોતા ત્યાં નદીકાંઠે ઊભાં હતાં. મહારાજ કુમારપાલ, મહારાણી ભોપલદે, ગુરુ હેમચંદ્રાચાર્ય, રાજપુરુષો, સામંતો, પ્રધાનો – સઘળા મહંતને વિદાય આપવા ને આમ્રભટ્ટ આવી રહ્યો હતો એને સત્કારવા ત્યાં ઊભા હતા, પણ દેવબોધ ન હતો.
સૌનાં અંતરમાં એક વાત ખૂંચી રહી હતી. યુવરાજ અજયપાલ પણ હજી દેખાણો ન હતો. યુવરાજ્ઞી નાયિકાદેવી પણ પાટણમાં ન હતી. હવા ફરી ગઈ હતી, પણ એ બંને હજી ફર્યા ન હતાં. મહારાજે પોતે અર્ણોરાજને ખાસ મોકલીને આ પ્રસંગે આવી જવાનું કહેવરાવ્યું હતું. છતાં હજી સુધી અજયપાલ દેખાયો નહોતો. મહારાજના મનમાં એ ખિન્નતા બેઠી હતી. એમને અજયપાલની આ અત્યંત ઘેલછાભરેલી વીરત્વની ભાવનામાં પાટણનો સ્પષ્ટ હ્રાસ દેખાતો હતો. એમના મનમાં અત્યારે પણ એક મનોમંથન ચાલી રહ્યું હતું: પ્રતાપમલ્લને હમણાંથી જ રાજગાદીનો વરસ પ્રગટ કેમ ન કરી દેવો, જેથી તકરાર જ ઊભી ન થાય! પણ તે દિવસે આભડ શ્રેષ્ઠીએ કહેલી વાત એમને મનમાં ઊતરી ગઈ હતી. રાજલક્ષ્મી – એના ન્યાય-અન્યાયના ખ્યાલ વિચિત્ર હતા! એણે મન પ્રતાપમલ્લ અયોગ્ય હતો. અજયપાલ યોગ્ય હતો. આભડ શ્રેષ્ઠીનો એ મત હતો. મહારાજનું મન દ્વિધામાં પડ્યું હતું. અજયપાલની વીરત્વની ભાવનામાંથી અતિશયતાનો રંગ કાઢી નાખવાના એમના, પ્રયત્નને નિષ્ફળતા મળતી હતી. જ્યારે અજયપાલ તો પોતાને યેન-કેન-પ્રકારેણ – રાજગાદીનો વારસ જ ગણી રહ્યો હતો!
જેમ અજયપાલ આવેલ ન હતો, તેમ વિદાયની ઘડી આવી ગઈ છતાં દેવબોધ પંડિત પણ દેખાયો નહિ એ શું? ભાવ બૃહસ્પતિએ એને ફરીને કહેવરાવ્યું, પણ એ હજી દેખાયો ન હતો. સૌને નવાઈ લાગતી હતી. આવા સોમનાથ પ્રયાણના મહાન દિવસે જો દેવબોધ પંડિત ન આવે તો-તો થઇ રહ્યું!
પણ જવાબમાં થોડી વાર પછી પંડિતને બદલે એક સાધુ આવતો જણાયો. સાધુ પણ સીધો ભાવ બૃહસ્પતિ પાસે જવાને બદલે હેમચંદ્રાચાર્ય પાસે જ ગયો. મહારાજના લક્ષમાં વાત આવી ગઈ. સમાધાનવૃત્તિથી ધાર્યું કામ પાર પાડવાની આચાર્ય હેમચંદ્રની અદ્ભુત શક્તિનો એમને વધુ પરિચય થયો.
સાધુ આચાર્ય પાસે જઈને ઊભો રહ્યો: ‘પ્રભુ!’ તેણે બે હાથ જોડ્યા, પછી ધીમેથી કહ્યું: ‘પંડિતજી ક્યાંથી આવશે? પાછું ખલાસ!’
‘અરે! હા-હા...’ આચાર્ય હેમચંદ્રે કહ્યું. તેઓ કારણ પૂછવા રોકાયા નહિ. કારણ જાણીતું જ હતું. તેમણે શ્રેષ્ઠી આભડ તરફ દ્રષ્ટિ કરી.
શ્રેષ્ઠી પાસે આવતાં જ ગુરુએ કહ્યું: ‘શ્રેષ્ઠીજી! દેવબોધ પંડિતરાજનું બધું ઋણમોચન પાછું આજે ફરીને કરી નાખો. એમને તો આખી દુનિયાને માયા માની છે અને આ માયા તાત્કાલિક સંકેલી લેવાનો એમનો સંકલ્પ એમણે મને ફરીને કહેવરાવ્યો છે. એમને ઋણમુક્ત કરીને આંહીં પાલખીમાં પધરાવી લાવો. શ્રેષ્ઠીજી! એમના વિના તો આ વિદાયપળ પાછી ઠેલવી પડે. હૈયરાજકુમારી મોડાં પડ્યાં છે, પણ આપણે તો વિદાય પણ જાળવવી જ રહી. રાજકુમારીને યોગ્ય લાગશે તો પાછળ જશે, પણ પંડિત દેવબોધને તો એકદમ લાવો, તેઓ આવશે ને આશીર્વાદ પાશે, પછી મંગલપ્રસ્થાનના શંખધ્વનિ થાશે!’
આભડ શ્રેષ્ઠી ચકિત થઇ ગયો. દેવબોધની વાપરી નાખવાની શક્તિ પાસે પોતે પરાજિત થશે કે શું એ ચિંતામાં એ પડી ગયો. પણ આટલું છતાં જાણે કાંઈ જ ન હોય તેમ શાંતિથી એને આંહીં બોલાવી લાવવા આતુર ગુરુદેવને તો એનું મન પૂજ્યભાવથી નમી રહ્યું! આભડ શ્રેષ્ઠી અદ્રશ્ય થયો ને થોડી વારમાં દેવબોધ પાલખીમાં આવતો જણાયો. એની પાલખીને અત્યારે પણ સાચા મોતીની માળા લટકાવેલી હતી!
એ આવ્યો. પાલખીમાંથી ઊતર્યો. ગૌરવભેર ભાવ બૃહસ્પતિના ગજરાજ પાસે ગયો. તેણે પુષ્પની માળા મહંતને પહેરાવી. કુંકુમઅક્ષત કપાળે લગાવ્યાં અને એની શુદ્ધ ગીર્વાણ વાણીનો રણકો માનવમેદની એકકાન થઇ ગઈ હોય તેમ સાંભળી રહી.
ભાવ બૃહસ્પતિને એણે મંગલ અભિષેક કર્યો. મહારાજને આશીર્વાદ આપ્યા. વાગ્ભટ્ટના માથા ઉપર પ્રેમભર્યો હાથ મૂક્યો.
તરત જ વિદાયઘડીનો શંખનાદ થયો. ભાવ બૃહસ્પતિનો ગજરાજ આગળ ચાલ્યો. હજારો કંઠમાંથી ભગવાન સોમનાથનો જયઘોષ ઊપડ્યો.