Rajashri Kumarpal - 27 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 27

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 27

૨૭

કવિ વિશ્વેશ્વર

સંન્યાસી દેવબોધનો પ્રશ્ન હવે વહેલેમોડે થાળે પડી જશે અને ઘર્ષણ સરજાવ્યા વિના જ એને પાટણમાંથી વિદાય દઈ શકાશે એવી ગુરુ હેમચંદ્રને ધીમેધીમે ખાતરી થતી આવી. રામચંદ્રે એક દિવસ સમાચાર આપ્યા કે દેવબોધે પંડિત સભા ભરીને કનકકુંડલ ને કડાં વહેંચ્યાં! બીજે દિવસે બાલચંદ્રે કહ્યું કે દેવબોધે નર્તિકાઓને મૌક્તિકમાલાઓ આપી! સુવર્ણદ્રમ્મ તો ત્યાં વહેંચાતા જ રહેતા! દેવબોધ મોકળે હાથે ખરચતો ગયો, શ્રેષ્ઠી આભડ આપતો ગયો, પણ તેમતેમ એની પાસે પહેલાંના માગનારાઓનો તકાદો પણ વધતો ગયો. સૌને થયું કે પંડિત પાસે દ્રમ્મ તો છે, પણ કાઢતા નથી! દેવબોધના ભવનની આસપાસ ધીમેધીમે માગનારાઓનાં એટલા બધાં કૂંડાળા થવા મંડ્યા કે દેવબોધ ગમે તે દિશામાંથી પ્રયાણ કરવા ધારે તોપણ બહાર નીકળવું મુશ્કેલ થઇ પડે!

એ વખતે તો ઋણમોચન એની એક પ્રકારની પવિત્ર ધાર્મિક ફરજ હતી. પોતે દ્રમ્મ લીધા છે એ તો પોતાને ખબર હોય જ! એવા ઋણનો ઇનકાર કરવાની કલા ત્યારે સાધ્ય નહિ, એટલે તમામ ઋણનો દેવબોધે સ્વીકાર કરવો જ રહ્યો. અને એ સમયમાં તો ઋણ લેનારની આસપાસ ઋણ આપનારો એક કૂંડાળું ધૂળમાં દોરે, તો એટલું બસ હતું! એ કૂંડાળા બહાર ઋણ ચૂકવ્યા વિના જનારો સમાજના છેલ્લામાં છેલ્લા થરમાં પણ ઊભો રહેતાં શરમાય! કૂંડાળા બહાર જવાની તે હિંમત કરે જ નહિ ને! નહિ તો પછી એની જાત ચાંડાલની જ ગણાઈ જાય! એટલે જેમજેમ દેવબોધના દર્શન દુર્લભ થતાં ગયાં તેમતેમ તેના ભવનની આસપાસ કૂંડાળા પણ વધતાં ગયા! પછી તો એ કૂંડાળાવાળું ભવન જ ગણાવા માંડ્યું!

પણ દેવબોધ ખરચતાં પાછું વાળીને જુએ એ એને માટે શક્ય જ ન હતું! એ મૂઠી ભરીને સોનાના દ્રમ્મથી ઓછું કોઈને આપી શકતો જ નહિ. એને એમાં ક્ષુલ્લકતા લાગતી ક્ષુદ્રતા જણાતી. ન આપવામાં તો એ આત્મહત્યા જોતો. એનો મોટામાં મોટો આનંદ જ આપવાનો. નર્તિકાઓને, કવિઓને, પંડિતોને, બહુરૂપીઓને, નટરાજોને, સંગીતજ્ઞોને, શિલ્પીઓને એ આપ્યે જ જતો. જે દિવસે એ કોઈને કાંઈ ન આપી શકે તે દિવસની એની ઉદાસીનતાનો પાર નહિ. એ કહેતો કે: ‘મુઝે તો ભોજરાજ કા લોક કુ સ્મરણ દેને કે લિયે હિ પરમાત્માને ભેજા હૈ! સંગ્રહ કરનેકા કામ ગંડૂ કા ઔર પલપલ ધરમ ફૂટના વો ભિ કામ મૂરખ કા. જીવન કા સ્ત્રોત બહેતા રહેતા હૈ. તુમ ઈસ મેં સે અમૃત પી લો. પી શકો ઉતના પીઓ. પી લો. જો પીયા વો તુમ્હારા!’

એના એ ઉદાર સ્વભાવને ગુરુ હેમચંદ્ર પ્રેમથી નિહાળી રહ્યા હતા. એની વિદ્વતા એમને અલૌકિક લગતી હતી. એની ઉદારતા પણ અલૌકિક હતી. એવી જ રસિકતા પણ અલૌકિક હતી. પણ એટલે જ ગુરુ કોઈક વખત રામચંદ્રને કહેતા: ‘રામચંદ્ર! અલૌકિક વસ્તુ આપણને ન મળે ત્યારે એ સદ્ભાગ્યની સીમા માનવી... પરમાત્માની ઈચ્છા એવી કે આપણે એ રીતે લોકસંગ્રહ માટે કાંઈક કરવાનું ધર્મકાર્ય કરવા પ્રેરાઈએ! અલૌકિકો લૌકિકો માટે ઘણી વખત હિમાદ્રીના ઉત્તુંગ શૃંગ સમાન ભવ્ય દર્શન આપનારા જ નીવડે છે! આપણે તો એ શૃંગમાંથી પૃથ્વી ઉપર વહેતી ભાગીરથીનું કામ કરવાનું છે!’

રામચંદ્ર ડોકું ધુણાવીને હાથ જોડીને કહેતો: ‘પણ, પ્રભુ! આ દેવબોધ સાથે સમાધાનને અતિ-પંથે જતાં પછી એ સંન્યાસી આપણને પણ અંગૂઠો બતાવશે! એ પણ જમાનાનો ખાધેલ છે. એણે અજયપાલ, ભાવ બૃહસ્પતિ અને પોતે – એમ ત્રિપુટી સાધીને આપણું કાર્ય ન કર્યું કરવાનો ઉદ્યમ તો ચાલુ રાખ્યો જ છે! આ મદ્યનિષેધની એણે કરી એવી અવહેલના એ અમારિની પણ હવે કરવાનો!’

‘રામચંદ્ર! સત્ય જૂનું થવાનું નથી. પેલી આપણે કાલે પંક્તિ સંગ્રહી તે સંભારો ને? શું છે એમાં?’

‘રામચંદ્રે યાદ કરી: ‘હાં-હાં, કંચન કટાય નહિ!’

‘ત્યારે? કેટલાંક સત્યો કોઈ ધર્મનાં નથી, વિશ્વનાં છે.’

‘પણ આપણે, પ્રભુ! દેવબોધ, ભાવ બૃહસ્પતિ, અજયપાલ – એવી ત્રિપુટીને આંહીં બહુ વખત સાથે રહેવા દઈએ એ ઠીક છે?

 ‘ઠીક-અઠીકનું તો જાણે ન ગણીએ, રામચંદ્ર! પણ કવિ વિશ્વેશ્વર આપણા પ્રિયજન છે. એમણે ક્યારની વાત રાજાની પાસે મૂકી છે. વળી તેઓ ભાવ બૃહસ્પતિના સંબંધી છે. ભગવાન સોમનાથના ભવ્ય મંદિરનો ઉદ્ધાર જો મહારાજ ઉપાડે તો આ ઘર્ષણ તમામ તરત શમી જાય! ભાવ બૃહસ્પતિજી સંતોષ પામશે. લોક શાંત થાય. સામંતો, સૈનિકો એમાં પરંપરાનું પાલન જુએ. ભારતભરમાં મહારાજની ખ્યાતિ થાય. એક નવું સામર્થ્ય પ્રગટે – લોક સમજી શકે તો. બાકી આપણે માટે ઘર્ષણ સૌથી વધુ ભયંકર વસ્તુ છે! સૌના મન-સમાધાનનો આ એક જ માર્ગ મને દેખાય છે!’

ન માની શકતો હોય તેમ રામચંદ્ર ગુરુદેવની સામે જોઈ રહ્યો: ‘કુમારવિહાર બાંધવાની વાત મહારાજે પોતે જ કરી છે ને, પ્રભુ! તેણે બે હાથ જોડ્યા: ‘એ નથી કરવાનું? હવે તો વાગ્ભટ્ટજી ધર્મમંત્રી પણ થયા છે!’

હેમચંદ્રે શાંતિથી પોતાના શિષ્ય સામે જોયું: ‘રામચંદ્ર! કુમારવિહાર એ એક વ્યક્તિના જીવનપરિવર્તનનો ઈતિહાસ આપવા માટે છે; ભગવાન સોમનાથ, એમનું મંદિર, એ સેંકડો વર્ષોનો પ્રજાનો ઈતિહાસ આપવા માટે છે. થાશે બંને. જરૂર બંનેની છે. પણ તમે મન સંકુચિત રાખશો, તો સર્વનાશનો પંથ આવી પડશે! મને ભાવિ ઉજ્જવલ જણાતું નથી, રામચંદ્ર!...’ બોલીને ગુરુ હેમચંદ્રાચાર્ય પૃથ્વી ભણી નિહાળી રહ્યા. એમની આંખમાં વિષાદ આવી ગયો. 

‘પ્રભુ! કેમ એમ  બોલ્યા?’ રામચંદ્રે હાથ જોડ્યા.

‘રામચંદ્ર! જે માણસ મતને કે પંથને આગ્રહભરેલા વ્યક્તિત્વથી રંગે છે તે માણસ વહેલેમોડે મતનો કે પંથનો વિનાશ આણે છે. આપણો મત ગમે તે હોય, સામાનો પણ મત હોય. જીવનમાં હરકોઈ માણસના ઉર્ધ્વગામી જીવનમાં એક પળ એક વખત એવી આવવાની જ છે, રામચંદ્ર! કે જ્યારે ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુની નાનીસરખી લીલાને એ પ્રેમથી નિહાળીને, એનામાં સ્ફૂરતા મહાન ચૈતન્યનો આવિર્ભાવ દેખી સાનંદાશ્ચર્ય ગદગદ કંઠે એમ કહેવાનો, “ઓહો! આને હણતાં હું મને જ હણતો નથી?” આવો પ્રશ્ન થાય એનું નામ જૈનત્વ. અને, રામચંદ્ર! તે તો દરેક વ્યક્તિ માટે છે. પણ એ સમય લે છે. કેટલાંક વહેલા જૈન થાય છે, કેટલાક મોડા; પણ જૈનત્વ પ્રગટે ત્યારે, રામચંદ્ર! માણસ જૈન છે, ન અન્યથા. રાજર્ષિ કુમારપાલમાં એ પ્રગટ્યું છે. હું એ જોઉં છું. બાકી સૌ ભેગા થઈને ધર્મને નામે તાબોટા લ્યે છે, એની સાથે તાબોટા લેવા માટે એ કુમારવિહાર બંધાવશે, તેઓ એના જેવો ક્ષુદ્ર બીજો કોઈ નહિ હોય! રામચંદ્ર! આપણે જૈન થતાં પહેલાં તો અ-જૈન થઈએ!’

રામચંદ્ર તો ગુરુની આ વાણી સાંભળી રહ્યો. એને પણ એક નવો પ્રકાશ મળ્યો. સૌ માનતા હતા, એ પોતે પણ માનતો હતો ને ઉદયન મંત્રીશ્વર જેવા અતિ શ્રદ્ધાશીલ તો એને ચોક્કસ રાજનીતિ જ ગણતા કે કુમારપાલ જૈન થાય એટલે જૈન ધર્મનો ઉદ્ધાર થઇ જાય. પણ ગુરુની વાણીમાં તો રામચંદ્રે અલૌકિક સત્ય નિહાળ્યું. ત્યાં પંથ કે મતનું અભિમાન જ ન હતું. કેવળ સત્યને – અને તે પણ વ્યક્તિવિકાસ માટેના આવશ્યક સત્યને – ધર્મ ગણ્યું હતું! રામચંદ્ર તો છક થઇ ગયો.

‘પણ ત્યારે તો, પ્રભુ!...’

‘શું, રામચંદ્ર! શું ત્યારે તો? તારે કહેવાનું થોડુંક તો હું સમજ્યો છું!’

રામચંદ્રને કહેવું હતું કે ‘આપણે જૈન ધર્મના વિસ્તાર માટેની આ તક ખોઈશું’, પણ ગુરુદેવની આંખ સામે જોતાં એ થંભી ગયો. એ આંખમાં ભવિષ્યના નિર્માણની જાણે અપાર વેદના બેઠી હતી: ગુરુએ અત્યંત ધીમાં પણ સ્પષ્ટ અવાજે, જાણે કોઈ ભાવિ ચિત્ર નિહાળીને બોલતા હોય તેમ બોલવા માંડ્યું:

‘રામચંદ્ર! તમે સૌ રાજા કુમારપાલને જૈનધર્મવૃત્તિવાળો થતો જોઇને એમ આનંદ પામો છો કે આપણા ધર્મમાં રાજા આવ્યો. મને મોટામાં મોટું દુઃખ હોય તો આ વિશેનું છે. એક ગરીબ તમારા ધર્મમાં આવે ને એક રાજા આવે એમાં શો ફેર? થોડાંક મંદિરો વધારે બાંધે તે? અને કોઈ પણ માણસ તમારા ધર્મમાં આવે તેથી પણ શું? માણસે પોતે એ ધર્મ જોયો હોય, તો જ એ આવ્યો ગણાય. તમારી માન્યતા પ્રમાણે તો રાજાના વ્યક્તિત્વને ભારે અન્યાય થઇ રહ્યો છે. રાજાના જીવનમાં કોણ જાણે કેમ, પૂર્વભવનાં અલૌકિક પુણ્યે એક અતળ પ્રેમનું ઝરણું ફૂટ્યું છે એ  હું જોઈ રહ્યો છું.  હવે ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુને નિહાળીને પણ એ દયાપ્રેમથી રંગાઈ જાય છે. માટે મેં એને કહ્યું કે હે રાજા! તમને શાંતિ આ પંથે મળશે: કુલધર્મ તમારો અચળ રાખો, વ્યક્તિધર્મ તમારો જાગ્રત રાખો! આપણો ધર્મ વિસ્તાર પામે માટે ગુજરાતદેશમાં ઘર્ષણ કરવાનો દેશદ્રોહ મારે માથે ન હો! રામચંદ્ર! આવી ને આવી ધર્મઘેલછા રાખશો તો છેવટે એ તમને દેશદ્રોહ કરાવશે ને સર્વનાશ આણશે ને તમારા નામ ઉપર કલંક આણશે! તમે એકાદ મૂર્તિ સાચવવા દેશ-આખાને વેચી આવશો!’

કોઈ ભાવિ કથનની ગંભીરતા સાથે ગુરુની વાણી બંધ થઇ. ત્યાં સામેના ખંડમાં રામચંદ્રની દ્રષ્ટિ પડી. બાલચંદ્ર ત્યાં ઊભો હતો! તે આ સાંભળવા માટે જ થંભી ગયેલો જણાયો. રામચંદ્ર વ્યાકુળ થઇ ગયો. એણે બાલચંદ્રને આ પ્રમાણે નહિ-નહિ તો બાર-પંદર વખત જોયો હશે. તેને આ વસ્તુ ભયંકર પણ જણાઈ હતી. પણ અત્યારે તો બાલચંદ્ર હાથ જોડીને આગળ આવતો લાગ્યો. તેની પાછળ ઉત્તુંગ પર્વતશિખર જેવા કવિ વિશ્વેશ્વર આવતા જણાયા. રામચંદ્રને અત્યારે કવિ આવી ચડ્યા એ ગમ્યું. ગુરુજીનું વાણી ગાંભીર્ય એને હલાવી ગયું હતું. તેણે બે હાથ જોડીને કહ્યું: ‘પ્રભુ! કવિ વિશેશ્વર આવી રહ્યા છે!’

‘આવ્યા એ ઠીક થયું, રામચંદ્ર! આપણે ભગવાન સોમનાથના મંદિરને શરુ કરાવવાની વાત એમને જ કહીશું. એ યોગ્ય પુરુષ છે!’

ભાવ બૃહસ્પતિને સમાધાનમાર્ગે લેવામાં વિશ્વેશ્વર કવિનો ઉપયોગ કરવાની વસ્તુ તો હેમચંદ્રાચાર્યે ક્યારનીય શરુ કરી દીધી હતી, પણ આજે રામચંદ્રે એમને કહ્યું અને એમને પણ હવે ત્વરા કરવાનું ઠીક જણાયું હતું. ક્યારેક મોડું એ પછી મોડું જ પડે છે. ઉદયનના પુત્ર વાગ્ભટ્ટને મહારાજે મહાઅમાત્ય ઉપરાંત ધર્મમંત્રી પણ નીમ્યો હતો, તે વાતને ઉદ્દેશીને જ ગુરુએ શરુઆત કરી:

‘કવિરાજ! તમે ન આવ્યા હોત તો હું બોલાવવાનો હતો. તમે કાવ્યજ્ઞ છો. મહાઅમાત્યજી પણ કાવ્યજ્ઞ છે. મહારાજે એમને ધર્મમંત્રીપદ પણ આપ્યું છે. તમે કહેતા હો તો એમને બોલાવીએ, એક મહાન ભવ્ય, ઉત્તુંગ ભગવાન સોમનાથનું મંદિર ત્યાં સમુદ્રકિનારે નિર્મિત કરવું એવી મહારાજની ઈચ્છા છે! ભાવ બૃહસ્પતિજી પણ આવ્યા છે એટલા માટે, તો એ પળ હવે આવી છે!’

‘કાલે મહંતજીને લઈને હું અહીં આવું પ્રભુ? મહારાજ ક્યારે આવે છે યોગશાસ્ત્ર સાંભળવા?’

‘અરે! હા, કવીશ્વર! પછી તમને કહેવાનું રહી જાશે... મારે એ પહેલું કહી દઉં. મને મહારાજે એક પરમ સત્યનું દર્શન કરાવ્યું!’

રામચંદ્ર ને વિશ્વેશ્વર બંને સાંભળી રહ્યા ગુરુને. કુમારપાલ મહારાજનો વ્યક્તિત્વવિકાસ અદ્ભુત જણાયો હતો, બંને એ જાણતા હતા, પણ આજે તો ગુરુદેવને મહારાજ પ્રત્યે નિ:સીમ શ્રદ્ધા પ્રગટેલી રામચંદ્રે દેખી. તે સાંભળી રહ્યો.

‘એવું છે, કવિરાજ!’ ગુરુદેવ જરા પાસે સર્યા: ‘મહારાજનો લૂતારોગ જાય તેવી સિદ્ધિ હાથ આવી ગઈ છે!’

‘હેં?’ વિશ્વેશ્વરને આશ્ચર્ય થયું, તેમ જ જરાક વ્યાકુળતા પણ થઇ. પોતાના શ્વસુર, સોમનાથના મહંત ભાવ બૃહસ્પતિ આ લૂતારોગની અનેક વખત વાત કરતાં ત્યારે કહેતા, ભગવાન સોમનાથના નવા મંદિરનું મહારાજ નિર્માણ કરે અને ‘ઉમાપતિવરલબ્ધપ્રાસાદ’ બને ત્યારે રોગ જાય, તે પહેલાં નહિ!

અજયપાલ એનાથી ડરીને દેથળી ભાગી ગયો હતો. સામાન્ય જૈન મુનિઓ તો એ લૂતારોગ ગમે તેને વળગાડી દેવાની ચમત્કારી વાતો કરતા હતા. પણ હેમચંદ્રાચાર્યના મોંમાં આવી વાણી સાંભળીને વિશ્વેશ્વર નવાઈ પામ્યા. એણે ગુરુજીને અદ્ભુત સમન્વયી પુરુષ લેખ્યા હતા. તેઓ ધર્મ-આગ્રહથી પર હતા. કોઈ ચમત્કાર કરીને ધર્મને રાજ્યનો આશ્રય અપાવી દેવાની એમની નીતિ જ ન હતી. એ ગુરુના મોંમાં આ વાણી? એને નવાઈ લાગી. હેમચંદ્ર એ કળી ગયા. તેમણે તરત કહ્યું:

‘વિશ્વેશ્વરજી! આ યોગાભ્યાસથી લૂતારોગ ઉપર કાબૂ મેળવાય છે એ નવું સત્ય મહારાજે મને બતાવ્યું તેની આ વાત છે!’

‘આપને સત્ય બતાવ્યું મહારાજે? પ્રભુ! આ કેવી વાત?’ બંને જણાએ એકસાથે પ્રશ્ન કર્યો. 

‘ગુરુ દત્તાત્રેયને પશુપંખીઓએ સત્યો બતાવ્યાં હતાં: આપણને મહારાજ ન  બતાવી શકે? સત્ય તો, રામચંદ્ર! એક નાનકડું બાળક પણ બતાવે! કારણ કે સત્યને કોઈ બતાવતું નથી, સત્ય જ સત્યને બતાવે છે!’

‘મહારાજે શું સત્ય બતાવ્યું, પ્રભુ?’

‘આ મેં કહ્યું તે. યોગશાસ્ત્રાભ્યાસ જ લૂતારોગને હણશે.’

‘ખરેખર?’

‘હા.’

બંને જણ મહાન આશ્ચર્યમાં સ્થિર થઇ ગયા. અલૌકિક ચમત્કાર કરવાની ગુરુદેવની શક્તિ એમની સદી સત્યકથનની ક્રિયામાં રહી છે એ નવું સત્ય રામચંદ્રને આજે મળ્યું  હતું તેમ એ ગુરુજીના શબ્દો ઉપર વિચાર કરી રહ્યો. 

એટલામાં હેમચંદ્રાચાર્યે ઉમેર્યું: ‘હવે આપણી વાત કરીએ, કવીશ્વર! તમે શું કહેતા હતા?’

‘ભાવ બૃહસ્પતિજી આંહીં મળવા ક્યારે આવે – આપણે એ વાત કરી રહ્યા હતા.’ હેમચંદ્ર ગુરુ વિચારમાં પડી ગયા. પછી સ્વરોદયના સિદ્ધ અભ્યાસીની જેમ પોતાના નાક પાસે ઊંધી હથેળી રાખીને પવન લીધો. થોડી વાર પછી તેઓ બોલ્યા: ‘કવિરાજ! એમ નહિ. ભાવ બૃહસ્પતિજીનું દર્શન આંહીં થાય એ તો ધન્ય ભાગ્ય; પણ એમ નહિ, આપણે એમ કરીએ: મહારાજ પાસે હું સવારે પ્રતિબોધ કરવા જાઉં છું, મહંતજી ત્યાં તે વખતે આવે! એ વધારે ઠીક નહિ?’

સમાધાનવૃત્તિ વિશેની ગુરુની ઝીણામાં ઝીણી રેખા નિહાળીને રામચંદ્ર તો છક થઇ ગયો. એને લાગ્યું કે એણે જે ગુરુ જોયા હતા તે મહાન હતા, પણ જે ગુરુ એણે આજ દિવસ સુધી જોયા ન હતા, તે વધુ મહાન હતા. 

વિશ્વેશ્વરને પણ ગુરુની આ મહાનુભાવતા સ્પર્શી ગઈ. એમણે એમને વારંવાર કહું હતું: ધર્મનો અભ્યુદય દેશજનના અભ્યુદયથી જુદો નથી, અત્યારે તેઓ પોતે જ એ રેખા ઉપર કામ કરી રહ્યા હતા.

‘કવિરાજ! હેમચંદ્રાચાર્યે ઉમેર્યું: ‘તમે એક વસ્તુ મહારાજ પાસે મૂકો – અથવા હું એમની પાસે મૂકું. ભાવ બૃહસ્પતિજી એને ઉત્તેજે, તો ભારતભરમાં જેની ખ્યાતિ થાય તેવા મંદિરનું કુમારપાલ મહારાજ નિર્માણ કરાવે. હૈહૈરાજ, માલવરાજ, કાન્યકુબ્જપતિ, કર્ણાટરાજ, કાશ્મીરનાથ, કોંકણપતિ, સાંભરનાથ, અર્બુદરાજ, મેદપાટપતિ, સિંધુપતિ – ભારતભરના રાજવીઓના રત્નમુગટ ત્યાં ઝૂકવાના છે. દેશદેશની રાજરાણીઓના મૌક્તિહારોને મંદિરની રજ ત્યાં મળવાની છે. ત્યાં અનેક શાપિતો ઉદ્ધરવાના છે. ત્યાં ભગવાન શંકર સદેહ આવવાના છે. ત્યાં વાગ્દેવી પોતે આવીને રહ્યાં છે. મહાભારતના જમાનાથી આ મંદિર ચાલ્યું આવે છે. એક વખત ગર્જનકે ત્યાં ઘા કર્યો હતો. તમને સૌને આ  યાદ છે. હવે આ મંદિર  નિર્વિઘ્ને પૂરું થાય એ જોવાનું રહ્યું. મહારાજની પોતાની પણ ચિંતાભરી પૃચ્છા એ જ હતી: “આવું ભવ્ય મંદિર પૂરું થાય? પૂરું થઇ શકશે?’ એ પ્રશ્ન એમના દિલમાં બેઠો છે, હું એ જાણું છું. પણ એ મંદિર નિર્વિઘ્ને તો પૂરું થાશે, કવિરાજ! જો રાજા-પ્રજા-તમામ-એકલા રાજા નહિ કે એકલી પ્રજા પણ નહિ – રાજા-પ્રજા-તમામ કામ ચાલે ત્યાં સુધી પવિત્રતા જાળવે તો! મંદિરનિર્માણ એ પવિત્રતાની શરૂઆત છે, નહિતર તો એ પણ મોટો વિનિપાત છે, વિશ્વેશ્વરજી!

વિશ્વેશ્વરનો કવિ-આત્મા આ સાંભળીને ડોલી ગયો.

હેમચંદ્રાચાર્યે કેટલી સાદી રીતે એક સત્યને સુંદર દેહ આપી દીધો હતો!

‘પ્રભુ!’ વિશ્વેશ્વરે માથું નમાવ્યું: ‘એ તો ભાવ બૃહસ્પતિજી પોતે પણ ઈચ્છે રાજા-પ્રજા-તમામ પવિત્ર રહે – ને એ પવિત્રતા જ મંદિરનું નિર્માણ કરે!’

ભવભૂતિની છટાનું ગૌરવભર્યું સ્થાન લેનારી રામચંદ્રની મૌનમય વાણી, પળ-બે-પળ ગુરુએ દર્શાવેલા એક મહાન સત્યને કાવ્યમાં ગૂંથવાનો મનમાં પ્રયત્ન કરી રહી હતી.

વિશ્વેશ્વરે માથું નમાવીને રજા લીધી.

‘રામચંદ્ર!’ વિશ્વેશ્વર અદ્રશ્ય થયાં કે તરત હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘એક એવું કાવ્ય ન બને, જેમ ચંદ્રલાંછન મૃગ, શંકરવાહન વૃષભ, પૃથ્વી જેવી ગૌમાતા, વરાહભગવાન, કૂર્મ, મત્સ્યાવતાર મત્સ્યો – સૌ મળીને રાજાને અભિનંદન આપતાં હોય કે હેં રાજન્! તમે અમારા અવતારોનું ખરું રહસ્ય પામ્યા!’

રામચંદ્રે અત્યાર સુધી આનંદ અનુભવ્યો હતો, હવે આશ્ચર્ય અનુભવ્યું. ગુરુદેવે અમારિની દિશામાં મહંતને હાથે જ ચૌલુક્યરાજને દીક્ષા અપાવવાનું સિદ્ધ કર્યું હતું અને છતાં પોતે એમાં કેવળ સાક્ષી જ રહ્યા હતા!

આ કાવ્યનું સૂચન એ જ કહી રહ્યું હતું.