Rajashri Kumarpal - 26 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 26

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 26

૨૬

હેમચંદ્રાચાર્યે બતાવેલો માર્ગ

તે રાતે રાજાને નિંદ્રા આવી નહિ. એણે શરુ કરેલા વ્યાપક સંસ્કારધર્મને કોઈ મૂળમાંથી જ છેદી રહ્યું હોય એવું એને લાગવા માંડ્યું. આવો સમર્થ દેવબોધ જેવો સાધુ જે વાત કહે તે ખોટી માનવાનું પણ કેમ બને? એના મનમાં આખી પૃથ્વીને અનૃણી કરીને મહાન કીર્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા બેઠી હતી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર એ કરી શકે એમ એ માની રહ્યો હતો. એમના વચન પ્રમાણે એણે આ પ્રવૃત્તિ માંડી હતી. પણ આંહીં તો દેવબોધ એની પ્રવૃત્તિમાત્રને ઉચ્છેદી નાખવાની શક્તિ ધરાવતો જણાયો. તેણે વહેલી સવારે પહેલવહેલાં જ પૌષધશાળાનો રસ્તો લીધો. 

હેમચંદ્રાચાર્ય ગુરુને ત્યાં તો એ જ વાતાવરણ અત્યારમાં હાજર થઇ ગયું હતું. પુસ્તકો લખાતાં હતાં, વંચાતાં હતાં. પાઠફેર મેળવાતા હતા. શબ્દશુદ્ધિ થઇ રહી હતી. શબ્દોનાં મૂળ તપાસાતાં હતાં. શબ્દને બ્રહ્મ માનનારો એક ખરેખરો વિદ્યાનુરાગી પુરુષ ત્યાં બેસી ગયો હતો!

રાજા પ્રણામ કરીને ત્યાં બેઠો કે તરત જ ગુરુએ પ્રેમથી એની સામે જોયું: ‘મહારાજ! આજતો અત્યારમાં? અરે! રામચંદ્ર! જરા શ્રેષ્ઠીજી આભડને બોલાવો તો!’

આભડ શ્રેષ્ઠી વિશે ત્રિલોચને રાજાને કાલે જ નવાઈના સમાચાર આપ્યા હતા. અત્યારે ગુરુએ પણ એને યાદ કર્યો. રાજાને નવાઈ લાગી. એટલામાં હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘મહારાજ! આભડ શ્રેષ્ઠીની દાનશીલતા જાણવા જેવી છે!’

‘મને વાત કરી છે ત્રિલોચને, પ્રભુ! સાધુ દેવબોધ જેવાને પણ એ કોટિકોટિ દ્રમ્મ આપે છે!’

‘એમ?’ હેમચંદ્રાચાર્યે રાજા સામે જોયું. રાજાના મનમાં કાંઈ શંકા લાગી નહિ, પણ એના મનમાં કાંઈક વાત બેઠી છે તે ગુરુ કળી ગયા. બધા આસપાસ છે માટે વાત થઇ શકતી નથી. ગુરુએ મોટેથી કહ્યું: ‘રામચંદ્રજી! મહારાજને બે પળ વાત કરવાની છે!

એકદમ સૌ ઊભા થઇ ગયા. જતાંજતાં બાલચંદ્ર એક દ્રષ્ટિ પાછી કર્યા વિના રહી શક્યો નહિ. પણ એટલામાં જ પાછળ આવી રહેલા રામચંદ્રે એના ખભા ઉપર હાથ મૂક્યો હતો: ‘બાલચંદ્રજી! તમે કુતૂહલને વશ રાખતાં શીખો!’

‘રામચંદ્રજી! કુતૂહલ મને વશ છે, હું કુતૂહલને વશ નથી!’

‘સંન્યાસી દેવબોધ પણ એમ જ કહે છે. એ મદ્ય ને વશ નથી, મદ્ય એણે વશ છે. એનું નામ જ મિથ્યાધર્મ, બાલચંદ્રજી!’

ગુરુને કાને આ શબ્દો પડી ગયા હોય તેમ લાગ્યું. ગુરુના શબ્દો સંભળાયા: ‘રામચંદ્રજી! દેવબોધ મહાસમર્થ પુરુષ છે હો! સમર્થની વાત જ ન્યારી!’

રાજાએ હાથ જોડીને તરત કહ્યું: ‘પ્રભુ! હું એ જ પૂછવા આવ્યો હતો. સંન્યાસી પાસે સુવર્ણસિદ્ધિ છે કે શું? એનું ભવન તમે જોયું છે?’

‘જોયું નથી, સાંભળ્યું છે, રાજન્!’

‘પણ આપણે તો વાંધો બીજો છે. આપણે મદ્યનિષેધ કર્યો છે, પણ એને ત્યાં મદ્યની નદીઓ વહે છે! રાજાની આજ્ઞા...’

‘...નો એમાં ભંગ થાય છે એ ખરું! આજ્ઞાભંગ રાજથી સહન ન જ કરાય. પણ આપણે એના સામર્થ્યનો વિચાર કરવો રહ્યો. વળી એવું છે કે અતિ-પવિત્રતા પણ અતિ હોય  તો વહેલેમોડે પડે અને પાડે. દેવબોધની પાસે અતિ સામર્થ્ય છે; પણ અતિશયતા દેવો પણ જીરવી શકતા નથી! તમે એનું અતિ-સામર્થ્ય અનુભવ્યું હશે નાં!’

રાજા ગુરુની સામે જોઈ જ રહ્યો. ગુરુની પાસે વાત આવી ગઈ લાગી; પણ પોતે મદ્યભાંડમાં દૂધ જોઈ આવ્યો એ વાત ગુરુએ શી રીતે જાણી? તેણે બે હાથ જોડ્યા: ‘હા, પ્રભુ! દેવબોધજી એ એક પળમાં મદ્યનું દૂધ બતાવ્યું!’

એટલામાં આભડ શ્રેષ્ઠી આવતા જણાયા. ‘એનો ઉપાય છે અને તે થશે, કારણકે શક્તિ પ્રદર્શિત કરવામાં ધર્મધ્વંસ રહ્યો છે અને લોકશક્તિ ને રાજશક્તિના કુદરતી સંબંધનો પણ નાશ રહ્યો છે. એમાંથી છત્રભંગ જન્મે, દેવબોધજી એ કરે છે!’

‘આપણે એને પાટણ તજાવીએ, પ્રભુ!’

‘શી રીતે?’

‘કેમ, શી રીતે? ત્રિલોચનને કહેવાનું. તે દેશપાર એને મૂકી આવે!’

‘એવી વાતથી તો આપનો રસ્તો કંટકમય બને. દેવબોધજી પાટણ જરૂર તજશે!’

‘શી રીતે?’

‘આ શ્રેષ્ઠીજી આવ્યા!’  

આભડ શ્રેષ્ઠી ત્યાં આવીને વિનમ્રતાથી પ્રણામ કરતો પાસે બેસી ગયો. એની એક વખતની ગરીબી વિશે મહારાજે જાણ્યું હતું. આજ એને ત્યાં કોટિ દ્રમ્મનો હિસાબ ન હતો. રાજા એની સામે જોઈ રહ્યો.

‘શ્રેષ્ઠીજી! દેવબોધજી આપણા નગરના અતિથી છે. તમે એમનો સત્કાર કરી જાણો છો એ સાંભળીને મેં આજે તમને બોલાવ્યા છે.’

આભડે હાથ જોડ્યા: ‘સત્કાર તો. પ્રભુ! શક્તિને નામે હું સૌકોઈનો કરું છું. મેં પણ ક્યાં એક વખત ઘૂઘરા ઘસી-ઘસીને પંચ(તાંબાનાણું) વિષયોક મેળવ્યા નહિ કે આમાં હવે કૃપણતા દાખવું? પણ, પ્રભુ! દેવબોધજીને પાંચ લક્ષ દ્રમ્મ આપો-ન-આપો ત્યાં પંદર લક્ષ ખર્ચી કાઢે છે! સોનાની જાણે નદી વહેતી હશે એમ તેઓ ધારે છે! હવે તો એમના માથે માથાના વાળ જેટલું કરજ થયું છે, પણ હજી મેં ના પાડી નથી!’

‘શ્રેષ્ઠીજી!’ આચાર્યે શાંતિથી કહ્યું: ‘અને ના પાડતા પણ નહિ! આપવાવાળાના હજાર હાથ ગણાય છે, લેવાવાળાના બે!’

રાજા વિસ્મય પામ્યો. દેવબોધને દ્રમ્મનો પ્રવાહ આભડ શ્રેષ્ઠી પૂરતો હશે, પણ ગુરુદેવને એમાં શો રસ હતો તે એ કળી શક્યો નહિ!

‘પ્રભુ! હું વિનય રાખીશ, આપ્યે રાખીશ. પણ પંડિત કનકપાત્ર વિના મદ્ય પીતો નથી. એક વખત વાપર્યું વાસણ ફરી વાર વાપરતો નથી. સુવર્ણદ્રમ્મની મૂઠી ભર્યા વિના કોઈને ભેટ આપતો નથી. સુવર્ણસિદ્ધિ હોય તોપણ આટલું બધું સુવર્ણ કોણ પૂરું પાડે? બીજા શ્રેષ્ઠીઓએ તો એનાં રત્નો પણ કાઢ્યાં! એ તો ઠીક છે. એની પાસે રાજરાણીઓના રત્નહારો આવી જાય છે, હમણાં નાયિકાદેવી યુવરાજ્ઞિબાનો આવ્યો છે, એટલે એ વટાવી ખાય છે, પણ હવે એક દિવસ એને ઉચાળા ભરવા પડશે. એટલું દેણું માથે થયું છે!’

કુમારપાલ ચમકી ગયો તેમ જ એના અંતરમાં અજવાળું પણ થઇ ગયું. ‘હા!’ તે સ્વગત બોલી ઊઠ્યો: ‘આ તો ત્યારે આ પ્રમાણે દેવબોધને કાઢવાની અનોખી રીત ગુરુજીએ શોધી કાઢી છે! ગજબ!’

‘જુઓ, શ્રેષ્ઠીજી! આ દેવબોધ સંન્યાસીનો હાથ લાંબો થાય કે એક દિન વચન એનું આવે એ આપણે ત્યાં ઇન્દ્રરાજ માગવા આવે એટલું ગૌરવશીલ છે. જ્યારે સંન્યાસી દેવબોધ આવે, ખરેખરા સંકટ સમયે માગવા, ત્યારે પાછું વાળીને ન જોતાં! તમને સાંભરે છે તમે પ્રાપ્ત કરેલા નીલરત્નનો મહિમા?’

આભડે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! એ હું કાંઈ ભૂલું? બૌધભટ્ટની (રત્નપરીક્ષાને લગતો ગ્રંથ લખનાર ગ્રંથકાર) “રત્ન-પરીક્ષા” પ્રભુ પાસેથી પ્રાપ્ત થયેલી, તો એમાંથી એક અજાની ડોકમાં પહેરાવેલા અણઘડ પથ્થરને ઓળખવાનું સદ્ભાગ્ય મને મળ્યું! મહારાજ સિદ્ધરાજના સમયમાં એ રતનની એક કણિકાના એક લક્ષ દ્રમ્મ આવ્યા, તો આજે હું આંહીં બેઠો છું. પ્રભુએ મને રંકને – એક વખત શત કોટિના પરિગ્રહનું પરિમાણ ધરવાનું કહ્યું ત્યારે મને થયું કે ઓહો! સાધુજનો પણ રંકની મશ્કરી કરે છે ખરા! જેમની વાણી ભાવિ જોઈ શકે એમની મનમાં પણ વિડંબના થયેલી, એ દોષ હજી મને સાલે છે! પ્રભુ કહેશે એટલે દ્રમ્મ હું આપ્યે જ જઈશ!’

‘હું કહું તેટલા નહિ, તેઓ શ્રેષ્ઠીજી! દેવબોધજી માંગે તેટલા, તેઓ માગતાં થાકશે!’

‘બીજા એને થકવી દેશે, પ્રભુ! અત્યારે જ એમની આસપાસ કુંડાળા પડી જાય છે!’

કુમારપાલના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. આજે આભડ શ્રેષ્ઠીને એણે જેવો જાણ્યો તેવો કોઈ દિવસ જાણ્યો ન હતો. ગુરુએ એક પણ પ્રશ્ન પૂછ્યા વિના મનની તમામ વાતોના પ્રત્યુતર વાળ્યા હતા. તેમની વાણીની આ અનુપમ સિદ્ધિ વિશે રાજા વિસ્મય પામ્યો.

એને એક ખાતરી તો થઇ ગઈ: સુવર્ણસિદ્ધિ ગુરુ પાસે હોય કે ન હોય, શબ્દસિદ્ધિ તો અનુપમ હતી જ.

મોડેથી એ પાછો ફર્યો ત્યારે એનું મન પ્રસન્નતા અનુભવી રહ્યું હતું. તેણે સહજભાવે આભડ શ્રેષ્ઠીને રસ્તામાં પૂછ્યું: ‘શ્રેષ્ઠીજી! તમારી આ અનુપમ સિદ્ધિ કોની?’

‘કેમ કોણ,મહારાજ? ઈશ્વરે આપ્યા પુત્રો છે તેમની!’

‘પણ કોઈક મારા જેવો હોય – તે વખતે તમે શું શિક્ષા આપો?’

આભડ ઊભો રહી ગયો: ‘મહારાજ! શાની વાત છે?’

કુમારપાલે અત્યંત ધીમેથી કહ્યું: ‘રાજ કોને સોંપવું તેની, શ્રેષ્ઠીજી!’

‘ગુરુદેવ શું કહે છે?’

‘હજી પૂછ્યું નથી. એમનું મન પ્રતાપમલ્લ પ્રત્યે છે!’

‘ગુરુદેવ મહાન છે, મહારાજ! પણ હું વાણિયો રાજલક્ષ્મીની થોડી-ઘણી વાત જાણું છું. કાંઈક સમજુ છું. મેં લક્ષ્મીનાં પગલાંનો થોડો અભ્યાસ કર્યો છે. મહારાજ! નિજકુલ વિના રાજલક્ષ્મી રહી શકતી નથી. એને એવો શાપ છે!

‘નિજકુલ એટલે?’

‘પુરુષનો વંશવેલો, પ્રભુ! મહીપાલદેવજીના વંશમાં જ એ રાજલક્ષ્મી પાંગરે. રાજલક્ષ્મીનાં પગલાં આવી રીતે છે. બાકી તો મહારાજ સમર્થ છે. ગુરુદેવ કલિકાલસર્વજ્ઞ છે!’