૨૧
ઘર્ષણ વધ્યું
પાટણની દક્ષિણે થોડે અંતરે આવેલું નાનુંસરખું સિદ્ધેશ્વર પોતાનું એક અનોખું મહત્વ ધરાવતું હતું. એમાં અનેક મંદિરો હતાં તેથી નહિ, પણ સિદ્ધરાજ મહારાજે ત્યાં સિદ્ધેશ્વરની સ્થાપના કરી પછી એ રણે ચડતાં સેનાપતિઓની પ્રસ્થાન-ભૂમિ જેવું થઇ પડ્યું હતું તેથી. ત્યાંથી પ્રસ્થાન કરનારા વિજયમાળા પહેરીને પાછા આવતા, કાં અપ્સરાની પુષ્પમાળા પામતા. પરાજયનું એમને સ્વપ્ન પણ ન આવતું, એટલે ત્યાંથી પ્રસ્થાન કરવા માટે સૌ કોઈ આતુર રહેતા. રણ-આતુર જોદ્ધાઓનાં દિલમાં સિદ્ધેશ્વરનું અનોખું સ્થાન હતું, પણ એથી વધુ મહત્વ એને મળ્યું હતું બીજે એક કારણે. રણપ્રશ્નોની અનેક ગુપ્ત યોજનાઓ માટે સેનાપતિઓ સિદ્ધેશ્વરને પસંદ કરતાં. એ ચારે તરફ વિકટ જંગલોથી ઘેરાયેલું તદ્દન એકાંત જેવું સ્થળ હતું. પાટણમાં જે પ્રશ્ન ચર્ચાય તે બે પળમાં હવામાં ફેલાઈ જવાનો ભય. આંહીં એ વિશેની નિર્ભયતા. સિદ્ધેશ્વરમાં લીધેલા રણનિશ્ચયોએ સામ્રાજ્યના ભાવિ નક્કી કરી દીધાં હતાં. અનેક વિજય-પ્રસ્થાનો સિદ્ધેશ્વરને નામે ચડ્યાં હતાં. ત્યાં પર્ણાશા નદીનું સાંનિધ્ય હતું. એક મોટું મીઠા પાણીનું તળાવ ત્યાં લહેરાતું હતું. ચારે તરફ જવાનાં માર્ગો ત્યાંથી મળી રહેતા. કુદરતની પણ ત્યાં જેવીતેવી બલિહારી ન હતી. ઊંચી વિશાળ ટેકરા ઉપર આવેલા એના મંદિરનો ઘુમ્મટ જોજનવા ભૂમિને માપી લેતો અને છતાં આવનારને તો એ સ્થાન શોધતાં પગે પાણી ઊતરે, એટલા અટપટાં જંગલોથી એ ઘેરાયેલું હતું.
સિદ્ધેશ્વરનો મહંત ભવાનીરાશિનો સંબંધી હતો. પાટણના રાજકારણમાં ધર્મઘર્ષણ ઊભું થયું છે એ ભણકારા એને કાને આંહીં ક્યારના આવી ગયા હતા. અજયપાલ અને નાયિકાદેવી દર્શને આવ્યાં ત્યારે એ ભણકારા એને વધુ સ્પષ્ટ સંભળાયા. ત્રિલોચનની જાતદેખરેખ અજયપાલ ઉપર હતી; પણ વાગ્ભટ્ટે એક સૂત્ર એને કહ્યું હતું: ‘ધ્યાન રાખવું, પણ બે-ધ્યાન જણાવું.’ એટલે ત્રિલોચન શાંત રીતે એની હિલચાલ જોતો રહેતો. દેથળીમાંથી આસપાસ પ્રયાણ થવાના ખબર મળતાં એ સાવધ બની જતો... પણ એ વસ્તુ વાતનો પણ વિષય ન થાય એની તકેદારી રાખી રહેતો.
અજયપાલ સિદ્ધેશ્વરમાં કોઈ અનુષ્ઠાન માટે આવ્યો હતો, એ ખબર પાટણમાં એને પહોંચી ગયા. અજયપાલનો મુકામ ત્યાં લંબાયો એટલે એ સાવધ થયો. ભવાનીરાશિને ત્યાં આવતો-જતો જોયો એટલે એની શંકા દ્રઢ થઇ. એને લાગ્યું કે કાંઈક છે ખરું. એવામાં મહારાજે પોતે જ એને આંહીં અજયપાલને મળવા મોકલ્યો એટલે એને એક પંથ ને દો કાજ જેવું થયું.
મધરાતના પ્રહરીનો અવાજ સિદ્ધેશ્વરના નાનાસરખા ઘુમ્મટમાં પડઘા પાડતો શમી ગયો કે તરત જ પાસેની જંગલ-કેડીમાંથી બે ઘોડેસવારો મંદિર તરફ આવતા દેખાયા. ઉતાવળનું કામ હોય તેમ તેઓ ત્વરિત ગતિથી આવી રહ્યા હતા.
રસ્તાના બંને પરિચિત હતા, પણ ગાઢ અંધકારને લીધે કેડી ભુલાઈ ન જાય એની તેઓ બરાબર સંભાળ લઇ રહ્યા હતા. બંને મૂંગા-મૂંગા જઈ રહ્યા હતા.
જરાક જાણીતો રસ્તો આવ્યો એટલે એમણે છુટકારાનો દમ લીધો: ‘આ જંગલ છે. ભૂલ્યા હોઈએ તો પત્તો મળવો મુશ્કેલ થઇ પડે એવું હો, અર્ણોરાજજી! નાનકડું પણ ભયંકરતામાં મોટાં અડાબીડને પણ પાણી ભરાવે તેવું!’
‘મહારાજ સિદ્ધરાજ જેવાને હાથે રણપ્રસ્થાનની મહત્તા અમસ્તું પામ્યું હશે? માલવ-સવારીનો નિર્ણય, કહે છે, મહારાજે આંહીં લીધેલો!’
ત્રિલોચનની સમક્ષ એક પળભર ભૂતકાળ ખડો થઇ ગયો. ક્યાં એ જમાનો અને ક્યાં આ જમાનો! આજના ઘર્ષણો કેટલાં ક્ષુલ્લક! તે વખતે તો મહારાજની એકચક્રી સત્તા હતી.
‘કેમ બોલ્યા નહિ, ત્રિલોચનપાલજી? તમે તો ત્યાં ભેગા હતા!’
‘શું બોલું અર્ણોરાજજી! એ જમાનો જ જાણે ગયો! આજે આપણે એક કે બીજા ઘર્ષણને ટાળવા આંહીં આવી રહ્યા છીએ તમારે ત્યાં કહે છે, મલ્લિકાર્જુનને હાથે આમ્રભટ્ટની સેના મિટ્ટીમિટ્ટી થઇ ગઈ છે! તમારાથી વાત ક્યાં અજાણી છે?’
‘ધીમે, ધીમે, ત્રિલોચનપાલજી! આ બધાં સ્થળમાં તો ઝાડવાંને પણ કાન બેઠા છે!’
‘પણ એ ઢાંક્યુંય કેટલા દી રહેશે?’
‘મહારાજને એક ઝડપી સાંઢણીસવારે સમાચાર આપ્યા ને એમની રણપ્રસ્થાન કરવાની ઉત્સુકતાનો પાર ન હતો! “ગુજરાત હારે?” ઊંઘમાં પણ એ જ બોલી રહ્યા હતા.’ અર્ણોરાજે અનુભવ કહ્યો.
‘રણસુભટતા આમ્રભટ્ટની અદ્ભુત છે, પણ લોહના સ્તંભ કાપનારી તલવારોને વિજય વરતો એ જમાનો, અર્ણોરાજજી! વહી ગયો છે. આજે તો રણસંચાલન પણ એક મહત્વની વસ્તુ બની ગઈ છે. આ મલ્લિકાર્જુન કેવળ રાહ જોવાથી જુદ્ધ જીતી ગયો લાગે છે! કહે છે આમ્રભટ્ટે સામે ચાલીને એને વિજય અપાવ્યો.’
‘એટલે તો મહારાજે આહીંથી અજયપાલજીને રાતોરાત બોલાવ્યા છે. પ્રભાત પહેલાં તો એમને પાટણમાં દાખલ કરી દેવા છે. પણ અજયપાલજી હવે માનશે? મને તો નથી લાગતું!’
‘નહિ માને તો અર્ણોરાજજી! એ સારાં ચિહ્ન નથી. પાટણની રાજલક્ષ્મી કાં તો હવે વિદાય લેવાની! મહારાજ ભીમદેવથી ગણો તો ત્રણ પેઢી થઇ ગઈ પણ ગઈ છે!’
‘પણ ત્યારે ત્રિલોચનપાલજી! મહારાજને પણ આ શી ઘેલછા લાગી છે? મદ્ય, માંસ, અમારિ, રુદતીવિત્ત – એક પછી એક કામ વધતું જ જાય છે. લોકો તો હંમેશનો એક નવો ઘોષ સાંભળે છે. ને બોલે છે કે એ... ને... મહારાજને વધુ એક ઘેલું કોઈકે લગાડ્યું!’
‘રૈયતને મોંએ ગળણું બાંધવા કોણ જાય, અર્ણોરાજજી! બાકી સમજે તો કુમારપાલજી મહારાજ ગુજરાતને ઘડે છે. એ ઘડાવાનું નથી, કારણકે ભેગા આ જૈન સાધુ પણ કાખલી કૂટવા માંડ્યા છે “એ મહારાજ જૈન થયા!” અને તેમતેમ અજયપાલજી જેવા સામો મોરચો માંડે છે કે “હું શૈવ! હું શૈવ!” મને તો આ ધાર્મિક ગજગ્રાહમાં કોઈ સારી વાટ દેખાતી નથી! એમાંથી ત્રીજો આવશે, એટલે બેય ટળવાના છે! પણ આ વાત સમજે કોણ? ને સમજાવે કોણ? આ એક સાધુ મહારાજ છે, હેમચંદ્રજી, તો એમને ભાવ બૃહસ્પતિએ ઘેરી લીધા છે. તેઓ સમર્થ મહા પુરુષ છે; એમાંથી પણ તેઓ રસ્તો કાઢશે. જોઈએ, આ પરાજયની વાત આવી છે, અજયપાલજી શો જવાબ વાળે છે!’
‘પણ તેઓ નકાર ભણશે... તો? તેઓ હવે હા નહિ ભણે. એમને હાડોહાડ લાગી ગઈ છે!’ અર્ણોરાજે કહ્યું.
‘શું હાડોહાડ લાગી ગઈ છે?’
‘એમને એમ છે કે પાટણમાં તેઓ પેસશે તો પાછા નીકળી રહ્યા! ને રાજગાદી ઉપર બેઠા કે એની છાયા પણ લીધી, તોય થઇ રહ્યું! કપાળે કોઢ ચોંટ્યો જ સમજવો. આ તો જૈનમુનિઓની મંત્રવિદ્યા! મહારાજનો રોગ આમ ચોટાડી દે! એટલે તેઓ યુવરાજ-પદ સ્વીકારવા પણ અવે તેમ નથી. ભલું એમનું દેથળી, ભલો ત્યાંનો દુર્ગ! આ પરાજયના સમાચાર આવતાં મહારાજે એમને સંભાર્યા છે ખરા, પણ તેઓ નહિ માને!’
બંને એકદમ મૂંગા બની ગયા.
સામેથી કોઈ પ્રહરી અવાજ આપી રહ્યો હતો. વાતોમાં એમને ધ્યાન ન રહ્યું, પણ તેઓ છેક મંદિરના સાંનિધ્યમાં આવી પહોંચ્યા હતા.
‘કોણ છે ત્યાં? કોણ છે?’ પ્રહરીએ ફરીને કોટની હૈયારખી પાસે ઊભા રહી અવાજ આપ્યો.
‘મહારાજ ગુર્જરેશ્વરનો વિજય હો!’ અર્ણોરાજે જવાબ વાળ્યો.
‘કોણ છે અત્યારે?’
‘વાઘેલા અર્ણોરાજ સામંત! દુર્ગપાલ ત્રિલોચનપાલજી!’
પ્રહરી ચમકી ગયો લાગ્યો. તે તરત નીચે ઊતરી ગયો હતો. દ્વાર પાસે કાંઈક હિલચાલ થતી સાંભળી, થોડી વારમાં દ્વારપાલે ડોકાબારી ઉઘાડીને પૂછ્યું: ‘કોનું કામ છે, સામંતજી, અત્યારે? મહંતમહારાજ તો પ્રભાતે મળશે. ડાબે હાથે અતિથીશાળા છે. એક સૈનિક મશાલ લઈને સાથે આવે છે!’
‘કોઈને મોકલવાનું કામ નથી, દ્વારપાલજી! અમારે તો અજયપાલજી મહારાજને અત્યારે જ મળવાનું છે. અમારી પાસે આ છે!’ અર્ણોરાજે મહારાજની મુદ્રા બતાવી.
પાછળથી આવી રહેલા પ્રકાશમાં દ્વારપાલે મહારાજની મુદ્રા ભાળી. અર્ણોરાજ વાઘેલાનું મહત્વ એનાથી કાંઈ અજાણ્યું ન હતું, તેમ જ સાથે ત્રિલોચન હતો – પાટણનો દુર્ગપાલ? તેને ના પાડવી એટલે શું એ પણ એના લક્ષ બહાર ન હતું. તે મનમાં મૂંઝાતો લાગ્યો. અર્ણોરાજ એ કળી ગયો. મહંતજીનો સ્પષ્ટ આદેશ હોવો જોઈએ: કોઈ અજયપાલજીનું પૂછે તો કહેવાનું કે તેઓ આંહીં નથી!
તેણે શાંતિથી કહ્યું: ‘દ્વારપાલજી! અમારી પાસે મહારાજની મુદ્રા છે, અને અમારે ઘણું જ અગત્યનું કામ છે. અત્યારે અમારે એમને મળવું જ જોઈએ! તમે જરા ખબર કરો ને!’
‘કોને – મહંત મહારાજને...’
‘મહંત મહારાજના દર્શન થાય તો-તો ઘણું સારું, પણ અમારે મળવું છે અજયપાલ મહારાજને! એમને જ ખબર કરો!’
‘તેઓ તો આંહીં નહિ હોય!’
‘તમારાથી કાંઈ અજાણ્યું હશે?’ અર્ણોરાજ અને ત્રિલોચનપાલજીએ સામસામી નજર-વાત કરી લીધી. તેઓ અંદર ગયા. દ્વારપાલ તેમને આવતા રોકી શક્યો નહિ, એટલે તેમને ત્યાં એક આસન ઉપર બેસારી તે ઉતાવળે-ઉતાવળે અંદર દોડ્યો ગયો.
અર્ણોરાજે વિચાર કર્યો: મહંતમહારાજની આજ્ઞા લેવા માટે જ એ જતો હોવો જોઈએ. તેણે ત્રિલોચનને કાનમાં કહ્યું: ‘વખતે ના જ આવશે. અજયપાલજીના મનમાં જે ભુંસું ભરવી દીધું છે બાલચંદ્ર જેવાએ તે જવું હવે મુશ્કેલ છે. હવે પાટણ જવું એટલે નાહી નાખવું, એવું તેઓ સમજી બેઠા છે. આમ્રભટ્ટ સેન લઈને કોંકણ જવા ઊપડ્યા એને કેટલો બધો વખત થઇ ગયો! ત્યારથી તેઓ પાટણમાં કોઈ દી ફરક્યા છે? નહિતર દેથળી તો ઢેફાવા છે!’
‘હવે ન ફરકે.’ ત્રિલોચનને પણ દેથળીની સભા સાંભરી આવી. અર્ણોરાજને એ ખબર હોય તેમ જણાયું નહિ. પણ એ એના વિચારમાં હતો. ઘર્ષણ ટાળવા માટે અજયપાલજીને દેથળી રવાના કરવામાં એનો હાથ હતો. પણ એ છતાં મહારાજ કુમારપાલને અજયપાલની વીરતા આકર્ષક લાગી હતી. એને તેઓ સમજાવવા માગતા હોય તેમ જણાતું હતું; એટલે તો એ આવ્યો હતો.
એટલી વારમાં દ્વારપાલ પાછો આવતો જણાયો. એની પાછળ જ ચાખડીનો અવાજ આવી રહ્યો હતો. મહંતજી પોતે આવી રહ્યા હતા. એક મશાલધારી એની આગળ ચાલી રહ્યો હતો.
દુર્ગપાલ ને અર્ણોરાજ બંને મહંતને જોતાં જ ઊભા થઈને તેમને નમી રહ્યા. મહંતે તેને હાથ લંબાવીને આશિર્વાદ આપ્યા: ‘કેમ દુર્ગપાલજી! મહારાજની શી આજ્ઞા લઈને આવ્યા છો? શાની વાત આ કરે છે – આ દ્વારપાલ?’ તેમણે દ્વારપાલને બતાવ્યો: ‘અજયપાલજીને મળવું છે?’
‘હા, પ્રભુ!’ ત્રિલોચને હાથ જોડ્યા. ‘અમારું કામ ઘણું અગત્યનું છે!’
‘પણ આંહીં અજયપાલજી કેવા?’ તેઓ તો અનુષ્ઠાન પૂરું થયું ને તરત ઊપડી ગયા દેથળી. મળવું હોય તો દેથળી જાઓ! આંહીં તો યુવરાજ્ઞીબા છે!’
ત્રિલોચને અર્ણોરાજ સામે જોયું. એમણે ધાર્યું હતું એ પ્રમાણે થતું હતું. અજયપાલ આંહીં જ હોવો જોઈએ, પણ એને વાતની માહિતી મળી ગઈ હોય તેમ જણાયું. અજયપાલની શોધ કરવાનો આગ્રહ રાખવો એ તો બળતામાં ઘી હોમવા જેવું હતું, પણ યુવરાજ્ઞીબાને મળતાં કાંઈક સમાધાન નીકળે એમ ધારીને અર્ણોરાજે કહ્યું: ‘તો પછી એમને મળતા જઈએ! અર્ણોરાજ વાઘેલા મળવા આવ્યા છે એટલું કહેવરાવો ને!’
પણ એટલામાં મશાલનું તેજ એક બાજુથી આવતું જણાયું. નાયિકાદેવી પોતે આવી રહી હતી. અર્ણોરાજને એક વાતની નવાઈ જણાઈ. આ નારી જ્યારે જુઓ ત્યારે તે રણનેત્રીનો પ્રતાપ ને સ્ત્રીની મૃદુતા બંનેનો અદ્ભુત સમન્વય બતાવી રહી હતી. એના અંત:કરણમાં પાટણના મહાન ભવિષ્યની આશા દ્રઢ થઇ. મહારાજ અજયપાલને ખરેખરા અર્થમાં યુવરાજપદ આપવા માગતા હોય એમ એને લાગતું હતું. તેણે નાયિકાદેવીને સમજાવવાનો નિશ્ચય કર્યો. એટલામાં નાયિકાદેવી પણ ત્યાં આવી પહોંચી.
‘કેમ, વાઘેલાજી!’ તેણે અર્ણોરાજ ઉપર દ્રષ્ટિ પડતાં જ કહ્યું: ‘કોનું કામ હતું – મહારાજનું? તેઓ તો દેથળી ગયા છે! દુર્ગપાલજી પણ સાથે આવ્યા છે? આવી ગયા આમ્રભટ્ટ? કે હજી નથી આવ્યા?’
‘ના... હજી નથી આવ્યા.’ અર્ણોરાજે જવાબ દીધો પણ તે ચમકી ગયો હતો. આમ્રભટ્ટની આંહીં ખબર પડી ગઈ હોય તેમ લાગ્યું.
‘ત્યારે તમે અંધારામાં છો, વાઘેલાજી! આમ્રભટ્ટ આવી ગયા છે!’
‘આવી ગયા છે?’
‘આવો બતાવું, આવી ગયા છે કે નહિ!’ નાયિકાદેવી બોલી, ‘ત્રિલોચનપાલજી! તમે જરા થોભો, વાઘેલાજી હમણાં પાછા આવશે!’
ત્રિલોચનને પણ એ ઠીક લાગ્યું. અર્ણોરાજ એકલો વખતે નાયિકાદેવીને સમજાવી શકે.
‘મહંતમહારાજજી, આપને નાહક ઉપાધિ થઇ. આપ સિધાવો. આમનો આતિથ્યભાર અમારા ઉપર!’
નાયિકાદેવી આગળ ને અર્ણોરાજ પાછળ એમ મંદિરના પછવાડેના એક મકાનના ત્રીજા માલ ઉપરના ઝરૂખામાં બંને આવી પહોંચ્યા. નાયિકાદેવી ઝરૂખામાં ઊભી રહી. તેણે નદીના તીરપ્રાંતમાં દૂરદૂર બળતાં અનેક તાપણાં તરફ અંગુલિનિર્દેશ કર્યો, અર્ણોરાજની નજર ખેંચવા.
‘વાઘેલાજી! તમે અમારા છો...’ તેણે કહ્યું: ‘તમે વાતને સમજો પણ છો. ઘર્ષણ ટાળવા તેઓ આંહીં દેથળીમાં બેસી ગયા છે. હવે નાહકના એમને મહારાજ શું કરવા બોલાવે છે? મેં તમને આમ્રભટ્ટનું કહ્યું તે આ જુઓ, સેન પડ્યું છે. તાપણાં બળી રહ્યાં છે તે આમ્રભટ્ટનું સેન પાછું આવ્યાનાં છે. આમ્રભટ્ટજી એવો પરાજય લાવ્યાં છે કે તેઓ પોતે તો અંધારઘેરી એક કાળી પટ્ટકુટિમાં આની પાછળ એકાંતમાં બેસી ગયા છે. આજે સાંજે જ તેઓ આવ્યા! તમે એટલા માટે મહારાજને તેડવા માટે આવ્યા છો; પણ મહારાજ આંહીં નથી!’
‘બા, મને કુમારપાલ મહારાજે મોકલ્યો છે. ને હું મહારાજ અજયપાલજીનો પણ વિશ્વાસ ધરાવું છું!’
‘પણ મહંતમહારાજે તમને ન કીધું? મહારાજ આંહીં નથી.’
‘એ ખોટું છે, બા! અજયપાલજી મહારાજ આંહીં જ હોવા જોઈએ!’
‘વાઘેલાજી!’ નાયિકાદેવી કડકાઈથી બોલી: ‘એ ખોટું નથી. મહારાજને ત્યાં ચડાવી દેવા ને કાં પાટણમાં પૂરી દેવા – કાકાજી એટલા માટે એમને બોલાવી રહ્યા છે એ શું અમારાથી અજાણ્યું છે? શું કરવા જૈન વાણિયાઓને આધારે આ ઘર્ષણ ઊભું કરો છો? મેં માંડ એ અટકાવ્યું છે!’
‘બા! મારો વિશ્વાસ પણ નથી?’
‘તમે મહારાજના ભક્ત છો!’
‘બંને મહારાજનો!’ અર્ણોરાજે હાથ જોડ્યા: ‘હું જ આ ઘર્ષણ અટકાવવામાં હતો એ તમારાથી ક્યાં અજાણ્યું છે? આજ કુમારપાલ મહારાજને લાગ્યું છે: કોઈક તંત્ર તાત્કાલિક સંભાળતો રહે. પોતે વધુ ને વધુ ધર્મપંથે વળ્યા છે. અજયપાલજી કોંકણ સેન દોરે!’
‘હવે વાઘેલાજી, એ વાત નહિ બને. હવે એ વાત ઘર્ષણ લાવશે ને એમાંથી સર્વનાશ ઊભો થાશે. એ વાત હવે જવા દો. બને તો તમે મહારાજને વારો. કાકાજી મહાન દયાધર્મને વ્યાપક બનાવવા ઈચ્છે છે, પણ અર્ણોરાજજી! કાળબળ સામે છે. જેમને રણજુદ્ધના કોઈ નિયમ નથી, દગાખોરીને જેઓ જુદ્ધ માને છે. નારીના શિયળનું જેમને ભાન નથી, જેમને માનવની કિંમત નથી, જેમને જુદ્ધનું ગૌરવ નથી, આવાં ટોળાં જ્યારે અર્બુદગિરિની આ પાર ને સાંભરદેશને સીમાડે ફરી રહ્યાં છે ત્યારે તમે આંહીં અમારિ ફેલાવવા નીકળ્યા છો! – અમારે મહારાજની એ રાજનીતિમાં ભાગ લેવો નથી! અમે તો ભગવાન સોમનાથને સમુદ્રકિનારે બેસી જઈશું – એ કબૂલ, બાકી આ મૂંડકા અમારિના રાગડા તાણે છે એમાં અમારે નથી ભળવું! નારીના શિયળ રક્ષવા જેટલું પ્રજામાં તેજ રહે, પછી ધર્મ કોઈ રહે, કે ન રહે, તોપણ અમારે બસ છે. ભગવાન શંકરને નામે એટલું અમે કરી શકે એટલે બસ!’
‘બા! એક મોટી સમજફેર મને આમાં દેખાય છે!’
‘તમારે એમ કહેવું હશે, વાઘેલાજી! કે આવશ્યક સમરાંગણો તો ખેલાતાં જ રહ્યાં છે!’
‘એટલું જ નહિ બા! એને દોરનારા મહાન મંત્રી વિમલના અનુયાયીઓ છે!’
‘વાઘેલાજી! હું નારીજાત છું. મારી બુદ્ધિ ટૂંકી હશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુનો કાકાજીએ અતિરેક આદર્યો છે. એ અતિરેક પ્રજાને હતી-ન-હતી કરી નાખશે. દયાધર્મ એ છેવટે ડાકણરૂપ થઈને તેમને જ ખાઈ જશે. આજે એ નહિ સમજાય. બે પેઢી જાશે એટલે તમારી સ્ત્રીઓ ગર્જનકોના બજારમાં હરરાજ થતી હશે! કાકાજીએ હીંચકાને એવો ફંગોળે ચડાવ્યો છે કે એ ત્યાંથી પાછો ફરશે ત્યારે સામે પાટલે જાતો ભટકાશે. આંહીં મહારાજના રોમરોમમાં અગ્નિ પ્રગટતો હું જોઈ રહી છું. મને, વાઘેલાજી! આમાં કાંઈ સારાવાટ દેખાતી નથી. જૈન ધર્મ પાળવો એ એક વસ્તુ છે, જૈન ધર્મને રાજ્યાશ્રય આપવો એ બીજી વસ્તુ છે. રાજને તો કોઈ જ ધર્મ હોતો નથી. એને ધર્મ હોય જ નહિ. જે રાજ ધર્મ પાળે તે ટળે. બાકી રાજાને અને દરેક વ્યક્તિને વંશપરંપરાનો ધર્મ હોય છે. કાકાજી એ બંને વાત ભૂલ્યા છે. મને બાંધે અંધારું દેખાય છે. તમે જાઓ, વાઘેલાજી! મહારાજ ત્યાં આવે એમાં હવે કાંઈ સાર નહિ નીકળે! હું તમને ઠીક કહી રહી છું!’
‘તે છતાં મહારાજને મારે મળવું તો છે, બા! હું મહારાજને જાણું છું. પાટણ ઉપર આપત્તિ આવે ત્યારે સોલંકીનું કોઈ બચ્ચું અંધારે ખૂણે બેસી શકે એ હું માનતો નથી, મહારાજ પણ ત્રાડ દેતા ઊભા થઇ જાશે. એક વખત મને મળવા દ્યો!’
‘વાઘેલાજી! તમે પણ પ્રામાણિક ભૂલ કરતાં હો. જે મેં સાંભળ્યું છે તે પ્રમાણે હવે કેસરીને વાણિયાની જાળમાં ફસાવવા માટે મોકલવા જેવું છે. રાજનિતિજ્ઞો એમને કપાળે કોઢ ચોટાડી દેવા ઉત્સુક છે એ પણ હું જાણું છું. જુદ્ધ-વિશારદો એમને રોળીટોળી નાખવા ખડાં છે એ પણ હું જાણું છું. દેથળીનો દુર્ગ નાનો હશે, એનો દુર્ગપતિ મોટો છે. અર્ણોરાજજી! હવે મફતનાં ફીફાં ખાંડો માં. તમારે મોડું થાય છે. મહારાજ આંહીં નથી એ તમને કહેવાઈ ગયું!’
અર્ણોરાજ સમજી ગયો. અજયપાલ – અને મહારાજ કુમારપાળ વચ્ચેનું અંતર આ સમયમાં ઘણું જ વધી ગયું છે એ એણે જોઈ લીધું. કોઈકે પાટણમાં બેઠાંબેઠાં આ કર્યા કર્યું છે. એને આમાં રામચંદ્ર – બાલચંદ્ર વિરોધભણકારા સંભળાયા. હવે આ ઘર્ષણ વધારવા માટે જ અજયપાલને પાટણ લઇ જવામાં એણે સાર પણ ન જોયો. તે ચિંતાતુર થઇ ગયો. એને પાટણનું ભાવિ અંધકારમય જણાયું. તેણે બે હાથ જોડ્યા: ‘મહારાણીબા! ત્યારે હું રજા લઉં. મહારાજને મારા પ્રણામ પહોંચાડવાનું ભૂલતાં નહિ! જય સોમનાથ!’
‘ભગવાન સોમનાથનો જય!’ નાયિકાદેવી બોલી: ‘કાકાજીને સમજાવજો, અર્ણોરાજજી, સોમનાથનું મંદિર મહાન બનાવે!’ અર્ણોરાજ એને પ્રણામ કરીને ત્યાંથી ઉતાવળે નીકળી ગયો. થોડે દૂર જઈને એણે જરા દ્રષ્ટિ પાછી ફેરવી તો નાયિકાદેવી ત્યાં અંધારામાં ઊભીઊભી પેલા ઝરૂખામાંથી રણસેનાની શિબિર જોઈ રહી હતી!