૨૦
છેલ્લી પળે
કેટલાકની પહેલી પળમાં ગગનાંગણનાં નક્ષત્રો કાવ્ય રચે છે, કેટલાકની છેલ્લી પળમાં. મહાઅમાત્યની છેલ્લી પળમાં એક અલૌકિક કાવ્ય સૂતું હતું.
કાક ભટ્ટરાજ ત્યાં એક દ્રષ્ટિએ મંત્રીશ્વરને જોતો ઊભો રહ્યો. તેના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. એ વર્ષોથી ઉદયનનો મિત્ર હતો. અનેક રણક્ષેત્રો એમણે સાથે ખેડ્યાં હતાં. મંત્રીની મૂર્છા એનું હ્રદય વિદારી રહી હતી.
એટલામાં આલ્હણજી આવ્યા. થોડી વારમાં કેલ્હણજીએ આવીને જુદ્ધ તદ્દન સમાપ્ત થઇ ગયાના સમાચાર આપ્યા. સોરઠી સુભટોને ત્યાં રણક્ષેત્રમાં જ રાખ્યા હતા. અત્યારે તો સૌના દિલમાં મહાઅમાત્યની આ ઘેનનિંદ્રા બેઠી હતી. એટલામાં ધીમાં પગલે વૈદરાજ તેમની પાસે આવ્યો. તેણે નિશાની કરી. સૌ પટ્ટઘરની બહાર નીકળ્યા.
‘કેમ લાગે છે, વૈદરાજ? મહાઅમાત્યજી...’ કાકે ઉતાવળે જ વૈદરાજને પૂછ્યું. વૈદરાજે બોલ્યા વિના આકાશ ભણી આંગળી દેખાડી, પછી તેઓ ધીમેથી બોલ્યા: ‘રાત કાઢે તો...’
વજ્રપ્રહાર થયો હોય તેમ પળભર સૌ મૂંગા થઇ ગયા.
‘મહાઅમાત્યજી વચ્ચે જરાક ભાનમાં આવ્યા ત્યારે એક માંગણી કરી રહ્યા હતા, ભટ્ટરાજ!
‘શી? શી માગણી હતી?’
‘આ પૃથ્વી ઉપરથી વિદાય લેતાં. છેલ્લી પળે સિદ્ધાચલના શિખર સમા કોઈ પવિત્ર જૈન સાધુનું દર્શન મહાઅમાત્યજી ઝંખી રહેલા જણાય છે! “સાધુનું દર્શન પામવા જેટલી પળનું જીવન મને મળે” એમ બોલીને તેઓ મૂર્છા પામી ગયા!’
મહાઅમાત્યની ઈચ્છા સાંભળતાં સૌના મસ્તક નમી રહ્યાં. આલ્હણજી અને કેલ્હણજી પણ આશ્ચર્યથી એ સાંભળી રહ્યા. પણ એટલામાં વૈદરાજ બોલ્યા: ‘છેલ્લી પળને પ્રેમભર્યું માન આપવું ઘટે છે, ભટ્ટરાજ! પણ આંહીં રણક્ષેત્રમાં તમને કોઈ સાધુ તો ક્યાંથી મળશે? મહાઅમાત્યજી એક વખત હજી ભાન પ્રાપ્ત કરશે તે વખતે એમની એ ઈચ્છા હશે!’
કાક ભટ્ટરાજ વિચારમાં પડી ગયો. આંહીં અત્યારે જંગલમાં કોઈ સાધુ ક્યાંથી મળે? કોઈને લાવવાનો તો વખત જ ક્યાં હતો? ગુર્જરેશ્વરના મહાઅમાત્યની છેલ્લી પળ વણપૂરી જાય તો-તો પછી થઇ રહ્યું!
અચાનક એને સાંભરી આવ્યું. વર્ષો પહેલાં જૂનાગઢના જુદ્ધ વખતે એ આ રસ્તે નીકળ્યો હતો. એક અદ્ભુત બહુરૂપી – ચારિત્રી – એને આંહીં પાસેના ગામડામાં જ મળ્યો હતો. એ ગામડું આહીંથી ઢેફાવા આઘું હતું. એને અત્યારે એ સાંભરી આવ્યું. આ એક જ રસ્તો હતો. એણે વિચાર કર્યો: પ્રભુ કરે ને એ બહુરૂપી જીવતો હોય! એ અદ્ભુત વેશધારી હતી. તેણે સામેની ઝાડની ઘટા તરફ દ્રષ્ટિ કરી. એણે એક સોરઠી સૈનિકને નિશાની કરી. પૂછીને તરત ખાતરી કરી લીધી. આ એ જ ગામ હતું. તેણે વૈદરાજને કહ્યું: ‘વૈદરાજજી હું આ આવ્યો. એક બે પળ લાગશે. આલ્હણજી! મંત્રીશ્વર ભાનમાં આવે તો તમે ત્યાં સુધી આંહીં જ રહેજો. હું આ ગયો ને આવ્યો.
કોઈ કાંઈ અનુમાન કરે કે સવાલ કરે તે પહેલાં તો કાકનો ઘોડો ઊપડી ગયો હતો!
કાક મારતે ઘોડે ગામડામાં પહોંચ્યો. એને ઝાંખીઝાંખી સ્મૃતિ રહી ગઈ હતી. ચોરા પાસે જ એક વંઠ રહેતો હતો. તેણે જઈને બારણાની સાંકળ ખખડાવી.
સાંકળ ઊઘડી. એક આદમી સામે ઊભેલો દેખાયો. કાકના આનંદનો પાર ન રહ્યો. જે વંઠને એ એક વખત મળ્યો હતો તે જ ત્યાં ઊભો હતો. તેણે એના તરફ દ્રષ્ટિ કરી. વર્ષોની વાત, પણ જાણે એક વર્ષ પણ એના ઉપર ગયું ન હતું! દેખાવે એવો ને એવો હતો. તેણે પૂછ્યું: ‘નાયક વીરણાગજી તો નહિ?’
શબ્દને બદલે મોં ઉપરની એક નીશાનીમાં આવી ગયો. કાકે તરત કહ્યું: ‘તમારું કામ પડ્યું છે, વીરણાગજી! મને ઓળખો છો? હું ગુર્જરેશ્વરનો સુભટ્ટ, મારું નામ કાક!’
વીરણાગે જવાબ આપતાં એવો અવાજ કાઢ્યો કે કાક ચમકી ગયો. એને લાગ્યું કે જાણે પોતે પોતાને જ સાંભળી રહ્યો છે!
‘વીરણાગજી! મારું કામ ઉતાવળનું છે. એક પળ ગુમાવવી પોસાય તેમ નથી. ગુર્જરેશ્વરના મહાઅમાત્ય આંહીં પાસે પડ્યા છે – મૃત્યુશય્યા ઉપર. જૈન સાધુનું દર્શન તેઓ ઝંખે છે. આંહીં કોઈ મળે તેમ નથી. એમના આત્માને સંતોષ આપવાનો છે. તમે જલદી ચાલો. તમે સાધુ બની જાઓ. હું તમને સુવર્ણમુદ્રાથી ઢાંકી દઈશ.
વીરણાગ કાક સમે જોઈ રહ્યો. એટલામાં એનો નાનકડો છોકરો એને ઘરમાંથી કાંઈક કામે બોલાવવા આવતો જણાયો. વીરણાગે એની સામે એવી રીતે જોયું કે છોકરો એણે બોલાવવાનું જ ભૂલી ગયો. તે હસી-હસીને બેવડ વળી જતો હતો.
કાકને પણ આ તાલ જોઇને હસવું આવી ગયું. પણ તેણે તરત વીરણાગને કહ્યું: ‘વીરણાગજી એકએક પળ કીમતી છે. ગુર્જરપતિના મહાઅમાત્યની મૃત્યુપળ ઉજ્જવળ કરવી છે. ઉતાવળ કરો તો કામ થાય.’
વીરણાગ એકદમ અંદર દોડ્યો ગયો. બે પળ પછી એ બહાર આવ્યો ત્યારે જાણતો હતો છતાં કાક ભૂલમાં હાથ જોડીને એને વંદના કરી ગયો! એની સામે આબેહૂબ જૈન સાધુ જાણે ઊભા હતા. ચહેરામાં એ જ નમ્રતા બેઠી હતી. આંખમાં એ જ પ્રેમનો સાગર છલકાઈ રહ્યો હતો. મુખમુદ્રામાં શીળી ચાંદની રેલાઈ રહી હતી. શુભ્ર વસ્ત્રમાં દેહ શોભી રહ્યો હતો. બગલમાં રજોહણ ને એક હાથમાં દંડ હતો. બીજામાં મૂંહપત્તી હતી. ખભે ઉપકરણોની પોટલી શોભતી હતી.
કાકે બોલ્યા વિના જ એને નિશાની કરી. પોતાની જ પાછળ ઘોડા ઉપર એને લઇ લીધો. તેણે મારતે ઘોડે વાટ પકડી. એના મનમાં મહાઅમાત્ય જીવતા હશે કે નહિ એની ગડભાંગ ચાલી રહી હતી.
કાક પહોંચ્યો ને તેણે વૈદરાજને અને આલ્હણજીને બહાર ઊભેલા જોઇને છુટકારાનો દમ ખેંચ્યો. હજી મહામંત્રીશ્વર ભાનમાં આવ્યા ન હતા. એ પહોંચ્યો-ન-પહોંચ્યો ને અંદરથી કેલ્હણજી દોડતા આવતા દેખાયા. એકદમ વીરણાગને બહાર રાખી સૌ અંદર દોડ્યા. મહાઅમાત્યે જરાક આંખ ઉઘાડી હતી. મૂંગામૂંગા તેઓ પટ્ટધરને જોઈ રહ્યા હતા. એમની સ્મૃતિ જાણે કંઈક યાદ કરતી જણાઈ. એક પળ ગઈ ને એમણે કાકભટ્ટને નિશાની કરી. કાક હાથ જોડતો આગળ ગયો. ધીમે સાદે મહામંત્રીએ કહ્યું: ‘કાક ભટ્ટરાજ?’
‘હા, પ્રભુ! હું કાકભટ્ટ છું. આ આલ્હણજી આંહીં રહ્યા. કેલ્હણજી પણ આ રહ્યા! કેમ લાગે છે, પ્રભુ!’
‘જુદ્ધ?...’ મંત્રી માંડ બે શબ્દ બોલી શક્યો.
‘જુદ્ધ જીતાઈ ગયું છે, પ્રભુ! સોરઠી ભાગ્યા છે. સમરસ તળ રહ્યો. છોકરો શરણે આવ્યો. સામંતો હથિયાર છોડી હેડમાં બેઠા છે!’
મહાઅમાત્યના મોં ઉપર પ્રસન્નતાનું એક કિરણ પ્રગટી ઊઠ્યું. પળભર આંખ ચમકી ગઈ. એમાં અનોખું તેજ આવ્યું.
‘ભટ્ટરાજ! પણ મારાં ત્રણ કામ બાકી રહી જાય છે! તે પૂરાં કર્યા વિના જાવું પડે છે!’
‘પ્રભુ! સતાયુષ હો! વૈદરાજને આશા પૂરેપૂરી છે!’
‘વૈદરાજ તો આશા આપે, એનું કામ જ મૃત્યુ ઠેલવાનું, પણ હવે આ નહીં ઠેલાય. હવે ઠેલાય એમાં મજા પણ નથી. આવું ધામ, આવું મરણ, આવો સમો! એ કાંઈ વારેવારે મળે? પણ વિમલાચલજીનું પાષણમંદિર મનમાં રહી ગયું છે!’
‘વાગ્ભટ્ટજી એ કરશે પ્રભુ! મારો કોલ છે – એની પાસે કરાવવાનો.’
‘બીજું, આંબડ દંડનાયક તરીકે સ્થિર થઇ ગયો હોત – ત્યાં ભૃગુકચ્છમાં... એ ત્યાં શોભી ઊઠત! ત્યાં શકુનિકા વિહાર બાંધવો રહી ગયો છે!’
‘એને ત્યાં સ્થિર કરાવવાનું મારા ઉપર, પ્રભુ! વાગ્ભટ્ટજી મદદ કરશે. મહારાજનું વેણ મારે અપાવી દેવું, બસ? શકુનિકાવિહાર તો આમ્રભટ્ટ બંધાવશે એવો કે ત્રિલોકમાં એની મોહિની ફેલાવશે! આમ્રભટ્ટ બંધાવશે ત્યારે ફરીને આરસમાં કાવ્યો ઊભાં થશે! એ તો થશે જ, પ્રભુ! બીજું કાંઈ મનમાં? કોઈને કાંઈ કહેવાનું?’
‘ગુરુદેવને વંદના. મહારાજને પ્રણામ. આંબડને આશીર્વાદ. એક વળી રહી જાય છે મનમાં, કાકભટ્ટ!’
‘પ્રભુ! અમે ખડે પગે ઊભા છીએ. જે હોય તે મહારાજ નિ:શંક બોલે!’
‘કોઈ નિર્યામક વિનાનો મરણ મહોત્સવ માણવાની જાણે મન ના પાડે!’
‘નિર્યામક? પ્રભુ?’
‘કોઈ જૈન સાધુનું દર્શન! અંતિમ પળની આરાધના વિના જાણે જીવન કડવું-ઝેર થઇ જતું લાગે છે. એકબે પળ કોઈ મળી જાય! મહાવીરપ્રભુનો મહિમા ગાતાંગાતાં ચાલ્યા જઈએ!’
‘બે પળમાં સાધુમહારાજ આવે, પ્રભુ! આંહીં પડખેના ગામડામાંથી એક આવ્યા છે!’
‘આ..હા! પ્રભુએ લાજ રાખી ખરી!’
‘હું આ આવ્યો, પ્રભુ...’ કાક વંદના કરતો બહાર દોડ્યો ગયો.
બે પળ પછી એ વીરણાગજીને લઇ દેખાયો. મહાઅમાત્યજીના ચહેરા ઉપર ઊંડી આત્મપ્રસન્નતાનું એક કિરણ દેખાયું. તેમણે બે હાથ જોડીને વીરણાગજીને વંદના કરી. પણ એ વંદના એટલી તો આત્મશ્રદ્ધાથી થઇ હતી કે વીરણાગજી નાયક પોતે પણ પોતાના વેશપરિવર્તનના વિજયનો મનસંતોષ જાણે ભૂલી ગયો હોય તેમ ‘ધર્મલાભ’ કહેતાં એક પળ ઊંડો ઊતરી ગયો!
આલ્હણજી, કેલ્હણજી ને કાકભટ્ટરાજ ત્રણે એ વંદનાની એટલી એક નાનીસરખી સાચભરપૂર ક્રિયાથી જાણે રંગાઈ ગયા હોય તેમ ભક્તિવિનમ્ર બની ગયા હતા. એમનાથી પણ અચાનક જ હાથ જોડાઈ ગયા હતા!
નવકારમંત્રની ધૂન ઊપડી.