Rajashri Kumarpal - 19 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 19

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 19

૧૯

જુદ્ધભૂમિમાં

મધરાત ભાંગ્યા પછી તરત અંધારી રાતમાં જ ઉદયન સોરઠ તરફ ચાલી નીકળ્યો. આલ્હણજી ને કેલ્હણજી પણ એની સાથે હતા. એના મનથી એણે પાટણમાં કરવાનું બધું કરી લીધું હતું. અજયપાલ ઉપર ત્રિલોચનની જાત-ચોકી બેસી ગઈ હતી. આલ્હણ-કેલ્હણ એની સાથે હતા. ધારાવર્ષદેવજી આબુ જતા રહ્યા હતા. સોમેશ્વર આમ્રભટ્ટ સાથે હતો. જેની દરમિયાનગીરીથી સામંતોનું ઘર્ષણ બળવાન થઇ તાત્કાલિક ભડાકા થતાં વાર લાગે નહિ એવો કોઈ હવે પાટણમાં હતો નહિ. અને પ્રતાપમલ્લ મહારાજ પાસે રહેતો હતો. પટ્ટણીઓ એને ભાવિ વારસ ગણે તેવું વાતાવરણ હતું. વળી ગુરુદેવ ત્યાં મહારાજ માટે પૂર્વભૂમિકા ઘડી રહ્યા હતા. વળી શાસનદેવની કૃપા થઇ તો ભાવ બૃહસ્પતિ ને દેવબોધ એ બધાનો વિરોધ પણ નિર્મૂળ થઇ જવાનો. જૈનશાસનની મોટામાં મોટી સેવા કર્યાનો આત્મસંતોષ મંત્રીના મનમાં બેઠો હતો. હવે એક વિમલાચલની જાત્ર થઇ જાય – પછી એને જીવનમાં કોઈ વાતની ઊણપ દેખાતી ન હતી. આ સંગ્રામને એ જાત્રા જ લેખી રહ્યો હતો. 

વઢવાણ સુધી એ પહોંચ્યો. એટલામાં કોઈ વિરોધી બળ દેખાયું ન હતું. રાણો સમરસ  હજી જૂનાગઢ પાસે પડ્યો હતો. કદાચ ત્યાં જુદ્ધ થાશે એમ જણાતું હતું. 

વઢવાણ આવ્યા પછી કાક પાસેથી ખબર સાંભળી. રાણા સમરસને બહુ સાથ મળ્યો ન હતો, પણ તે જાતે ઓછો બળવાન ન હતો, બર્બરકની સહાયતાથી એ ગુર્જર સૈન્યને રસ્તામાં ભિડવવાની આશા રાખતો હતો. 

એટલે ઉદયને વઢવાણથી જ સૈન્યને બે વિભાગમાં વહેંચી નાખ્યું. એક ભાગને કાક દોરવાનો હતો. ચોટીલા ડુંગરને ડાબી બાજુએ રાખી દઈ સીધા જૂનાગઢ તરફ એને જવાનું હતું. બીજા ભાગને ઉદયન-કેલ્હણજી દોરવાના હતા. ધંધૂક માર્ગે થઇ તેઓ વલ્લભીને રસ્તે વિમલાચલ બાજુથી જુનોગઢ પહોંચે એવી યોજના હતી.

બંને સૈન્ય ભેગાં થાય પછી જ મોટો હલ્લો કરવો એમ નક્કી થયું. રાણો સમરસ હજી જૂનાગઢ પાસે પડ્યો હતો. 

પણ મહાઅમાત્યની સેના ઊપડી ત્યારથી જ બર્બરક એની પાછળ પ્રયાણ કરી રહ્યો હતો. એણે એક વિધ્યુવેગી સાંઢણી રવાના કરીને સમરસને જૂનાગઢ પેથી ખસી જવાનાં સમાચાર મોકલી દીધા હતા. બે સૈન્યની વચ્ચે આવ્યા વિના એમને જુદાજુદા હંફાવતા રહેવાની એની નેમ હતી. ગમે તેમ પણ મહાઅમાત્ય પાછો પાટણ ન ફરી શકે અને સોરઠમાં જ તળ રહી જાય એટલે એનું વેર પૂરું થતું હતું, એથી વધુ રસ એને આ જુદ્ધમાં ન હતો. 

ઉદયનનું સેન દડમજલ કરતું સીધું વિમલાચલની તળેટી સુધી આવી પહોંચ્યું ત્યાં સુધી કોઈ ફરક્યું નહિ એટલે રાણો સમરસ જૂનાગઢને પડખે જ જુદ્ધ આપશે એમ જણાતું હતું. હજી પણ એણે જૂનોગઢ છોડ્યું હોય તેમ જણાતું ન હતું. 

પણ સમરસે એક ભુલભુલામણી સરજી કાઢી હતી. એની સેના જૂનોગઢ પડી હોય તેવો એણે દેખાવ રાખ્યો હતો. કેટલુંક સેન ત્યાં પડ્યું રહ્યું હતું, પણ મોટાભાગનું સેન લઇ એ ક્યારનો બર્બરકને આવી મળ્યો હતો. મંત્રીના સેનની પાછળ-પાછળ એમની સેના આવી રહી હતી. 

મંત્રીશ્વરે વિમલાચલ પાસે એકબે દિવસ થોભી જઈ પછી જૂનાગઢ તરફ જવાનો વિચાર કર્યો હતો. તેણે ત્યાં મુકામ નંખાવ્યો. રાતદિવસના પ્રતિહારો ગોઠવાઈ ગયા. ફરતી ચારચાર જોજન જમીનમાં કોઈ પડ્યું છે કે નહિ એની તપાસ થવા માંડી. વિમલાચલના દર્શન કરી પછી આગળ વધવાનો ઉદયનનો સંકલ્પ હતો. પણ એને આંહીંથી હવે બહુ આગળ વધવા ન દેવો એવો સંકેત બર્બરકે પણ સમરસ સાથે ગોઠવ્યો હતો. 

મંત્રીશ્વર વિમલાચલ ઉપર દર્શન કરવા ગયો. ભક્તિવિનમ્ર હ્રદયે તે ત્યાં નમી રહ્યો હતો. ઘીની દીપકમાલ પવિત્ર જ્યોતિ સામે એ એક-નજર થઇ ગયો હતો. એટલામાં એક રમતુંભમતું ઊંદરડું ત્યાં આવી ચડ્યું. ઘી દેખીને એનો મોહ વધ્યો. કોઈ ત્યાં નથી એ જોઇને એને હિંમત આવી. એણે વાત ઉપાડી અને કાષ્ઠમંદિરના પોતાના બિલમાં પ્રવેશ કર્યો.

ઉદયનને ત્યાં ને ત્યાં વિચાર આવ્યો: ‘ત્રણ વસ્તુ દુનિયામાં અદ્વિતીય ગણાય છે: વિમલાચલ પર્વત, ગજેન્દ્ર પદકુંડ અને નવકારમંત્ર. રેવતાચલને તો વંદન કરવાથી પુનર્જન્મ ટળે છે, પણ વિમલાચલના તો સ્પર્શમાત્રથી. એ વિમલાચલ ઉપર આવું કાષ્ઠનું મંદિર? એને તો આ એક ઉંદરડું પણ સળગાવી દે! એણે ત્યાં ને ત્યાં અભિગ્રહ-સંકલ્પ લઇ લીધો: ‘આ યુગાદિદેવનું મંદિર પથ્થરનું ન બને ત્યાં સુધી તાંબૂલત્યાગ!’

તે દિવસે અરધી રાત વીત્યે સોલંકી છાવણીમાં એક ઝડપી સાંઢણી સવાર આવી પહોંચ્યો. તેણે મોંએ બુકાની બાંધી હતી. વસ્ત્રો પણ કાળાં જેવાં પહેર્યા હતા. તે ચોરપગલે મહામંત્રીના પટ્ટધર (તંબુ) સુધી આવ્યો. એને આવતો જોઇને દ્વારપાલે હાકલ કરી: ‘કોણ?’

જવાબમાં પેલાએ એક સંકેતશબ્દ કહ્યો, એટલે એને માટે તરત રસ્તો થઇ ગયો. તે અંદર ગયો અંદર ઝાંખા દીપપ્રકાશમાં એણે નજર કરી. મંત્રીશ્વર એની રાહ જોતો લાગ્યો: ‘કેમ? કાકભટ્ટ! તમે સમાચાર મોકલ્યા તે સાચા! સોરઠીઓએ તો ભારે દગો દીધો! તમે એકલા જ છો કે આવે છે બીજું કોઈ?’

‘સેનનો આગલો ભાગ બપોર લગભગ આવી પહોંચશે. પણ સમરસ ને બર્બરક તો પ્રભાત ફૂટતાં જ હુમલો કરવાના લાગે છે. આંહીંથી ત્રણ જ જોજન હોવા જોઈએ. એ ખબર મને પડી ને હું મારતી સાંઢણીએ આવ્યો છું. મારી સાથેના પાંચસો સવાર તો ક્યાંય પડ્યા છે.’ 

‘તો આપણે સામે જ ઊપડીએ. આપણે પણ કોની વાર છે? આલ્હણજી આવે કે તરત ઊપડવાની આજ્ઞા કરી દઈએ! સોરઠાં તમામ દગાખોર! એનાં પાઘડાં જ જુઓ ને! આપણે માન્યું કે એ હજી જૂનોગઢમાં પડ્યો છે!’

‘એણે તો, પ્રભુ! દેખાવ ત્યાં પડ્યા રહેવાનો હજીયે રાખ્યો છે. પણ એ ભલે સપનાં સેવતો. આપણે એક કળી લીધું ને તરત પ્રયાણ કર્યું, એણે સૂતો રાખીને. આંહીં એ આવશે ત્યાં એ સૌને તૈયાર જોશે. એને બર્બરકે છાનો ઘા મારી લેવાનું શીખવાડ્યું હતું. બાબરું પણ એનું મર્કટી યંત્ર લઈને ભેગું હાલ્યું છે!’

‘આવવા દો બાબરાને પણ. ભલે આવતો. આ આલ્હણજી આવ્યા!’ ડોસો આલ્હણજી તલવાર બાંધી હાથમાં જબરજસ્ત ભાલો રાખી આવી પહોંચ્યો હતો. એના ભાલાની તોલે વિશ્વમાં કોઈ બળ નથી એવી એની આત્મશ્રદ્ધાએ મંત્રીને ડોલાવી દીધો: ‘આલ્હણજી! તમે આવ્યા તે બહુ સારું થયું. કાકભટ્ટ સચેત રહ્યા છે, એટલે સોરઠાં દગો તો કરી રહ્યાં. ને સામે મોંએ તો જેનામાં પાણી હશે તે જીતશે. આપણે સેન ઉપાડીએ. તો એને રસ્તે જ રોકી દઈએ. તમારું શું ધારવું છે?’

‘પહેલો ઘા ને પેલું પતરાળું લાખનાં; ભા!’

બે પળમાં રણશિંગું સંભળાયું. શંખનાદ થયા. રણવાજિંત્રો ગાજી ઊઠ્યાં. થોડી વારમાં તો તમામ સેન તૈયાર થઈને આગળ ચાલ્યું.

પ્રભાત થતાં-થતાંમાં તો એમણે એક જોજન જમીન કાપી નાખી. હજી ઝાંખું અજવાળું થતું આવતું હતું. કાંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. આથમણી કોર ઘૂળ દેખાતી હતી. ઉદયને કાકને કહ્યું: ‘કાકભટ્ટ! આથમણી કોર નજર કરો તો! ધૂળના ગોટા શેના? આવ્યા કે શું? તો આપણે આંહીં જ ગોઠવાઈ જાઓ. પાછળ ટેકરી પણ છે.’

કાકે ત્યાં જોયું તો ધૂળના ગોટેગોટા ઊડી રહ્યા હતા. સોરઠનું સેન ઝપાટાબંધ ધસતું આવી રહ્યું હતું. તેણે ડોકું ધુણાવ્યું: ‘સોરઠાં જ છે, પ્રભુ!’

ગુજરાતનો સેનાવ્યૂહ તરત રચાવા માંડ્યો. સૌથી આગળ કાકભટ્ટ રહ્યો. વચ્ચે ઉદયન મહાઅમાત્ય. પાછળના ભાગમાં આલ્હણજી હતા. પડખું જાળવવાનું કેલ્હણજી માથે આવ્યું. એક પડખે ટેકરી રાખી દીધી. પહેલો ઘા એ કરે પછી જ આપણે શરુ કરવું એવી મંત્રણા થઇ ગઈ. એ નિશ્ચય કરીને પોતપોતાનું થાનક સંભાળે છે, ત્યાં, જેમ આકાશમાંથી વરસાદ પડે તેમ ગડગડિયા પાણા પડવા માંડ્યા.

‘બાબરો પહોંચ્યો લાગે છે. કાકભટ્ટરાજ! આ ગડગડિયા એના! આપણે ભીલસેનાને આગળ ધપાવો એના વિના એ સીધો નહિ થાય! તીરોનો મારો ચલાવો.

ભીલસેના આગળ વધી. ગોધ્રકપંથના એ તીરંદાજો પાસે ભલભલાનાં નિશાન પાણી ભરે! એકસાથે સેંકડો તીરો છૂટ્યાં અને સોરઠનું સેન આગળ વધતું અટકી ગયું. તેઓ સમજી ગયા હોય તેમ જણાયું ગુર્જરોનું સેન લડવા માટે તૈયાર જ ઊભું હતું. 

પછી તો સામસામા હોંકારા થયા. આહ્વાન અપાયાં. નામે-નામે જોદ્ધાઓ આથડ્યા. વાજિંત્રો ઊપડ્યાં. રણભેરી વાગી. શંખો સંભળાયા. બિરદાવલી ગાતા ચારણોએ આકાશ ધ્રુજાવી દીધું. ધૂળની ડમરીઓ ચડવા માંડી. અધીરાં ઘોડાંની હાવળ સંભળાઈ. રથો આગળ ધસ્યા. તલવારી ચમકી. ભાલાં અથડાયાં. સ્વર્ગની અપ્સરાની અને પુષ્પવૃષ્ટિની કાવ્યપંક્તિઓએ માણસોને અમરત્વ આપી દીધું. મરવું માણસને સહેલું થઇ પડ્યું. જીવવું નકામું જણાવા માંડ્યું. શૂરાઓની નસોમાં લોહી ધસમસી રહ્યાં. પૃથ્વી કંપવા માંડી. જુદ્ધનો રંગ રંગે ચડતો ગયો. 

કાકભટ્ટે સિંહની ઝડપ આદરી. આલ્હણજી આગળ વધ્યા. કેલ્હણે ઘોડો ધપાવવા માંડ્યો. ઉદયનના તીરના વરસાદે કૈક માથાં રંગી નાખ્યાં. કોણ મારે છે, કોણ મર્યો, કોણ ભાગ્યો, કોણ જીવતો થયો – કાંઈ કહેતાં કાંઈ જોવાની કોઈને ફુરસદ જ ન રહી. તલવારની ધારમાં જીવન બેઠું હતું. ભાલાની અણી ઉપર મૃત્યુ લટકતું હતું. ઢાલની રખેવાળીમાં વીરકાવ્યો લખાતાં હતાં. ઘોડાની ચપળતાએ ઉડાડેલી ધૂળમાં વીરોની શૂરવીરતાના પડઘા ઊઠતા હતા. ક્યારે નિશાન લે છે, ક્યારે ઘા કરે છે, ક્યારે ઘા મારે છે, ક્યારે ઘા વાળે છે, ક્યારે ઘા ધારે છે, ક્યારે ઘા ટાળે છે, ક્યારે દાવ છૂટી પડે છે, ક્યારે દાવ જંગ જીતી દે છે – એકએક પળમાં આંહીં જ્યાં જીવનમૃત્યુના રંગ ઊડી રહ્યા હતા ત્યાં કોઈને બીજું કાંઈ જોવાની જાણે કે આંખ જ ન હતી. કેવળ તલવારો દેખાતી હતી. ભાલાં જોવાતાં હતાં. તીરો દેખાતાં હતાં. માણસોમાં મરી ફીટવાની ઘેલછા જોવાતી હતી. કોઈને પીછેહઠ કરવી ન હતી. જુદ્ધ જામતું જ ગયું. 

બપોર થતાં સુધીમાં તો રણભૂમિની ભેળંભેળાએ રૌદ્રરસની પણ પરિસીમા દેખાડી દીધી. બરાબર બપોરના સમયે એક મહાન શલ્યા બર્બરકના મર્કટી યંત્રમાંથી ઊડતી દેખાઈ. કોઈ પર્વતશૃંગ છૂટ્યું કે શું એ જોવા જોદ્ધાઓ પળભર થોભ્યા, એટલામાં તો જાણે એ બરાબર પોતાનું નિશાન જાણતી હોય તેમ મહાઅમાત્યના માથા ઉપર ઊતરી. મહામંત્રીશ્વરની જુવાનને શરમાવે તેવી એક ચપળ ઘોડાચાલે શલ્યા તો પડખે ઊતરી ગઈ, પણ તેના એક જબરજસ્ત ધક્કાએ મહાઅમાત્ય ઘોડા ઉપરથી નીચે જઈ પડ્યા. શલ્યાનો ઘા તો જરાક જ હતો, પણ એ ભયંકર હતો. મહાઅમાત્યને મૂર્છા આવી ગઈ હતી. 

કાકની દ્રષ્ટિ એ તરફ જ હતી. એ તરત ચેતી ગયો. એક પળ પણ ઢીલ થશે તો  મહાઅમાત્યનું મૃત્યુ અનિવાર્ય હતું. પોતે રણક્ષેત્ર છોડે એ પણ અશક્ય હતું. મહાઅમાત્યની મૂર્છાનો શબ્દ ફેલાય તો આખા સૈન્યનો ઘાણ નીકળી જાય. તેણે ચારે તરફ નજર માંડી – કોઈ નજરે પડે તો! તેણે પોતાની પડખે જ આયુધને દીઠો. એક શબ્દમાં એણે એને આખી વાત કહી નાખી: ‘આયુધ, દોડ! અમાત્યજી!’ અને તરત જ આયુધને પાછળના ભાગમાં મહાઅમાત્યની દિશામાં અદ્રશ્ય થઇ જતો એણે જોયો. એને હૈયે ધરપત વળી. એણે રણરંગ પલટાવવા જબરજસ્ત શંખનાદ કર્યો. પોતે આગળ ધસ્યો. થોભવાનો સમય ન હતો. 

બરાબર એ જ વખતે જાણે એ શંખનાદને ઝીલી લેતી હોય તેમ, પાંચસોએક ઘોડેસવારોની મોટી જુદ્ધઘોષણા પશ્ચિમ દિશામાંથી ઊઠતી કાકે સાંભળી. એ જુદ્ધઘોષણાએ આકાશ વિંધાઈ ગયું હતું. તેણે છુટકારાનો દમ ખેંચ્યો. એનું પાછલી હરોળનું સેન આવી પહોંચ્યું હતું. એ જુદ્ધઘોષણાએ ને પાંચસો ઘોડેસવારોના વિધ્યુદ્વેગી આક્રમણે સોરઠી સેનમાં ભંગાણ પાડી દીધું લાગ્યું. મર્કટી યંત્રને મૂકીને ભાગી જતો બર્બરક એની દ્રષ્ટિએ પડ્યો. કાકને નવાઈ લાગી. બાબરો ભાગે? એને તરત યાદ આવ્યું. એણે એનું વેર લઇ લીધું હતું! વેરનો સંઘરનારો ખરો!

પણ બર્બરક ભાગ્યો એટલે તો સોરઠીઓમાં એકદમ ભંગાણ પડ્યું. સૌને થયું કે હવે ભાગવાનું છે. ઘોડાં ભાગવા માંડ્યાં. જેને જે ઠીક પડે તે દિશા પકડી લીધી. ધણીધોરી વિનાનું હોય તેમ દળ ચારે કોર ભાગ્યું. સમરસ મરી ગયાની બૂમ પડી. રણક્ષેત્રનો આખો દેખાવ બદલાઈ ગયો. કેટલેય સુધી ધૂળના ગોટેગોટામાં માણસો ને ઘોડાંઓ અટવાતાં જણાયાં. એટલામાં તો એક સાતઆઠ વર્ષના છોકરાને આગળ કરીને, હાથ લાંબા કરીને હથિયારના વપરાશની ના પાડતા. પાંચ સાત વૃદ્ધો આવતા દેખાયા. તેમના મોખરે એક ચારણ હતો: એ પણ મહાઅમાત્યને મળવા આવી રહ્યો હતો. કાક ચેતી ગયો. તેણે ગર્વથી કહ્યું: ‘પહેલાં મારી સાથે વાત કરો. ગુર્જરેશ્વરના મહાઅમાત્યને એમ મળાતું નથી. શી છે તમારી વાત? આ કોણ છે?’

‘અરે, ભા! રાણો સમરસ સિધાવી ગ્યા પછી અમારે કોના માટે હવે લડવાનું હતું? આ એના ફૂલને મહાઅમાત્યજી સંભાળી લે એટલે અમે ગંગ નાયા! મોટો થાય ત્યારે બાપનું નામ જાળવે એટલે બસ!’

‘તો તમે આંહીં બધા હથિયારના ઢગલા કરીને બેસી જાવ. મહાઅમાત્યજી તમને પછી બોલાવશે.’ સામંતો ત્યાં હથિયાર નાખીને બેઠા. એટલે તો જુદ્ધમાં ઓટ જ આવી ગયો. ઘડી પહેલાં આંહીં હજારો જણા જુદ્ધે ચડ્યા હતા એવું કોઈને લાગે જ નહિ એવું થઇ ગયું. રડ્યાખડ્યા કોઈકોઈ ઘોડેસવાર પાટાપીંડી કરાવવા માંડમાંડ નાસી છૂટતા દેખાયા. કાકે તરત જ ચારે તરફથી રણભૂમિને પોતાના ચોકીદારો નીચે મૂકી દીધી ને એકદમ મહાઅમાત્યની ખબર કાઢવા દોડ્યો. આલ્હણજી-કેલ્હણજીને કહેવરાવી દીધું: ‘જલદી આવો, મહાઅમાત્યજી તમને કાંઈ અગત્યના કામે મળવા માગે છે.’ એ પટ્ટઘરમાં આવ્યો તો ત્યાં આયુધને નીચે  મોંએ ઊભેલો એણે દીઠો. તે વાત સમજી ગયો. ઉતાવળે અંદર ધસ્યો.

પટ્ટઘરમાં ગુર્જરેશ્વરના મહાઅમાત્યને એણે નિંદ્રામાં પડેલ જોયો. એ નિંદ્રા હતી કે મૃત્યુ હતું તે કોઈ જાણતું ન હતું. મહાઅમાત્યને ભાનમાં લાવવા એકલો વૈદરાજ ત્યાં મૂંગોમૂંગો ઔષધિઓ બદલી રહેલો દેખાયો. કાક ત્યાં આવીને ગુપચુપ ઊભો રહી ગયો.