Rajashri Kumarpal - 18 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 18

Featured Books
Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 18

૧૮

મહાઅમાત્યની વિદાયઘડી

રાજમહાલય સમા ઉદા મહેતાના વાડામાંથી તે દિવસે એક પાલખી ગુરુની પૌષધશાળા ભણી ગઈ અને ત્યાં અમાત્યના પાછા ફરવાની રાહ જોતી થોભી રહી. મહેતાના મનમાં દેથળીના દરબારગઢની વાત રમી રહી હતી. કોઈ રીતે ઘર્ષણ અટકે, છતાં જૈન ધર્મ એ તો રાજધર્મ જેવો જ થઇ રહે અને પ્રતાપમલ્લનો જ વારસો ચોક્કસ થાય એ એને કરવાનું હતું. સોમનાથ ભગવાનની પરંપરાને જરા સંભાળી લેવાની જરૂર એને લાગી હતી. એના મનમાં આ બધી વાત ભરી હતી. તે પૌષધશાળામાં ગયો તો ત્યાં જાણે એક નવી જ સૃષ્ટિ હતી! ત્યાં તો ગુરુ હેમચંદ્રાચાર્ય હંમેશના નિયમ પ્રમાણે શબ્દ-મહાર્ણવમાં નિમજ્જિત હતા! આંહીંની આ દુનિયામાં જાણે કે શબ્દો સિવાય કાંઈ જ સ્થિર ન હોય તેમ શબ્દોની જ ઉપાસના ચાલી રહી હતી. અને ખરેખર હતું પણ તેમ જ. આંહીં આટલી આ દુનિયા શબ્દોની ઉપાસનાની હતી, તો ત્યાં બોલાતા શબ્દો એ આખી દુનિયાના મુસાફર હતા. ઉદયને ત્યાં સેંકડો લહિયાઓને પોતપોતાના કામમાં મગ્ન દીઠા. એક જગ્યાએ તો સોનેરી શાહીઓમાં ‘યોગશાસ્ત્ર’ લખાઈ રહ્યું હતું. ઉદયન એ સઘળું નિહાળતો આગળ ગયો, ગુરુને પ્રણામ કર્યા. એ ત્યાં બેઠો-ન-બેઠો ને કોઈની અસાધારણ શુદ્ધ ગીર્વાણ વાણી સંભળાતાં સૌ ચમકી ગયા હતા. દ્વાર ઉપરથી જ એ અવાજ આવી રહ્યો હતો.

એક જ પંક્તિ બોલીને આવનાર ત્યાં દ્વાર ઉપર ઊભો રહી ગયો હતો. પણ એની ભરપટ ઊંચાઈ, અસાધારણ વ્યક્તિત્વ, પ્રેમભર્યો મોહક રૂપાળો ગૌર ચહેરો, એમાં શોભી રહેલું કેસરીચંદનનું ત્રિપુંડ અને એની આંખમાં બેઠેલી અસામાન્ય મેઘા – હેમચંદ્રાચાર્ય, ઉદયન, બીજા સાધુઓ એને જોઈ રહ્યા. એટલામાં કવિ રામચંદ્ર પણ ત્યાં આવ્યા.

‘આવો-આવો કવિરાજ! સોમનાથથી ક્યારે આવ્યા છો? ઓળખો છો, મહેતા?’

‘ના, પ્રભુ! કોણ?’

‘એ છે કવિરાજ વિશ્વેશ્વર!’

‘કવિરાજ વિશ્વેશ્વર?

‘ભાવ બૃહસ્પતિના જમાઈ, મહેતા!’ હેમચંદ્રાચાર્યે બહુ જ ધીમેથી આ કહ્યું: ‘વિદ્વાન છે. દેશવિદેશ ફર્યા છે! આવો – આવો, કવિરાજ આંહીં આવો!’

‘ભાવ બૃહસ્પતિના જમાઈ’ – ગુરુએ બહુ જ ધીમેથી જે વાક્ય કહ્યું હતું તેણે ઉદયનને વિચારમાં નાખી દીધો. ગુરુએ હવામાંથી વાત પકડી લીધી હોય કે ગમે તેમ, અર્થ પણ પોતે જે વાત કહેવા માટે આવ્યો હતો તે વાત અક્સ્માત્ આંહીં વિચારાતી જણાઈ!

એટલામાં કવિ વિશ્વેશ્વર પાસે આવ્યો. એક આસન ઉપર એણે જગ્યા લેતાં જ કહ્યું: ‘હું તો કાવ્યરસ માણવા આવ્યો છું, પ્રભુ!’

ત્યારબાદ વિશ્વેશ્વર અને હેમચંદ્રાચાર્યે કાવ્યોની આપ-લે કરી. વાતાવરણ કવિત્વમય બની ગયું. હેમચંદ્રાચાર્ય મીઠો ઉપાલંભ આપતાં હોય તેમ બોલ્યા: ‘રામચંદ્રજી! કવિરાજ ભારતવર્ષ-આખું ફર્યા છે હો! એમની પાસેથી બીજું પણ જાણવા જેવું ઘણું છે. કવિરાજ! કલ્યાણનગરી તમે નિહાળી કે?’

‘પ્રભુ, નિહાળેલી ખરી, પણ એને શી રીતે કલ્યાણનગરી કહું?’

‘કેમ એમ બોલ્યા, કવિરાજ?’

‘હું ગયો હતો નિહાળવા વિક્રમાંકદેવની કલ્યાણનગરી, રાજકવિ બિલ્હણની વિદ્યાસભા. અને ત્યાં તો હવે કેવળ હાડપિંજર ઊભાં છે! નગરીનો આત્મા તો ઊડી ગયો છે!’

‘કલ્યાણનગરીની વાત કરો છો?’

વિશ્વેશ્વર બે પળ શાંત થઇ ગયો, પછી ધીમેથી બોલ્યો: ‘હા, પ્રભુ! વાત તો કલ્યાણનગરીની છે, પણ એ જ વાત તમામ નગરીને લાગુ પડે તેવી છે. ત્યાં એ નગરીમાં હવે કોઈ ધણીધોરી નથી. તૈલપરાજ નજરકેદી જેવા છે. એમને એ અવસ્થામાં રાખનાર સેનાપતિ વિજ્જલદેવ – એ પણ સ્થિર નથી. એ ભરેલા અગ્નિ ઉપર બેઠો છે!’

‘એવું શેણે થયું, કવિરાજ? કાંઈ આંતરિક ઘર્ષણ ઊભું થયું છે?’

‘એવું છે, પ્રભુ! જ્યારેજ્યારે ધર્મ રાજરાજેન્દ્રને સ્થાને રહેવાને બદલે રાજ્યાશ્રિત થવા દોડ્યો છે ત્યારે એ પોતાની જાત વિસ્તારી શક્યો હશે, પણ પરિણામ આ જ – કલ્યાણનગરીમાં આવ્યું તે. એ ધર્મ પોતે બૂડે ને રાજને પણ બુડાડે. ધર્મનો આધાર તો જનતાનું હ્રદય છે – રાજનું સિંહાસન નહિ.’

કવિવાણી સાંભળતાં જ ઉદયન ચમકી ગયો. એણે યોગશાસ્ત્રના સોનેરી અક્ષરો જોવા માંડ્યા. એને નવાઈ લાગી. ગુરુ પાસે કોઈ સિદ્ધિ હતી કે શું? પોતાના મનની વાતનો જ આ પ્રત્યુત્તર ન હતો? ગુરુએ પોતે આપવાને બદલે જાણે કવિ વિશ્વેશ્વર મારફત અપાવ્યો હતો! એ પળ-બે-પળ આશ્ચર્યચકિત થઇ ગ યો. કલ્યાણનગરીનો આ ઈતિહાસ કવિ વિશ્વેશ્વર પણ જાણે હેતુપૂર્વક જ બોલી રહ્યો હતો!

‘તૈલપરાજને શાંતિ નથી, પ્રભુ!’ વિશ્વેશ્વર બોલ્યો: ‘તો એને કેડ રાખનારો હૈહૈ સેનાપતિ વિજ્જલદેવ, એણે પણ શાંતિ નથી! બિરુદ તો એણે પાર વિનાનાં ધારણ કર્યા છે – “ભુજબલચક્રવર્તી” ને એવાં કેટલાંય, પણ “વીરશૈવ” સંપ્રદાય એની સામે ઊભો થયો છે. સેનાપતિનો પગ સ્થિર થાય તે પહેલાં જ કાં એ તો ઊખડી પડશે! કલ્યાણમાં આ થયું છે. પ્રભુ! વિજ્જલદેવને થયું કે હું જૈન ધર્મને વિસ્તારી દઉં, એટલે સામે બળવારૂપે આ નવો “વીરશૈવ” ધર્મ ઊભો થયો! હવે એ બંનેનાં ઘર્ષણે નગરી ડૂબી, દેશ ડૂબ્યો, પ્રજા ડૂબી અને રાજે પણ ડૂબ્યો!’

‘કવિરાજ! આંહીં તો આપણો રાજા “વિવેકનારાયણ” છે. અને મંત્રીશ્વર, આ મહેતા, એ પણ સો ગળણે ગળીને પાણી પીએ તેવા છે!’

‘તો, પ્રભુ! નગરી રહેશે, રાજ રહેશે, ઘર્ષણ વિનાના ધર્મો રહેશે અને પ્રજાનું બળ રહેશે!’

ઉદયન વિચાર કરી રહ્યો. ભાવ બૃહસ્પતિ, દેવબોધ, ભવાનીરાશિ, અજયપાલ, નાયિકાદેવી, સામંતો – એક ઘર્ષણ આંહીં પણ ઊભું થયું હતું. ગુરુએ આ વિશ્વેશ્વર કવિની હાજરીમાં એનો ઉકેલ જોયો હોય એમ લાગ્યું. એટલામાં ગુરુ બોલ્યા: ‘કવિરાજ! હમણાં પાટણની વિદ્યાસભાને લાભ આપતાં રહો એમ મંત્રીશ્વર ઈચ્છી રહ્યા છે. પોતે તો જવાના છે, પણ મહારાજ આંહીં છે, દેવબોધજી આવ્યા છે, તમે છો, રામચંદ્રજી છે, સિદ્ધપાલ છે, સર્વજ્ઞ પંડિત છે, અરે, મહાઅમાત્યજી વાગ્ભટ્ટ પોતે છે, કવિ વલ્લરાજ છે, શ્રીધરજી છે, ભાવ બૃહસ્પતિ જેવા છે હમણાં તો આંહીં..’

પડખેથી અવાજ આવતાં ગુરુ ચમકી ઊઠ્યા: ‘હું છું...’ બાલચંદ્ર પોતાનું નામ રહી જતું સહી શક્યો નહિ. આચાર્ય પ્રેમથી હસ્યા, ‘હા, જુઓ, હું ભૂલી ગયો નામ દેવાનું! આ અમારા પંડિતરાજ બાલચંદ્રજી છે!... હમણાં આંહીંની વિદ્યાસભામાં, કવિરાજ! થોડા દી રસની હેલી વરસાવો. મહારાજ પોતે ભારે આનંદથી ભાગ લે છે. અમારા ભાંડારિક કપર્દીમંત્રી પણ કાવ્યજ્ઞ છે બહુ આનંદ આવશે. અને આંહીં તો વારંવાર આવતા રહો.’

આચાર્ય એક પ્રકારનું સમન્વયી વતાવરણ ઊભું કરવા મથી રહ્યા હતા. ઉદયનને એ તો ગમ્યું, પણ એમાંથી જ જે વસ્તુનો પાયો નાંખતો હતો તે વસ્તુ પોતે રહી જાય તો? એની એના મનમાં ગડભાંગ હતી. જૈન ધર્મ રાજ્યાશ્રય માંડ મેળવે તેમ છે! એ વાત જ રહી જાય તો-તો થઇ રહ્યું. ક્યાંય નહોતાં ગયા. દળીદળીને ઢાંકણીમાં – એવી વાત થાય. 

વિશ્વેશ્વર ઊઠ્યો ત્યારે તેણે ગુરુને ફરી વંદના કરી:

‘કાં, મહેતા! ક્યારે જવાનું છે? તમે પણ ભારે સાહસ ઉઠાવ્યું છે હો! એંશી વર્ષે જુદ્ધ?’

‘પ્રભુ! વિમલાચલજીને ખાતર. બાકી દેહનો ઉપયોગ પણ શો છે?’

હેમચંદ્ર તેની સામે જોઈ રહ્યા, ધીમેથી કહ્યું: ‘કહેવાનું મેં તો કહી દીધું છે, પણ તમારે કાંઈક કહેવાનું રહી જતું લાગે છે,મહેતા!’

ઉદયને હાથ જોડ્યા: ‘સાચી વાત છે, પ્રભુ!’

‘તો બોલો, શું કહેવાનું છે?’

તરત જ રામચંદ્ર, બાલચંદ્ર વગેરે સૌ ત્યાંથી ઊભા થઇ ગયા.

ઉદયન એમને જતા જોઈ રહ્યો. તેઓ અદ્રશ્ય થયાં કે તરત તે બોલ્યો: ‘એક તો આ બાલચંદ્ર... એની ભયંકરતા ચેતવા જેવી છે!’

મુનિ હસ્યા: ‘એ પણ વિધિનું રમકડું છે, મહેતા! પણ ભયંકરતા કાંઈ એનો એકનો ગુણ નથી, સૌમાં છે. એની માત્ર ઓછીવત્તી હોય એટલું જ. બીજા અસાવધ હોય તો એ ભયંકર, ન હોય તો એ સ્વચ્છ. બોલો, બીજું?’

‘અજયપાલ ગાદીએ આવશે તો જૈન ધર્મ પાતાલમાં જાશે!’

‘એક નહિ પણ એક હજાર અજયપાલ ભેગા થાય, મહેતા! તોપણ જૈન ધર્મનું જે પાતાળમાં જવા જેવું નથી તે પાતાળમાં કોણ મોકલશે? કોણ મોકલી શકે તેમ છે એ તો કહો!’ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ગ્રંથ તરફ અંગુલીનિર્દેશ કરીને હાથ લંબાવ્યો: ‘જૈન ધર્મ તો આ છે – એમાં કહ્યો છે તે. એ રહેવાનો છે. અને તમે કહ્યું તે પણ ખરું છે. ઘર્ષણ વિના અજયપાલને તજવો જોઈએ. એની પાસે ગાંડું શુરાતન છે માટે, બીજા કોઈ કારણે નહીં.’

‘અને, પ્રભુ! સેંકડો વર્ષ પછી આ રાજા છે, આ રાજ છે, તમે રાજગુરુ છો, શૈવ ધર્મ...’ 

‘જુઓ, મહેતા!’ હેમચંદ્રાચાર્યે શાંત ગંભીરતાથી કહ્યું: ‘તેમ જે ધર્મને રાજને આધારે લઇ જશો કે જે રાજને ધર્મને આધારે રાખશો, એ પોતે ડૂબશે અને રાજને ડુબાવશે. કવિરાજે કલ્યાણનગરીની  કહી તે દશા તમારી થશે, જો વિવેક ભૂલશો તો. ધર્મ ને માણસ બે ભેગા હોય તો તમામ ધર્મ સારા. એ બે ભિન્ન થાય એટલે તમામ ધર્મ ખોટા!’

‘પણ આ પશુવધ...’

‘એ ધર્મ નથી, મહેતા! એ પરંપરા છે. પરંપરા ચલિત છે, ધર્મ અચળ છે. તમે પણ ઘેલછા રાખશો તો તમે પણ ડૂબશો. બાકી તમે પરંપરા સ્થાપીને એને અચળ સ્તંભ ગણશો એટલી જ વાર! કાલમહોદધિમાં એ સ્તંભ ઊપડી જશે!’

હેમચંદ્રાચાર્ય પાસે અજબ વેધક વાણી હતી. એમાં કોઈ વિરોધ ટકતો નહિ, કોઈ ક્ષુલ્લક વાદ આવતો નહિ, કોઈ ક્ષુદ્ર વસ્તુનું મહત્વ સ્થપાતું નહિ. ઉદયનને લાગ્યું કે ગુરુના ધ્યાન બહાર કોઈ પણ વાત નથી; પણ એમની પાસે એમની જ રીત છે. ‘પ્રભુ!’ તેણે બે હાથ જોડ્યા: ‘આંબડ-વાગડ આંહીં તમારે ચરણે બેઠા છે... હું કાલે જાઉં છું.’

‘અરે, મહેતા!’ ગુરુએ પ્રેમથી તેના માથા ઉપર હાથ મૂક્યો: ‘સહુને શાસનદેવ રક્ષશે!’

ઉદયન ઊભો થયો. તેણે એક વખત હજી વંદના કરી. આજ એને થતું હતું કે આ વંદનામાંથી હવે માથું ઊંચું જ ન આવે. તે ધીમાં શાંત પગલે ગુરુની રજા લઈને ત્યાંથી નીકળ્યો. 

ઉદયન ઘેર આવ્યો. આજે એને બે પળ નિરાંત જોઈતી હતી. ખંડમાં ચારે તરફ એણે દ્રષ્ટિ કરી. ત્યાં કોઈ જતું નહિ. એનાં બધાં શસ્ત્રઅસ્ત્ર ત્યાં પસંદગી માટે પડ્યાં હતાં. તેણે પાઘડી ઉતારી ખીંટીએ લટકાવી. ઉપવસ્ત્રથી જરા પવન નાખતો તે ગાદીતકિયાને અઢેલીને પળ-બે-પળ શાંત થઇ ગયો. એના મનમાં શ્રીમાલ, ભીન્નમાલ, મરુભૂમિ, વટપદ્ર, સ્તંભતીર્થ – એક પછી એક સ્થાન આવી રહ્યાં હતાં. પળ-બે-પળ એ જીવનની આખી કેડી જોઈ રહ્યો. કેટલી રમ્ય, કેવી ભયંકર! એટલામાં વાદની બહાર શંખનાદ, ભેરી અને રણશીંગા વાગી રહેલાં તેણે સાંભળ્યાં.એ સ્વપ્નનિંદ્રામાંથી એને જગાડતો શંખનાદ સંભળાયો. તે ચમકી ગયો. શું હશે? તેણે સાદ કર્યો: ‘કંટક! શું છે આ, જો તો? શાનો શંખનાદ છે? જવાબમાં એક પ્રતિહાર દોડતો આવ્યો. પળ-બે-પળ તે મહાઅમાત્ય ભણી જોઈ રહ્યો.

‘શું છે, અલ્યા? કેમ બોલતો નથી?’ કંટક બોલવું કે ન બોલવું એ દ્વિધામાં પડતો લાગ્યો. 

એટલામાં તો વાગ્ભટ્ટે જ ઉતાવળે પ્રવેશ કર્યો: ‘શું છે વાગડ, આ? શંખનાદ શેનો થાય છે?’

‘અરે! એ તો આપણો આંબડ...’

‘આંબડ? આથડ્યો છે કોઈ સાથે?’ મહેતાએ ઉતાવળે જ પૂછ્યું.

‘ના-ના, આથડ્યો નથી. પણ એ પોતે આવ્યો. લ્યો, હવે એજ કહેશે. મેં તો ઘણી ના કહી હતી...’ એટલામાં નખશિખ શસ્ત્રસજ્જ થયેલો આમ્રભટ્ટ ત્યાં આવ્યો. એને નિહાળતાં મહેતાની આંખમાં ગર્વ અને પ્રેમ ઊભરાઈ ચાલ્યા. ઘડીભર થયું કે શેઠાણી – આની મા અત્યારે જીવતી હોત! ઇન્દ્રકુમાર જેવો આને નિહાળીને એને સ્વર્ગ પણ સાંભરત નહિ!

‘આંબડ! શું છે? આ શંખનાદ શેનો છે?’ પણ એટલામાં દીવાના પ્રકાશમાં સહેજ હસુંહસું થઇ રહેલા આમ્રભટ્ટના તાંબૂલ-લાલ મોં ઉપર દ્રષ્ટિ પડતાં જ ઉદયન જાણે જવાબ પામી ગયો. તેના મનમાં આનંદ, પ્રેમ ગર્વ, અને ભય – ચારે લાગણી એકસાથે ઊગી નીકળી! તાંબૂલથી લાલ બનેલા આમ્રભટ્ટના હોઠ ઉપર સ્વર્ગની અપ્સરાઓ વારી જાય એવી મોહક રમણીયતા આવી ગઈ હતી! મંત્રીશ્વરના દિલમાં એ જોઇને ધ્રાસકો બેસી ગયો અને ગર્વ થયો: ‘આ ઉતાવળો છે, નાનો છે, ક્યાંક રાજદરબારમાંથી કોંકણના જુદ્ધનો ભાર ઉપાડીને આવ્યો હોય નહિ! અત્યારે રાજસભામાંથી આવતાં બીજું શેનું તાંબૂલ મળ્યું હોય? આજે મહારાજ કોંકણ સેનાપતિઓ નિર્ણય કરવાના હતા એની એને ખબર હતી. તેણે ઉતાવળે જ પૂછ્યું: ‘આંબડ! આ શું છે? આ શંખનાદ શેનો થાય છે? કોણ આવ્યું છે તારી સાથે?’

‘મહારાજે મને કોંકણ-જુદ્ધના સેનાપતિની તલવાર બંધાવી છે!’

‘હેં! ખરેખર?’

‘કાલે સવારે સૈન્ય કોંકણ ઊપડે છે. હું સાથે જાઉં છું!’

આમ્રભટ્ટની કેડે સમશેર લટકી રહી હતી. એના ઉલ્લાસનો પાર ન હતો. તેણે મહાઅમાત્ય તરફ બે હાથ જોડ્યા: ‘તમે આશીર્વાદ આપો! આ મારું મોટું ગણાય તેવું પેહલું જુદ્ધ છે. મોટા ભાઈને ઉતાવળ લાગી છે. પણ મને તો લાગે છે, આપણે એને સૂતો દબીશું!’

‘કોને?’

‘મલ્લિકાર્જુનને!’

ઉદયન હસ્યો: ‘આંબડ! બહુ ઉતાવળો ન થાતો. તારી સાથે કોણકોણ આવે છે?’

‘ધારાવર્ષદેવજીને આબુ જવું પડે તેમ છે. મહારાજને માલવરાજની હિલચાલમાં શંકા પડી છે, અને સેઉણનો ભિલ્લમ (ભિલ્લમ પાંચમો. એનો સિંધણ ગુજરાત ઉપર આવેલો) પણ સળવળતો લાગે છે. સોમેશ્વરજી સાથે છે!’    

ઉદયન વિચાર કરી રહ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘આંબડ! મલ્લિકાર્જુન બળવાન છે, પણ તમે ઉત્સાહથી ભર્યા છો. તમારો વિજય થાશે, પણ સાવધ રહેવું. અનુભવી જોદ્ધો તે, જે હંમેશાં સાવધ રહે. એ અચાનક દબાવી ન જાય એટલું જ જોવાનું. આ કાંઈ જેવુંતેવું માન નથી. જોદ્ધાઓ તો આવા માન માટે જીવનભર તલસે છે!’

ઉદયને તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો, ‘આંબડ! તું જ્યાં હો ત્યાં વિજય જ છે. તને અમર કીર્તિ મળી. તારી હાર તો હું કોઈ ઠેકાણે જોતો નથી – રણભૂમિમાં કે ધર્મભૂમિમાં. તારો વિજય હો!’ મહાઅમાત્યનો સ્વર જરાક ભારે થતો જણાયો. પણ તેણે તરત નબળાઈ ખંખેરી કાઢી: ‘ચાલો, ત્યારે આપણા રણમાતંગને પણ મળી લઈએ. સોરઠમાં તો ઘોડાનાં જુદ્ધ ચાલે છે. એટલે એ આંહીં રહેવાનો. ચાલો.’

મહાઅમાત્ય પોતાના ગજરાજની વિદાય લેવા જઈ રહ્યો હતો. પાછળ વાગડ ને આંબડ ચાલી રહ્યા હતા. ‘અને, વાગડ! ગુરુદેવને વાત તો થઇ ગઈ છે. પણ અજયપાલનું તમે ધ્યાન રાખતા રહેજો, નહિતર આંહીં આપણે કલ્યાણનગરી જેવું ઘર્ષણ થશે. અને બીજી વાત છે. પ્રતાપમલ્લ ઉપર હવે લટકતી તલવાર સમજી લેજો. એને પળે-પળે જાળવજો. શાસનદેવની ઈચ્છા હશે તો એ ગુર્જરદેશમાં ઘેરઘેર અમારિની ઘોષણા પ્રગટાવી દેશે. ચાલો, આ રણમાતંગ આપણી જ રાહ જોતો લાગે છે. એ પણ શંખનાદે ચોંકી ગયો લાગે છે. આંબડ! શું આની બુદ્ધિ છે!’

મેદાનમાંથી મહાઅમાત્યે પાછળના વાડામાં પ્રવેશ કર્યો. ત્યાં એક મહાન વૃક્ષ નીચે ઝૂલી રહેલો રણમાતંગ એની દ્રષ્ટિએ પડ્યો. મહાઅમાત્ય તેની પાસે ગયો. પ્રેમથી એની સૂંઢ ઉપર હાથ ફેરવ્યો. માનવભાષા જાણતો હોય તેમ ગજરાજ તેના પ્રેમનો પ્રત્યુત્તર આપવા પોતાની સૂંઢને એના ખબા ઉપર નાખીને એને ભેટી રહ્યો હોય તેમ એ પણ આંખ મીંચી ગયો: ‘આંબડ! આણે કેટલાં જુદ્ધ જોયાં છે! તારો તો ત્યારે જન્મ પણ નહિ. આજ તો એનું શરીર ત્રીજા ભાગનું પણ રહ્યું નથી! આના ઉપર બેઠા એટલે તમે જાણે દુર્ગમાં બેઠા. એવી અજબ આની કુશળતા છે! આને જોતા રહેજો, વાગડ!’

‘હા, પિતાજી!...’ વાગડે પ્રત્યુત્તર વાળ્યો. ‘બસ, બેટા! રણમાતંગ! બસ કરો. પાછો હું આવવાનો છું હો! જો આ આંબડને પણ તારે જુદ્ધમાં જશ અપાવવાનો છે. ચાલો, બસ, બેટા!’ મહાઅમાત્યે પ્રેમથી એની સૂંઢને ખભાથી નીચે ઉતારી, જરા પંપપાળી, પછી તે ત્યાંથી ધંધશાળાના (ઘરઆંગણનું દેવાલય) શિખરને વંદના કરતો તે ખસી ગયો. 

રણમાતંગની આંખમાં એક અદ્રશ્ય આંસુ આવી રહ્યું હતું.