Rajashri Kumarpal - 13 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 13

Featured Books
Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 13

૧૩

પ્રભાતે શું થયું?

મહારાજ કુમારપાલનો આજનો સંયમ જોઇને ઉદયન છક થઇ ગયો હતો. આવો જ આજ્ઞાભંગ જેવો પ્રસંગ બીજે બન્યો હોત તો ત્યાં જ લોહીની નદીઓ વહી હોત! પણ આજે તો મહારાજે અદ્ભુત જ સંયમ બતાવ્યો હતો. એક પળભર એમની આંખ ફરેલી જોઈ, ત્યારે એ ધ્રૂજી ઊઠ્યો હતો, પણ એમાંથી એક વાત તે પામી ગયો: મહારાજ હજી એના એ હતા. સમય આવ્યે તેઓ એકલા રણમેદાને પડીને મેદાન મારી આવે ને બધાને પાણી ભરતા કરી મૂકે! ફક્ત એ વાત મનમાં આવે એટલી જ વાર! એ જ આત્મશ્રદ્ધા ભરી રણસુભટતા હજી ત્યાં હતી! છતાં એના મનમાં પ્રભાતની ચિંતા ઘર કરી રહી હતી. બધું પાર બરાબર ઊતરે તો ઠીક, નહિતર એમાંથી જ મોટું ઘર્ષણ ઊભું થાય. મહારાજને નમતું જોખવું પડે એ અરાજકતા થઇ. અથવા તો રાજમાં ઘર્ષણ આવે. એ પણ એટલું જ ભયંકર; એ વળી મહારાજ જે નવા દયાપંથે વળ્યા છે ને અકારણ થતી જીવહિંસાને રાજભરમાંથી રુદતીવિત્તની પેઠે જ ઉખેડી  નાખવા માગે છે એમાં મોટું વિઘ્ન આવે. ઉદયન માટે એ ત્રણે વિપત્તિ એકસરખી હતી.

પ્રભાત થયું. કંટેશ્વરીના મેદાનમાં સેંકડો ભક્તો આવ્યા હતા. મહારાજે જીવવધનો નિષેધ ઉઠાવી લીધો છે એ ઘોષણા થવાથી જનસમૂહ આનંદમાં આવી ગયો હતો. મેદાન-આખું ભરાઈ ગયું હતું. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, અપંગો, ભક્તો, દુષ્ટો, શઠો – અનેક પ્રકારના માણસ ત્યાં ભેગા થયા હતા. 

હજી માતાજીના મંદિરના ચોગાનનું મુખ્ય દ્વાર બંધ હતું. રાજમંત્રીઓ, કર્મચારીઓ, સામંતો, મંડલેશ્વરો એક પછી એક ત્યાં આવી રહ્યા હતા. ત્રિલોચન દુર્ગપાલ ક્યારનો ત્યાં આવીને મહારાજની પ્રતીક્ષા કરતો હતો. એણે આજે મંત્રીશ્વરને મહત્વના સમાચાર આપવા માંડ્યા હતા. આંહીં જો આ માતાજીના દ્વાર પાસે માતાજીનું અપમાન થશે, એટલે જીવવધનો નિષેધ થશે, તો એક મોટી હિલચાલ ઊભી થવાનો સંભવ એણે મહાઅમાત્યને કહી બતાવ્યો હતો. ઉદયન એ આવી રહેલી વિપત્તિને પહોંચવાનો વિચાર કરી રહ્યો હતો. 

એટલામાં મહારાજનો ગજરાજ આવતો દેખાયો અને મોટી જયઘોષણા મેદનીમાંથી ઊઠી. માતાજીના મંદિરના મેદાનથી પણ થોડે દૂર એ અટકી ગયો લાગ્યો. મહારાજ પોતે પગપાળા આવી રહ્યા હતા. એમની પાછળ એકલો શમશેરધારી આનક આવતો હતો. 

મહારાજનું દરેક પગલું ઉદયન નિહાળી રહ્યો હતો. એમાં સ્વસ્થતા પાર વિનાની હતી. કુમારપાલની સ્વભાવ-સ્વસ્થતા એ દ્રશ્ય મહાઅમાત્ય માટે પણ નવું હતું. 

રસ્તો આપતી મેદનીમાં થઇને તેઓ એકલા, બંને તરફ હાથ જોડીને નમતા આવી રહ્યા હતા. 

મહારાજને આવતા દેખીને સોમનાથ મંદિરનો મહંત ભાવ બૃહસ્પતિ આગળ આવ્યો. તેની તરત પાછળ ભવાનીરાશિ હતો. કેટલાક સાધુઓ પણ સાથે ચાલી રહ્યા હતા. મહારાજે ભક્તિથી બે હાથ જોડી ભાવ બૃહસ્પતિને નમસ્કાર કર્યા. મેદની જાણે એકદ્રષ્ટિ બની ગઈ હતી. મુખ્યદ્વાર પાસે સામંતો, મંત્રીશ્વરો અને સેનાપતિઓ મહારાજની રાહ જોતા ઊભા હતા. મહારાજ ધીમેધીમે ત્યાં ગયા. 

મુખ્ય દ્વાર હજી પણ બંધ હતું. ત્યાં સૈનિકો ચોકી કરી રહ્યા હતા. મહારાજ કુમારપાલ આગળ આવ્યા. તેમણે સૌ સાંભળે તેવા મોટા અવાજે કહ્યું: ‘મહંતજી! માતાજીએ ભોગ લઇ લીધો હશે? હવે દ્વાર ખોલવામાં વાંધો નથી નાં?’

‘અબ દ્વાર ખોલને મેં કોઈ હરજા નહિ, મહારાજ! તમામ દેવ ભાવભોજન કરતે હૈ!’

‘ભાવભોજન? એ શું છે, મહંતજી?’

‘દેવની પાસે ધરો એટલે બસ. તેઓ થોડાક ખાવા બેઠા છે? જેણે આટલું સરજ્યું છે એને આનો શો હિસાબ?’

મહારાજ બે ઘડી વિચારમાં પડી ગયા લાગ્યા. તેમણે બે હાથ જોડ્યા: ‘પણ, મહંતજી! તમે તો કહ્યું, માતાજી સ્વયં ભોગ માગે છે, એનું શું?’

‘એ બરાબર છે, મહારાજ! દેવ વાત કહે છે, સ્વપ્નદર્શન વડે. માતાજીએ મને જે સ્વપ્ન આપ્યું અને પોતે સ્વયં ભોગ માગ્યો તે વાત મેં મહારાજને કહી હતી – પરંપરા ન તૂટે એટલા માટે.’

‘ત્રિલોચનપાલજી!’ મહારાજે મોટેથી દુર્ગપાલ ત્રિલોચનપાલને બોલાવ્યો.

ત્રિલોચન ઉતાવળો-ઉતાવળો માણસોમાંથી રસ્તો કાઢતો છેક પાછળથી દોડતો આવી રહ્યો હતો. 

‘ત્રિલોચનપાલજી! રાતે આંહીં મંદિરના મેદનમાં કોઈ આવ્યું હતું ખરું?’

‘ના, પ્રભુ! કોઈ આવ્યું નથી. આખી રાત ચોકી ચાલુ હતું.’

‘ત્યારે કોઈ બહાર ગયું હતું?’

‘ના, પ્રભુ!’

‘તો માતાજીને ધરાવેલા જીવ બધા ક્યાં છે?’

‘અંદર જ છે, મહારાજ!’

‘ત્યારે મહંતજી કહે છે, માતાજીએ ભાવભોજન કરી લીધું છે. તમે હવે દ્વાર ખોળી નાખો અને જીવ-તમામને મુક્ત કરી દો! ભલે ચાલ્યા જાય!’

‘મહારાજ! મુક્ત કરી દો? ના-ના મહારાજ! ભાવભોજનની વાત એવી નથી.’

‘તો કેવી છે? મને સમજાવો!’

‘એ તો એવું છે, મહારાજ! હવે આ તમામ જીવો માતાજી પાસે વધેરાશે. આપણી એ પરંપરા છે. ચૌલુક્યકુળમાં એ જળવાતી આવી છે. માતાજીનો એ પ્રસાદ બધે પહોંચશે!’

‘મહંત-મહારાજ! મદ્ય અને માંસ એ તો મ્લેચ્છોનો ખોરાક છે, માણસનો નહિ. મારે એવી પરંપરા નથી રાખવી. ગુર્જરદેશમાં મદ્ય ન જોઈએ, માંસ ન જોઈએ અને વ્યર્થ હિંસા ન જોઈએ.’

‘મહારાજ ગુર્જરેશ્વર!’ ભાવ બૃહસ્પતિ બોલી રહ્યા હતા: ‘આ વલણ જૈની છે; એમાં ધર્મદ્રોહ છે.’

પણ મહારાજે તેમને ભક્તિથી બે હાથ જોડ્યા: ‘મારે જૈની-અજૈનીનું કામ નથી, મારે તો અન્યાય-તમામ ટાળવો છે. આ ન્યાયઘંટા શા માટે આપણે બાંધી છે? શું પશુઓને ન્યાય માગવાનો હક્ક નથી? પણ, પ્રભુ! સોમનાથ મંદિરની વાત હોય ત્યારે આપ બોલો એ યોગ્ય. આ વાત ભવાનીરાશિજી કહે એ વધારે યોગ્ય, બોલો, રાશિજી! આ તમામ જીવને મારે મુક્ત કરી દેવા છે, એનું શું?’

‘તો એ માતાજીને ત્યાં વધેરાવાને બદલે ખાટકીને ત્યાં વધેરાશે, એનું શું? અને મહારાજ ગુર્જરેશ્વર! હું પણ તમને કહી દઉં... ગુર્જરેશ્વર મહારાજ મૂલરાજ મહારાજની સાતમી પેઢીએ લૂતારોગ આવવાનો છે. તમે સાતમી પેઢીએ છો. ધર્મદ્રોહ એ ધર્મદ્રોહ છે. મહારાજ આનું પરિણામ જોશે...’ રાશિ આગળ બોલતો અટકી ગયો. તે ત્યાંથી ચાલી જ નીકળ્યો, પણ મહારાજ કુમારપાલે તો સૈનિકોને તરત દ્વાર ખોલવાની આજ્ઞા આપી દીધી. 

મેદાનમાં સેંકડો જીવ સુખની નિંદ્રા લઇ રહ્યાં હતાં. માથે લટકતી તલવારનું એમને કોઈને કાંઈ જ જ્ઞાન ન હતું. કેટલાંક નાનાં બચ્ચાં માતાને પડખે પડ્યાં હતાં. માણસના વિશ્વાસની એક અનોખી ભૂમિકા ત્યાં પ્રાણીઓએ રચી હતી. કુમારપાલ મહારાજ એ દ્રશ્ય જોઈ રહ્યા. ‘માણસજાત ઉપર પશુઓ કેટલો વિશ્વાસ રાખી રહ્યાં છે, ત્રિલોચન!’ એમણે પાછળ આવતા ત્રિલોચન તરફ જોઇને કહ્યું: ‘આમાંનું એક પણ માની શકે કે મારી પાસે ફરતો આ માણસ મને મારી નાખવાનો છે? પશુહિંસા કરનારો માણસ – મને રાક્ષસ સમો દેખાય છે. એ મ્લેચ્છનો પણ મ્લેચ્છ છે. ગુર્જરદેશમાંથી હિંસા જવી જોઈએ. રબારીઓને બોલાવો, ત્રિલોચન! તમામ જીવને બહાર કાઢ! એમને જવા દે. એ બધા મુક્ત છે!’

સામંતો, સેનાપતિઓ, કેટલાંક મંડલેશ્વરો અને સરદારો મહારાજની આજ્ઞાને સાંભળી રહ્યા હતા, પણ અત્યારે તેમાનો કોઈ કાંઈ બોલવા માગતો ન હોય તેમ જણાયું. બધા હેતુપૂર્વકની ઉપેક્ષા સેવી રહ્યા હતા. એ વધુ ભયંકર હતું. પણ મહારાજને પોતાના નિશ્ચયમાંથી ડગાવવાની અત્યારે કોઈએ હિંમત ન ભીડી. મંદિર થોડી વારમાં ખાલીખમ થઇ ગયું. લોકોને જેમ ફાવ્યું તેમ વેરાઈ ગયા. કોઈને આમાં દયા લાગી, કોઈને વેવલાવેડા લાગ્યા, કોઈને જૈન વલણ દેખાયું. કોઈને દેશકાલ બદલાતો જણાયો, કોઈને કાંઈ ન બોલવામાં મજા લાગી.