૧૧
કોંકણનું જુદ્ધ!
મહારાજ કુમારપાલની રાજસભામાં આમંત્રણ પામેલો કવીન્દ્ર કર્ણાટરાજ સુખાસનમાંથી ઊતરીને રાજસભા તરફ આવતો દેખાયો અને એની ચાલમાંથી જ ઉદયને એનું માપ કાઢી લીધું! એણે કવિ રામચંદ્રને કહ્યું હતું તે બરાબર હતું: આ માણસ કાવ્યરસ માણવા નહિ, માણસોને માપવા માટે જ આવ્યો હતો. પાટણની પરિસ્થિતિનો એણે ઠીક ખ્યાલ ક્યારનો મેળવેલો હોવો જોઈએ. એ જુદ્ધ લેવા આવ્યો હતો. એણે તાત્કાલિક જ એક નિર્ણય કરી લીધો: એને પાટણમાંથી આજ ને આજ કોઈ પણ રીતે રવાના કરી દેવો જોઈએ. પહેલી વાત એ, પછી બીજું. એણે સભામાં એક દ્રષ્ટિ ફેરવી. કાકને ત્યાં બેઠેલો જોયો. એ પણ એ જ મતનો જણાયો. એક નજરમાં બંને વચ્ચે વાતચીત થઇ ગઈ. કાવ્યવિલાસને નામે પણ આ માણસ વખત મેળવી જાય એ થવા દેવા જેવું જ ન હતું. તેણે વાગ્ભટ્ટ તરફ જરાક ડોક લંબાવી. એના કાનમાં કાંઈક કહ્યું. વાગ્ભટ્ટે કવિ રામચંદ્રને તરત ચેતવી દીધા: ‘પ્રભુ! આ આવે છે તે કાવ્યચર્ચા પણ શી? કવિરાજનો તો એણે અમસ્તો સ્વાંગ ધર્યો છે એટલું જ, એને રોકડો જવાબ આપીને રવાના જ કરી દેવા જેવો છે!’
એટલામાં તો કર્ણાટરાજ સભામાં દેખાયો. એનો ચાલમાં ગર્વ હતો. ચહેરા ઉપર ગૌરવ હતું. એની નજરમાં ચતુરંગી સેનાના સેનાપતિની ધનુષટંકારી વાણી જાણે બેઠી હતી. પાટણ સાથે અત્યારે જુદ્ધ નોતરવું પોતાના લાભમાં છે તે એ કળી ગયો હોય તેમ જણાયું. ઉદયને સભા ઉપર ચારે તરફ નજર ફેરવી, તો ત્યાં સામંતો, મંડલીકો, મંડલેશ્વરો, કવિજનો, વિદ્વાનો બેઠા હતા, પણ દરેકના મોં ઉપર જાણે કોંકણના જુદ્ધનો પ્રશ્ન આવી ગયેલો હતો. મહારાજ કુમારપાલને રાજનીતિ હવે ફેરવ્યે છૂટકો છે. હવે ફેરવશે નહિ તો શું કરશે – એવી ઊંડી અભિલાષા પણ એમાં વ્યક્ત થઇ રહી હતી. એવો મહારાજને ચામર ઢોળતી નારીઓનાં કંકણની સોનેરી કિકિંણીઓનો માત્ર જરાજરા મંજુલ રવ આવી રહ્યો હતો. બાકી એક કાંકરી પડે તોપણ સંભળાય એવી ગંભીર શાંતિ ત્યાં વ્યાપી ગઈ હતી.
મહારાજના સાંનિધ્યમાં આવીને અભિવાદન કરતો કર્ણાટરાજ ત્યાં ઊભો રહ્યો:
‘મહારાજ ગુર્જરેશ્વરનો વિજય હો! સમુદ્રમાં ઝૂલતા મૌક્તિક કમલદ્વીપ સમા કોંકણમાંથી, મહારાજ! હું આવી રહ્યો છું! કાપર્દીદ્વીપની (કોંકણનો ઉત્તરનો ભાગ) શોભા જેમણે એક વખત જોઈ, એમને પછી સ્વર્ગની પારિજાતમંજરીનો મોહ નહિ એ કાપર્દીદ્વીપ!’
‘સ્થાનાધિપ કુકુણેશના રાજકવિ છો?’
‘હા, મહારાજ! એ સ્થાનાધિપ મલ્લિકાર્જુન મહારાજનું બિરુદ જ રાજપિતામહ! કાલે મેં એ જ વાત કહી હતી આજ પણ એ જ કહેવાની છે!’
‘એમ? એ શી રીતે બન્યું, કવિરાજ? તેઓ “રાજપિતામહ” કેમ કહેવાયા? કોણે એ બિરુદ આપ્યું?”
‘ભુજદંડના પરાક્રમ વડે પ્રૌઢકલાના સ્વામી જેવા રાજાઓને જીતી તેમને તાબે કર્યા ને પૌત્રો પેઠે એમનું પાલન કર્યું. સર્વ જગતમાં સુપ્રસિદ્ધ “રાજપિતામહ” એવા બિરુદને જે ધારણ કરે છે તે મલ્લિકાર્જુન મહારાજ ત્યાં બિરાજે છે. વળી ધનુર્વિધ્યામાં તે અર્જુન સમો શોભે છે કે કાપર્દી મહારાજના બિરુદનું માન ગુર્જરેશ્વર જાળવે. ગુર્જરેશ્વરનો વિજય હો!’
કર્ણાટરાજની વાણીનો તરત પ્રત્યાઘાત ઊઠે એવા ચિહ્ન સભામાં થઇ રહ્યાં, પણ મહારાજે સ્વસ્થતાથી એમને બેસવા માટે આસન બતાવ્યું: ‘કર્ણાટરાજ! બેસો તમારી વાણી કવિજન જેવી જણાતી નથી. તમને તમારા યોગ્ય પ્રત્યુત્તર મળશે!’
મહારાજે વાગ્ભટ્ટ સામે જોયું.
વાગ્ભટ્ટે તરત જ જવાબ વળ્યો: ‘કવીન્દ્રજી! “રાજપિતામહ” બિરુદ મલ્લિકાર્જુન મહારાજે ક્યારે ધાર્યું? એમનો સંબંધ તો કલ્યાણના ચૌલુક્યરાજ સાથે સામંત લેખે છે. ત્યાં કલ્યાણમાં રહ્યા; તૈલપરાજ, એમને હૈહૈરાજનાં ભયસ્વપ્નાં આવતાં હતા. એમાંથી તેઓ મુક્ત થયાં કે શું? કદાચ મલ્લિકાર્જુન મહારાજે એમને રક્ષણ આપ્યું હશે! “રાજપિતામહ” રહ્યા નાં?’
આંગળી વાઢી હોય તો લોહી ન નીકળે એવો ધોળો પૂણી જેવો ચહેરો એક પળભર કર્ણાટરાજનો થઇ ગયો. વાગ્ભટ્ટના પ્રત્યુત્તરે સભામાં પ્રશંસાનું એક મોજું ચાલ્યું ગયું; પણ કર્ણાટરાજ ગાંજ્યો જાય એવો ન હતો. તેણે તરત જ પ્રત્યુત્તર આપ્યો: ‘મંત્રીશ્વરજી! પહેલાં તો હું મહારાજની વિધ્વત્સભા પરિચય કરું. પછી સમય હશે તો તમને પણ પ્રત્યુત્તર અપાશે!’
‘મારો બેટો! આ શું સમજતો હશે? આંહીં બધા પાડા મૂંડવાવાળા ભેગા થયા છે એમ માનતો લાગે છે! એને તો આંહીં પાંચપંદર દી ધામા નાખવા હશે!’ ઉદયન મનમાં જ બોલી રહ્યો. એટલામાં તો વાગ્ભટ્ટે જ વાત આગળ વધારી. તેણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું: ‘જુઓ, કર્ણાટરાજજી! અમારે ત્યાં વિદ્યા એ વિદ્યા છે. મહારાજે તમને સ્થાનાધિપના સંધિવિગ્રહિક માનીને અત્યાર સુધી માન રાખ્યું છે, પણ એ માન રાખવા દેવું – ન રાખવા દેવું તમારા હાથમાં છે. તમારે આજે ને આજે આ સ્થાન છોડવું પડશે. કાકભટ્ટજી!’
કાકભટ્ટ તરત ઊભો થઇ ગયો હતો: ‘આ સ્થાનાધિપના સંધિવિગ્રહિક કર્ણાટરાજ છે. એમને તમે પાટણમાંથી વિદાયમાન આપવા સાથે જજો. આજે જ એ થાય!’
કાકે બે હાથ જોડીને માથું નમાવ્યું.
‘મહારાજ!...’ કર્ણાટરાજ બે હાથ જોડીને બોલવા જતો હતો, પણ મહારાજની દ્રષ્ટિમાં સ્પષ્ટ અગ્નિ હતો. એમની દ્રષ્ટિ ચારે તરફ ફરી રહી હતી.એ દ્રષ્ટિ કોઈ વીરપુરુષને શોધી રહી હતી. કોઈ સામંત તલવારના જેવો રણનાદી જવાબ વાળે એમ આ મહારાજ ઈચ્છી રહ્યા હતા. ઉદયન એ કળી ગયો: તે તરફ ઊભો થયો: ‘જુઓ કવીન્દ્રજી! અમાત્યરાજે તમને કહી દીધું. મારું માનો તો તમે તરત જ જઈને તગરેશ્વરને (કોંકણના શિલ્હાશ વંશના રજાઓ તગતેશ્વર પણ કહેવાતા) જરા સાન ઠેકાણે રાખવાની વાત કરજો! આ બિરુદ તો ઠીક તમારું! ગઈ સાલ સુધી આ “રાજપિતામહ” ના પિતા ને પિતામહ બંને કલ્યાણરાજના સામંત હતા! આજ વળી તેઓ પોતાને “રાજપિતામહ” ગણવા બેઠા! પણ નવસારિકા સુધી તમારે દોડ કરવી છે એ શું અમારાથી અજાણ્યું છે, એમ? સહ્યાદ્રિની ડુંગરમાળામાં બેઠા ડાંગરનું જોર રાખો ને! આ તરફ દ્રષ્ટિ કરતાં નાહક સિંહની ગુફામાં હાથ નાખવા જેવું થાશે! કર્ણાટરાજજી! આહીં પડ જાગતું છે એ તમે જોઈ લીધું. તગરેશ્વરને એ ખબર કરો.’
‘મંત્રીશ્વરજી! આ તો સ્થાનાધિપનું અપમાન ગણાશે હો! હું અત્યારે સહીશ, પછી એ આકરું પડશે!’
‘એ તો, કર્ણાટરાજજી! તમને કાંઈ યાદ રહ્યું લાગતું નથી. તમે કોક ગલઢેરાને પૂછજો, વાત કહેશે તમને. વાત સાંભળીને જ અભિમાન ઊતરી જાશે! તમને ખબર લાગતી નથી, પણ તમારા એક તગરેશ્વર આંહીં આવ્યા હતા – ગુર્જરેશ્વર મહારાજ મૂલરાજદેવના સમયમાં, સ્વતંત્ર લાવલશ્કર લઈને નહિ, કલ્યાણપતિના સેનાપતિ બારપ્પજી આવ્યા એમની સાથે તેઓ પણ હાલ્યા આવ્યા. પરિણામ શું આવ્યું, જાણવું છે? તગરેશ્વર આંહીં હાથીઓ મૂકતા ગયા ને બારપ્પજી તો માથું મૂકતા ગયા! પાછા જાઓ ત્યારે મલ્લિકાર્જુન મહારાજને આ કહેજો. ઈતિહાસ ફરી વાર એવો ને એવો લખાય નહિ!’
‘મંત્રીશ્વરજી! તમે આહ્વાન આપો છો, એમ?’
‘આહ્વાન કોને આપવાનું હોય? માલવરાજ જેવાને, તમને નહિ! આહ્વાન આપવા આંહીં કોઈ નવરું પણ નથી. પણ તમારા તગરેશ્વરને એ બાજુ કોલ્હાપુરરાજથી પોતાનું રક્ષણ કરવાનું છે, એ છોડીને આંહીં નવસારિકા સુધી દ્રષ્ટિ તે દોડાવવી એમાં કોઈ રાજનીતિ રહી નથી, એટલી વાત તમે સંધીવિગ્રહિક છો તો સાથે બાંધી લેતા જજો! કાકભટ્ટજી! કર્ણાટરાજને જોજનવેગી સારી સાંઢણી ઉપર ગુર્જરરાજનો સીમાડો બતાવી આવો!’
કર્ણાટરાજ ઊભો થઇ ગયો. એ ઉતાવળે બોલી ઊઠ્યો: ‘આંહીં કોઈ વિદ્વાન લાગતો નથી!’
‘તમે ભૂલો છો, કવિરાજ!’ વાગ્ભટ્ટે પ્રત્યુત્તર વાળ્યો. ‘તમે જ્યારે કહ્યું કે તમારી સ્થાનાધિપના રાજબિરુદની પાછળ સશસ્ત્ર સૈન્ય ખડું ઊભું છે ત્યારે જ તમને ગુર્જરરાજનો સીમાડો દેખાડવો જોઈતો હતો! પણ તમે કલ્યાણરાજના સામંતશ્રેષ્ઠને ત્યાંથી આવી રહ્યા હતા અને અમારે કલ્યાણરાજ સાથે વિરોધ નથી, વાળી તમારી કોંકણભૂમિના ઉત્તર વિભાગમાં ગોપકપટ્ટન મહારાજ પરમર્દી ‘શિવચિત્ત’ બેઠા છે, તેઓ અમારા સંબંધી છે એ દ્રષ્ટિએ પણ તમારો ગર્વ અમે સહી લીધો. હવે તમે સિધાવો, કાક ભટ્ટરાજ તમારી સાથે આવશે!’
કર્ણાટરાજને લાગ્યું કે હવે ઊભા રહેવામાં સાર નથી. ઊંઘતા પાટણ સાથે જુદ્ધ થાય તેમ નથી; જાગતા પાટણ સાથે જ જુદ્ધ લેવાનું છે. તેણે એક પણ વધુ શબ્દ કહ્યા વિના મહારાજને અભિવાદન કર્યું. તે આવ્યો હતો તેટલાં જ ગર્વથી પાછો ફર્યો. કાકભટ્ટ તરત એની પાછળ ચાલ્યો.
‘અને જુઓ, કાકભટ્ટજી!’ મહારાજે પોતે કહ્યું: ‘એને ગુર્જરરાજનો સીમાડો દેખાડવાનો છે. વચ્ચે એ ક્યાંય થોભે નહિ કે હાથતાળી દઈ જાય નહિ. એમને અને સંધિવિગ્રહિક ગણ્યા છે એટલે આ રખેવાળું આપ્યું છે. બાકી એમનું આ કામ તો ગુપ્તચરના નામને યોગ્ય છે!’