Rajashri Kumarpal - 8 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 8

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 8

સોરઠનું જુદ્ધ

થોડી વારમાં જ કાકભટ્ટ દેખાયો. સોરઠનો એક નાનકડો સામંત રાણો સમરસ કેટલાંક માણસો ઊભા કરીને રંજાડ કરી રહ્યો હતો ને સોમનાથ ભગવાન પાસેના કેદારેશ્વર મંદિરના જાત્રાળુઓને હેરાન કરી રહ્યો હતો. વિમલાચલ (શત્રુંજય) આસપાસ પણ એણે રાડ બોલાવી હતી. બર્બરક એને ભાતભાતના શસ્ત્રઅસ્ત્રની મદદ કરતો. જયદેવ મહારાજનું છેલ્લું વેણ બધા ભૂલી ગયા હતા. કાક, કૃષ્ણદેવ, મલ્હારભટ્ટ, કેશવ, ત્રિલોચન, ઉદયન – બધા એક કે બીજી રીતે ભૂલી ગયા. એક ન ભૂલ્યો તે આ જંગલી બર્બરક! એણે દ્રઢ નિશ્ચય કર્યો હતો: કુમારપાલને ચૌલુક્ય સિંહાસન ઉપર બેસાડી દેનાર હણાવો જ જોઈએ. મહારાજ સિદ્ધરાજને સ્મરણાંજલિ આપવી જ જોઈએ. જંગલી જેવા બર્બરકની એ દ્રઢ પ્રતિજ્ઞા હતી. પાટણ તરફથી ઉદયન મંત્રીને આ તરફ ખેંચવો. એ આવે તો સોરઠમાં એને તળ રાખવો. મહારાજ સિદ્ધરાજનું વેણ ઉથાપનારને એક પછી એક ઉપાડતા રહેવા. એ હવે જીવી રહ્યો હતો જ એટલા માટે. 

સમરસ રાણો હતો. તે નાનકડા પ્રદેશનો સ્વામી, પણ એને અચૂક નિશાનબાજી વરી હતી. એની પાસે સિંહની શૂરવીરતા હતી, વાઘની ચપળતા હતી, જંગલી પાડાની ધોડ હતી અને હાથીની નિશ્ચલતા હતી. એ આજે વિમલાચલ હોય, કાલે ગીરમાં હોય, ત્રીજે દિવસે ધૂમલીમાં ઘૂમતો હોય. આ ઘોડજુદ્ધમાં લાભ કાંઈ નહિ ને સૈનિકોને થાકનો પાર નહિ. કાકભટ્ટ એટલા માટે એ તરફ ગયો હતો, બર્બરકને વશ કરવા. ને બને તો એને પાછો પાટણમાં લાવવા. પણ ત્યાં એ ગયો એટલા દિવસ સમરસ રાણો છૂમંતર થઇ ગયો. જાણે એને ધરતી જ ગળી ગઈ! ત્યાં કાકને સમાચાર મળ્યા કે બર્બરક પાટણ જ જઈ રહ્યો છે અને ભાવ બૃહસ્પતિ પણ પાટણ જનાર છે. કાકે બર્બરકનું પગલેપગલું દબાવ્યું. પણ બર્બરક ક્યારે ને ક્યાં થઈને પાટણ તરફ ગયો એનો કાંઈ પત્તો એને લાગ્યો નહિ. એ ગયો કે નથી ગયો એ પણ સમજાયું નહિ. પણ પાટણ તરફ સૌ જઈ રહ્યા હતા, એટલે એ પણ કંટેશ્વરી મહંતને ત્યાં નવરાત્રિ ઉપર ગયેલો જ હોવો જોઈએ એમ અનુમાન કરીને પોતાના થોડા ચૂનંદા ઘોડેસવારો સાથે કાક પાટણમાં આવી પહોંચ્યો. આયુધને ઉદયન પાસે મોકલીને પોતે આવી ગયાના સમાચાર આપ્યા અને અત્યારે એ  બધી વાત રજૂ કરવા માટે જ આવતો હતો.

ઉદયને એને જોયો અને તરત અધિરાઈથી જ પૂછ્યું: ‘કાકભટ્ટ! બોલો, સિંહ કે શિયાળ! રાણો માને તેમ છે કે નહિ?’

‘પ્રભુ! આ સોરઠની જુદ્ધદોડ બધી જ એવી. એમાં ખુવારીનો પાર નહિ. જુદ્ધ જીતો તો કાંઈ મળે નહિ. મળવામાં ગડગડીયા પાણા ને હારો તો તમારી નામોશીનો પાર નહિ! રાણો વહેલેમોડે જુદ્ધ ઊભું કરશે જ કરશે!’ 

‘જુદ્ધ ઊભું કરશે? આપણી સામે? એની પાસે છે શું?’ 

‘એની પાસે છે નહિ કાંઈ, એટલે જ તો એણે એવા જુદ્ધમાં ખોવાનું કાંઈ નહિ અને સામાવાળાને લાંબા કરે. એ આવે એટલા દી એ ભોંમાં દટાઈ જાય. લાવલશ્કર ખસે એટલે પાછા હતા તેવાં ને તેવાં! આ તે કાંઈ જુદ્ધ છે? આ તો દોડાદોડી રાત-દીની, ને મળવાના પાણા! આ બર્બરક જુઓને, એનું પગલેપગલું દબાવતો હું આવ્યો છું – છેક વંથળીથી, પણ કોણ જાણે ક્યાંથી એ અદ્રશ્ય થઇ ગયો! એનો પછી કાંઈ પત્તો જ ન મળે! અત્યારે એ આંહીં પાટણમાં જ ક્યાંક હોવો જોઈએ!’

‘એ તો આંહીં પાટણમાં જ હશે ને દેખાશે પણ ખરો. કંટેશ્વરી મંદિરમાં જ ભલું હશે તો મળી આવશે. પણ મહારાજ તો તમારી રાહ જુએ છે, જાણવા માટે કે કેટલું સૈન્ય લઈને કોને ત્યાં મોકલવો. સોરઠનું આ બંડ મહારાજ ચલાવી લેવા માગત નથી!’

‘એ તો બરાબર છે, પણ સોરઠ શાંત રહેવાનું નથી ને એની ચાલમાં ખુવારીનો પાર નથી. આપણે આંહીં જ્યારે નગારે ઘાવ દેતાં કોંકણ-શાકંભરી ઊભાં થાતા હોય ત્યાં આ નાનકડા ધજાગરાનું જુદ્ધ આમંત્રવું છે, એમ?’

‘મહારાજ પણ એ જ જાણવા માગે છે, કાકભટ્ટજી! ન આમંત્રીએ, ને એમ તો પછી એ ધજાગરામાંથી ધ્વજ ઊભો થાય એનું શું? હવે ચાલો, ત્યાં કેટલી-કેટલી નવી વાતો ઊભી થાય તે જુઓ. મહારાજ રાહ જોઈ રહ્યા હશે.’

કાકભટ્ટને ઉદયન અંદર ગયા. અંદર મંત્રણાખંડમાં મહારાજ કુમારપાલ એમના આવવાની જ રાહ જોતા હતા, પણ ઉદયને ચારે તરફ સામંતમંડળ ઉપર એક દ્રષ્ટિ કરી ને એ સમજી ગયો. બધા જે ત્યાં હતા – આલ્હણ, કેલ્હણ, સોમેશ્વર, ધારાવર્ષદેવજી એમની મુખમુદ્રામાંથી અજયપાલની નીતિનો થોડોઘણો પણ પડઘો ઊઠતો એણે જોયો. એ વિચાર કરી રહ્યો. એણે આ બધાને જુદાજુદા ક્ષેત્રમાં કામ કરવા માટે મોકલી દેવાની પોતાની નીતિને મક્કમપણે તરત જ અમલમાં મોકવામાં સાર જોયો. શાકંભરીનાથ વિગ્રહરાજ પાસે કેટલું પ્રબળ સૈન્ય છે એની એક નોંધ અત્યારે જ એની છાતી ઉપર પડી હતી. એની પાસે એક હજાર તો મદોન્મત હાથી હતા! એ વિગ્રહરાજ શાકંભરીમાં હતો ત્યાં સુધી સોમેશ્વરનો ત્યાં ગજ વાગે તેમ ન હતો. એટલે એ સોમેશ્વર ચૌહાણ પોતાના ઓરમાન ભાઈના ડરથી આંહીં રહેવાનો. એને કાંઇક કામ આપવું જોઈએ. નડૂલના આલ્હણ-કેલ્હણ પણ એ માટે જ આંહીં ધામા નાખીને પડ્યા હતા, વિગ્રહરાજ સામે ન્યાય માંગતાં! એટલે શાકંભરીનું જુદ્ધ માથે તો લટકતું હતું. બીજું, આ મલ્લિકાર્જુનનો કવિરાજ આવ્યો એ પણ જુદ્ધ જ હતું. ત્રીજું આ સોરઠનું ઊભું થતું હતું! અને આંહીં પાટણમાં પણ કેટલી બધી વાતો ઊભી હતી! તાત્કાલિક નિશ્ચિત રાજનીતિ પરત્વે ઉદયને હવે એક પળનો પણ વિલંબ ન કરવામાં સાર જોયો. તો મહારાજ કુમારપાલનું રાજ્યારંભ-સમયનું ઘર્ષણ પાછું ફરી ન જાગે એ પણ એને જોવું રહ્યું. 

‘મહારાજ! આ કાક ભટ્ટરાજ આવેલ છે. સમરસ રાણો એને મળ્યો જ નહિ!’

‘મળ્યો જ નહિ? એટલે, કાક ભટ્ટજી! એને શું જોઈએ છીએ – જુદ્ધ કે શાંતિ?’

‘શાંતિમાં, મહારાજ, એ ભૂમિનો કોઈ માનતો નથી ને જુદ્ધ ત્યાં કોઈ કરવાનો નથી. જયદેવ મહારાજની સામે પડેલા ખેંગારની રીતે રીત છે. જુદ્ધ કરવું નહિ, સામે મોંએ લડવું નહિ, શરણે થાવું નહિ ને ધજગરૂં હેઠે મૂકવું નહિ. સોરઠી-તમામની આ રીત છે!’

‘તો આપણે એની એ કહો આ વખતે ભુલાવી દેવાની છે! બોલો, મહેતા! સોરઠમાં કોને મોકલવો છે?’

‘મહારાજ જેનું નામ આપે એ આવતી કાલે રવાના થાય. બર્બરક આંહીં આ તરફ આવ્યાના સમાચાર પણ છે...’

‘તો-તો એ આંહીં હોય ત્યાં જ સમરસને પણ વશ કરવો ઠીક પડશે. બે’યને ભેગા જ થવા ન દેવા!’

‘એ પણ બરાબર...’

‘તો કોને જવાનું છે,મહેતા?’

મહારાજે ચારે તરફ દ્રષ્ટિ કરી. કોઈ તત્પર થતો એમણે દેખ્યો નહિ. ઉદયન એ હવામાં રહેલું ઘર્ષણ કળી ગયો. તે ધીમેથી આલ્હણ તરફ સર્યો: ‘આલ્હણદેવજી! આ તક છે – મહારાજની કૃપાદ્રષ્ટિ મેળવવાની.’

‘પણ પછી કેલ્હણ – એનું શું મહેતા?’ આલ્હણે ઠંડો જવાબ વાળ્યો: ‘એ રેઢો રહેશે એટલી જ વાર છે. તમારાથી ક્યાં અજાણ્યું છે એ વાજું? એનું મનદુઃખ એને ગમે તે કરવા પ્રેરશે!’

‘એ પણ બરાબર!’ ઉદયન આલ્હણનું મન કળી ગયો. એને નવી જુક્તિથી ત્યાં ખેંચવો પડે તેમ હતું. ધારાવર્ષદેવ જેવા વીર પુરુષને ત્યાં મોકલવાનો અર્થ જ ન હતો. સોમેશ્વર નાનો ને સોરઠની ભૂમિ છેતરામણી. ઉદયનને એ પણ ઠીક ન લાગ્યું. તેણે ધીમેથી કહ્યું: ‘અજયપાલજી! તમારે સોમનાથનાં દર્શન પણ થાશે. મહારાજ પાસે માગી જુઓ –’

‘કોણ, અજય? ના-ના, મહેતા! મહારાજે જ કહ્યું: ‘અજયને હવે આંખથી અળગો કરવો નથી. આ નિર્ણય પછી લેવાશે. પણ પહેલાં આપણે નક્કી કરો. કાક ભટ્ટરાજ શું મને છે? જુદ્ધ અનિવાર્ય છે કે નહિ?’ અજયપાલ ત્યાં જઈને કાંઈ નવું ધતિંગ ઊભું કરે – મહારાજનો એવો ભય ઉદયન કળી ગયો.

‘જુદ્ધ અને અનિવાર્ય? મહારાજ!’ અજયપાલને જરાક આશ્ચર્ય થયું. બીજા પણ જરાક ચોંકી ગયા લાગ્યા. જુદ્ધમાં અનિવાર્યતાનું શું કામ હતું એ પ્રશ્ન સૌના મનમાં હતો. જુદ્ધ તો કરવાનાં જ હોય. જરાક વાંકું પડ્યું કે જુદ્ધ – એ વારસો આ સૌની દોરી રહેલો લાગ્યો. જુદ્ધ-ધર્મની આવી મીમાંસા એમને નવીનવાઈ જેવી જણાતી હતી. ઉદયન એ સમજી ગયો. મહારાજની નીતિ ઉપર એક પ્રકારનો રોષ ઠાલવવાની તક અત્યારે જ સૌ લઇ લેવા માંગતા હતા. એને એ થવા દેવું જ ન હતું. તેણે ઉતાવળે હાથ જોડ્યા: ‘મહારાજ! આ જુદ્ધ કરવાનું જ છે અને સોમનાથ મહાદેવનો ને વિમલાચલનો જાત્રામાર્ગ આપણે નિર્ભય બનાવવાનો છે!’

‘વિમલાચલજીનો? તમે વિમલાચલજી કહ્યું, મંત્રીશ્વર! ત્યાં શું છે?’ બોલનાર અજયપાલ હતો. ઉદયન એની સામે જોઈ રહ્યો. વિમલાચલ વિશેનો અજયપાલનો મશ્કરીભરેલો રણકો એની છાતીએ ચોંટી ગયો. બર્બરક પોતાને ખોળી રહ્યો હતો એ વાત પણ એને ખટકી ગઈ. દ્વન્દ્વજુદ્ધનો જવાબ જાણે એ આપી રહ્યો હોય તેમ બોલ્યો:

‘મહારાજ! ત્યારે હું હવે તમને કહી દઉં: આ જુદ્ધમાં હું પોતે જ જવાનો છું!’ મક્કમ અવાજે એણે કહ્યું: ‘બીજા જેને આવવું હોય તે તૈયાર રહેજો.’

વાગ્ભટ્ટ નવાઈ પામ્યો. એંશી વર્ષે ડોસે ગજબની વાત કરી હતી. પણ ઉદયન હજી એ જ મક્કમ અવાજમાં બોલી રહ્યો હતો, ‘અજયપાલજી! તમને આવા નાનકડા જુદ્ધમાં મોકલાય નહિ. મહારાજ પોતે જાય એટલું આનું મહત્ત્વ નથી. બીજું કોઈ જાય તેમાં સો ટકાની ખોટ – આંહીં કોઈ જુદ્ધ જાગ્યું, એટલે હું ગલઢો આમાં ઠીક. મહારાજ! મને આજ્ઞા મળવી જોઈએ!’ 

વાગ્ભટ્ટે હાથ જોડ્યા હતા: ‘પ્રભુ! તો-તો હું છું જ, આંબડ છે, કાકભટ્ટરાજ છે!’

‘મહારાજની આજ્ઞા હોય તો હું તૈયાર છું!’ કાક બોલ્યો. 

‘જુઓ, કાકભટ્ટજી! આ જુદ્ધ મેં સમજીને ઉપાડ્યું છે. બર્બરક મારી રાહ જોઈ રહ્યો છે, વિમલાચલ સંકટમાં છે. મારું વેણ મહારાજ નહિ લોપે. હું જ જવાનો છું!’

ઉદયનની મક્કમતા હવે વધી ગઈ હતી. એને પોતાને પણ લાગતું હતું કે એણે બરાબર જ પગલું લીધું છે. 

‘પણ આ આવ્યું છે કોંકણનું – એમાંથી જુદ્ધ ફાટશે તો...’ વાગ્ભટ્ટે પિતાની મક્કમતાને ડગાવવાનો યત્ન કર્યો.

‘તો આંહીં સિંહનાં જૂથ બેઠા છે, વાગડ! અજયપાલજી છે, કેલ્હણદેવ છે, સોમેશ્વરજી છે... મહારાજની આડે તો હવે વજ્જરની દીવાલો ખડી છે. મહારાજને તો એવા સ્થાન જેવા નાનકડા જુદ્ધમાં પણ જાવાનું હોય નહિ...!’

‘ટૂંકમાં અત્યારે આટલું નક્કી.’ કુમારપાલ બોલ્યો: ‘સોરઠનું જુદ્ધ ઉપાડવું જ પડશે. એમાં મીનમેખ નથી, કેમ, કાક ભટ્ટરાજ?’

‘હા, મહારાજ! જુદ્ધ તો થાશે જ.’

‘થયું ત્યારે, આ નિર્ણય થઇ ગયો. કાલે પેલાં કવિને મળ્યા પછી બીજી વાત... મને એ કાંઈ કવિ લાગતો નથી.’

‘જુઓ, મહારાજ! એ કવિને જ લાગેલો છે. આંહીં બેત્રણ વાતનો એ તાગ લેવા આવ્યો છે!’ વાગ્ભટ્ટ બોલ્યો.

‘કઈ-કઈ?’

‘એક તો આ સોરઠનું જુદ્ધ થવાનું છે કે નહિ એ એને જાણવાનું છે.’

‘એ તો એ જાણી ગયો હશે કે જાણશે એ થવાનું જ છે, બીજી વાત કઈ છે?’

વાગ્ભટ્ટ બોલ્યા વિના જ બેઠો રહ્યો.

‘બીજી વાત કઈ છે, વાગ્ભટ્ટજી! કેમ બોલ્યા નહિ?’ કુમારપાલે પૂછ્યું.

બીજી વાત વાગ્ભટ્ટ પાસે કઈ હશે તે ઉદયન કળી ગયો. અત્યારે એ વાત – મહારાજની રાજનીતિમાંથી ઊભા થતાં ઘર્ષણ વિશેની – એમાં સર્વ પાડોશીઓને રસ હોઈ શકે અને એ ઘર્ષણ અટકાવવા માટે તો એ મથી રહ્યો હતો. તેણે વાગ્ભટ્ટ સામે જોયું: ‘વાગ્ભટ્ટ! આ વાતનો ખરો મેળ આંબડની પાસે છે. એને જ આવવા દે ને. બીજી વાત પણ, મહારાજ! પાડોશીઓને જેમાં રસ હોઈ શકે એવી જ છે. પાટણ કોઈ બીજા જુદ્ધમાં સંડોવાય છે કે નહિ – શાકંભરીનો વિગ્રહરાજ આપણી સામે ઊઠે છે કે આપણે એની સામે ઊઠીએ છીએ, એમાં સૌને રસ છે, લ્યો ને!’

ઉદયને વાતને ફરી બીજે પાટે લઇ લીધી હતી. આંતરિક ઘર્ષણ કોઈ પણ રીતે ક-સમયે પ્રગટ થતું અટકે એ એને જોવું હતું. રાજ એના મનથી મહારાજના દોહિત્ર પ્રતાપમલ્લનું જ હતું. અજયપાલને રખડાવવાનો હતો, પણ તે માટે હજી વાર હતી. અત્યારનું આંતરિક ઘર્ષણ તો એ યોજના જ ટાળી નાખે. અને એ આંતરિક ઘર્ષણ અટકાવવા મહારાજ પોતાની રાજનીતિનો માર્ગ બદલે તો-તો થઇ રહ્યું! એવા કોઈ મહાન પરાજય માટે મંત્રીશ્વર તૈયાર ન હતો. એટલે એ આંતરિક ઘર્ષણની દરેક વાતને મૂળમાંથી જ છેદી નાખતો. 

ઉદયનની વાત સૌ સાંભળી રહ્યા. અજયપાલને એ રુચિ નહિ. કોઈ પણ રીતે મહારાજને સ્પષ્ટ વાત કરી નાખવાનો એનો મનસૂબો હતો. તે જરાક ટટ્ટાર પણ થયો. તેણે બોલવાની તૈયારી કરી લાગી, પણ એટલામાં એની દ્રષ્ટિને મહારાજની પાછળ જવનિકામાં બેઠેલ નારી-સમુદાય તરફ જતી ઉદયને જોઈ અને એક જ પળમાં એ સ્થિર-શાંત થઇ ગયો જણાયો.

બીજા કોઈનું ધ્યાન આવી નાની વાત તરફ ગયું જણાયું નહિ, પણ ઉદયને આ ફેરફાર જોયો, મંત્રીશ્વરના હ્રદયમાં આશાનું એક કિરણ પ્રગટ્યું, પણ બીજી જ ક્ષણે એ પાછું નિરાશામાં ફેરવાઈ ગયું. જવનિકા પાછળની જે દ્રષ્ટિએ અજયપાલને તાત્કાલિક શાંત કરી દીધો હતો તે દ્રષ્ટિ બીજી કોની હોઈ શકે? યુવરાજ્ઞી નાયિકાદેવીનું તેજ એ જાણતો હતો. એની જ એ દ્રષ્ટિ હોવી જોઈએ; પણ જેના પિતા પરમર્દીએ પોતાનું બિરુદ જ ‘શિવચિત્ત’ રાખેલું, એ નાયિકાદેવીની સોમનાથભક્તિ કેટલી અચળ હતી એ ઉદયન જાણતો હતો. એટલે એ તેજસ્વી નારીએ રાહ જોવાની નીતિ પ્રેરી હતી એટલું જ, બાકી ભાવ બૃહસ્પતિ, સોરઠનું જુદ્ધ, બર્બરક – એ સઘળી વાત કાકભટ્ટે હમણાં જ એને કહી હતી. વહેલેમોડે અજયપાલ ઘર્ષણ ઊભું કરશે જ એ અનિવાર્ય ભાવિ એણે જોઈ લીધું હતું. એની આશા એક પળમાં નિરાશામાં ફેરવાઈ ગઈ. 

સોરઠના જુદ્ધનો નિર્ણય લેવાઈ ગયો હતો, માત્ર કોને જવું એ હવે નક્કી કરવાનું હતું. મહારાજે સહેજ એક તાલી પાડી. જવાબમાં એક દાસી ત્યાં અભિવાદન કરતી આવીને ઊભી રહી ગઈ હતી:

‘પ્રતાપમલ્લ આવેલ છે “કલિકાલસર્વજ્ઞ” પાસેથી?’

અભિવાદન કરતી એ તરત પાછી સરી ગઈ. પણ ઉદયન રાજાના આ વેણથી ચમકી ગયો. ‘અરે!’ એના મનમાં એક મોટો અવાજ થઇ રહ્યો: ‘આ તો રાજા પોતાના દૌહિત્રને જ મોકલવાનો કે શું?’ એને કુમારપાલના વજ્રનિશ્ચયનો અનુભવ હતો. તેણે તરત જ બે હાથ જોડ્યા: ‘મહારાજ! સોરઠજુદ્ધના સેનાપતિપદની મહારાજને મેં વિજ્ઞપ્તિ કરી દીધી છે. મહારાજના મનમાં બીજો નિર્ણય હોય તોપણ અત્યારે એ ન લેવાય એટલું જ મારે હવે કહેવાનું છે!’

‘કેમ? મહેતા! એવું શું છે?’

‘પ્રભુ! આંબડને પણ આ વાતમાં પૂછવું જોઈએ. એને મહારાજે કોઈ જુદ્ધમાં મોકલવાનું વચન આપ્યું છે!’

પ્રતાપમલ્લની આડે પોતાની ને આમ્રભટ્ટ બંનેની ઢાલ બનાવી દેનારી અચળ રાજભક્તિને કુમારપાલ અંતરમાં જ પ્રશંસી રહ્યો. તે પ્રેમથી ઉદયનની સામે જોઈ રહ્યો:

‘મહેતા! તો-તો એ નિર્ણય ત્યારે કરીશું!’ તેણે કહ્યું, ‘કાલે કવિરાજ આવવાનો છે. રામચંદ્રજીને ખબર તો છે, પણ એની ખરી વાતનું માપ આપણે કાલે મેળવી લ્યો પહેલાં. કાકભટ્ટ! તમે જરા આજે એને નાણી જોજો.’

એટલામાં પેલી દાસી આવતી દેખાઈ. તેની સાથે કોઈ ન હતું. તેણે ઉતાવળે-ઉતાવળે જ કહ્યું: ‘મહારાજ! કંટેશ્વરીના મહંતશિષ્ય અંદર આવ્યા છે. મહારાજને ઉતાવળે મળવા માગે છે!’

‘મહેતા!’ માત્ર એક જ અર્થભર્યો શબ્દ કુમારપાલે કહ્યો ને તે ઊઠ્યો. મંત્રણાખંડ પણ એની પછવાડે તરત ખાલી થઇ ગયો હતો.