Rajashri Kumarpal - 7 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 7

રાજપિતામહ

પણ એ શબ્દના પડઘા શમ્યા-ન-શમ્યા અને રાજસભામાં છેડે બેઠેલાઓમાંથી એક ગૌરવર્ણનો ઊંચો પુરુષ ઊભો થઇ ગયેલો સૌની નજરે પડ્યો. એની રીતભાત અને વેશ પરદેશી જેવા હતાં. તે રૂપાળો, સશક્ત અને પ્રતાપી લાગતો હતો. તેના એક હાથમાં ગ્રંથ હતો. કવિની છટા દર્શાવતું એનું ઉપવસ્ત્ર ખભા ઉપરથી લટકી રહ્યું હતું. ધનુષટંકારવ સમા અવાજે આહ્વાન આપતો હોય તેમ એ બોલ્યો:

‘મહારાજ! આ બિરુદ – “રાજપિતામહ” આવી રીતે બોલી નાખનાર કવિજન અજ્ઞ જણાય છે. શું આંહીં, આ રાજસભામાં કોઈ જ જાણતું નથી કે આ બિરુદ ધારણ કરવાનો અધિકાર માત્ર એક જ રાજપુરુષનો છે – કોંકણરાજ મહારાજ મલ્લિકાર્જુનનો?’

એની આ વાણી સાંભળતાં જ આખી સભામાં કોલાહલ થઇ ગયો. આ ઉદ્ધત પુરુષ ક્યાંનો છે ને કોણ છે એ જાણવાના કુતૂહલે કેટલાંક ઊંચા-નીચાં થઇ ગયા. પણ મહારાજ કુમારપાલે હાથની એક જરા જેટલી ન ઈશાની કરી ને બધે શાંતિ વ્યાપી ગઈ. આ રાજસભા ન હતી. ‘સર્વ-અવસર’ હતો. એમાં ગમે તેણે ગમે તે રીતે બોલવાનો અધિકાર હતો, એટલે મહારાજે સ્વસ્થતાથી જ કહ્યું: ‘આ “સર્વ-અવસર” છે પરદેશી જન! તમને થયેલા કોઈ અન્યાય માટે તમારે કાંઈ કહેવાનું હોય તો આગળ આવો. રાજસભામાં મૂકવાની વાત આંહીં ન મૂકતા. આગળ આવો – કોઈ વાત કહેવી હોય તો. તમે ક્યાંના છો?’

પણ એટલામાં તો વાગ્ભટ્ટ પોતે ઊભો થઇ ગયો હતો. તે સમજી ગયો; કોંકણનો કવીન્દ્ર કર્ણાટરાજ કહેવાય છે તે આ હોવો જોઈએ. એ આવી રહ્યાના સમાચાર તો આમ્રભટ્ટે ક્યારના મોકલ્યા જ હતા. અત્યારે આ વાતનો અહીં ઉહાપોહ થાય એ એણે રુચ્યું નહિ. એમાંથી જ કારણ વિનાનું નવું ઘર્ષણ ઊભું થાય. અત્યારે મહારાજના આ પગલાનો વિરોધ કોઈ પ્રગટ કરે એ ઈચ્છવા જેવું ન હતું. તેણે પોતે જ આ કવીન્દ્રને તરત જવાબ વાળ્યો: ‘તમે ક્યાંથી આવો છો? પરદેશી જણાઓ છો. મહારાજ ગુર્જરેશ્વરને આ તો “સર્વ-અવસર” સભાપ્રસંગ છે એની તમને જાણ લાગતી નથી. તમારે કોઈ વાતમાં ન્યાય લેવાનો હોય તો આગળ આવો નહિતર બેસી જાઓ. ત્રિલોચનપાલજી! કોઈને કંઈ કહેવાનું ન હોય તો “સર્વ-અવસર”ની પણ હવે સમાપ્તિ જાહેર કરો.’

દુર્ગપાલ ત્રિલોચન તરત રાજસભાને છેડે આગળ ગયો. ત્યાં ઉભેલા એક સૈનિકે શંખનાદ કર્યો. ત્રિલોચને મોટેથી તરત ઘોષણા કરી: ‘નગરજનો હો! “સર્વ-અવસર”ની સમાપ્તિ થાય છે. કોઈને કાંઈ ન્યાય માગવાનો બાકી રહેતો હોય તો તરત આગળ આવી જાય. મહારાજ એટલા માટે થોભ્યા છે.’ બોલીને ત્રિલોચન થોડી વાર શાંત ઊભો રહ્યો.

કોઈ આગળ આવતું જણાયું નહિ. ફરી વાર એણે એ જ ઘોષણા કરી: “નગરજનો હો! “સર્વ-અવસર” સમાપ્ત થાય છે. હજી કોઈને આવવાનું હોય તો આવી જાય. મહારાજ પોતે ન્યાય આપવા બેઠા છે.’ પણ આ પ્રમાણે ‘સર્વ-અવસર’ની સમાપ્તિનો ઘોષ થતો જોઇને રાજચોકઆથી લોકો ખસી જવા માંડ્યા. થોડી વારમાં ત્રિલોચનપાલે ત્રીજી વખત ઘોષણા કરી ત્યારે તો ત્યાં આગળથી શ્રીધર પંચોલીને મળેલા ન્યાયની પ્રશંસા કરતા લોકોનાં ટોળેટોળા વીખરાવા માંડ્યા હતાં અને રાજમેદાન ખાલીખમ થતું જણાતું હતું. સભામાંથી પણ કેટલાંક ઊભા થઈને પોતપોતાને કામે જવા માંડ્યા.

પણ કર્ણાટરાજ હજી ત્યાં ઊભો હતો. ત્રિલોચનપાલની ઘોષણાના જવાબમાં તે પોતે જ હવે આવતો જણાયો. તેણે બે હાથ જોડીને કહ્યું” ‘મહારાજ! મારે રાજસભા પાસે વાત મૂકવાની છે. હું છું કોંકણનો કવીન્દ્ર કર્ણાટરાજ.’

‘શી ફરિયાદ છે તમારી, બોલો!’ કુમારપાલે કાંઈ ન હોય તેમ શાંતિથી કહ્યું. 

‘કોઈ ફરિયાદ નથી, મહારાજ! પણ મહારાજને એક વાત સંભળાવવાની છે. મારી વાત સાંભળવા જેવી છે. જેમ સ્વર્ગાધિપતી ઇન્દ્રરાજ સિવાય બીજાને ‘શતકતુ’ બિરુદનો અધિકાર નથી, હરિ એ ભગવાન વિષ્ણુનું જ બિરુદ છે, મહેશ્વર ભગવાન શંકર જ ગણાય છે તેમ હે મહારાજ! પૃથ્વી ઉપર સ્થાનાધિપતી રાજરાજેશ્વર મલ્લિકાર્જુન સિવાય “રાજપિતામહ” બિરુદ વાપરવાનો બીજાનો અધિકાર જાણ્યો નથી. આંહીંના કવિરાજને એ ખબર લાગતી નથી. એ બિરુદ કવિરાજ હવે  હવે પછી ન વાપરે. બીજાં ભલે એક હજાર ને એક વાપરે! આ બિરુદની પાછળ તો સહસ્ત્રોની સશસ્ત્ર ખડી ચોકી ઊભી છે પ્રભુ!’

‘ઓહોહો! આટલું બધું છે?’ વાગભટ્ટે પ્રત્યુત્તર વાળ્યો.

‘મહામંત્રીશ્વરજી! હું જેવાતેવાનો કવીન્દ્ર નથી!’

‘ત્યારે કવિરાજ! તમે ભૂલો છો, તમે જેવીતેવી સભામાં ઊભા નથી!’

‘મેં તો માલવરાજની સરસ્વતીસભા પણ જોઈ છે, મંત્રીશ્વરજી!’

વાગભટ્ટે ધીરા અવાજે કહ્યું:

‘કવીન્દ્ર કર્ણાટરાજજી! તમે હજી ગયા જમાનામાં ફરતાં લાગો છો. એ સભા હતી. આજ તો નાનકડું બાળક પણ ગુર્જરસભા એટલે શું એ જાણે છે. તમે રહ્યા દક્ષિણપથના છેવટે, એટલે ઇતિહાસથી અનભિજ્ઞ હશો. કાલે તમે રાજસભામાં આવજો, કવિરાજ! તમે રાજના અતિથી છો.’ વાગ્ભટ્ટે ત્વરાથી ઉત્તર વળ્યો અને ત્રિલોચનપાલ તરફ ફર્યો: ‘ત્રિલોચનપાલજી! આ કવીન્દ્ર કર્ણાટરાજજી સ્થાનથી આવેલા છે. તેઓ આપણા રાજઅતિથી છે, તમે જ એમના આતિથ્યની વ્યવસ્થા કરાવજો. કવિરાજ! અત્યારે હવે પધારો! તે દૂરથી આવો છો. કાલે રાજસભા આવવા માટે આપણે સુખાસન આવશે. “સર્વ-અવસર’ સમાપ્ત થાય છે. ત્રિલોચનપાલજી! તમે કવિરાજ સાથે જજો!’

રુદતીવિત્તનો પ્રશ્ન કાંઈ પણ ઘર્ષણ ઊભું કરે તે પહેલાં વાગ્ભટ્ટે ત્વરાથી અને છટાથી રાજસભાની સમાપ્તિ પણ જાહેર કરી દીધી. ઉદયન એની કાર્યપદ્ધતિને પ્રશંસાથી નિહાળી રહ્યો હતો. કવિરાજ કર્ણાટરાજને ત્રિલોચનપાલ સાથે જતો જોઈએ એણે એક પ્રકારનો છુટકારાનો આનંદ અનુભવ્યો. એ મહારાજને વિજ્ઞપ્તિ કરવા જતો હતો ત્યાં એક સામંતને ઊભો થયેલો દીઠો. દેખીતી રીતે જ એ અજયપાલનું પ્રોત્સાહન પામેલો હોવો જોઈએ. સામંત બોલી રહ્યો હતો.

‘મંત્રીશ્વરજી! અમારે પણ કાંઈક કહેવાનું છે!’

‘તમારે કહેવાનું રાજસભામાં કહી શકાશે, સામંતજી! આંહીં અત્યારે તો મહારાજ દરેકનું દુઃખ જાણવા બેઠા છે, મત લેવા બેઠા નથી!’

‘પણ અમારે મહારાજને કહેવાનું છે, મંત્રીશ્વરજી! એ તો એક ક્ષત્રિય બીજા ક્ષત્રિયને કહે એ પ્રકારનું છે! કોઈ ફરિયાદ નથી!’

‘જુઓ, સામંતરાજજી! મહારાજ ગુર્જરેશ્વરનો “સર્વ-અવસર”  એ સર્વ અવસર જ રહેશે. આંહીં તો ગમે તે આવે. ગમે તેને કાંઈ દુઃખ હોય, અન્યાય થયો હોય, વિપત્તિ આવી પડી હોય, કોઈ અસહ્ય પરિસ્થિતિ ઊભી થઇ ગઈ હોય, મહારાજનો જાણે કે આ કુટુંબમેળો છે. એના એ પવિત્ર ધર્માધિકારી સ્વરૂપને હું જરાય ખંડિત નહિ કરું. એ સ્વરૂપ એ રીતે રહે એમાં જ એની શોભા છે. “સર્વ-અવસર” એ તો ગુર્જરેશ્વરની ધર્મસભા છે. મહારાજે રાજદ્વારે લટકાવેલી સોનેરી ન્યાયઘંટા અને આ “સર્વ-અવસર” એ બંનેની વાત ન્યારી છે. જે જ્યાં શોભતું હોય ત્યાં શોભે. લક્ષ દ્રમ્મની મોજડી હોય, પણ તે પહેરાય તો પગમાં જ, માથે ન મુકાય. મારે તમને આ કહેવાનું ન હોય. તમારી વાત મહારાજ સાંભળશે, મહારાજ તો સાંભળવા જ બેઠા છે, પણ અત્યારે આ “સર્વ-અવસર” તો સમાપ્ત થઇ ગયો સમજો ને એમાં આ તમારી વાત મૂકવાની પણ ન હોય.’

એટલી વારમાં ઉદયન પણ ઊભો થઇ ગયો હતો. ‘મહારાજ!’ તેણે કુમારપાલને કહ્યું: ‘આવતી કાલે આ કવીન્દ્રનો પ્રશ્ન આવીને ઊભો હશે, પણ તે પહેલાં આપણે સોરઠની વાત જાણી લેવી પડશે. કાક ભટ્ટરાજ સોરઠથી આવી પહોંચ્યા છે. તેઓ મહારાજને મળવા જ આવતા હશે. એમની પાસેના સમાચાર મહારાજ સાંભળે ને તાત્કાલિક નિર્ણય લેવો પડે, તો ધારાવર્ષદેવજી છે, અજયપાલજી છે, સોમેશ્વરરાજ છે, નડૂલરાજ છે – મહારાજે જે નિર્ણય લેવાનો હશે તેમાં એ સૌનો ખપ પડશે. કાક ભટ્ટરાજ પાસે એવા સમાચાર છે એ હું જાણું છું, હમણાં તેઓ આવ્યા બતાવું! અત્યારે હવે બીજો કોઈ પ્રશ્ન કોઈ ન છેડે!’

‘પણ, મહેતા એ તો તમે હવે છો ને...’

ઉદયન બોલનારની સામે જોઈ રહ્યો. અજયપાલનો ઉપાલંભ એ ગળી ગયો. પણ તેણે મક્કમતાથી કહ્યું ‘અજયપાલજી! હું તો આજ છું ને કાલ નથી! મને એંશી થયાં, પણ તમે ગુર્જરસામ્રાજ્યની દિશાઓ તરફ નજર નાખો, પ્રભુ! પછી આ બોલ બોલજો!’

કુમારપાલ પોતાના શૂરવીર પણ સ્વછંદી ભત્રીજા તરફ જોઈ રહ્યો. એણે એને પ્રેમથી કહ્યું: ‘અજય! ગમે તે નિર્ણય લેવો પડશે, પણ તારા વિના તો કોઈ ડગલું ભરવાનું નથી. જો આ કાક ભટ્ટરાજ પણ આવતો જણાય છે. મહેતા! તમે એણે મંત્રણાખંડમાં જ લાવો. ચાલો અજય! ધારાવર્ષજી! આલ્હણજી!’

કુમારપાલની સાથે સૌ અંદર ગયા, એટલે વાત અત્યારે તો આગળ વધતી અટકી ગઈ. ઉદયન કાકભટ્ટને આવતો નિહાળી રહ્યો. એક તરફથી બે જુદ્ધ આવી રહ્યાં હતાં. બીજી તરફથી આંતરિક ઘર્ષણ ઊભું થવાના પડઘા હજી શમ્યા ન હતા. ઊંડા વિચારમાં પડ્યો હોય તેમ મંત્રીશ્વર ત્યાં ઊભો રહ્યો!