Rajashri Kumarpal - 3 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 3

Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 3

કોણ રડી રહ્યું હતું?

રાજાનું મન મનને કહી રહ્યું હતું, ‘કોણ હશે?’ અને તેના અંતરમાં અચાનક સિદ્ધરાજ મહારાજના આવા અનેક રાત્રિપ્રસંગો આવી ગયા. લોકકંઠમાં, લોકકથામાં, લોકવાણીમાં ને લોકહ્રદયમાં હજી તેઓ બેઠા હતા. પોતે પણ આજે એવો જ કોઈ પ્રસંગ મેળવી શક્યો હોય! તે બહુ જ ધીમે સાવચેત પગલે આગળ વધ્યો. જરા જેટલો પણ અવાજ ન થાય તે માટે થોઈ વાર ચાલ્યા પછી એણે નીચે બેસીને જ ચાલવા માંડ્યું. 

પચીસ-પચાસ કદમ જ દૂરથી કોઈકનું અંતર હલાવી નાખે તેવું રુદન હવે સ્પષ્ટ સંભળાવા માંડ્યું! કોઈ ધ્રુસકેધ્રુસકે રડી રહ્યું હતું. 

રાજા આગળ વધ્યો.

નજીક આવતાં એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

એક નહિ પણ બે જણાં રડતાં હતાં ને બંને સ્ત્રી! ગાઢ જંગલમાં આવી ભયંકર કાલરાત્રિએ બે નારી આવું હૈયાફાટ રુદન અહીં કરે, એ જોઇને રાજાને નવાઈ લાગી! ‘કોણ હશે? એમને શું દુઃખ હશે?’ તે વિચાર કરી રહ્યો: ‘કોઈ રાજકર્મચારીના જુલ્મનો ભોગ હશે?’ એમનો એક ભાંગ્યોતૂટ્યો શબ્દ સાંભળવા મળે, તે માટે રાજા ત્યાં સ્થિર, શાંત, એકકાન થઈને ઊભો રહ્યો.

પણ બંને નારીનાં માત્ર ડૂસકાં આવી રહ્યાં હતાં. અને વચ્ચેવચ્ચે એમનાથી સહન ન થતું હોય તેમ અત્યંત હ્રદયદ્રાવક એવું મોટેથી તીણું રુદન થઇ જતું હતું! આ રુદન જ હવાની પાંખે આવતું રાજાએ સાંભળ્યું હતું. એક નારી બીજીને આશ્વાસન આપતી જણાઈ, પણ એનું આશ્વાસન એવા ગળગળા અવાજે બોલાતું હતું કે એ આશ્વાસન ઉલટાનું વધારે કરુણાજનક થઇ પડતું હતું. 

બંને સ્ત્રીને આ પ્રમાણે હ્રદયફાટ વિલાપ કરતી જોઇને રાજાનું મન હવે હાથ રહ્યું નહિ. તે એકદમ આગળ વધ્યો. તેણે પાસે આવતા જ મોટેથી કહ્યું: 

‘કોણ છે? ત્યાં કોણ રડી રહ્યું છે અત્યારે?’

જવાબમાં એક પળભર રુદન બંધ થઇ ગયું. કુમારપાલ પેલી સ્ત્રીઓની છેક પાસે આવી પહોંચ્યો.

‘બાઈ! કોણ છો તમે? અને કેમ રડો છો? શું દુઃખ છે તમારે?’ 

ડૂસકાં ખાતી એક સ્ત્રી બોલી, ‘તું તારે રસ્તે જા, ભાઈ! અમે અમારું ફોડી લેશું! અમારે કાંઈ દુઃખ નથી!’

‘પણ તમે છો કોણ?’

‘એ જાણવાથી તને શું ફાયદો છે? ને તને જણાવવાથી અમને શું ફાયદો છે? અમે ગમે તે છીએ!’

‘પણ હું આ જંગલનો રક્ષક છું, એનું શું? મારા જંગલમાં તમે કેમ રહો છો તે મારે જાણવું જોઈએ નાં? વખત છે ને કાલે ઊઠીને મહારાજ પૂછે તો? હું જવાબ શો આપું?’

‘મહારાજ પૂછી રહ્યા, ભાઈ! પૂછવાવાળા ગયા. તું તારે રસ્તે જા!’

‘પણ તમે કહો તો ખરાં, તમે છો કોણ?’

‘ધનશ્રેષ્ઠી કુબેરનું નામ સાંભળ્યું છે તેં? પણ તું કોણ છે ભાઈ? પહેલાં તું કોણ છે એ તો કહે!’

‘હું? હું તો જંગલરક્ષક છું, મેં ન કહ્યું?’

‘જંગલનું તો રાજા રક્ષણ કરે છે, પણ નગરમાં કોઈ ધણીધોરી જ નથી, એનું શું?’

‘કેમ એમ બોલ્યાં? તમને કોઈએ લૂંટી લીધા છે?’

‘આજ લૂંટી લીધા નથી, તો કાલે લૂંટી લેશે!’

‘કાલે લૂંટી લેશે? કોણ લૂંટી લેશે – મહારાજ કુમારપાલ બેઠા છતાં?’

‘પણ કુમારપાલ રાજા પોતે જ લૂંટવાનો હોય તો? વાડ થઈને ચીભડાં ગળે તો? કુબેરશ્રેષ્ઠીનો વૈભવ લૂંટવાનો મળે એ કાંઈ કોઈ જતો કરે? કુમારપાલ રાજા હોય કે ગમે તે હોય! હવે તમે સાંભળી લીધું? હવે તમે તમારે માર્ગે જાઓ.’

કુમારપાલ ઊંડા વિચારમાં પડી ગયો. બે કુબેરશ્રેષ્ઠીઓમાં આ બીજો લાગે છે. એકને તો પોતે જાતે જાણતો હતો. આ બીજા કુબેરશ્રેષ્ઠીનું નામ માત્ર પાટણમાં નહિ ગુજરાતભરમાં વિખ્યાત હતું. એને ત્યાં પ્રાસાદના શિખરો ઉપર સોનેરી કળશ મુકતા. એને આંગણે હાથીઓ ઝૂલતા. એનાં વહાણો જાવા-સુમાત્રા સુધી જતાં. એના પ્રાસાદ પાસે કર્ણમેરુપ્રાસાદ રમકડું લાગે! એ કુબેરશ્રેષ્ઠીનાં શું આ સગાં હશે?’

‘પણ રાજા તમને લૂંટવાનો છે એ શી રીતે? તમે શું દુઃખ છે એ હવે કહો તો ખબર પડે!’     

પણ એના જવાબમાં તો પેલી બંને સ્ત્રીઓ જાણે છળી પડી હોય તેમ વધારે ચિત્કાર પાડતી ધ્રૂજી ઊઠી: ‘અરેરે! કાં તો અમારો સર્વનાશ થઇ ચૂક્યો છે! અમે હવે બધું જ ખોવાનાં! કુભેરશ્રેષ્ઠીનાં વહાણનો પત્તો નથી! શ્રેષ્ઠીજીનો પણ પત્તો નથી! અને કોઈ પુરુષવારસ નહિ! બોલ, ભાઈ, હું કુબેરશ્રેષ્ઠીની માતા ખરી, પણ આજનો દિવસ! કાલે તો હું પોળપોળ ભમતી ભિખારણ! આ એની સૌભાગ્યવતી. એનું સૌભાગ્ય અખંડ હો, પણ શ્રેષ્ઠીનું માથું દુખ્યું હશે તો એને આવતી કાલે પોળમાં કોઈ ખાવા આપશે ત્યારે! આજ એને ત્યાં સોનાની પાલખી છે, કાલે એને કોઈ હડ પણ નહિ કહે! અમે આંહીં એકાંતમાં રુદન કરવા આવ્યાં છીએ, મારા ભાઈ! બીજું કાંઈ નથી. સગાંસાગવાં કે રાજાનો પંચોલી કે ચોકીદાર ઘરઆંગણે સાંભળે તો બે દિવસ મોડું ઘર લૂંટતો હોય તો વહેલું લૂંટી લે! એટલા માટે રાતને ને ઝાડવાંને ગોત્યાં છે, ભાઈ! હવે તું તારે રસ્તે જા અને અમને હ્રદય ખાલી કરવા દે! ઘેર તો એ પણ થાય તેમ નથી. જા, ભાઈ જા! હવે તને કહેવાનું કહી દીધું. અમને નિરાંતે સુખના દિવસોનું છેલ્લું રડી તો લેવા દે – કે પછી કુમારપાલ રાજાના રાજમાં અનાથ સ્ત્રીઓને જંગલમાં રડવાની પણ મના છે!’

કુમારપાલ એમની આ વાણી સાંભળતાં શરમથી માથું નીચે ઢાળી ગયો. ‘અરર!’ એના મનમાં એક મોટો અવાજ ઊઠ્યો: ‘પોતે જે નગરીનો નાથ હોવાનો દાવો કરે છે, તે જ નગરીમાં આવી બે અનાથ નારીઓ એના સાન્નિધ્યને પણ શાપિત માને? આટલું બધું? ત્યારે એ રાજા શાનો?’

એક પળભર એણે પોતાના ઉપર ધિક્કાર આવી ગયો. પોતાની નગરીમાં કોઈકને પણ આટલું દુઃખ છે ને પોતાને એની જાણ પણ નથી! એને શું બોલવું તે સૂઝ્યું નહિ. આ રાજપદ કઈ જાતનું?

‘પણ મને કહો તો ખરા, કુબેરશ્રેષ્ઠી ક્યાં છે?’ તેણે સવાલ કર્યો.

‘ભાઈ! એ તો તને કહ્યું! હવે તું તારે રસ્તે જા.’ પેલી બાઈએ કડવાશથી કહ્યું: ‘તારાથી આ નહિ સમજાય. નેવું કોટિ દ્રમ્મનો વૈભવ છોડવો એટલે શું એ તું શું સમજવાનો હતો?’

કુમારપાલને હવે એકદમ સાંભર્યું: ‘આહા! કુબેરશ્રેષ્ઠી બે હતા. એમાંથી એક શ્રેષ્ઠી વિશે લોકવાયકા ચાલતી હતી કે કુબેરશ્રેષ્ઠીનાં વહાણ ડૂબ્યાં છે. એમાં કાં તો આ શ્રેષ્ઠી જ ગયા લાગે છે. એ જ શ્રેષ્ઠીની આ વાત સમજાય છે. અને આ એના ઘરની જ સ્ત્રીઓ હોવી જોઈએ. શ્રેષ્ઠીને એકે સંતાન નથી. નેવું કોટિ દ્રમ્મ છોડવા એટલે શું એ હું ન સમજી શકું એમ એમણે કહ્યું. એમની વાત બરાબર છે. મેં એક કોટી પણ છોડ્યા નથી, એટલે હું ક્યાંથી વધુ સમજી શકું?’

તેણે ધીમેથી કહ્યું: ‘કુબેરશ્રેષ્ઠી છે તો સહીસલામત નાં? ક્યારે આવવાનાં છે?’

પણ એનાં પ્રશ્ને પેલી નારીઓનાં દિલમાં શંકા ઉપજાવી. એમને થયું કે બે ચાર દિવસે જાણ થતાં રાજકર્મચારી આવત, ત્યાં સુધીમાં તો કાંઈક પણ આઘુંપાછું થઇ શકત, પણ આ તો હવે આ રાજાનો જ કોઈ માણસ એમની સંપત્તિ ઉપર ધ્યાન રાખીને બેઠો લાગે છે! હવે તો શેનું કાંઈ બચે? પોળેપોળે રખડવું પડશે! એમણે મોં આડે હાથ દઈ દીધા: ‘અરેરે! અમે હણાઈ ગયાં! શ્રેષ્ઠી ગયા હશે તો અમારો સર્વનાશ થઇ ગયો! અરેરે! તું જા, ભાઈ! તું જા! અમારે તારી સાથે વાત કરવી નથી.’

કુમારપાલે આશ્વાસન આપવા માંડ્યું: ‘નચિંત થાઓ, તમે નચિંત થાઓ. હું કહું છે ને હું... કુબેરશ્રેષ્ઠીનું ધન તમારું જ રહેશે!’

‘હેં?’ બંનેનાં મોંમાંથી એકીસાથે નીરાધારી રોષ નીકળી ગયો: ‘તારા કહેવાથી કાં? તું જ કાલે સવારે વાત નહિ કરે? અરેરે! પંચોલી કાંઈ અમને હવે છોડશે? અને એ શેનો છોડે? એને એનો પટ્ટો પૂરો કરવાનો નહિ?’

‘પણ તમારું ધન બચે તો?’

બંને સ્ત્રીઓ પોતાનું ધન બચી જાય તેવી કાંઈક આશાભરી વાત સાંભળતાં જાણે કે નવું જીવન પામી ગઈ હોય તેમ લાગ્યું.

‘શી રીતે?’

‘તમે એમ કરો, તમે ઘેર જાઓ. પંચોલી કાલે તમારે ત્યાં આવે ત્યારે એને આ બતાવજો... લ્યો...’ કુમારપાલે પોતાની રાજમુદ્રિકા એમને આપી. ‘અને કહેજો કે આ મુદ્રિકા જેની છે તેને પહેલાં મળો... ને પછી આ પ્રાસાદમાં આવો...’

‘પણ ત્યારે તમે...’

બંને સ્ત્રીઓ એકીસાથે બોલી ઊઠી, પરંતુ કુમારપાલ તો અંધારામાં એકદમ જ પાછો હઠી ગયો હતો. તે સ્ત્રીઓના સાન્નિધ્યમાંથી તત્કાલ અદ્રશ્ય જ થઇ ગયો અને ઝપાટાબંધ આનક ઊભો હતો ત્યાં આવી ગયો: ‘આનક!’ તેણે ઉતાવળે-ઉતાવળે કહ્યું: ‘ચાલ તો, આપણને વળગશે મફતની!’

‘કોણ હતી, મહારાજ?’

‘અરે! છે કોઈ ભૂખડીબારશ! એમને એક કોટી દ્રમ્મનું ઋણ છે!’

‘હેં? ત્યારે તો મહારાજનો અનૃણીધર્મ...’

‘ચાલ ને જલદી! આપણે આડેઅવળે માર્ગે નીકળી જઈએ.’ કુમારપાલે કહ્યું. અર્ણોરાજને અત્યારે આ વાતની ખબર એ પડવા દેવા માગતો ન હતો. એનું મન પેલી સ્ત્રીઓની વાત ઉપર જરાક નિરાંતે વિચાર કરી તત્કાલ કોઈ નિર્ણય ઉપર આવી જવા માગતું હતું. રસ્તામાં બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. રાજા પોતાના વિચારમાં મગ્ન હતો. આનક હજી આનો ભેદ કળી શક્યો ન હતો. 

એટલામાં નદીનો કાંઠો આવતાં બંને સફાળા જાગી ઊઠ્યા. સામે ગગનાંગણમાં જાણે કોઈએ લાલ રત્નોની ફૂલમાળા લટકાવી હોય તેમ  પશ્ચિમ દિશા તરફ એક લાલલાલ રંગની કોઈ માળા લટકી રહી હતી – અદ્ધર!

રાજા અને અર્ણોરાજ બંને આશ્ચર્યચકિત થઈને જોઈજ રહ્યા લાલ કરેણની હોય તેવી પુષ્પમાળા ત્યાં અદ્ધર લટકતી હતી! નદી-પ્રાંતમાં તાપણાનું આછું અજવાળું હતું ને વહેલી પ્રભાતનો પણ થોડો ઉજાસ આવી રહ્યો હતો. રાજા કુમારપાલ અને અર્ણોરાજ બંને આશ્ચર્યચકિત થઈને જોઈ જ રહ્યા: આ શું? આ લાલ કરેણની પુષ્પમાળા આમ અદ્ધર શી રીતે લટકી રહી હતી? રાજાને આનકના ખભા ઉપર હાથ મૂક્યો: ‘આનક! આપણે ક્યાં પહોંચ્યા છીએ? આ સામે શું દેખાય છે?’

‘મહારાજ! આપણે દેવબોધના સાન્નિધ્યમાં આવી પહોંચ્યા છીએ.’ અર્ણોરાજ બોલ્યો: ‘સરસ્વતીમંત્ર દેવબોધે સિદ્ધ કર્યાની આ નિશાની લાગે છે, પ્રભુ! તાંત્રિકે સરસ્વતીની વિરાટ મૂર્તિને અર્પણ કરેલી આ માળા અદ્ધર લટકી રહી છે એ જ એ સિદ્ધિ બતાવે છે. આ પંડિત પાટણને ચકરાવે ચડાવશે. કાંઈ નહિ તો બુદ્ધિભેદ તો જન્માવશે જ. મને લાગે છે આપણે ભૂલ કરી પ્રભુ!’

કુમારપાલ આશ્ચર્યચકિત નયને આ અદ્ભુત દ્રશ્ય જોઈ જ રહ્યો!