Rajashri Kumarpal - 1 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાજર્ષિ કુમારપાલ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

રાજર્ષિ કુમારપાલ - 1

ધૂમકેતુ

પ્રવેશ

પાટણના સિંહાસન ઉપર મહારાજ કુમારપાલનો અધિકાર સ્થાપિત થઇ ચૂક્યો હતો. રાજમાં અને પરરાજમાં સૌને ખાતરી થઇ ગઈ કે પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ મહારાજ જેવો જ સમર્થ અને તેજસ્વી પુરુષ આવ્યો છે. શાકંભરી, માલવા, મેદપાટ, નડૂલ, આબુ, સોરઠ – સઘળાં શાંત હતાં. ગુજરાત પ્રત્યે નજર ન નાખવામાં જ સૌને પોતાની મર્યાદા સચવાતી જણાતી.

પણ ગુર્જરેશ્વર કુમારપાલ જેવો રણજોદ્ધો હતો, એવો જ પ્રેમધર્મને વરેલો મહાન પુરુષ પણ હતો. એણે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી માત્ર દુઃખ જ જોયું હતું અને અનુભવ્યું હતું, એને છેવટે સંગ્રામ કરીને પાર પણ કર્યું હતું. એનો એ અનુભવ એને પળેપળે રાજનીતિમાં દોરી રહ્યો હતો. ‘દુઃખ કોઈને નહિ’ એ જાણે કે એનો જીવનધર્મ બની ગયો હતો. રાજનીતિની પરંપરાને પણ એ પોતાના અનુભવથી માપવા માંડ્યો, યોગ્ય લાગે ત્યાં તોડવા પણ માંડ્યો. 

કુમારપાલના આ પ્રેમધર્મને એક વાર રૂચી નહિ. મદ્ય, માંસ, મદિરા અને માનિની – એમનો અતિરેક માણસને માણસ રહેવા દેતો નથી. એમાં જ માણસ માણસાઈ ભૂલે છે, માટે એ ધર્મ નથી. ધર્મરાજમાં એ ન હોય, પછી પરંપરા ભલે એને પ્રમાણ ગણતી હોય. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રે રાજાના વિવેકને વધુ ને વધુ ક્રિયાત્મક માર્ગે દોર્યો. 

પણ પાટણમાં અને ગુજરાતભરમાં એમાંથી એક વિરોધી હવા ફેલાવા માંડી: ‘રાજા રાજધર્મ ગુમાવતો જાય છે, પરંપરા તોડતો જાય છે, સાધુ બનતો જાય છે! સોમનાથ-ભંગ વખતમાં થયું હતું તેમ પરદેશી તુરુષ્કોનું જો આક્રમણ થશે તો પાટણ રોળાઈ જશે!’ રાજા પરંપરાને છોડી રહ્યો છે એ વિશે સામંતો ને સૈનિકો અસંતોષ અનુભવે છે! આ અસંતોષને વધારે ને વધારે વ્યાપક બનાવનારાં બળો પણ કામે લાગી ગયાં! રાજાનો જ ભત્રીજો અજયપાલ મહાસમર્થ જોદ્ધો હતો. એ આમાં પાટણનો વિનિપાત જોતો થયો હતો. 

કુમારપાલને પોતાનો પુત્ર હતો નહિ – થવાનો સંભવ પણ હતો નહિ. એની પુત્રી રાજકુમારી લીલુનો પુત્ર પ્રતાપમલ્લ વારસ થશે એવી વાત ચાલતી હતી. અજયપાલનો હક્ક જ હોઈ શકે – એ વાત પણ એવી જ મજબૂત રીતે રજૂ થતી હતી. ભવિષ્યના આ બે પ્રતિસ્પર્ધીઓનાં મંડળે એમાં વધારે ન વધારે રસ લેવા માંડ્યો, એટલે એમાંથી જ જાણે કે રાજાને ને ધર્મને વચ્ચે રાખીને પોતપોતાની વાતોને વહેતી મૂકવાની સૌને સગવડ મળી ગઈ! અને એમાં ઠીકઠીક કલ્પનાબુદ્ધિ અને પક્ષવાદ ભળ્યાં, એટલે ક્યાંક વાત થવા માંડી કે રાજા સોમનાથને પણ આરાધ્ય દેવ ગણતો નથી, તો કોઈકે ચલાવ્યું કે ભાવ બૃહસ્પતિએ રાજગૌરવને લોપ્યું છે અને રાજાને એમના તરફ ઉગ્ર અસંતોષ પ્રગટ્યો છે, એમને રાજાને પાટણમાં બોલાવ્યા પણ છે. તેઓ આવે, પછી હવે સોમનાથ જઈ રહ્યા! સોમનાથ મંદિરમાં હેમચંદ્રાચાર્ય પોતે જવાનાં છે ને ભગવાન શંકરને સ્થાને ભગવાન મહાવીર પાર્શ્વનાથ બેસવાના છે! લોકજીભે અનેક રીતના રસાસ્વાદની જાણે કે પરબ માંડી હતી!

અજયપાલની તેજસ્વી રાણી નાયિકાદેવી ગોપાલપટ્ટનના શિવચિત્ત પરમર્દિની પુત્રી હતી. એની શંકર-આરાધના પરંપરાખ્યાત હતી. એના લોહીમાં પોતાની પહેલાં અહીં આવી ગયેલી પોતાના જ કુટુંબની મહારાણી મીનલદેવીનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન કેટલું એનાં અંતરમાં બેસી ગયું હતું એ તો જાણનારા જાણતા હતા. હજી તો ખોળામાં રમતા પોતાના કુંવર ભોળિયા ભીમદેવને એ ‘અભિનવ સિદ્ધરાજ’ કહીને રમાડતાં થાકતી નહિ! આટલો બધો સિદ્ધરાજ-મીનલનો પ્રભાવ આ નાયિકાદેવીને દોરી રહ્યો હતો. સોમનાથના ભાવ બૃહસ્પતિ માટે આ નાયિકાદેવી આકાશપાતાળ એક કરવા જેટલી સમર્થ હતી. કેટલાક માટે તો એ મીનલદેવીની જેમ આરાધ્ય દેવી જ બની ગઈ હતી. એને રણભૂમિ ઉપર પ્યાર હતો. એ રણજોદ્ધામાં રસ લેતી હતી. જુદ્ધના ખેલ ખેલવાના એણે કોડ હતા. ગમે તેમ, એની તેજસ્વિતાએ કંઈકને ડોલાવી દીધા હતા. 

આ પ્રમાણે રજની એકતાને છિન્નભિન્ન કરનારાં, બહારનાં નહિ તો અંદરના ઘર્ષણો પાટણની હવામાં ઊભાં થઇ રહ્યાં હતાં! બહારનો દુશ્મન કોઈ હતો નહિ, તો અંદરથી નવાનવા અરિ આવી રહ્યા હતા. સૌથી મોટો દુશ્મન તો લોકની પોતાની વર્ગની અને ધર્મની ઘેલછામાં જ હતો ને એ નિરંકુશ થતો જતો હતો. આ ઘર્ષણો એક વખત તો સિંહાસનને સિંહાસન જ રહેવા નહિ દે કે શું એટલા ઉગ્ર જણાતાં હતાં. એમાં તેજ પાર વિનાનું હતું, પણ પોતાને જ બાળીને ભસ્મ કરે તેવું. વીર અજયપાલ ને કે ઉદયનના પુત્ર આમ્રભટ્ટને કે પરમાર ધારાવર્ષને કે સોમેશ્વર ચૌહાણને કે નડૂલના બાપદીકરા આલ્હણ-કેલ્હણને પાટણમાં ઘોડેસવારી કરતા જોવા એ  જિંદગીનો એક અણમોલ લહાવો હતો. એક કે બીજે બહાને સૌ અત્યારે પાટણમાં જ હતા. વીરોની જ જાણે કે એક અખંડ પરંપરા અહીં આવી ગઈ હતી. સિદ્ધરાજ મહારાજની રણમહત્તાને પણ ચાર ચાંદ વધુ દીપાવે એવી અદ્ભુત શૌર્યપ્રતિમાઓ અત્યારના પાટણમાં દેખાવા માંડી હતી! જાણે છેલ્લી ટોચ આવતી હોય!

પણ હવામાં તરંગો આ બાજુ ને તે બાજુ એટલા હિલોળે ચડ્યા હતા કે એ ક્યારે અવિવેકી બનીને એકપક્ષી થઇ જશે એ કહેવાય તેમ નહોતું.

કેવળ એક જ મહાન અને સમર્થ સાધુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આ આવતા ભયને અજબ જેવી શાંત સ્વસ્થતાથી નિહાળી રહ્યા હતા. એમને જોયું કે આખા ગુજરાતને અનૃણી કરવાનું મહાન સ્વપ્ન રાજા કુમારપાલના દિલમાં છે. એ સ્વપ્નને સિદ્ધિ મળે કે ન મળે, કે ગમે તે થાય, પણ પરંપરાથી શોધી-શોધીને જે કંટકરાજો દૂર કરવા માંડ્યા છે એ ભારતવર્ષમાં ક્યાંય થયું નથી તેવું ગુજરાતનું સંસ્કારશોધન કરી શકે તેમ છે! ગુજરાતની પ્રજા માટે આ રાજા એક અનોખા જ પ્રકારનો સંસ્કાર-વારસો લાવી રહ્યો છે. હવામાં જો જરાક વિવેક આવે અને રાજાને દોરવાનો ખોટો ઉહાપોહી ઉત્સાહ જો જૈન સાધુઓ ન બતાવે, તો ગુજરાતનું નંદનવન સ્વર્ગ સમું શોભી ઊઠે!

જો રાજાને પ્રજા મદ્ય ન વાપરે, માંસ ન વપારે, મદિરા ન વાપરે, પ્રાણીવધ ન કરે, ‘રુદતીવિત્ત’ જ્યાં રાજા ન લે, જ્યાં એકપત્નીવ્રતનો રામ-આદર્શ ઊભો થાય એ પ્રજા ભલે ને પોતાને જે ધર્મની અનુયાયી ગણવા માગતી હોય તે ધર્મની અનુયાયી ગણે, પણ એ પ્રજાને કોઈ પછી હંફાવી શકે એ ‘ન ભૂતો ને ભવિષ્યતિ’ જેવી વાત થઇ જાય! અને જો આ સંસ્કારને સરસ્વતીની સહાય હોય તો-તો સોનામાં સુગંઘ ભળ્યા જેવું થાય! સાધુ હેમચંદ્રાચાર્યે પોતાને ત્યાં સરસ્વતીની અખંડ ઉપાસના માંડી.

એમને થયું કે ગુજરાતને આંગણે સમૃદ્ધિ મહારાજ સિદ્ધરાજે આની, સંસ્કાર મહારાજ કુમારપાલ આણે, અને સરસ્વતી જો પોતે આણી શકે, તો? ગુજરાતની એ ગૌરવગાથા ગાતાં કવિઓની વાણીને તૃપ્તિ ન થાય!

રાત ને દિવસ એમને ત્યાં શબ્દોની ઉપાસના ઊપડી. ત્રણસો-ત્રણસો લહિયાઓની અખંડ પરિષદ ત્યાં ભરાવા માંડી. ગુજરાતભરમાં સરસ્વતીનો પ્રવાહ પહોંચાડી દેવાનું મહાન કાર્ય હેમચંદ્રાચાર્યે ઉપાડ્યું. 

જોકે એ કાલજ્ઞ પુરુષ એક વાત કળી ગયા હતા: હવા જ ફરી ગઈ લાગતી હતી. પાર વિનાની શૂરવીરતાને જેમ પાર વિનાનો અવિવેક દોરી રહ્યો હતો, તેમ પાર વિનાની વિદ્યાને પાર વિનાનો દ્વેષ દોરી રહ્યો હતો. 

આમાંથી પ્રજા અતિ સમર્થ બનીને બહાર આવશે, જો જરાક જ સમાધાનકારી વ્યવહારુ વિવેકબુદ્ધિ દાખવશે તો! અતિ નિર્બળ બનીને આંતર ઘર્ષણનો વિનિપાત નોતરશે, જો અસમાધાનકારી તત્વો બળ પ્રાપ્ત કરી જશે તો. સર્ચિત દ્રષ્ટિએ તેઓ આ જોઈ રહ્યા.

પણ હવામાં જે વસ્તુ રમતી થઇ ગઈ હતી તે કંઈ સ્પર્શ્યા વિના રહે? એમના જ શિષ્યોમાં ગુપ્તપણે બે પક્ષ પડી ગયા હતા. સમર્થક કવિશિષ્ય રામચંદ્ર અને બીજો શિષ્ય બાલચંદ્ર સામસામે પક્ષ માંડીને બેઠા હતા. આચાર્યની મહાન પ્રતિભા એક શાંત સ્વસ્થ વાતાવરણ રાખી રહી હતી, પણ સંસ્કારશોધનની એક મહાન તક હાથમાંથી સરી જવાની છે એ તેઓ દુઃખથી જોઈ રહ્યા. ત્રિકાલજ્ઞ પુરુષનું અંતર મનોવ્યથા અનુભવી રહ્યું!

અને એટલામાં તો સમાચાર પણ આવ્યા. ભૃગુકચ્છથી મહાપંડિત દેવબોધ પાટણમાં આવેલ છે – રાજા કુમારપાલને આશિર્વાદ આપવા! એ આશિર્વાદનો અર્થ સૌ સમજતા હતા. એક નવું ઘર્ષણ હવે ઊભું થવાનું!

બીજા સમાચાર મળ્યા. ભાવ બૃહસ્પતિ સોમનાથથી આવી રહ્યા હતા – કંટેશ્વરીના મહંત ભવાનીરાશિને ત્યાં મહોત્સવ પ્રસંગે!

ત્રીજી વાત આવી. બર્બરક પાછો તુલસીશ્યામ તજીને ગુજરાત તરફ દ્રષ્ટિ માંડી રહ્યો હતો. એણે હજી વેર લેવાની વાત છોડી દીધી ન હતી. અને એનું વેર એટલે પાર વિનાની નિષ્ફળ ઉપાધિ, જેમાં રાજકર્મચારીઓને યશનો સંભવ નહિ ને અપયશનો પાર નહિ. અને એક નવી વધુ વાત. કોંકણનો મલ્લિકાર્જુન ઊંચોનીચો થઇ રહ્યો હતો. ગુજરાતની મહત્તા એનાથી સહી જતી ન હતી. એ ‘રાજપિતામહે’ ગુજરાત તરફ આગળ પગલાં ભરવા માંડ્યાં હતાં!

હવા સંક્ષુબ્ધ બનતી જતી હતી દેખીતા શાંત, સ્વસ્થ વાતાવરણ નીચે વીજળીના પ્રવાહ જેવો આંતર ઘર્ષણનો પ્રવાહ વહેતો હતો, તો બહારના અરિ પણ ઊભા થતાં જતા હતા!

મહામંત્રીશ્વર ઉદયન હવે વૃદ્ધ થયો હતો, પણ એણે જુવાનની ત્વરાથી તરત આ હવાને ઉડાડી મૂકવાનો આરંભ કરી દીધો. 

અજયપાલની શૂરવીરતા ને મહત્વાકાંક્ષા બંને એને ભયકારક જણાઈ હતી. એકલા પાટણમાં બધું શૂરવીરોનું જૂથ ભેગું થઇ જાય એમાં એણે અનિષ્ટ દીઠું હતું. જુક્તિથી સૌને નોખા કરી નાખવાનો એણે સંકલ્પ કર્યો. રાજા કુમારપાલ કોઈનાથી ડરીને કે કોઈનાથી ભય પામીને પોતાના પંથમાંથી પાછો પડે એ વાતમાં માલ ન હતો. એ તો દિવસ ઊગે ને એક પગલું આગળ ભરતો હતો. પરંપરા ધ્રુજે કે કોઈ રોષે ચડે કે અસંતોષ ઊભો થાય એ જોવાનું એના સ્વભાવમાં ન હતું! એની આત્મશ્રદ્ધા હજી એટલી જ બળવાન હતી, છતાં ઉદયન જોઈ રહ્યો હતો કે કેવળ આચાર્ય હેમચંદ્રનો દેહ આંતર ઘર્ષણના અગ્નિને એકબીજાથી દૂર રાખી રહ્યો છે, એટલે એણે પોતાની વૃદ્ધ વયે પણ તલવાર ઉપાડીને પહેલાં તો બહારના અરિદળને વિદારી નાખવાનો સંક્લ્પ કરી લીધો.

પાટણના મહાસમર્થ, ટોચે ચડેલા, બળવાન સામ્રાજ્યના પાયામાંથી ઊભી થતી આવી ગુપ્ત અગ્નિહવા વચ્ચે આ વાત કુમારપાલનાં રાજકાલનાં પાછલા વર્ષો આપતી આગળ ચાલે છે.  

*******

मुक्ति मुक्ति स

અશ્વિન માસ ચાલી રહ્યો હતો, પરંતુ આ વખતે મોડી પડેલી વર્ષાએ આકાશને હજી પણ ઘનઘોર રાખ્યું હતું. ઉપર આકાશમાં ધીરું-ધીરું ગર્જતા મેઘવૃંદો વીજળીની નૃત્યલીલાને તાલ આપી રહ્યા હતા. આજે બારે મેઘ ખાંગા થવાના હોય તેમ કજ્જ્લશ્યામ ઘનઘોર વાદળમાં અત્યારે એક તારો દેખાતો ન હતો કે ઉજાસની એક આછી રેખા પણ જણાતી ન હતી!

રાત્રિના ત્રણેક પ્રહર વીત્યા હશે. આખી પાટણનગરી ગાઢ નિંદ્રામાં પડી ગઈ હતી. ઉપર આકાશમાં મેઘ ધીરું ગર્જતો હતો ને વીજળી રહીરહીને ચમકારા દઈ રહી હતી. નીચે ધરતી ઉપર, મોડી પડવાની બીકે ઉતાવળે ચાલી જતી કોઈ અટૂલી અભિસારિકાનાં અધીરાં પગલાંમાંથી માત્ર કિંકીણીનો અનિયમિત ઝંકાર સંભળાતો હતો. એ સિવાય રાત્રીની ભયંકર નિઃસ્તબ્ધતા કાચપોચાના દિલને ધ્રુજાવી મૂકે એવી શબ્દહીણી ને શૂન્ય બની રહી હતી. રાત્રિના રાજા જેવા ઘુવડ, ચીબરી ને ભેરવ પણ, આજે જાણે ભે પામી ગયા હોય તેમ સ્વભાવવિરુદ્ધ પોતપોતાની બખોલમાં જાણે બેસી ગયાં હતા! પ્રહરીઓના રહી-રહીને ક્યારેક સંભળાતા અવાજ આવતા ન હોય તો આવડી મોટી નગરી આંહીં છે એની કોઈને ખબર ન પડે એવો ઘટ્ટ અંધારપછેડો નગરી ઉપર પડી ગયો હતો. 

કાળુંઢબ કજ્જ્લશ્યામ ઘોર અંધારું બધે દેખાતું હતું. દેખાતું હતું એમ પણ નહિ, હાથથી રસ્તો શોધવાનું સલામત લાગે એવી આજની ભયંકર રાત્રિ હતી! અને માણસ માટે મન-ડરામણો એવો આસો માસ હતો. 

રાત્રિને જગાડતો મધરાતનો પ્રહરી ઘંટનાદ જ્યારે સંભળાયો અને દુર્ગ ઉપરથી સૈનિકોનો સાદ દેતો અને સાદ ઝીલતો સાવધ રહેવાનો અવાજ ઊપડ્યો, ત્યારે પળ-બે-પળ ચેતન જેવું જણાયું! પણ એના પડઘા શમ્યા-ન-શમ્યા અને પહેલાંના કરતાં પણ વધારે ગાઢ નિઃસ્તબ્ધતા પછી ચારે તરફ વ્યાપી ગઈ! 

જળ પણ થંભી ગયાં હોય એવી એ નિષ્કંટક નિઃસ્તબ્ધતા થોડી વાર તો આકાશ ને ધરતી બંનેને આવરી લેતી હોય તેમ એકલી જ ચક્રવર્તી બની, પણ થોડી વાર થઇ અને પછી અચાનક આ શૂન્યતાને જાણે સોંસરવી ભેદી નાખતી હોય  તેવો કોઈકનો ઝીણો રડવાનો અવાજ આવતો જણાયો!

આઘે-આઘેથી રહી-રહીને હવાની પાંખે ચડીને આવતો આ આક્રંદી અવાજ, જાણે કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી રાત્રીને સોંસરવી ભેદી રહ્યું હોય તેમ, અત્યારે લાગતો હતો! રાત્રિની શૂન્યતાને લીધે એની અસર વધુ તીવ્ર બની રહેતી હતી!

‘અત્યારે આ કોણ રોતું હશે?’ અનેકનાં મનમાં પ્રશ્ન આવીને અટકી ગયો. રહી-રહીને ચમકતી વીજળી એવો થથરાવી નાખે તેઓ આકરો ઝબકારો કરી જતી હતી કે  બહાર પગલું મુકવાની પણ કોઈની હિંમત ચાલે તેવું ન હતું! 

એ વખતે અચાનક રાજમહાલયના શયનખંડમાંથી એક સાદ આવ્યો: ‘કોણ છે દ્વાર ઉપર? કોણ, અર્ણોરાજ!’

જવાબમાં દ્વાર ઉપરથી એક આધેડ વયનો રૂપાળો રાજપૂત ઊભો થયો. તેણે પોતાની તલવાર સંભાળી લીધી. તે ઉતાવળે આગળ આવ્યો: શયનખંડના દ્વાર ઉપર તેણે અભિવાદન કર્યું: ‘મહારાજ! હું છું – હું આનક!’

‘કોણ, આનક – અર્ણોરાજ! તું છે?’

‘હા, પ્રભુ!’

‘આ કોનો રડવાનો અવાજ આવે છે? કે મને માત્ર ભણકારા વાગે છે?’

થોડી વાર બોલ્યા વિના આનક હતો ત્યાં ઊભો રહીને કાન દઈને સાંભળી રહ્યો. રહી-રહીને પેલું આક્રંદ સંભળાઈ જતું હતું! 

‘પ્રભુ! કોઈ રડે છે, કોઈક રડી રહ્યું છે!’

‘કોણ હશે અત્યારે? રડવાનો જ અવાજ છે નાં?’

‘હા, પ્રભુ!’

‘દિશાની ખબર પડે છે કાંઈ?’

આનક પાછો શાંત ઊભો રહી ગયો. થોડી વાર પછી તે બોલ્યો: ‘મહારાજ! કંટેશ્વરી મંદિરની ભાગોળ તરફથી આવતો લાગે છે. તપાસ કરવા પ્રભુ, હું...’

‘રહે...’

‘પ્રભુ આજ્ઞા આપે તો હું...’

‘પણ એનો શબ્દ અધૂરો રહી ગયો. એણે મહારાજને પોતાને બેઠા થતા જોયા. તે બે હાથ જોડીને આગળ વધ્યો. પણ એટલામાં તો મહારાજે પોતાની તલવાર લીધી હતી. તલવાર લઈને તેઓ બહાર આવતા જણાયા.

આનક વધારે સાવધ થઇ ગયો. મહારાજ કુમારપાલ છેક એની પાસે આવી પહોંચ્યા: ‘આનક, લાવ તો  મારો અંધારપછેડો! જ્યાં મૂક્યો હોય ત્યાંથી લઇ આવ તો. અને જો, આગળ થા. મુખ્ય દ્વાર પરથી નથી જવાનું. સમજ્યો?’

‘પણ પ્રભુ! હું તપાસ...’

‘તું જાય, એ પણ  બરાબર છે. તું મારો માસિયાઈ ભાઈ છે. તારામાં વિશ્વાસ ન મૂકું એવું કાંઈ ન સમજતો. પણ આનક! આ તને સંભળાય છે?’

‘શું પ્રભુ?’

‘આ આક્રંદ!’કોઈ બહુ દુઃખી લાગે છે. રહી-રહીને  હ્રદય ભેદી નાખે તેવું રડે છે!’

‘ત્યારે, આનક! તું આગળ થા. મારે જોવું છે કે આપણા રાજમાં કોણ આટલું બધું દુઃખી છે! હજી પણ આ દેશમાંથી દુઃખ તદ્દન જતું નથી એ શું?’

‘મહારાજ! વરસાદ પડુંપડું છે... અને... હું આપ આજ્ઞા આપો તો...’

‘આનક!’ મહારાજનો આજ્ઞાવાહી અવાજ આવ્યો: ‘પશ્ચિમ દ્વાર ખોલી આગળ થા...’

અર્ણોરાજ જરાક સ્થિર ઊભો રહ્યો. રાજા અત્યારે બહાર જાય એ એને ગમતું ન હતું.

‘અર્ણોરાજ!’ એક કડક આજ્ઞાવાહી અવાજ ફરીને સંભળાતાં અર્ણોરાજ તરત બે ડગલાં આગળ ચાલ્યો: ‘એમ નહિ મહારાજ! હું સાથે આવું એમ હું કહું છું...’ તે હાથ જોડીને સુધારીને બોલ્યો.

‘તો બુકાની બાંધી લે. ચાલ, ઉતાવળ કર...’

થોડી વારમાં જ રાજમહાલયના પશ્ચિમી દ્વારથી રાજા અને અર્ણોરાજ બંને કોઈને ખબર ન પડે તેમ બહાર નીકળ્યા. દુર્ગના દરવાજા ઉપર તેઓ અવી પહોંચ્યા. ત્યાં જાગ્રત પહેરેગીરો દીઠા.

‘કોણ?’ ચોકીદારે પડકાર કર્યો. અર્ણોરાજ આગળ વધ્યો. એણે એના કાનમાં કાંઈક કહ્યું. 

દરવાન ઉતાવળે-ઉતાવળે બારી ખોલીને અભિવાદન કરતો ત્યાં ઊભો રહી ગયો: એના ઉપર કુમારપાલની એક દ્રષ્ટિ પડી: ‘કોણ, મેખડાજી છે કે?’

‘હા, પ્રભુ! હું મેખડો.’

‘કોઈ બહાર ગયું છે અત્યારે?’

‘અત્યારે? ના, પ્રભુ! કેમ? અહીંથી તો કોઈ ગયું નથી, મહારાજ!’

‘ઠીક ત્યારે, આ રાખો... તમારે કામ લાગશે...’ રાજાએ તેની જાગ્રત ચોકીની કદર કરતો હોય તેમ તેના હાથમાં એક સુવર્ણમુદ્રા આપી. ‘અમે  હમણાં પાછા આવીશું. કોઈ નીકળે તો અમારી બહાર હોવાની વાત કહેતા નહિ. ચાલો આનક!...’

બંને જણા તરત બહાર નીકળી ગયા. 

બહાર ભયાનક અંધકાર રેલાઈ રહ્યો હતો. લાંબે સુધી નજર નાખ્યે પણ ક્યાંય ચેતન ધબકતું લાગતું ન હતું. કેવળ સ્તબ્ધતા સૂતી હતી. અને એમાંથી કોઈક વખત સંભળાઈ જતો અને વળી લુપ્ત બની જતો, પેલો હ્રદયવિદારક તીણો વિલાપી સ્વર માત્ર આવી રહ્યો હતો!

‘કોણ હશે, આનક? એને શું દુઃખ હશે?’ અવાજની દિશા તો આપણે બરાબર પકડી છે કે નાં?’

‘હા, મહારાજ! એ તો બરાબર છે. નદીપારથી જ આવતો લાગે છે!’

બંને જણા ઉતાવળે આગળ વધતાં રહ્યા. અંધારામાં એક હાથ છેટે પણ શું ચાલી રહ્યું છે તે સુઝે તેવું ન હતું. એમના પોતાના પગલાં રેતીમાંથી પણ મોટાં પડઘા પાડી રહ્યા હોય એવું જણાતું હતું. પાણીનો ખળભળાટ સંભળાયો ને તેઓ થોભી ગયા. છેક નદીના કાંઠા ઉપર તેઓ આવી ગયા હતા. ત્યાં કોઈકોઈ તાપણાં આઘે સળગતાં હતાં એટલે જરાક ઉજાસ જેવું જણાતું હતું ને કાંઈક નજરે પડતું હતું. તેમની દ્રષ્ટિ પાણીમાં પડી અને બંને ચમકી ગયા.

આવી ભયંકર કાળી રાત્રીએ સરસ્વતી નદીના કેડ-સમાણાં પાણીમાં કોઈ માનવી ઊભેલો એમણે દીઠો. એણે એક જ વસ્ત્ર પહેર્યું લાગતું હતું. એમને આશ્ચર્ય થયું. આ અત્યારે અહીં કોણ ઊભું હશે? એ માનવીમાં જાણે ક્યાંય ચેતન ન હોય તેવું જણાતું હતું. એણે કપાળે ભસ્મનું ત્રિપુંડ હતું. ડોકમાં રુદ્રાક્ષની માળા હતી. કાનમાં રુદ્રાક્ષના જ એક પારાનું કુંડળ ખભાપર્યંત લટકતું હતું. જરાજરા ઉજાસમાં એને એમણે જોયો, છતાં એ તો પથ્થરની પ્રતિમા સમો પાણીમાં સ્થિર જ ઊભો હતો. દેખીતી રીતે એ કાંઈ જ જોતો ન હતો. ‘કોણ હશે?’ બંનેનાં મનમાં પ્રશ્ન ઊભો થયો. શાંત પગલે તેઓ તે તરફ ગયા. કેવળ એના જરાક ચલિત થતાં હોઠમાંથી આવતા ધીમા અવાજને લીધે ખબર પડે કે હજી એનામાં જીવ છે! એ કાંઈક બોલી રહ્યો હતો. શબ્દો સ્પષ્ટ સંભળાતાં ન હતા. કોઈ અત્યંત વિકટ સાધનામાં ઊભો હોય તેમ આકાશ, વીજળી, વાદળ, મેઘ કે અંધકાર – કશાનું એણે ભાન ન હતું. કેવળ એના હાથની રુદ્રાક્ષમાળાના પર ઉપર એની આંગળીઓ ઉતાવળે-ઉતાવળે ફરી રહેલી લાગતી હતી.

એને ધ્યાન ન હતું કે કોઈક બે જણા એને નિહાળી રહ્યા છે.

અંધકારમાં બહુ જ સાવધ રહીને ધીમાં પગલે શાંત રીતે રાજા ને અર્ણોરાજ એની તરફ હજી વધુ આગળ વધ્યા.    

સરસ્વતીજલમાં આ પ્રમાણે આ જગ્યાએ કોઈ ને કોઈ સાધના ચાલી રહી હોય છે, એની એમને ખબર હતી. એટલે આ પણ એવો જ કોઈક હોવો જોઈએ. પેલા માણસની બરાબર સામે આવીને તેઓ ઊભા રહ્યા, કોણ છે એ જોવા. કુમારપાલને અચાનક કાંઇક સાંભર્યું, તેણે બહુ જ ધીમે અવાજે કહ્યું: ‘અર્ણોરાજ! જો તો – કાં તો એ જ અહીં લાગે છે!’

અર્ણોરાજ અવાજ ન થાય તેમ બહુ જ ધીમાં પગલે ચોરની માફક છેક કાંઠા સુધી આગળ વધ્યો. પેલો માણસ તો કાંઈ જોતો જ ન હતો. થોડી વાર પછી તે એટલી જ ચુપકીદીથી પાછો આવ્યો: બહુ જ શાંત ધીમા અવાજે બોલ્યો: ‘મહારાજ! છે તો એ જ! આપણે સાંભળ્યું હતું એ ખરું લાગે છે, એજ છે!’

પણ તેં જોયું બરોબર? કે જાણ્યું એ જ છે? આમ આવ તો!

‘આજે સવારે જ મેં એણે કંટેશ્વરી ભાગોળના નગરદ્વાર ઉપર આહ્વાનપત્ર ચોડતો જોયો હતો ને! એ જ છે એ ચોક્કસ!’ અર્ણોરાજ બોલ્યો. ‘એ સાધનામાં ઊભો છે. એણે આસપાસનું કાંઈ જ ભાન અત્યારે નથી. કહેતા હો તો આમને આમ પૂરો કરી નાખું! એક ઘ એ બે કટકા... કોઈ જાણે ને કારવે! બ્રહ્મહત્યાનો દોષ ભલે મને લાગતો!’

‘અરે! અરે! અલ્યા! અર્ણોરાજ! આ તું ધવલનો પુત્ર ઊઠીને આમ બોલે છે? હત્યા? આની? શું કરવા?’ 

‘મહારાજ! આ પંડિત દેવબોધ નગરી આખીને ને દેશ બધાને પાંદડે પાણી પાઈ દેશે. આ નગરીમાં જે કોઈ દી આવ્યું નથી, રાજકુટુંબકલહનું મોજું એ આના પ્રતાપે આવશે. એની વિદ્વતાને કોઈ નહિ પહોંચે. અને આ અષ્ટાક્ષરી મંત્ર સિદ્ધ થયો – એ અષ્ટાક્ષરી મંત્ર જ ભણી રહ્યો છે – मुक्ति मुक्ति सरस्वती – એ સિદ્ધ થયો, પછી એના વૈભવની કોઈ સીમા નહિ હોય. એની વાણી-શક્તિની કોઈ આકર્ષણસીમા નહિ હોય, ને એ અહીં ધારશે તે કરશે. આ કલહનાં પગરણ છે, મહારાજ! મહારાજ સિદ્ધરાજના સમયમાં એણે ધાંધણિયા ધુણાવ્યા’તાં. આ વખતે વળી કાંઈનું કાંઈ કરશે. એ આવ્યો છે જ એટલા માટે!’

‘તે વખત જુદો હતો, ગાંડા ભાઈ!’ રાજાએ એને હજી વધારે દૂર લઇ જતાં કહ્યું: ‘અર્ણોરાજ! ભારતભરમાં જેની બરાબરી કોઈ કરી શકે તેમ નથી તે વિદ્વાન હેમચંદ્રાચાર્ય હવે અહીં બેઠા છે...’

કુમારપાલ અચાનક બોલતો થંભી ગયો. પોતે જે કામે નીકળ્યા હતા તે ભૂલી જઈને અહીં એક પળ થોભવા માટે એને પસ્તાવો કરાવતો હોય તેવો પેલો આક્રંદનો અવાજ ફરીને કાને પડ્યો. તેણે તરત કહ્યું:

અર્ણોરાજ! પંડિતને એની સાધના પૂરી કરી લેવા દે. આપણે આગળ વધો. પાછા ફરતાં જોઈશું, ચાલો...’

‘પણ, મહારાજ...!’

અર્ણોરાજ એક ઘા ને બે કટકામાં માનનારો રજપૂત હતો. એના હ્રદયમાં કુમારપાલ પ્રત્યે અચલ ભક્તિ હતી. વળી એ એનો માસિયાઈ ભાઈ હતો. રાજાની એના ઉપર ઘણી પ્રીતિ હતી. તેણે આ તાંત્રિકને હણી નાખવામાં કોઈ મહાદોષ જોયો ન હતો. જ્યારે આમ અચાનક લાગ મળ્યો છે ત્યારે અહીંથી ખસતા પહેલાં દેવબોધની સાધનાનો અંત આણવામાં એણે બહુ સલામતી જોઈ. તે બે હાથ જોડીને બોલ્યો: ‘મહારાજ! પેલો બર્બરક આ બાજુ આવ્યાના સમાચાર છે. આ પંડિત પણ આવ્યો છે. કંટેશ્વરીનો મહંત તો રોષે ભરાયો જ છે. મહારાજ! આ બધાને એકત્ર થવા દેવા એ મને ઠીક નથી લાગતું! એમને સૌને સનસા પણ મળી ગઈ છે!’

‘શાની?’

‘મહારાજના દયાધર્મની. તેઓ બધા આટલા માટે ભેગા થયા છે.’

‘આપણે કરતા હો તે કરો, આનક! આગળ થા... ક્યાંથી નદી ઉતરાશે?’

અર્ણોરાજ હવે મૂંગોમૂંગો આગળ વધ્યો. કયે ઠેકાણેથી નદી પાર કરાશે તેની એને ખબર હતી. પણ એનું મન હજાર ઘોડા ઘડી રહ્યું હતું. એને મહારાજના પ્રતાપે વ્યાઘ્રપલ્લી ગામ મળ્યું હતું ને ઘણાએ એને વાઘેલા કહેવાનું શરુ કર્યું હતું. પણ એ ચૌલુક્ય હતો. ને ચૌલુક્ય-રાજભક્તિમાં કોઈને નમતું નહિ આપવાની એની અચલ પ્રતિજ્ઞા હતી. 

રાજાની વિરુદ્ધ કેવી હવા ઊભી થઇ રહી છે એનો એ જાણકાર હતો. પણ રાજાના સ્વભાવની એને ખબર હતી. રાજા કુમારપાલ છેલ્લી ઘડીએ એક એવું પગલું લેતો કે વિરોધી તમામ આશ્ચર્યમાં ઊભા રહી જતા. અત્યાર સુધીની એની આ વિજય-પ્રણાલિકા હતી. છતાં વિરોધીઓને આમ આગળ વધવા દેવામાં રાજનીતિનો સ્પષ્ટ ભંગ થઇ રહ્યો છે એ અર્ણોરાજને ખૂંચતું હતું. 

અત્યારે તો એ મૂંગોમૂંગો આગળ વધ્યો. પણ એને રાજાની એક વાત રુચતી ન હતી. કાં એણે વિરોધીઓને ઊભા જ થવા ન દેવા જોઈએ. અથવા વિરોધ ઊભો થાય એવું કોઈ પગલું લેવું ન જોઈએ. પણ આ તો વિરોધ ઊભો કરી રહ્યો હતો અને પાછો વિરોધીઓને પણ ઉત્તેજી રહ્યો હતો.

એ પોતાનું મનદુઃખ મનમાં જ રાખીને મૂંગોમૂંગો ચાલતો રહ્યો.