(ઇશાન થોડો ગુસ્સે થયો એટલે ત્રિજ્યા ઘરની બહાર જતી રહી.)
હવે આગળ,
આશરે એકાદ કલાક પછી એટલે કે પાંચેક વાગ્યે ત્રિજ્યા પાછી ફરી તો ઇશાન બેઠકખંડમાં આંટા મારી રહ્યો હતો. ત્રિજ્યાને જોઇ એ તરત જ આગળ આવ્યો,
"ક્યાં ગયાં હતાં? એક તો મમ્મી પણ નથી, કહીને ન જવાય. મને કેટલું ટેન્શન થઈ ગયું. એક તો મમ્મીનું ટેન્શન, બીજું આર્યાનું ટેન્શન.... એ ઓછું હોય એમ હવે તમે પણ ટેન્શન આપવા માંડ્યા. હેં...?"
"હેં???" એણે ડાઇનિંગ ટેબલ પર શાકભાજીની બેગ મૂકતાં પ્રશ્નાર્થ કર્યો. પછી ઇશાનની સામે ઉભી રહી આંખોમાં આંખો પરોવીને પૂછ્યું,
"મારે તમને કહીને જવું જોઈએ તમે એવું બોલ્યાં?"
"હા... એ તો મમ્મી નથી એટલે.."
"ઓહહહ... એ માટે સૉરી. પણ મારા લીધે તમને શું ટેન્શન આવ્યું એ જણાવશો?"
"હા તો મમ્મીની ગેરહાજરીમાં તમે મારી જવાબદારી ગણાવ તો એમ કીધાં વગર જાવ તો ટેન્શન થાય જ ને!"
"હું તમારી જવાબદારી? ક્યારથી? પરણ્યાના એક જ અઠવાડિયામાં તમે મને શું કહ્યું હતું ભૂલી ગયા!"
"..."
"તમે મને કહ્યું હતું કે, તમે આ લગ્ન માત્ર તમારા મમ્મીને ખુશ કરવા કર્યા છે. કોઈ આશા રાખવી નહીં. માત્ર દુનિયાની નજરમાં આપણે પતિ-પત્ની રહેશું બાકી આપણાં બંનેનાં રસ્તા અલગ છે. હું તમારી જવાબદારી નથી..."
"યાદ છે બધું... આ તો મમ્મી આવે તો કહે કે તમારું ધ્યાન ન રાખ્યું એટલે પૂછ્યું."
"એવી ચિંતા તમે ના કરો. મમ્મી તમને કંઈ નહીં પૂછે." એમ કહેતાં રસોડા તરફ ફરી ને ફરી ઇશાનને સંબોધી બોલી,
"ને જો આ છટપટાહટ આર્યાને કારણે છે તો હું એમાં ક્યાંય નથી. ન તમારી વચ્ચે, ન તમારી આસપાસ. ન તમારાં બંનેનાં વર્તુળની ત્રિજ્યામાં."
ઇશાન કંઈક બોલવાં જતો હતો પણ ત્રિજ્યા જતી રહી.
ત્રિજ્યાએ રોકી રાખેલ બંધ રસોડામાં જઈ તૂટ્યો. એ એક જ તો જગ્યા સ્ત્રીઓની પોતીકી હોય છે જ્યાં બધાં મસાલાની મહેકની જેમ લાગણીઓ પણ બિન્દાસ લટાર મારે છે. ત્રિજ્યા એ દિવસની યાદમાં સરી પડે છે જ્યારે લગ્નનાં અઠવાડિયા પછી એક દિવસ ઇશાન એને જણાવે છે કે, એ આર્યાને ચાહે છે. એણે ત્રિજ્યા સાથે લગ્ન માત્ર એની લાસ્ટ સ્ટેજ કેન્સર પેશન્ટ મમ્મીનું મન રાખવા કર્યાં છે. એ એમની વિદાય પછી પોતાના ઘરે જઈ શકે છે."
આટલું મોટું છળ એક માણસ કંઇ રીતે કરી શકે! એને ગુસ્સો તો ખૂબ આવ્યો. લાગ્યું કે હમણાં ને હમણાં જ એ આ ઘર છોડી દે પરંતુ, એક તો સમાજ અને સૌથી મોટી વાત કે એ હવે ભાઈ-ભાભી પર બોજ ન બની શકે. હજું તો પપ્પા હયાત છે છતાં ભાભીનાં બોલાયેલા કરતાં ન બોલાયેલા વેણ વધું ઘાતક હતાં. એ ભાઈ કરતાં મોટી હતીને... આ બંને બેડીએ એનાં પગ જકડી લીધાં પણ મન મક્કમ રાખી 'મને ન મળે પણ તને તો મળે' એ હિસાબે જેમ ઈશાને કહ્યું એમ કરતી ગઈ. આર્યાને મળી એમનાં લગ્ન માત્ર એક દેખાડો છે એવો વિશ્વાસ પણ એણે જ આપ્યો હતો. આ વાતને બે મહિના થઇ ગયા આજે. જો ઈશાને લગ્ન પહેલાં જ એની મમ્મીને સત્ય જણાવવાની હિંમત કરી હોત તો આ ગૂંચવણ પડત જ નહીં એ વાક્ય ઘણી વાર એની જીભે આવી અટકી ગયેલું, આજે પણ એ વાક્ય બહાર ન આવ્યું. આવ્યું હોય તો પણ એને અવાજ ન મળ્યો હોત.
જોકે એ ઇશાન પર સંપૂર્ણ નિર્ભર નહોતી. થોડો સમય કાઢી ઑનલાઇન કામ કરી મહિને પાંચ - દસ હજાર કમાઇ લેતી જેમાં ઈશાને જ એની મદદ કરી હતી. રસોડે રસોઈ કરતી, આંખો લૂછતી એ મનોમંથન કરી રહી કે, શું એણે સાચો નિર્ણય લીધો! આમ કરવાથી એને શું મળશે! એનું ભવિષ્ય શું! આ વિચારો દરવખતે કિલ્લાની મજબૂત દિવાલે અથડાઈને પાછાં વળી જતાં મોજાની માફક એનાં નિશ્ચયનાં કાળમીંઢ સાથે ટકરાઈ પાછાં વળી જતાં.
એમ જોઇએ તો એ ક્યાં દુઃખી હતી. દરેક જાતની સ્વતંત્રતા એને આ ઘરમાં મળી હતી. પોતાની રીતે રહેવાની, ફરવાની, મનગમતું કરવાની બસ, મન ન લગાડવા સિવાય દરેક છૂટ હતી એને. પત્નીનો અભિનય કરવાની એક જ બંદિશ હતી જે સાસુની ગેરહાજરીમાં થોડી હળવી બની હતી એટલે જ કદાચ એ આજે મનભરીને રડી પણ શકી.
બસ, હવે બે જ દિવસ બાકી હતાં મા સરખી સાસુને એમનાં પિયરેથી આવવામાં. એણે બસ વિચાર્યું ને બેઠકખંડમાંથી એક સહેજ પરિચિત અવાજ સંભળાયો. એ અવાજ ધીમો પણ શાંત નહોતો, તીવ્ર હતો. એ બહાર આવીને જૂએ છે તો....
(ક્રમશઃ)