આમ થાય હાર્ટફેઈલની તૈયારી...
એક મોટી કાપડની મિલના માલિક હતા. એ શેઠની જોડે બેસી ને જમવાનો પ્રસંગ બન્યો હતો. હવે શેઠ ને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોયને, થાળી, વાડકીઓ, ચમચી, પ્યાલા બધુ ચાંદીનું હતું. તે જમવાનું પીરસાવા લાગ્યું. તે પછી શેઠાણી સામા આવીને બેઠા. ત્યાં શેઠાણીને પુછ્યું કે, બધું આવી ગયું છે. તમે જાતે શું કરવા અંહી આવીને બેઠા. ત્યારે શેઠાણી શું બોલ્યા કે આ શેઠ પાંસરી રીતે જમતા નથી કોઈ દહાડો, તે એમને કહેવા આવી છું કે આજે તો જ્ઞાની પુરૂષની જોડે જમવાનો અમુલ્ય અવસર મળ્યો છે તો પાંસરી રીતે જમો. આ સાંભળીને શેઠ અકળાઈ ગયા. એમની આબરૂ ગઈ, તે ચિઢાઈને શેઠાણીને કહેવા લાગ્યા, ઊઠ અહિંથી અક્કલ વગરની, જતી રહે અહીંથી એવું કહેવા માંડયા. એટલે શેઠને કહેવું પડ્યું કે જુઓ શેઠ, તમે અક્કલનો કોથળો છો. પણ આવું ના બોલશો. શેઠાણી તમારા હિતને માટે કહે છે કે પાંસરી રીતે જમો.
પાંસરી રીતે એટલે સમજાયું ? શેઠ જયારે પણ જમતા હોય ત્યારે ધોક્ડું(શરીર)અહીં ખાયા કરે અને એમનુ ચિત્ત મિલમાં ઓફીસે પહોંચી ગયું હોય, મેનેજર જોડે કામકાજની વાત ચીત કરતું હોય. તે ચિત્તની ગેરહાજરી પુર્વક ખાય તે પછી ભજીયાં શેના બનાવેલા હતા, તેય ખબર પડે નહીં. પછી શેઠ કહેવા લાગ્યા, મારે તો રોજેય આવું થઈ જાય છે. હું અહીં જમવા બેઠો હોઉ ત્યારે ચિત્ત મિલમાં જતુ રહે છે.
ત્યારે જ્ઞાની પુરૂષે એમને સમજણ પાડી, કહે છે કે, ચિત્તને ગેરહાજર રાખશો, ચિત્તને જમતી વખતે એબ્સંટ રાખશો તો હાર્ટફેઈલની તૈયારી કરવી પડશે, બ્લડ પ્રેશર વધી જશે. એની જવાબદારી તમારી છે. ચિત્તની હાજરીમાં જ જમવું જોઈએ.
કોઈ પણ કાર્યમાં ચિત્તને ગેરહાજર રખાય નહીં, ત્યારે જમતી ઘડીએ તો ચિત્તને ગેરહાજર કરાય નહી, એનાથી તમામ પ્રકારના રોગો થાય. કારણ કે ચિત્તએ તો આ શરીરનો રાજા કહેવાય, રાજા ગેરહાજર હોય તો રાજ્યમાં. અંધાધુંધી-ફેલાઈ જાય. બીજા રાજાઓના દબાણ આવે રાજ્યમાં મુશ્કેલીઓ સર્જાય, એટેક આવે એવું ચિત્તની ગેરહાજરીથી બ્લડ પ્રેશર-હાર્ટ એટેક બધું સર્જાય.
જ્ઞાની પુરૂષ શું કહે છે, પ્રાપ્તને ભોગવો. અપ્રાપ્તની ચિંતા ના કરશો. આ જમવાની થાળી સામે આવી છે તો એક ચિત્તે શાંતિથી જમ. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે. અને બે ચિત્ત હોઈશ તો બત્રીસ ભાતનું ભોજન બેસ્વાદ લાગશે. પછી શું થાય, ફેઈલ થવાની તૈયારીઓ થાય.
આ જાનવરો ખાય છે ત્યારે તપાસ કરજો કે એનું ચિત્ત આઘુ પાછું જાય છે ? ના, આ કુતરુ ખાતી વખતે ટેસ્ટમાં આવી જાય ને પૂંછડી પટપટાવે, એનું ચિત્ત ખાવામાં જ હોય. કશો ખખડાટ થાય તો જુએ, તપાસે ને નિર્ભયતા લાગે પછી એક ચિત્ત ખાય. પણ આ શેઠીયાઓ, વકીલો, ડોકટરોનું ચિત્ત ખાતી વખતે એબ્સંટ થઈ જાય છે. બે ચિત્તથી ખાય છે. તેથી મહીં નસો બધી સજ્જડ થઈ જાય ને રોગો થાય.
આ ડોકટરોનું ચિત્ત ઓપરેશન કરતી વખતે ગેહાજર હોય, બીજે ભટકે તો દર્દીની શી દશા થાય ? તે જમતી વખતે મહીં શરીરમાં પાર વગરનાં ઓપરેશનો થાય છે. માટે જમતી વખતે ચિત્તને પ્રેઝન્ટ રાખીને જમો. જમતી વખતે નક્કી જ કરવું કે ચિત્તને હાજર રાખવું છે, તો ચિત્ત હાજર રહેશે, ખોરાકનો સ્વાદ આવશે, માનસિક સંતોષ થશે. અને બહારના કોઈ કાર્ય નહીં બગડે, એની ગેરેન્ટી !
ચિત્તની હાજરીમાં જમજો, નહીં તો જમશો નહીં, એવો પ્રોપેગેન્ડા થશે ને, ત્યારથી જ રોગો ઓછા થવા માંડશે.
વધુ જાણકારી માટે અમારી Gujarati official websiteની મુલાકાત લેવાનું ચૂકતા નહીં: https://www.dadabhagwan.in