નીરવ રાત્રે તરસના માર્યે પોતાની રૂમમાં રાખેલ જગને તપાસી રહ્યો હતો. ખાલી જગ જોઈ તે રસોડા તરફ ચાલ્યો. બહાર આવી તેણે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે ઘરમાં તપાસવા લાગ્યો, તો ખબર પડી કે રાકેશ પોતાની પથારીમાં નથી. તે સમજી ગયો અને બહાર નીકળી અગાસીમાં ગયો. રાકેશ ત્યાં વિચાર મગ્ન થઈ બેઠો હતો. તે તેની બાજુમાં જઈને બેસી ગયો.
"તમે હજુ જાગો છો?" રાકેશે સવાલ કર્યો.
"આ સવાલ તો મારે તને પૂછવો જોઈએ."
એક ઊંડો શ્વાસ લઈ અને છોડતા તે બોલ્યો: "હા બસ એમ જ."
"એમ જ?"
"ફોન આવ્યો 'તો કમ્પનીમાંથી. કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે અહીં આવતો રહ્યો."
"હમ... હમ... સાંભળ્યું છે તે અલગ શરૂઆત કરી છે?"
"હા. મુંબઈમાં મારી પ્રાઇવેટ ઓફિસ લગાવી છે. એના ચક્કરમાં જ મુંબઈના ધક્કા ખાઈ રહ્યો છું."
"પ્રાઇવેટ એટલે? તું એસ. એમ. ડિજીટલમાં પાર્ટનર તરીકે કામ કરે છેને?! તો મુંબઈની ઓફિસ તારી પ્રાઇવેટ કેમ? "
તેણે ખચકાટ સાથે જવાબ આપ્યો, "હું તમને લોકોને કહી ના શક્યો. પણ હું જ્યારથી કોલેજમા હતો ત્યારથી મારા મગજમાં વીડિયોગ્રાફીનું ભૂત હતું. તે સમયે આપણી પાસે એટલા પૈસા ન્હોતા કે તે ક્ષેત્રમાં શરૂઆત થાય. લાખો રૂપિયાનું રોકાણ આપણે એ સામાન્ય પરિસ્થિતિમાં કઈ રીતે કરેત? એટલે હું કમ્પ્યુટરમાં આગળ વધ્યો અને નોકરી શરુ કરી. એ નોકરી થકી આપણી પાસે પૈસા આવ્યા એટલે ફરીથી મારા સપનાને મેં પાંખો આપી દીધી."
નીરવે કહ્યું, " એટલે તું શ્વેતા સોનીનો પાર્ટનર તો છો જ, સાથે તે પોતાની અલગથી એક ઓફિસ બનાવી છે જે કમ્પ્યુટર ક્ષેત્રે નહિ પણ ફિલ્મ ક્ષેત્રે કામ કરશે."
"હા."
"પણ મુંબઈ તો તારી સાથે શ્વેતા આવેલી જ ને?"
"એ અમારું અલગ કામ હતું. એસ. એમ. ડિજીટલની એક બ્રાન્ચ ત્યાં કામ કરે છે, બીજી હૈદરાબાદમાં છે. ત્રીજી જે સોફ્ટવેરનું કામ કરે છે તે વડોદરામાં છે અને આ દરેકનું હેડ ક્વોર્ટર અહીં સુરત ખાતે છે. તેમાં મારી પાર્ટનરશીપ ખાલી સોફ્ટવેર અને અસેમ્બલીની છે. બાકીનું કામ શ્વેતાનું છે."
"એટલે તમારા લોકોનું તેજ તો ખુબ મોટા પ્રમાણમાં પથરાયેલું છે. ચાલ એ બધું છોડ. તે તારા ઘરનું એડ્રેસ તો ના આપ્યું પણ એ છે કેવું તે તો જણાવ."
"એક... વાત કહું તો ખોટું નહિ લાગેને?"
"ના. શું વાત છે?"
"ઘર હ..હજુ... હજુ બનવામાં છે."
"શું?" આ વાતથી નીરવને ખુબ મોટો ધાક્કો લાગ્યો. તેણે જાણે સવાલોની વણજાર છોડી "તો તું તારો સામાન લઈને ક્યાં ગયો 'તો? અને બધાથી જુઠ્ઠું કેમ બોલ્યો? ઘર હજુ બને છે તો તું રહીશ ક્યાં? આ બધું શું માંડ્યું છે તે રાકેશ?"
"સોરી ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન્હોતો. જો આ ઘરમાં રહીશ તો બધા પપ્પાની મન ફાવે તેવી વાતો કરશે. શિવાનીદીદીને ત્યાં દોઢ વરસ થઈ ગયું, એટલે તેને વધારે તકલીફ આપવા નથી ઈચ્છતો."
"તો અત્યારે તું જઈશ ક્યાં?"
"એની ચિંતા તમે છોડો. આમેય મુંબઈ, વડોદરા તો ક્યારેક અહીં. મારુ કોઈ ઠેકાણું નથી કે ક્યારે ક્યાં હોઉં એ. પણ આ વાત તમે બીજા કોઈને ના કરતા. નકામી બધાને ચિંતા થશે."
"ઠીક છે." કહી નીરવે રાકેશની વાત માની લીધી. બંને ભાઈની આ ચર્ચા આમ જ અગાસી પર મોડે સુધી ચાલતી રહી.
સવાર પડતાં જ વનિતાના ઘરમાં ફઈએ આવીને ધમાલ શરુ કરી. લગનના દિવસોમાં સતત ત્રણ દિવસ ધામા નાખેલા અને જોતા - વણજૉતા દરેક કામમાં આગેવાની કરેલી. છતાં આવીને બોલવા લાગ્યા. "અલી વની, લગન પછી પેલી વાર આંય આવી... તારે હું." ફઈના આવવાનું કારણ હતું રાધિકાને ઘરે જવાનું. જો કે તે પહેલા ત્યાં જઈ આવેલા. અત્યારે તો બસ બીજાને લેવા જ આવ્યા હતા. રાધિકાનું નવું ઘર કેવું ભવ્ય છે તે જોવા માટે દરેકને લઈ જવા આવ્યા. બધાને તૈય્યાર કરી તે નીચે ઉતર્યા અને સામે ઉભેલી રસિલાએ ફરી ડબકું માર્યું.
"લે... વનિતાબેન! આ સવાર સવારમાં શીદ ચાલ્યા?"
તે કશું બોલે તે પહેલા ફઈએ જવાબ વાળ્યો, "અલી રસીલી, અમી રાધિકાના ઘરે જાઈસ. નવું ઘર લીધુંસ એણે."
"શું વાત કરો છો? નવું ઘર!"
"હા હા. એણે તો પેલાથી જ ઘર રાખી લીધેલું. પણ હું છે લગન હતા એટલે એમ કે, લગનનું કામ કાજ પતાવી નવે ઘેર જાય."
"હા, નવી ગાડી, નવું ઘર. માનવું પડે ફઈ તમે સાસરિયું તો આપણી રાધિકાની માફક જ ગોઈતુ છે."
"તઈ..., મારું કામ કાંઈ જેમ તેમ થોડું છે. ઘાંચીના નીચવેલાં બીયામાંથી તેલ કાઢું એમ છું."
"ઈ સાચું હો ફઈ!"
રસીલાને જોઈ તો મહેશને એક નવું બહાનું મળ્યું કે સોસાયટીમાં વટ ફરી વધારવાની તક મળી. હવે તે માત્ર પોતાના જ નહિ, સાથો સાથ જમાઈની જાહોજલાલીને પણ પોતાના વટમાં ખપાવવા લાગ્યો. રસિલાના સ્વભાવનો તે ભરપૂર ઉપયોગ કરતો. આ એક નવું બહાનું હતું અને વટ વધારવા માટે બીજું શું જોઈએ, તેણે જતાં જતાં તેને કહ્યું, " અરે કાકી તમે એક વાર જુઓ તો ખબર પડે. પહેલા હતું તેના કરતા બે ગણું મોટું ઘર રાખ્યું છે આપણા જમાઈએ. મયુરકુમાર એટલા વગવાળા કે આપણે તો એના સપના જ જોઈએ."
આ વાતે રસીલાને વિસ્મિત કરી દીધી. પહેલેથી તેણે મહેશની તરફેણમાં ચાલવાનું જ પસંદ કરેલું. જ્યારથી રાકેશ અને રાધિકાની કૂથલી કરી તેણે અમિતાને ભટકાવેલી ત્યારથી તે સોએ સો ટકા મહેશ બાજુ ચાલી ગયેલી. વળી, મયુર જ્યારથી આવ્યો હતો ત્યારથી તેની અમીરાઈ જોઈ તે હક્કી-બક્કી થઈ ગયેલી. તેઓના ગયા પછી રાધિકાના નવા ઘરની ભવ્યતાના વખાણ આખી સોસાયટીમાં ઘરે ઘરે પહોંચાડી દીધા.
રાધિકા પોતાના નવા ઘરમાં આવીને ખુશ હતી અને એ જ ખુશીથી તે મયુર સાથે મળી ઘરને વ્યવસ્થિત બનવવામાં લાગેલી હતી. હકીકતમાં તેનું નવું મકાન હતું જ એવું. સામે ગાર્ડનની વચમાંથી એક બનાવેલ રસ્તો ઘરના મુખ્ય દ્વાર સુધી પહોંચતો. દરવાજો ખોલતાં જ કોઈ રાજાના મહેલમાં હોય તેવો બેઠક રૂમ. રૂમની એકબાજુ રસોડા તરફ જતો રસ્તો અને એ જ રસ્તાના ખૂણા પર એક ટેબલની પાછળ અદ્ભૂત રીતે શણગારેલ બાર, જેમાં અલગ અલગ પેય પદાર્થોની સજાવટ કરેલી હતી. બેઠક રૂમની મધ્યમાંથી ઉપર જવા બનાવેલ લાકડાના દાદર. ભોંય પર નાંખેલ આરસ જ નહિ, દિવાલોની વચ્ચે બનાવેલ શોભાના સ્થંભો જેને લીલા પથ્થરોથી કોતરાયા હતા તે પણ ચળકાટ કરતા હતા. વચ્ચે રાખેલ સોફા તો જાણે શાહી આસનો જેવાં હતા. એકવીસમી સદીનો મહેલ જ લાગતો હતો જ્યાં દરેક સુવિધા ઘરમાં જ રાખી દેવાઈ. સામે સ્વીમીન્ગ પુલથી માંડી ગાર્ડન પ્લે અને સિનેમારૂમ પણ બનાવેલો.
ઘરમાં પ્રવેશતા જ આ બધું જોઈ મહેશનું મન ડઘાઈ ગયું. તેનું મન આ મકાનમાં ખૂંચી ગયું. ફઈબા વનિતા અને અમિતાના મોઢે વખાણ કરતા થાકતા ન હતા. તેઓ રાધિકાને મળવા આવેલા અને તેની કરતા તેના ઘરમાં તેઓનું ધ્યાન વધારે હતું. મહેશની આંખો અને મન એ ઘરને જોઈ ધરાતું જ ન્હોતું. ઘરમાં રહેલી વસ્તુઓએ તેના પર જાણે જાદુ કરી દીધું. એટલું જ નહિ તેમાં કરવા માટે કોઈ કામ ન્હોતું. દરેક કામ એના નોકર જ કરતા. છતાં પોતાના પરિવારના સ્વાગત માટે તે પોતે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવા લાગી ગઈ.
બાજુમાં બેઠેલી વનિતાને ઠોંસો મારતા ફઈ બોલ્યા, "જોયા વની, આપડી રાધડીના ગુણ. ઘરમાં નોકર હોય તોયે જાતે કામ પર લાગી ગઈ."
મયુરે કહ્યું, " સાચી વાત છે ફઈ તમારી. રાધિકામાં ગુણ તો બૌ છે. મને આનંદ થાય છે કે મારા લગ્ન એની સાથે થયા."
ફઈએ ફરી કહ્યું, "ના, ખોટું ના લગાડતા કુમાર. પણ આવી છોડીને તો આવું રૂડું સાસરું જ શોભે હો."
મયુર તેનો કહેવાનો અર્થ જાણતો હતો. તેને દરેક વાતમાં પૈસાની દ્રષ્ટિ કરતી હોય એવી એ લોકોની વાત ના ગમતી. આ વાતની તો તેને પહેલેથી જ જાણ કે ફઈ, અમિતા અને મહેશ એ ત્રણેયની નજરમાં પૈસા મહાન છે. એટલે બને ત્યાં સુધી તે તેની હા માં હા ભેળવી ઓછું ના આંકે. તેને તેમનામાંથી બસ એક શાંતિ એ થતી કે વનિતાની જેમ રાધિકાની અંદર આવી દ્રષ્ટિ ન્હોતી અને તેને ખાતર એ આ બધું સહન કરી લેતો.
મયુરની મહેમાનગતિ અને તેના ઘરનું તેજ તેઓને આંજી રહ્યું હતું. આ બધું જોઈ મહેશ પાછો એ વિચારે ચડ્યો કે રાધિકા સુખી છે. તે મનમાં રાકેશનો વિચાર કરવા લાગ્યો. "તે બિચારો આ બધું કે' દિવસ જોવાનો. દોઢ વરસની ઠોકર ખાય પાછો ઘરે આવીને પડ્યો છે. નઠારું માણસ તો નઠારું જ રે'વાનું. આ અજાયબી તેને થોડીને મળવાની છે! હુંહ..."