Agnisanskar - 6 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 6

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 6

મોઢા પર પાણી રેડતા નાનુ કાકા હોશમાં આવ્યા. આસપાસ નજર કરીને જોયું તો ચારેકોર બસ અંધારું હતું.

" હું ક્યાં છું?..કોણ છે તું? અને મને કેમ બાંધીને રાખ્યો છે?"

" કેમ છો નાનુ અંકલ??" અજાણ્યા વ્યક્તિ એ કહ્યું.

'આ અવાજ તો ક્યાંક સાંભળેલો છે...' નાનુ કાકા અવાજને ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ આવી હાલતમાં એમને કંઈ યાદ ન આવ્યું.

" ડોન્ટ વરી નાનુ કાકા, તમને હું પેલા હરપ્રીતની જેમ નહિ મારું, તમે તો મારા ખાસ અંકલ છો, તમારી ખાતેરદારી હું સારી રીતે કરીશ..."

" તું બોવ મોટી ભૂલ કરે છે...બલરાજને ખબર પડશે તો એ તને જીવતો નહિ છોડે...."

" હું તો ચાહું જ છું કે બલરાજને ખબર પડે! કે એના કર્મોનો હિસાબ કરવા વાળા યમરાજે જન્મ લઈ લીધો છે અને તમને તો શ્વાસની બીમારી છે ને?"

" તું કરવા શું માંગે છે?" ભયભીત નાનુ કાકા બોલી ઉઠ્યા.

" સર્વનાશ...." એટલું કહેતાં જ ઓરડામાં બલ્બ ચાલુ કરીને અજવાળું કરવામાં આવ્યું. અજવાળામાં નાનુ કાકાના સામે એ વ્યક્તિ બિન્દાસ રીતે ઉભો હતો.

" અંશ તું!!!!" નાનુ કાકા એ એટલું કહ્યું ત્યાં જ એને દોરી વડે ઉપર ખેંચી લેવામાં આવ્યો. ખુરશીની સાથે જ એને ગળેફાંસો દઈ દેવામાં આવ્યો. નાનુ કાકાનો જીવ જતા જ એમને એક ઊંચા વૃક્ષ પર લટકાવી દેવામાં આવ્યો.

માત્ર સતર વર્ષનો અંશ એવી તે કઈ બદલાની આગમાં સળગતો હતો કે એમને નાની ઉંમરમાં જ બે ખૂન કરવા પડ્યા.
તો આ વાત છે સતર વર્ષ પહેલાંની કે જ્યારે અંશનો જન્મ થવાનો હતો.

સતર વર્ષ પહેલાં

બલરાજનો રાજનીતિમાં પોતાનો પહેલો કદમ હતો. પહેલી જ ચૂંટણીમાં જીતવાની લાલસામાં તે બનતી બધી કોશિશ કરવા લાગ્યો. અઢળક પૈસો તો એની પાસે પહેલેથી જ હતો. જેથી એમણે પાણીની જેમ પૈસો વાપર્યો. પરંતુ ગામના લોકોનું મન બલરાજને સરપંચ બનાવવા તરફ વધારે નહોતું. આ વાતથી બલરાજ સારી રીતે વાકેફ હતો. જ્યાં બલરાજની હાલત ખરાબ હતી ત્યાં એમનો ભાઈ ચંદ્રશેખર ચૌહાણની હાલત પણ કથળી રહી હતી. અનિયમિત વરસાદના કારણે પાક ખૂબ ઓછા પ્રમાણમાં થયો હતો. જેથી ચંદ્રશેખર પણ દિનરાત ચિંતામાં વિતાવતો હતો. બંને ભાઈઓની હાલત ખરાબ જોઈને નાનુ કાકા તેમને એક બાબા પાસે લઈ ગયો.

આસપાસના ગામવાળા એ બાબાને ખૂબ માનતા હતા. લોકો પોતાની જીવનની સમસ્યા લઈને એમની પાસે આવતા અને બાબા એ સમસ્યાનું નિરાકરણ લાવતા. બાબાના આશ્રમ પાસે પહોંચીને બલરાજે પોતાની વ્યથા જણાવી. બાબા એ વ્યથા સાંભળી અને બે ઘડી આંખો બંધ કરીને મૌન થઈ ગયા.

થોડાક સમય બાદ નિરાકરણ આપતા બાબા એ કહ્યું.
" આ સમસ્યા જેટલી સહેલી દેખાય છે એટલી સહેલી નથી, તમારા આખા પરિવાર પર ખૂબ મોટી આફત આવવાની છે....જેનો જન્મ જ તમારા પરિવારના વિનાશ માટે થવાનો છે..."

" પરિવારનો વિનાશ?? આ તમે શું બોલો છો?" બલરાજે કહ્યું.

" તમારા પરિવારમાં કોઈ એક સ્ત્રી ગર્ભવતી હશે..."

" હા બાબા મારા ભાભી જ ગર્ભવતી છે..." બલરાજે કહ્યું.

" હમમ... એના પેટમાંથી નીકળેલું બાળક જ તમારા આખા પરિવારનો સર્વનાશ કરશે...."

" એક બાળક વળી અમારું શું બગાડી લેશે?"

" એ કોઈ સામાન્ય બાળક નથી.. એ ચતુર દિમાગ લઈને જન્મશે, એ જ્યાં સુધી આ પૃથ્વી પર જીવંત રહેશે ત્યાં સુધી
તમારા પરિવાર પર ખતરો બની જ રહેશે..."

" આ તો ખૂબ મોટી આફત આવી પડી... બાબા હવે તમે જ આનો કોઈ ઉપાય બતાવો..."

બાબા એ બે ઘડી વિચાર કર્યો અને કહ્યું. " તમારા જીવનની સમસ્યાનો અંત ત્યારે જ થશે જ્યારે એ બાળકનો અંત થશે..."

" મતલબ...?"

" એ ગર્ભવતી મહિલામાં એક નહિ પરંતુ બે બાળક છે, જો એ બન્ને બાળકમાંથી કોઈ એક બાળકનો પણ તમે જીવ લઈ શકો તો જ તમારી દરેક સમસ્યાનો હલ નીકળી શકશે..."

" નવા જન્મેલા બાળકનું ખૂન!! આ અમે કઈ રીતે કરી શકીએ?" ચંદ્રશેખરે કહ્યું. પરંતુ ત્યાં જ બલરાજ વચ્ચમાં કુદી પડ્યો અને બોલ્યો. " મને મંજૂર છે....એક બાળકના બલીથી જો હું મારા પરિવારને બચાવી શકું તો હું આ બલી ચડાવવા માટે તૈયાર છું..."

" ભાઈ તમે આ શું બોલો છો? તમે એક જન્મેલા બાળકનું ખૂન કરશો??" ચંદ્રશેખરે કહ્યું.

" મારી સામે જીભ ન ચલાવ...અને હું જે કરી રહ્યો છું એ આપણા પરિવારની ભલાઈ માટે જ કરી રહ્યો છું...જો તારે મારો સાથ ન આપવો હોય તો મહેરબાની કરીને મારી વચ્ચે પણ ન આવતો સમજ્યો.."

" પણ ભાઈ, મારી વાત તો સાંભળો..."

ચંદ્રશેખર બલરાજના નિર્ણયથી રાજી ન હતો પરંતુ મોટા ભાઈ સામે આંગળી ચીંધવી મતલબ સિંહના મુખમાં હાથ નાખવા જેવું હતું.


ક્રમશઃ