આંતર રાષ્ટ્રીય ઊંટ વર્ષ
આપણી ઇકો સિસ્ટમમાં જે પ્રાણીની ભૂમિકા મહત્વની છે,અને ખાસ રણનું વહાણ તરીકે ઓળખાતું પ્રાણી ઊંટના મહત્વ વિશે જાગૃતિ વધારવા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ભલામણ બાદ યુએન જનરલ એસેમ્બલીએ તેનું વર્ષ જાહેર કર્યુ. યુ.એન. દ્વારા આ ચાલુ 2024ના વર્ષને ઊંટના આંતર રાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ છે. પૃથ્વીના સૌથી પ્રતિકુળ ઇકો સિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વ પૂર્ણ આજીવિકા છે. આ વર્ષ જાહેર કરવાનો હેતુ ઇકો સિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકુલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિશ્ર્વભરના સમુદાયો માટે તે એક મજબુત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વિશ્ર્વભરનાં લોકોના જીવનમાં ઊંટના મહત્વનો ઉજાગર કરવા માટે આ ઉજવણી સમગ્ર વર્ષ દરમ્યાન થશે.
વિશ્ર્વના 90 થી વધુ દેશોના લાખો ઘરોના જીવનને તે પ્રભાવિત કરે છે. તેનો ઉપયોગ પરિવહનમાં થતો હોવાથી તેઓ જૈવિક ખાતર પણ પ્રદાન કરે છે. તે ગમે તેવી કઠોર પરિસ્થિતિઓમાં ટકી રહેવામાં સક્ષમ ગણાય છે. પર્વત માળાઓના ઉચ્ચ પ્રદેશોમાં અન આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધશુષ્ક જમીનોમાં ઊંટ ત્યાંની રહેવાસી પ્રજા માટે આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, આમ ઊંટ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે રાજદૂત બની શકે છે. ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલીડસ 2024 નો ઉદેશ્ય ઊંટોની વણ ઉપયોગી સંભવિતા અંગે જાગૃતિ લાવવાનો છે, અને ઊંટનો ક્ષેત્રમાં વધુ રોકાણ, વધુ સંશોધન, ક્ષમતા વિકાસ અને નવીન પ્રથાઓ અને તકનીકોના ઉપયોગની હિમાયત કરવાનો છે.ઊંટ વિશ્ર્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વૃઘ્ધિમાં ફાળો આપે છે. વર્ષોથી આ પ્રાણી પણ ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જયા અન્ય પશુધનની પ્રજાતિઓ ટકી શકતી નથી, ત્યાં તે ઉત્પાદનો અને લોકોનું પરિવહન કરવું કે સમુદાયોને દૂધ-માંસ અને ફાઇબર જેવી જરૂરીત પુરી પાડવામાં ઊંટ શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે.
ઊંટ દૂધ અને માંસનો સ્ત્રોત છે, ઊંટને રણનું વહાણ પણ કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે તે ઘણાં દિવસો સુધી પાણી પીધા વગર જીવી શકે છે. તે ગરમ રેતાળ રણમાં પણ પ0 થી 60 કી.મી. ની ઝડપે દોડી શકે છે. વિશ્ર્વમાં તે એક માત્ર પ્રાણીછે, જે શુષ્ક વિસ્તારોમાં પણ પાણી વગર જીવી શકે છે, જયારે તેને પાણી પીવાની તક મળે ત્યારે તે 1પ1 લીટર પાણી પી લે છે. રાત્રે તેના શરીરનું તાપમાન 34 ડિગ્રી સુેલ્સીયસ હોય અને દિવસે 41 ડીગ્રી જોવા મળે છે. તેના દુધમાં ખુબ જ આયર્ન, વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે.
કોઇપણ ખતરાથી બચવા તે તેના ચારેય પગનો ઉપયોગ લાત મારવા માટે કરે છે. જે યુઘ્ધો રણમાં લડાયા હતા, ત્યારે રાજા સમ્રાટોએ ઊંટનો ઉપયોગ કર્યો હતો. તે કેમેલિડે કુળનું પ્રાણી છે, કદાચ તેથી તેનું નામ કેમલ કહેવાતું હશે. તેને રેતી પર ચાલવા માટે અનુકુળ પહોળા પગ, જરુર પડયે બંધ થઇ જાય એવા નાસિકા છિદ્રો અને અંતર્ગઠિત પાંપણ હોય છે. મુખ્યત્વે ઊંટની બે જાત ગણી શકાય જેમાં અરબી અને બેકિટુયન ગણાય છે. આપણાં દેશનું ઊંટ અરબી જાતનું છે. બેકિટુયન ઊંટનો મજબૂત બાંધો હોય છે, અને એશિયાના હિમાચ્છાદિત નિર્જન પ્રદેશમાં રહે છે, તેના શરીર પર આવેલા લાંબા બરછટ વાળને કારણે તેને ઠંડીથી રક્ષણ મળે છે. બેકિટુયન કરતા અબરી ઊંટની હાઇટ વધારે હોય છે. તે ર00 કિલોગ્રામ વજન 1પ0 કી.મી. સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે.દરિયા કાંઠે કે રણમાં ઊંટ સવારીની બાળકો મોજ માણતા હોય છે. તે સૂકો ઘાસચારો અને રણમાં કાંટાળી વનસ્પતિનો પાલો ખાય છે. જયારે સારો ચારો મળે ત્યાર તે પચાવીને ચરબીમાં રૂપાંતર કરીનુ ખૂંદમાં તેનો સંગ્રહ કરે છે.
આપણે ત્યાં સામાન્ય રીતે તેનો પરિવહનમાં વધુ ઉપયોગ થાય છે. હાથી, ઘોડાની જેમ લોકો પાળે છે, રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. તેનો ભાર વહન કરવા, ખેતરો ખેડવા કે પાણી ખેંચવામાં ઉપયોગ થાય છે. રણમાં રહેતા લોકો તેનું દુધ પીવે છે.કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટ ખાસ અલગ પ્રકારના હોય છે. ઊંટડીના દૂધને માન્યતા મળેલ છે અને તેમાંથી ચોકલેટ અને અન્ય બનાવટો હાલ લોકપ્રિય થઇ રહીછે.
2024ને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયો છે, જેના અનુસંધાને તા.16 જાન્યુઆરીએ મંગળવારે ભુજમાં કચ્છ ઊંટ મહોત્સવ ઉજવાશે, જેમાં ગીત-સંગીત સાથે શણગારેલી ઊંટ ગાડીઓ ભુજના માર્ગો પરથી યાત્રારૂપે ફરી વળશે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ યોજાશે. તા.16-1ના ભુજના ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કચ્છના વિવિધ તાલુકાના આશરે 350 જેટલા ઊંટ માલધારીઓ ભાગ લેશે. માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રામાં રબારી અને જત, ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળા, ગીત-સંગીત, ઊંટ ઉછેર પદ્ધતિ, કેમલ મિલ્ક ડેરી, કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરતા વિવિધ ટેબલોને ઊંટગાડી પર તૈયાર કરીને ભુજના જાહેર માર્ગો પર આ યાત્રા ચલાવાશે.કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા કાર્યક્રમને ખુલ્લો મૂક્યા બાદ શહેરના જાહેર માર્ગો પરથી યાત્રા પસાર થશે.
રણનું વહાણ અને ઇકો સિસ્ટમ માટે અગત્યના પ્રાણી એવા ઊંટનું મહત્વ સમજીએ અને સમજાવીએ.