પોતાની રૂમમાંથી સામાન લઈને નીકળી રાકેશ નીચે આવ્યો અને ગીતાએ ફરી રસ્તો રોકી લીધો અને કહેવા લાગ્યો, "બેટા એક વાર હજુ વિચાર કરીલે."
"મમ્મી!"
"તારે જવું છે, તો જા. તે નિર્ણય તો લઈ જ લીધો છે. પણ ઘરે તો તારે આજે અવવું જ રહ્યું."
તેણે પોતાના મમ્મીની આંખોમાં પ્રેમ અને પોતાના માટેની તરસ જોઈ. તે વિચારમાં પડી ગયો. તેણે ગીતાની દરેક દલીલનો જવાબ આપ્યો. તેણે કહેલી દરેક વાતને નકારી પોતે લીધેલા નિર્ણય પર અડગ બન્યો. છતાં આ સમયે તેની આંખોની જે માંગ હતી તેનો જવાબ તેની પાસે નહોતો. પાછળથી અહમ બીજો સામાન લઈને આવ્યો અને પૂછવા લાગ્યો, "સર, ચાલો."
"તું જા હું આવું છું." કહી તે ઉભો રહી ગયો અને નીરવ અને ગીતાને કહેવા લાગ્યો, "મમ્મી, ભાઈ, તમે લોકો જાવ. આ બધો સામાન મૂકી હું સાંજે જીજાજી સાથે આવીશ."
આ સાંભળીને તેનો હરખ સાતમે આસમાને પહોંચી ગયો. નીરવે બધાને કહી દીધું કે ઘરે બધાને તે સરપ્રાઈઝ આપશે. તેઓ ઘરે ગયા અને મનાલી કે લલ્લુભાઈને કશું કહ્યા વગર પોતાના કામે લાગી ગયા. લલ્લુભાઈ પૂછવા લાગ્યા, "ક્યાં ગયા 'તા સવારના? શું થયું છે? કેમ કંઈ બોલતા નથી?"
"મમ્મીને પૂછો." કહી તે પોતાની રૂમમાં જતો રહ્યો. હવે વારો ગીતાનો આવ્યો. તે વધારે પૂછે તે પહેલા સામેની ટીપાઈ પર પડેલું ચાનો કપ લઈ તે રસોડા તરફ જતા બોલી, "અહોહો..! ભારે કરી, આજે તો કપ પણ અહીં જ પડ્યો છે.." ને લલ્લુભાઈ બધું સમજી ગયા. "એટલે તમે મને જવાબ નહિ આપો. એમ જ ને? તેમાં આ કપના બહાના શું કાઢો છો. હુંહ... "
સાંજ થતા સાસરિયાની મહેમાન ગતિ માણી મયુર રાધિકાને લઈને પાછો આવવા નીકળ્યો. તેની ખુશી થોડી વધારે હતી. જતી વખતે વનિતાની આંખો આંસુડાથી ભરાઈ ગઈ. તેના મનમાં પિતા વિનાની દીકરીને ગૃહસ્થ જીવનમાં સુખેથી મોકલવાની અને ખરેખર તેઓ આટલા સંપન્ન અને સુખી છે તે જોઈ હરખ ઉદ્ભવતો હતો. તેનો અત્યાર સુધીનો આ સ્નેહજ હતો કે સૌ કોઈ તેને જતા જોવા આવી પહોંચ્યું. ગીતા પણ પોતાની બાલ્કનીમાં ઉભા ઉભા આ દ્રશ્યને જોઈ રહી.
રાતનુ ઘનઘોર અંધારું હતું અને શેરીનો ગેટ પણ બંધ થઈ ગયો હતો. પોતાની બાલ્કનીમાં એકલા જાગતા લલ્લુભાઈ આમ-તેમ ચક્કર લગાવતા હતા. અંદર બેસેલી ગીતાએ સાદ કર્યો, "નીરવ! એ... નીરવ!" તે બહાર આવ્યો "શું થયું મમ્મી?" અને લલ્લુભાઈ સાંભળી શકે તેમ ઉંચ્ચા અવાજે બોલવા લાગી, "આ તારા પપ્પાને કે', જો પૂરતું હજમ ના થાય તો ઓછું ખાય. ના પડતી 'તી તો પણ ભાળ્યું એટલું ઠુસ્યું."
તે અંદર આવ્યો, "બસ હવે. મને ખબર છે હું બે દિવસથી ચાલવા નથી ગયો. એમાં વારે વારે સંભળાવ સંભળાવ શું કરેસ!"
"લ્યો બોલો, તમારી તો ચિંતા પણ ના કરીયે?"
"અરે એમ નથી."
"તો?"
"થોડી ચા બનાવી દે, જા."
"ચા માટે સેહત ના બગાડાય. એક તો બે દિ' થ્યા, તમે હાલવાય નથી ગ્યા."
"મને ખબર છે હું બે દિ' થી હાલવા નથી ગ્યો. એમાં તો તે પચા વખત સંભળાવી હોતે દીધું."
તેઓની વચ્ચે વધારે ઝગડો થાય તે પહેલા નીરવ વચ્ચે પડ્યો, "મમ્મી, પપ્પા આ શું તમે લોકોએ માંડ્યું છે? અડધી રાત થઈ છે અને તમે લોકો અત્યારે ઝગડો છો?"
"ઈ આ તારા બાપને પૂછ. અડધી રાતે આમ બાલ્કનીમાં ચકરડા ફરે છે અને આટલી રાતે ચા માંગે છે!"
"મમ્મી તું ચા બનાવને જા. મારે પણ પીવી છે."
તે બબડતી રસોડામાં ગઈ, "આ શું બૈ ને થ્યું છે? આટલી રાતે ક્યાંય ચા ભાળી?"
ગેટની બહાર વિનોદભાઈ અને રમેશ બંને ઉભા હતા. તે બંનેની નજીક એક ગાડી આવીને ઊભી રહી અને બંને ગાડીની સામે દોડ્યા. રાકેશ અને સાગર નીચે ઉતર્યા કે તરત જ વિનોદ અને રમેશ તેને ભેટી પડ્યા.
"શું વાત છે રાકેશ? તું તો ઘણો બદલાયેલો દેખાય છે!" વિનોદે પૂછ્યું.
"હા કાકા. કેમ છે તમને બંનેને?"
"અમે બંને જેવા હતા તેવાને તેવા જ છીએ." તેઓ હસીને તેમને અંદર લઈ ગયા. જતા જતા રાકેશે ડ્રાઈવરને જતા રહેવાનો ઈશારો કર્યો. સોસાયટીમાં રાકેશની હાલતથી દરેક અજાણ હતા અને તે પણ પોતાની મોટાઈ બતાવવા કે પૈસાનો ઘમંડ કરવા નહોતો માંગતો. એટલે પહેલેથી તેણે નક્કી જ કરેલું કે કોઈ પ્રકારનો દેખાવ કરવાનો નથી.
તેના ઘર સુધી વિનોદ અને રમેશ બંને સાથે આવ્યા પણ તેના દરવાજે પહોંચી તેણે રાકેશની વિદાય લીધી. ચાના બે કપ લઈ ગીતા જેવી જ હોલમાં પ્રવેશી કે સાગરે કહ્યું," બે કપથી શું થવાનું છે કાકી?"
"અરે સાગર! તમી અત્યારે આંયાં? શું થયું?"
તો ગીતાએ કહ્યું," કાંઈ નથી થ્યું. શું તમે પણ!"
"પણ તો તમી આટલી મોડી રાતે?" લલ્લુભાઈએ આશ્વર્ય સાથે પૂછ્યું.
"હું એકલો નથી આવ્યો. મારી સાથે જે છે એ મને આટલી મોડી રાતે તમારા ઘેર લાવ્યો છે."
લલ્લુભાઈ વિચારોમાં પડી ગયા, "કાંઈક હમજાય એવું બોલો તો ખબર પડે. તમને ખબર છેને, આવી ગોળ ગોળ વાતો મને પલ્લે ના પડે ઈ. કોણ આવ્યું છે? શિવાની છે?"
"ના એ નથી કાકા... કહું છું... આ જુઓ."
તે એકબાજુ ચાલ્યો ગયો અને પાછળથી રાકેશ દરવાજામાં પ્રવેશ્યો અને ગીતાની આંખો પહોળી થઈ ગઈ. તેને માન્યામાં જ ન આવ્યું કે ખરેખર રાકેશ આવ્યો છે.
"રા.. રાક.. ર.. રાકેશ!" તેના મોઢામાંથી મહાપરાણે શબ્દો નીકળ્યા. લલ્લુભાઈ તરફ ફરી તેને પૂછવા લાગી, "તમે જુઓ છો, આ આપણો રાકેશ."
"હા ગીતા. આ રાકેશ જ છે અને સાચેજ તે આપણા ઘરે આવ્યો છે."
તે જઈને સીધી જ તેને ભેટી પડી. તેના આ શોરથી મનાલી પણ બહાર આવી અને રાકેશને ઘરે જોઈ હર્ષાઈ ઉઠી. બેબાકળી બની ગીતા અને મનાલી તેના ખબર-અંતર પૂછવા લાગી. દોઢ વર્ષથી સુનમુન બનેલું ઘર આજે ફરી ખુશીની લહેરમાં હિલોળયું. રાકેશને મૂકી સાગર જતો રહ્યો અને રાકેશ થોડા દિવસ અહીં જ રહેશે એ વાતથી સૌ કોઈ આનંદિત હતા.
સવાર પડતા જ આ સમાચાર આખી સોસાયટીમાં પ્રસરી ગયા. કોઈ વ્યક્તિ ખુશ થઈ, કોઈને ન ગમ્યું તો વળી કોઈ અચરજમાં પડી વિચારતું થઈ ગયું કે શું થશે હવે? તેઓને ચિંતા એ વાતની હતી કે કદાચ જે લોકો રાકેશના આવવાથી ખુશ છે અને જે મહેશની તરફેણમાં છે એ બંનેને લઈ સોસાયટી બે ભાગમાં વહેંચાય જશે.
આ મુદ્દો વિચારવા રાત્રે જયંતિએ વિનોદભાઈ અને રમેશને બોલાવ્યા. તેઓને વાત કરતા કહ્યું કે," રાકેશના આવવાથી જે માહોલ સર્જાયો છે તે કઈ દિશામાં જશે? સવારે રાકેશના આવવાની ખબર પડતાં મહેશ પાછળવાળા સુરેશભાઈને કહેતો હતો કે જે લોકો તેના આવવાથી ખુશ છે તે બધાને એ જોઈ લેશે."
"કહેવા દે બેટા. કોઈને કશો ફેર નથી પાડવાનો. એમાંય, રાકેશ ક્યાં અહીં રોકવાનો છે. બે ત્રણ દિવસમાં તો તે જતો રહેશે. એમાં શું ચિંતા કરવાની." વિનોદે કહ્યું.
જોકે રમેશે આ વાતને ગંભીરતાથી લઈ લીધી. તેણે ચિંતા વ્યક્ત કરી, "ના વિનોદભાઈ. જયંતિ ની વાત તો સાચી છે. મહેશથી આપણે અજાણ નથી. એ કંઈક કરશે તો ખરો જ."
આ ચિંતા કરતા એ લોકો માટે ખુબ આકરી હતી કે હવે કયું ત્રીજું પાનું ખુલશે? બસ મનોમન સૌ એજ ઈચ્છા કરવા લાગ્યા કે કાંય નવું ના થાય તો સારું. મહેશના સ્વભાવ પ્રમાણે આ અંદાજો કરવો પણ અઘરો હતો કે જ્યાં સુધી રાકેશ અહીં છે સોસાયટીમાં શાંતિ રહેશે. નવી સવાર શું નવી સરપ્રાઈઝ લઈને આવે છે એ તો હવે દિવસ ઉગ્યા પછી જ સમજાય.