ન કહેલી વાતો - ભાગ-૨
સ્ટોરી-૨ – બર્થ ડે ગીફ્ટ
પહેલી નજરે આ વાર્તાનું ટાઇટલ વાંચતા એવું લાગે કે ગર્લફ્રેન્ડના જન્મ દિવસ પર તેના બોયફ્રેન્ડે કોઇ વિશેષ ગીફ્ટ આપી હશે તેવી કોઇ વાર્તા હશે. પરંતું જો તમે આવું સમજીને આ વાર્તા વાંચતા હોવ તો તમારૂ એ અનુમાન ખોટુ છે. આ વાર્તા બે મિત્રોની છે. રાજ અને ચિરાગ.
રાજ અને ચિરાગ બંને અલગ-અલગ શહેરોના નિવાસી. રાજ સી.એ. કરતો હતો અને આર્ટીકલશીપ કરવા માટે મોટા શહેર અમદાવાદમાં આવ્યો. જ્યારે ચિરાગ તો હજુ બી.કોમ. માં અભ્યાસ કરતો અને સાથે-સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. રાજ હતો જુનાગઢનો વતની જ્યારે ચિરાગ હતો અંકલેશ્વરનો. ચિરાગના પિતાની સરકારી નોકરી હતી. એટલે પહેલા અમદાવાદમાં નોકરી હતી એટલે ચિરાગનો અભ્યાસ અમદાવાદમાં શરૂ થયેલો. પછી પિતાની નાના-નાના શહેરોમાં ટ્રાન્સફર થતી. ચિરાગ કોલેજમાં આવ્યો ત્યાં સુધીમાં પિતાની ટ્રાન્સફર ભૂજ થઇ ગઇ. એટલે પિતા પરિવારના અન્ય સભ્યોની સાથે ભૂજ રહેવા ગયા અને ચિરાગે અમદાવાદમાં જ રહીને કોલેજ કરવાનું નક્કી કર્યું. સરકારી નોકરીમાં રહેવાનું ક્વાર્ટર મળતું જે ટ્રાન્સફર થતાં અમદાવાદમાં ખાલી કરવું પડ્યું. એટલે ચિરાગે અમદાવાદમાં જ એક સારા એરિયામાં પી.જી. (પેઇંગ ગેસ્ટ) માં રહેવાનું નક્કી કર્યું. મિત્રોની મદદથી ચિરાગને એક પોશ એરિયામાં પી.જી. મળી પણ ગયું. આ પી.જી.માં અન્ય શહેરોમાંથી અભ્યાસ કરવા આવતા વિધ્યાર્થીઓ પણ રહેતા. એટલે ચિરાગને સારી કંપની મળી ગઇ.
આ પી.જી.માં ચિરાગના રહેવા આવ્યાના છ-સાત મહિનામાં જ રાજને આ જ પી.જી.માં મિત્રો મરફતે રહેવા અંગેની જગ્યા મળી ગઇ. ચિરાગ ઘણાં સમયથી અમદાવાદમાં જ રહેતા હતો એટલે અમદાવાદના મોટા ભાગના એરિયાથી વાકેફ હતો અને તેનો સ્વભાવ પણ મળતાવડો થઇ ગયેલો. નવા-નવા મિત્રો બનાવવાનો આમ પણ તેને શોખ હતો.
જ્યારે રાજ તેનાથી એકદમ વિપરીત હતો. તેને બહુ મિત્રો બનાવવા ગમતા નહી. જે મિત્ર સાથે ફાવ્યું એ જ...! એટલે રાજનું મિત્રવર્તુળ પણ નાનુ હતુ. આ પી.જી.માં રહેવા આવ્યા પછી પણ રાજ તેના જ રૂમમેટ સાથે ત્રણ મહિને પણ વાતચિતો કરતો ન હતો. એ બસ તેનામાં જ રહેતો. સવારે ૧૦-૩૦ એ આર્ટીકલશીપ માટે નીકળી જતો જે સાંજે -૦૫-૦૦ વાગ્યે આવતો. આવીને થોડુ વાંચતો, જમવા જતો અને આઠ વાગ્યા સુધીમાં તો સુઇ પણ જતો. રાજનો આ રોજીંદો ક્રમ બની ગયેલો.
આમ, તો રાજ અને ચિરાગના ઘણાં કિસ્સા છે પણ એ બાબતે પછી ક્યારેક કહીશ. હાલ તો જે આ ખાસ કિસ્સો છે તેના પર આવીએ. ચિરાગ પરિવારથી દૂર એકલા રહેવા મળતા મિત્રોની સંગતમાં કેટલાક વ્યસનોનો આદી બની ગયેલ. એ વ્યસનો પૈકી મુખ્યત્વે સિગારેટ પીવાનું અને માવો (તમાકુ વાળી સોપારી) ખાવાની. ચિરાગ એટલી હદે સિગારેટ અને માવો ખાતો કે તે એક દિવસમાં ૩-૪ સિગારેટ અને ૫-૭ માવા ખાઇ જતો.
એક દિવસ પી.જી.ના મકાન માલિકનો જન્મ દિવસ હતો એટલે મકાન માલિકે પી.જી.ના બધા વિધ્યાર્થીઓને જમણવાર માટે નોતર્યા. એ દિવસે રાજ અને ચિરાગની મિત્રતા થઇ. પછી તો રોજ રાજ અને ચિરાગ સાથે જ સવારનો નાસ્તો કરવા જતા, રાત્રે જમવા જતા, જમ્યા પછી વોકિંગમાં પણ જતા અને શનિ- રવિની રજામાં સાથે ફરવા અથવા આઉટ-ડોર ગેમ્સ રમવા પણ જતાં.
ચિરાગને સિગરેટ અને માવો ખાવાની ખુબ ટેવ હતી. જે રાજને બિલકુલ ગમતું ન હતું. બંનેની મિત્રતા પાક્કી હતી પરંતું જ્યારે પણ રાજ ચિરાગને વ્યસન છોડવા વિશેની સલાહ આપતો ત્યારે ચિરાગનું વર્તન બદલાઇ જતું. તે રાજની સાથે બે-ચાર દિવસ વાતો કરવાનું, બહાર જવાનું, વિગેરે ટાળતો. કંઇ કહેતો નહી, પરંતું તેના વર્તનથી રાજને ખબર પડી જતી કે ચિરાગ તેનાથી ભાગી રહ્યો છે. પરંતું રાજે પણ ગાંઠ બાંધી લીધેલી કે ચિરાગનું વ્યસન છોડાવે છૂટકો કરીશ. એમ, મિત્રનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બગડવા નહી દઉં.
રાજે શરૂઆતમાં ખુબ પ્રયત્નો કર્યા કે ચિરાગને વ્યસન છોડવા માટે મનાવવાનો પરંતું રાજને સફળતા ન મળી. એટલે રાજે નવો પેંતરો અજમાવ્યો. રાજે અચાનક જ ચિરાગની સાથે વાત કરવાની, તેની સાથે જમવા જવાનું, ગેમ્સ રમવાનું બંધ કરી દીધું, જાણે જાણી નોઇને ચિરાગની અવગણના કરવા લાગ્યો. ચિરાગ બોલાવવા આવે તો કંઇક કામ છે એવું બહાનું આપી તેનાથી દૂર થવાનું નાટક કરવા લાગ્યો. એક દિવસ ચિરાગ અકળાયો અને રાજને પૂચી જ લીધુ, કે તારા અજીબ વર્તનનું કારણ જણાવ નહી તો મિત્રતા પૂરી...! એટલે રાજે કહ્યું, “ચિરાગ, તું જે સિગારેટ પીવે છે તેનાથી મને શ્વાસમાં તકલિફ થાય છે, મને ખાંસી આવે છે અને મારી તબિયત બગડે છે.” અને મેં બહુ કોશિશ કરી તને એ બાબત આડકતરી રીતે જણાવવાની પરંતું તને સિગારેટ છૂટતી ન હતી એટલે મેં બીજો રસ્તો શોધી લીધો.” ચિરાગને થોડુ ખોટુ તો લાગ્યું, પરંતું મિત્રતા ખતર તેણે નમતું જોખ્યું અને રાજને પ્રોમિસ કર્યું, કે, રાજ, જ્યારે આપણે બંને સાથે હોઇશું ત્યારે હું સિગારેટ/માવો નહી ખાઉં. એટલે તને તકલિફ નહી થાય, બસ.” હવે તો ઓકે છે ને તું?” રાજે કહ્યું ઓકે....!
બીજા દિવસથી ફરી બંને મિત્રોનું રૂટિન સાથે જ સેટ થઇ ગયું. એક દિવસના ચોવીસ કલાકોમાંથી આઠ કલાક સુવાના બાદ કરતા બાકીના સોળ કલાકોમાંથી રાજ ચિરાગના બીજા છ કલાકો તો વ્યસન વગરના કાઢી શક્યો. હવે માત્ર અન્ય દસ કલાકો શુધ્ધ કરવાના રહ્યા. પરંતું હવે રાજ માસ્ટર સ્ટ્રોકની રાહમાં હતો. રાજ રેહ જોતો હતો કે એક એવો અવસર આવે કે તે ચિરાગના જીવનમાંથી વ્યસનની કાયમી મુક્તિ કરી શકે અને ચિરાગને વ્યસન મુક્ત બનાવી શકે. દિવસો વિતતા ગયા. અને એક સ્પેશિયલ દિવસ આવ્યો.
એ દિવસ હતો રાજનો બર્થ ડે (જન્મ દિવસ). નોર્મલ વર્કિંગ દિવસ હોવાના કારણે રાજને તથા ચિરાગને રાજનો જન્મ દિવસ ઉજવવા માટે આખા દિવસની રજા મળેલી નહી. પરંતું બંને મિત્રોએ નક્કી કરેલું કે રાત્રે જમવા સાથે જઇશું અને કોઇક સારી રેસ્ટોરન્ટમાં જઇશું. બંને પોતપોતાના કામેથી પી.જી. પર પરત ફરી જમવા જવા તૈયાર થયા. અને નજીકની એક સારી રેસ્ટોરન્ટમાં જમવા ગયા. જમી અને રેસ્ટોરન્ટથી પરત આવતા પી.જી સુધી ચાલીને આવવાનું નક્કી કર્યું.
કંઇક વેરાયટી જમેલા હોઇ, ચિરાગને સિગારેટ પીવાનું મન થયું એટલે તેણે રાજની સંમતિથી સિગારેટ સળગાવી. રાજે સંમતિ તો આપી પણ તેને ગમ્યું નહી. પણ એ સંમતિમાં જ રાજને એક રામબાણ ઉપાય મળી ગયો.
રાજે ચિરાગને પૂછ્યું, “ ચિરાગ, આજે મારો જન્મ દિવસ છે, મારી ગીફ્ટ ક્યાં...!”
ચિરાગે કહ્યું, “ ગિફ્ટ તો હું લાવી ન શક્યો, કામ જ એટલું હતું કે લેવા જવાનો સમય જ ન રહ્યો.”
એવું ના ચાલે, તું તારા પાક્કા મિત્રને તેના જન્મ દિવસ પર એક ગીફ્ટ પણ ના આપી શકે...!” રોજ બોલ્યો.
ચિરાગે થોડો વિચાર કર્યો...પાંચ મિનીટ સુધી તો કંઇ જ ના બોલ્યો. વિચારતો હતો કે, ગીફ્ટ આપવી છે, આજે જ આપવી છે, પણ રાત્રીના ૧૧-૪૫ વાગ્યા છે. શું આપું? અત્યારે તો ગીફ્ટ શોપ પણ બંધ થઇ ગઇ હોય...! શું આપી શકું? કંઇ નહી ચાલ, રાજને જ પૂછું, એને શું જોઇએ છે.... ચિરાગ આવું મનમાં વિચારતો હતો અને બોલ્યો, “જો રાજ, અત્યારે તો કોઇ ગીફ્ટ શોપ ખુલ્લી નહી હોય. હું ગીફ્ટ ના લાવી શક્યો એ મારી ભુલ હું સ્વિકારૂ છું, હવે તું જ બોલ, તારે કઇ ગીફ્ટ જોઇએ છે, પણ એવું કહેજે જે અત્યારે હું લાવીને આપી શકું.”
રાજ બોલ્યો, “એક ગીફ્ટ તો છે જે તું અત્યારે જ આપી શકીશ.... પણ..... રહેવા દે.... ચાલશે...!”
જો રાજ, અધૂરૂ બોલીને વાક્ય છોડા ના દે....! બોલ શું જોઇએ છે....! હવે તો વટથી કહું છું....! તું માંગે એ આપું....! આપણી મિત્રતાના સોગંદ...!....... ચિરાગ બોલ્યો.
ના...ના.... રહેવા દે, તારાથી નહી અપાય... નથી જોઇતી ગીફ્ટ... છોડ....! રાજ બોલ્યો.
રાજ, તને આપણી ભાઇબંધીના સોગંદ છે, બોલ તારે કઇ ગીફ્ટ જોઇએ છે. આજે તો તું માંગે એ આપુ.... ચિરાગ સિગારેટની ફૂકો મારતો મારતો વટથી બોલ્યો.
અને રાજે મોકે પે ચોક્કા લગાયા અને બોલ્યો, સારૂ તો મને ગીફ્ટ એ આપ કે, “તું અત્યારથી જ સિગારેટ અને માવાનું વ્યસન છોડી દઇશ.” જો તું આ ગીફ્ટ મને આપે તો મારા જીવનની આ અમુલ્ય ગીફ્ટ રહેશે. જે મને હંમેશા યાદગાર રહેશે.” બોલ, તું આજે મને આ ગીફ્ટ આપી શકે...??”
ચિરાગ તો સુનમુન થઇ ગયો. અને એક પળનો પણ વિચાર કર્યા વગર રાજને ભેટી પડ્યો અને એને કાનમાં “થેંક યુ” કહી સિગારેટ ત્યાં જ ફેંકી દીધી અને રાજને વચન આપ્યું, “ હું અત્યારથી જીવીશ ત્યાં સુધી ક્યારેય સિગારેટ, માવો કે અન્ય કોઇપણ વ્યસન નહી કરૂં.”
ચિરાગને રાજની ચતુરાઇ સમજાઇ ગઇ. પણ પછી હસવું પણ બહુ આવ્યુ અને રાજને કહ્યું, “ ચિરાગ, હું તને ગાળો આપું કે તારો આભાર માનું? કંઇ સમજાતું નથી.” તે મારૂ વ્યસન છોડાવીને મારૂ ભવિષ્ય પણ સુધાર્યું અને જે હું કોઇ રીતે છોડી શકવાનો ન હતો તે તે આસાનીથી મને છેતરીને છોડાવી દીધું.”
ચિરાગે રાજનો આભાર વ્યક્ત કર્યો અને રાજને બાથ ભરી લીધી. રાજ માટે પણ આ એક શ્રેષ્ઠ, અમૂલ્ય અને વિશિષ્ટ ગીફ્ટ હતી. આ વાતને આજે આઠ વર્ષ થયા છે. ચિરાગ તેના ધંધામાં ખુબ પ્રગતિશીલ છે. તેને ઘણાં નવા મિત્રો પણ બન્યા છે. જ્યારે રાજ વિદેશમાં નોકરી કરે છે. બંને મિત્રો એકબીજાના સંપર્કમાં આજે પણ છે. ચિરાગના નવા મિત્રોમાં ઘણાં એવા પણ છે જેઓ ફોરેનથી સિગારેટ્સ લાવે છે અને ગીફ્ટ સ્વરૂપે ચિરાગને આપે છે. પરંતું ચિરાગ ખુબ જ વિનમ્રતાથી એ ગીફ્ટ લેવાની ના પાડી કહે છે, “સોરી દોસ્ત, તારી ગીફ્ટને લાયક મને સમજ્યો એ બદલ તારો આભારી છું પણ હું આ સિગારેટનું બોક્સ નહી સ્વિકારી શકું, મારા એક ખાસ મિત્રને મેં બર્થ ડે ગીફ્ટમાં વચન આપ્યું છે કે હું કોઇ વ્યસન મારા આખા જીવનમાં ક્યારેય નહી કરૂ. અને એ મિત્રને આપેલું એ વચન હું કોઇ કાળે તોડવા નથી માંગતો.” પણ હું તને પણ એ જ સલાહ આપીશ કે શક્ય હોય તો આ વ્યસન છોડી દે. અને જો મારી મિત્રતા વ્હાલી હોય તો તું પણ મને મારા જન્મ દિવસ પર તારી વ્યસન મુક્તિની જ ગીફ્ટ આપજે.”
મારૂ માનવું છે કે આવા રાજ જેવા મિત્રો દરેકના જીવનમાં હોવા જ જોઇએ અને આવી વ્યસન મુક્તીની ગીફ્ટ પણ મિત્રોને આપવી જોઇએ.--- તપન ઓઝા (લેખક)