Simankan - 1 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | સીમાંકન - 1

Featured Books
Categories
Share

સીમાંકન - 1

આ રચના સંપૂર્ણ કાલ્પનિક તથા મૌલિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સીધો સંબંધ નથી.
**********************

તા. ૧૬મી ઑગસ્ટ ૨૦૨૨

આજે મન કાબૂમાં નથી. વારંવાર ખંખેરવા છતાં એનાં જ વિચારોએ પાણીનાં વમળની સ્મૃતિપટ પર ઘૂમરાયા કરે છે ને મારા અસ્તિત્વને તાણી જવાની ચેષ્ટા કરે છે. કેટલું વિચિત્ર ને કે પાંચ કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો મળીને પણ એક ભટકતાં મન પર કાબૂ નથી મેળવી શકતી!

એને કેમ સમજાવું કે, દુનિયાની ભૂગોળમાં બે એવાં સમુદ્ર છે જે એકમેકને મળીને પણ નથી મળતાં, તરલ હોવાં છતાં નથી ભળતાં. આપણું પણ એવું જ છે ને! એકબીજાની સાથે છીએ પણ ક્યાં એક છીએ! બંનેનું વ્યક્તિત્વ એકદમ ભિન્ન, રહેણીકરણી પણ અલગ, સ્વભાવ પણ વિપરીત કહી શકાય. એવામાં આપણે બે, બે મટી એક બની જશું એવી આશા તો ઠગારી જ ને! એ પણ ત્યારે જ્યારે ખબર હોય કે મારો કોઈ હક જ નથી. પણ હક તો વસ્તુઓ પર હોય, વ્યક્તિ પર તો પ્રેમ હોય ને! એવી દલીલો કોઈકવાર આ પાગલ મન કરી બેસે છે. એ તરંગીને ક્યાં કોઈ સીમા!!!! કાશ! હું મારા મનની વાત એને જણાવી શકું પણ એ અહીં ક્યાં છે કે એવું કંઈ વિચારી પણ શકું!

******************

આટલું લખીને એણે કલમ માથે ટેકવી ત્યાં જ ડૉરબેલ રણકી. બારણું ઉઘાડ્યું તો સામે એ જ જેનાં વિચારોએ એનાં મનોમસ્તિષ્ક પર અત્યાર સુધી હાવી થયેલા.

"હવે, અંદર આવવા દેશો?" એવાં પ્રશ્ને એને ભાન કરાવ્યું કે દરવાજો ખોલતાં જ અવાચક બની એ ત્યાં જ પૂતળાં માફ્ક ઊભી છે.

"સૉરી..." એટલું બોલી એ સાઇડ થઈ.

ઇશાન સડસડાટ બૅગ સાથે રૂમમાં પ્રવેશી ગયો અને "ત્રિજ્યા" સાદ સાંભળતા એને ધ્રાસ્કો પડ્યો.

"મારી ડાયરી..." એમ સ્વગત બબડી રૂમ તરફ ઝડપથી ભાગી. ડાયરીને સોફા પર હેમખેમ જોતાં એને હાશ થઇ. ડાયરી લઈ એણે એનાં કબાટમાં મૂકી કે તરતજ બેડ પર માથે હાથ દબાવી આંખો બંધ કરી બેસેલા ઈશાને કહ્યું,
"પ્લીઝ મારી માટે ચા મૂકશો?"

"હા... તમને ઠીક તો છે ને!"

"હા. બસ થોડું માથું દુઃખે છે ને હવે પત્નીની જેમ શાં માટે દુઃખે છે, ડૉક્ટર બોલાવું કે દવા આપું એવું કંઈ ન કરતાં. જસ્ટ વન કપ ટી પ્લીઝ..."

ઈશાને આટલું કહ્યું એટલે ત્રિજ્યા બધાં સવાલો અને સૂચનો સંકેલી રસોડામાં ગઈ. ગૅસ પર તપેલી મૂકી ચાની સામગ્રી નાંખી ઉકળવાની રાહ જોતી એ વિચારે ચઢી.

હમણાં બે દિવસથી મમ્મી માતાજીને ત્યાં ગયાં છે ત્યારથી ઈશાનને કેટલી હાશ થઇ હતી કે એ હવે શાંતિથી આર્યાને મળી શકશે. એણે તો ખુશ થવું જોઈએ પણ એનાથી વિપરીત બે દિવસથી એ કંઈક મુંઝાયેલો જણાય છે. શું હશે કારણ? ત્યાં તો ચા ઉભરાઈ. એણે એક કપ ભર્યો ને પૂછી જોઉં એમ વિચારી કપ લઈ રૂમમાં પ્રવેશી. ઇશાન હજું એ જ મુદ્રામાં બેઠો હતો.

"ચા" એમ બોલી એ કપ બૅડની બાજુનાં ટેબલ પર મૂકી ઊભી રહી. એ કંઈક કહે એ પહેલાં જ ઇશાન બોલ્યો,
"થેન્ક્યૂ..."

એ પૂછવાની અવઢવમાં જ હતીને ઈશાને ધારદાર નજર કરી પૂછ્યું,
"તમે સ્ત્રીઓ આવી જ હોવ છો?"

એ મોં વકાસી ઊભી રહી એટલે ઇશાને ખુલાસો આપતાં જણાવ્યું કે,
"મમ્મી હતાં ત્યારે માથું ખાઈ જતી હતી કે મળવું છે, તું કેમ નથી મળતો અને કંઈકેટલીય માથાં - પગ વગરની શંકા - કુશંકાઓ અને હવે મળવાનું શક્ય છે ત્યારે મૅડમે મળવું નથી ને પાછાં મળવાની મજા લેવાનાં બદલે એ માટે પણ કેટલાંય તર્કવિતર્કો. તમારું મગજ સીધી દિશામાં શું કામ નથી દોડતું! જ્યારે હોય ત્યારે વાંકાચૂંકા વિચારો કરવા જરૂરી છે? મળેલી પળોનું સત્યાનાશ કરવું જરૂરી છે? થાકી ગયો છું આ બધાં નાટકોથી... આ બધું... આ બધું તમારા કારણે...."

"મારા કારણે!!" અત્યાર સુધી ચૂપ ત્રિજ્યાએ ચુપ્પી તોડી.

"હા... બિલકુલ. ના તમને મમ્મી એ જોયાં હોત, ના મારે તમારી સાથે લગ્ન કરવા પડ્યાં હોત, ના આ દિવસ જોવાનો વારો આવ્યો હોત." ઇશાને ધૂંઆપૂંઆ થતાં ઉભરો ઠાલવ્યો.

"ઠીક છે. મારા કારણે ને! પહેલાં ચા પી લો પછી વાત." ત્રિજ્યાએ ચાનો કપ સામે ધર્યો.

ઈશાને ચા પી લીધી એટલે ત્રિજ્યા કપ લઈ રસોડામાં મૂકી ઘરની બહાર નીકળી ગઇ.

(ક્રમશઃ)