પુસ્તકનું નામ:- માધવ ક્યાંય નથી
સમીક્ષક:- ડૉ. રંજન જોષી
લેખક પરિચય:-
હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ ખંભરા ખાતે થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર હતા. ૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિક, ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક રહ્યા. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી તરીકે કાર્ય કર્યું. ૧૯૭૩માં ફરી જનશક્તિમાં જોડાયા મુખ્ય તંત્રી તરીકે અને ત્યાર બાદ જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ- પ્રવાસી નાં મુખ્ય તંત્રી તરીકે અંતિમ દિવસ સુધી કાર્યરત રહ્યા. તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં....’ જેવાં તેમના ગીતો લોકપ્રિય છે. 'મૌન’માં બહુધા ઉત્તમ ગીતો સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’માં એમની મુક્તક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતાનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે. એમની નવલકથાઓમાં ‘અગનપંખી’, ‘પળનાં પ્રતિબિંબ’, ‘અનાગત’, ‘માધવ ક્યાંય નથી’, ‘સુખ નામનો પ્રદેશ’, ‘સંગ-અસંગ’, ‘લોહીનો રંગ લાલ’, ‘ગાંધીની કાવડ’ વગેરે છે. ‘યુગે યુગે’ એમનું દીર્ઘ નાટક છે. ‘કવિ અને કવિતા’ કવિતાના આસ્વાદનું પુસ્તક છે. ‘ગાલિબ’, ‘દયારામ’, ‘મુશાયરાની કથા’, ‘સ્વામી નારાયણ સંપ્રદાય’ જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી’ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે. ‘કૃષ્ણ અને માનવ સંબંધો’માં એમણે કૃષ્ણસંબંધે માનવીય ચિંતન પેશ કર્યું છે. અહીં એમની દૃષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. ‘નીરવ-સંવાદ’માં એમના ચિંતનલેખો છે. ‘વેરાતું સ્વપ્ન ઘુંટાતુ સત્ય’માં વર્તમાનપત્રી લેખોનો સંચય છે. ‘શબ્દ ભીતર સુધી’ નિબંધસંગ્રહ છે. ‘મધુવન’ એમનું ગઝલ-સંપાદન છે. ‘પિંજરનું પંખી’, ‘ધરતીનાં છોરું’, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ’- આ ચાર અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પણ કર્યા છે. તેમને સાહિત્ય અકાદમી ઍવોર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, કબીર સન્માન તથા ગોએન્કા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પુસ્તક વિશેષ:-
પુસ્તકનું નામ : માધવ ક્યાંય નથી
લેખક : હરીન્દ્ર દવે
પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
કિંમત : 300 ₹.
પૃષ્ઠ સંખ્યા : 208
બાહ્ય મૂલ્યાંકન:-
આ પુસ્તકના મુખપૃષ્ઠ પર મોરપીંછ અને વાંસળી શોભે છે, જે કૃષ્ણ વિષયક કથાનું સૂચન કરે છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.
પુસ્તક પરિચય:-
ગાંધીજી કહેતા હતા કે, ‘જે પુરૂષ પોતાના યુગની અંદર સૌથી વધારે ધર્મવાન હોય એને ભવિષ્યની પ્રજા અવતારરૂપે પૂજે છે.’ શ્રીકૃષ્ણ આવા ધર્માવતાર હતા. તેઓ કયારેય રાજસિંહાસન ઉપર બેઠા નથી અને હજારો વર્ષોથી પ્રજાના ઉરસિંહાસન પરથી ઉતર્યા નથી. આવા શ્રીકૃષ્ણ વિશે નવલકથા લખીને સાંપ્રત સમયની કોઈ એવી સમસ્યાની અંદર માર્ગદર્શક બનવા લેખન કરવું એ કોઈ પણ સર્જક માટે મોટો પડકાર છે. શ્રી હરીન્દ્ર દવે આ પડકાર પોતાની નવલકથા ‘માધવ ક્યાંય નથી’માં ઉઠાવે છે. તેઓ ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા હતા એ જ અરસામાં કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’નું અનુવાદનું કાર્ય એમને સોંપાયું. એનો અનુવાદ કરતાં કરતાં કૃષ્ણજીવનની મોહની લાગી અને એમાંથી જે ઊર્મિસ્પંદન જાગ્યું અને અદ્દભુત કાવ્ય ગુજરાતી સાહિત્યમાં પ્રગટ થયું. અહીં વેદનાનું નિરૂપણ છે. આપણી વર્તમાન પરિસ્થિતિની કરુણતા આ સર્જનના પાયામાં છે.
પૂર્ણમાત્રામાં ખીલેલા કળિયુગમાં ચાર દૂષણો તો હોય જ : મદ્યપાન, જુગટુ, પરસ્ત્રીગમન અને બધા જ હલકા પ્રકારના કૃત્યો. આવા જમાનાની અંદર પોતાની સગી બહેનના સાત-સાત સંતાનોને જો રાજા રાજલિપ્સાના કારણે મારી શકતો હોય તો એનો જ એક દ્વારપાળ પોતાની પત્નીને જુગારના દાવ પર શા માટે ન લગાડી શકે? એ દ્વારપાળ જુગટું રમતાં-રમતાં પોતાની પત્નીને હારી ગયો છે અને એ હારી ગયેલી એની પત્ની મુદ્રા સવારમાં એને જીતી ચૂકી છે. ફરી આવા દારૂડિયાના પનારે ન પડવું પડે એટલા માટે યમુનામાં દેહને વિસર્જિત કરવા જાય છે, ત્યારે તેનો પતિ પૂછે છે કે ક્યાં જાય છે? ત્યારે ખૂબ માર્મિક જવાબ આપતા મુદ્રા કહે છે, ‘દુર્ગની બહાર, દેહની બહાર.’ પછી એનું સ્વરૂપાંતર થાય છે, જ્યારે એ તણાતી તણાતી વૃષભાનને મળે છે ત્યારે તે મુદ્રા મટી ચૂકી છે અને રાધા બની ગઈ છે.
આખી નવલકથામાં કૃષ્ણ પરોક્ષ આવીને પોતાનું કર્તવ્ય બજાવી જાય છે. આજનો ભારતીય મનુષ્ય અને વૈશ્વિક મનુષ્ય રાષ્ટ્રની અખંડિતતા, રાજકીય એકતા અને ધાર્મિક સહિષ્ણુતા માટે ઝૂરે છે. આપણો ઝૂરાપો એ વસ્તુ માટે છે કે શાંતિનો ભંગ ન થાય અને રાષ્ટ્ર ને પ્રજા અખંડ રહે. આ બધું ઊભું થાય એવી પ્રજાની અવ્યક્ત મનોભાવના છે એને આ નવલકથાનું વિષયવસ્તુ બનાવીને એનું પ્રતિનિધાન આડકતરી રીતે લેખક કરવા ઈચ્છે છે અને એટલે ગંદી અને મેલી રાજકીય મુરાદોથી આખા રાષ્ટ્રને અધોગતિની ગર્તામાં ડૂબાડતા એવા રાજકારણની સામે કળાકારની હેસિયતથી અને સમર્થતા સાથે આ સર્જકે આ નવલકથાની અંદર આપણા યુગની ચેતનાને વાચા આપવાનું કામ કર્યું છે. આપણને પ્રશ્ન થાય કે, ‘નારદ કૃષ્ણને કેમ શોધ્યા કરે છે?’ શોધનું કારણ શું છે? જ્યારે નારદ ભગવાન પરશુરામના આશ્રમમાં પહોંચે છે ત્યારે ભગવાન પરશુરામના આ જ અણિયાળા પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ કહે છે કે, ‘હું કૃષ્ણને શા માટે શોધું છું તેનો તો કોઈ જવાબ નથી મારી પાસે. પણ ભગવાન પરશુરામ ! મને લાગે છે કે આ છિન્ન ભિન્ન થઈ રહેલો દેશ કદાચ કૃષ્ણની આસપાસ એક થઈ શકશે. આ તાર તાર થઈ ગયેલું જીવનવસ્ત્ર છે તે કૃષ્ણના પ્રેમમાં પોતાની દૃઢતા પ્રાપ્ત કરી શકશે. વીંખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જશે તો ઠીક થઈ જશે.’
શીર્ષક:-
સમગ્ર કથામાં નારદ કૃષ્ણને વિવિધ સ્થાન ટર શોધે છે પણ કથાના અંત સુધી કૃષ્ણ ક્યાંય જડતા નથી. આમ પરોક્ષ રૂપે બધે જ વ્યાપક તત્વ પ્રત્યક્ષ રૂપે ક્યાંય જોવા મળતું નથી. તેથી આ શીર્ષક સર્વથા યથાર્થ છે.
પાત્રરચના:-
નંદબાબા, જશોદા, રાધિકા, યમુના, બંસી, કદંબ,ધેનુ આ બધું હરીન્દ્ર દવેના સ્મરણની અંદર હશે પણ, ત્યાર પછી આ સંવેદન આગળ વધતું ગયું અને એમની સજર્નાત્મકતાએ એમની પાસે ‘માધવ ક્યાંય નથી’ લખાવી. એમણે આ તમામ પાત્રોને બખૂબી ઉપસાવ્યા છે. ગીતમાં પ્રતિનિધિરૂપે ભમરો આવ્યો હતો અને હરીન્દ્રભાઈએ નવલકથા લખી ત્યારે એમણે એમાંથી આગળ પડતું રૂપક લીધું. જેના પગમાં જ ભમરો છે, જે નિત્યપ્રવાસી છે એવા નારદ એમને મળ્યા. એટલે આ નવલકથાની અડધાથી વિશેષ જે સફળતા છે તે તેની પાત્ર વિભાવના છે. જે રીતે નારદનું પાત્ર એમણે કલ્પ્યું અને મૂક્યું ત્યાં જ આપણે અભિભૂત થઈ જઈએ છીએ. જેમણે જેમણે કૃષ્ણકથા લખી છે તેમણે તેમણે એક બહુ મોટી સમસ્યાનો સામનો કરવાનો આવ્યો છે : શ્રીકૃષ્ણ અને રાધાના સંબંધ વિશે. હરીન્દ્રભાઈએ જે રીતે રાધાના પાત્રનો તોડ કાઢ્યો છે તે નવલકથાની બીજી સફળતા છે.
સંવાદો/વર્ણન:-
સંવાદો તો ઘણાં છે અને વિષાદમય કે જલદ પણ છે પરંતુ અહીં નવલકથાનો આધારસ્તંભ એવું ગીત 'માધવ ક્યાંય નથી' મુખ્ય સંવાદ બની રહે છે. માણો:
ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબડાળી ,
‘યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?’
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કોઈના માગે દાણ, કોઈની આનંદ વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી?
નંદ કહે યશોમતીને, મૈયા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
શિર પર ગોરસ મટૂકી મારી વાટ કેમ ના ખૂટી,
અવ લગ કંકર એકે ના વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી!
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અશ્રુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
‘ક્યાંય નથી’ બોલાય છે અને મણનો નિસાસો મૂકાય છે. આખા કાવ્યની અંદર જે ઘૂંટાઈ ઘૂંટાઈને વાત થઈ છે તે વાત નિસાસાની છે.
લેખનશૈલી:-
લેખકની શૈલી સાવ સાદી, સરળ છતાં રસાળ અને હૃદય સોંસરવી ઉતરી જાય તેવી છે. વાચકને પહેલેથી અંત સુધી જકડી રાખે તેવી છે. આલંકારિક ભાષાનો પ્રયોગ તત્વચિંતનની વાતોમાં વિશેષ જોવા મળે છે. લેખકની ભાષાકીય સુસજજતા ઉડીને આંખે વળગે એવી છે. કથનો, સંવાદો, વર્ણનો, પાત્રરચના - દરેકને ફુલ માર્કસ આપી શકાય.
વિશેષ મૂલ્યાંકન:-
આ નવલકથા એ ઘૂંટાયેલી અંતર્ગૂઢ વ્યથાની અને વેદનાની કથા છે. એ વાંચીને પૂરી કરીએ ત્યારે જાણે કે કોઈ સ્વપ્ન જોઈને જાગ્યા હોઈએ એવો અનુભવ આપણને થાય છે. નવલકથાની અંદર એમણે જે અંતર્ગૂઢ વ્યથા, ઘેરી વેદનાનું નિરૂપણ કર્યું છે તે અન્યત્ર દુર્લભ છે. ભલે એમણે આ કૃતિ સ્વપ્નરૂપે કલ્પી નથી કે કાવ્યના સ્તરે પણ વિભાજીત કરી નથી અને એ છતાંય એ એક સ્વપ્નવત અને કાવ્યાત્મક અનુભવ આપણને આપી જાય છે.
નારદને જ્યારે સમાચાર મળ્યા કે દેવકીના આઠમા સંતાનરૂપે સ્વયં નારાયણ અવતરવાના છે ત્યારે યમુના કિનારે કુટીર બાંધીને પોતે ત્યાં નિવાસ કર્યો અને જેવો આઠમા સંતાનનો જ્ન્મ થયો ને તેઓ કારાગૃહમાં પહોંચી ગયા, પણ શ્રીકૃષ્ણ નીકળી ચૂક્યા છે. પગેરું દાબતાં-દાબતાં એ અયોધ્યા અને પંચવટી સુધીનો પંથ કાપી નાખે છે. ત્યાર પછી એ કૃષ્ણને શોધવા ગોકુળ, મથુરા, વૃંદાવન, હસ્તિનાપુર, દ્વારિકા, હિમાદ્રિ પર્વત, બદ્રિકાશ્રમ એમ ભટકતા રહે છે. આખી કથાની વસ્તુ વિભાવના અને વસ્તુ સંકલન એવી રીતે કર્યું છે કે જ્યાં કૃષ્ણ છે એવી ખબર મળે તો એને મળવા, બે વાત કહેવા, એની સાથે ભાવાનુભૂતિ સર્જવા નારદ જે રીતે પ્રયત્ન કરે છે, તેમાં જ્યાં પહોંચે ત્યાં થોડી ક્ષણો, કલાકો પહેલા જ શ્રીકૃષ્ણ ત્યાંથી નીકળી ગયા હોય અને બંનેનું મિલન ન થઈ શકે !
પરિણામે નારદની વ્યથા ઘૂંટાતી જાય છે અને એ વિરહની તીવ્ર અવસ્થાએ પહોંચે છે. નારદ લાંબો પંથ કાપીને વૃંદાવનમાં આવ્યા છે. પછી ગોકુળ આવી સૌ પહેલા નંદનું ઘર શોધે છે અને એક સ્ત્રીને નંદના ઘરનું સરનામું પૂછે છે. એ સ્ત્રીના મુખેથી અપાયેલો જવાબ આપણને હરીન્દ્ર દવેના ગદ્યનો પરિચય કરાવી જાય છે. પેલી સ્ત્રી નારદને જવાબ આપતા કહે છે,
‘તમારે નંદજીનું ઘર શોધવું નહીં પડે. અહીં ચાલતા જાઓ અને આંસુની ખારી ભીનાશથી પોચી બનેલી આ કેડી જેના આંગણામાં અટકે એ જ નંદનું ઘર.’
સમગ્ર કૃતિમાં કૃષ્ણ ક્યાંય નથી. નારદ દ્વારા તેની શોધ કરાઈ છે. ઉદ્ઘવ કહે છે કે કૃષ્ણ દરેક જગ્યાએ છે. રાધાના વિરહમાં , યશોદાના વહાલમાં , દેવકીના વાત્સલ્યમાં અને એથીય વધારે તમારી હૃદયવીણાનાં સ્પંદનોમાં. આમ કૃષ્ણ ન હોવા છતાં તેની સતત હાજરીનો અનુભવ થાય છે અને એટલે જ કહેવું પડે છે કે આ કૃતિનું કેન્દ્ર જાણે “માધવ ક્યાંય નથી !” માંથી ખસીને “માધવ ક્યાં નથી !!” થઈ રહેછે.
મુખવાસ:-
કૃષ્ણ સાથે રમાતી સંતાકૂકડી એટલે 'માધવ ક્યાંય નથી'..