દક્ષાબહેને ખૂબ પ્રેમથી સાક્ષીના ગળે ઘૂંટડો તો ઉતારી દીધો હતો પણ પોતાને ક્યું બહાનું ધરે કે એનું મન શાંત થાય! એમનું દિલડું અંદરથી ખૂબ જ રડી રહ્યું હતું. એમને કાંઈ જ ગમતું નહોતું! ચહેરાને પરાણે હસતું રાખી રહ્યા હતા. એક તરફ સંધ્યાની થતી ચિંતા અને બીજી તરફ સુનીલની લાચારી આ બંનેમાં મા ની મમતા વલોવાઈ રહી હતી. છાશમાંથી માખણ જેમ છૂટું પડે એમ એમની ભીતરે ધબકતી સંધ્યા અચાનક એમનાથી અળગી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું અને દુઃખ એ વાતનું પણ હતું કે, આજે સંધ્યા સાથે એના ઘરે પણ પોતે જઈ શક્યા નહોતા! આજે એમના મનમાં જે ખળભળાટ થતો હતો એ કોઈ હિસાબે શાંત થાય એમ નહોતો! એમણે સાક્ષીને તો સમજાવીને જમાડી દીધી પણ પોતાના ગળેથી આજે એક કોળિયો પણ એમનાથી ઉતરે એમ નહોતું!
સુનીલ સાંજે જયારે ઘરે આવ્યો ત્યારે આજે ઘરમાં ભારે સન્નાટો જણાઈ રહ્યો હતો. એને ઘરમાં અણગમો થઈ રહ્યો હતો, એ પોતાની દીકરી દિવ્યા પાસે ગયો અને એને પોતાના ખોળામાં રમાડી રહ્યો હતો. પંક્તિને બોલાવવાનું એનું મન બિલકુલ નહોતું, આથી એણે પંક્તિને નજર અંદાજ જ કરી હતી. પંક્તિ પણ એ જાણી ચુકી હતી છતાં એણે પણ સુનીલને બોલાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
પંકજભાઈ ઘરે આવ્યા એટલે સાક્ષી એમને જઈને ભેટી પડી હતી. ચહેરો એનો ઉતરી ગયો હતો, એ જોઈને પંકજભાઈ સમજી જ ગયા હતા કે, સાક્ષીનું મન શું ઈચ્છે છે! એમણે ખુબ જ પ્રેમથી એને પંપાળી હતી. સાક્ષી કઈ કહે એ પહેલા જ એમણે સાક્ષીને કહ્યું, "ચાલ અભિમન્યુને મળવા જવું છે?"
"હા, દાદા ચાલો જઈએ!" તરત ખુશ થતા સાક્ષી બોલી હતી. સાક્ષીના ચહેરે અલગ જ ચમક આવી ગઈ હતી. એ તો દાદાને હાથ ખેંચી બહાર જ લઈ જવા લાગી હતી.
"અરે મને ફ્રેશ થવા દે! થોડું ચા પાણી પીવા દે પછી જઈએ!"
"ના દાદા! એ તમે ફઈના ઘરે પી લે જો!"
"સારું ચાલ! તારી બા ને પણ લેતા જઈએ એ પણ મળી લે ને અભિમન્યુને!"
દક્ષાબહેન પંક્તિ પાસે ગયા અને કહ્યું કે, "અમે હમણાં થોડીવારમાં સંધ્યાના ઘરે જઈને આવીએ! બેટા! તારે કાંઈ જોઈએ છે? શું આપું બેટા?"
"ના મમ્મી! તમે જતા આવો. મારે હમણાં કંઈ જ જોઈતું નથી. અને એવું લાગશે તો સુનીલ તો છે. એને કહીશ તો એ આપશે!"
"સારું તો હું આવું જઈને, સંધ્યાનું ઘર પણ જોતી આવું!"
સાક્ષીને જોઈને અભિમન્યુ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. બંને ભાઈબહેનના ચહેરાની ચમક એકદમ ચમકવા લાગી હતી. બંને ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
પંકજભાઈ ઘર જોઈને સહેજ દુઃખી અવશ્ય થયા પણ એક શબ્દ ન બોલ્યા કે, એમના હાવભાવ જરા પણ છતાં થવા દીધા! કારણ કે, સંધ્યા આટલું મોટું પગલું ભરે એ જ એમના માટે ખૂબ જ અસહ્ય હતું. એમની હયાતીમાં જ સંધ્યા સેટ થઈ જાય એ પોતે પણ દિલથી ઈચ્છતા હતા.
દક્ષાબહેન તો પોતાની દીકરીને મળીને ભેટી પડ્યા હતા. આજે એમનાથી પોતાના આંસુને બાંધી રાખેલ બંધ તૂટી જ ગયો હતો. સંધ્યા એમને દિલાસો આપતા બોલી, "અરે! મમ્મી! તું શું આમ રડે છે? તું મારુ ઘર જો! આ ઘર હવે મારું ખુદનું ઘર છે. મારા જીવનમાં જે સ્થિરતા મારે જોઈએ છે એ લાવવા મારે આમ કરવું જ પડે ને! તું આમ રડીને મારી હિંમત તોડ નહીં!"
"ના બેટા! નહીં રડું. તું જ્યાં ખુશ રહી શકે ત્યાં રહેજે! અને હા, તું ઘરથી દૂર થઈ છો અમારા દિલમાં તું હંમેશા રહેવાની જ છો. જો અચાનક કોઈ જરૂર પડે તો તરત મુંઝાયા વગર કહેજે!"
"હા મમ્મી! ચોક્કસ કહીશ!"
"બેટા! ભાડું કેટલું નક્કી કર્યું છે? અને કોઈ આડોશપાડોશમાં ચિંતા જેવું તો નથી ને? એ તપાસ કરી લેજે! બધી જાણકારી રાખજે. બેટા! રાત્રે કોઈ પણ આવે દરવાજો ન ખોલજે. બારીમાંથી જ પૂછી લેજે!" ચિંતાતુર થઈને એક પછી એક અનેક સૂચનો આપતા પંકજભાઈ બોલી ગયા હતા.
સંધ્યાએ ચોખવટ કરતા કીધું, "હા પપ્પા! તમે બિલકુલ ચિંતા ન કરો. આ મકાન મારી સાથે જોબ કરતી મારી સખીનું જ છે. એણે મને ભાડું મને જે પોસાય એ અને મારી જયારે અનુકૂળતા હોય ત્યારે આપવાનું કહ્યું છે."
"વાહ દીકરા! ખૂબ સરસ." આટલું બોલતા પંકજભાઈના આંખમાં સહેજ આંસુની ભીનાશ આવી ગઈ હતી.
સંધ્યાએ એમના માટે ચા બનાવી અને બાળકો માટે દૂધ કોલ્ડ્રિંક્સ બનાવ્યું હતું. દક્ષાબહેનને દિવ્યાની ચિંતા થતી હતી આથી એ લોકો થોડીવારમાં જ નીકળી પણ ગયા હતા.
સંધ્યા હવે જમવાનું બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. અભિમન્યુ એનું સ્કૂલનું હોમવર્ક કરતો હતો. રસોઈ બની ગયા બાદ બંનેએ જમી લીધું હતું. સંધ્યા કામમાં ખૂબ ઝડપ હોઈ તરત જ બધું કરીને ફ્રી થઈ જતી હતી.
સંધ્યા હવે એની પરીક્ષાની તૈયારી કરવા લાગી હતી. બધું જ થિયરી વર્ક પૂરું હતું. એને પ્રેકટીકલમાં અમુક ગારમેન્ટ સીવવાના હતા. અને જર્નલનું વર્ક પતાવવાનું હતું. ખૂબ જ મન લગાડીને એ બધું કરતી હતી. રાત્રિના દસ વાગ્યા એટલે સંધ્યા અભિમન્યુને તેડવા ગઈ હતી. એ એકલી કંટાળતી હતી એટલે આજે એને ઊંઘ પણ નહોતી આવતી. આજે સંધ્યાએ એને બાળપણમાં અભિમન્યુને ઉંઘાડતા "દીકરો મારો લાડકવાયો.. " હાલરડું ગાતી એ ગાઈને ઉંઘાડવાનો પ્રયાસ કર્યો હતો. આજે ઘણા વર્ષો બાદ અભિમન્યુએ આ હાલરડું સાંભળ્યું હતું. એ એકચિત્તે સાંભળતો ખુશ થતો તરત જ ઉંઘી ગયો હતો.
સંધ્યાએ અભિમન્યુને સુવડાવી દીધા બાદ ફરી પોતાનું વર્ક શરૂ કર્યું હતું. એની પાસે પરીક્ષાનો સમય બહુ જ ઓછો હોઈ ખૂબ મન લગાડી એ પ્લાનિંગ સાથે બધું કરતી હતી.
આજે સંધ્યા પહેલીવાર એકલી કોઈક અજાણી જગ્યાએ ઊંઘવાની હોઈ, એને મનમાં થોડો ડર લાગી રહ્યો હતો. એ ક્યારેય કોઈના ઘરે પણ રોકવા એકલી ગઈ નહોતી અને આજે કુદરતે એના જીવનમાં ફક્ત અને ફક્ત એકલતા જ લખી નાખી હતી. એણે સૂરજના અહેસાસને યાદ કર્યો હતો. આજે સૂરજના સાથ વગર સંધ્યાનું ઉંઘવું મુશ્કેલ જ હતું.
સંધ્યાએ પોતાની આંખો બંધ કરી અને તરત જ સૂરજનો હસતો ચહેરો એની આંખ સામે આવી ગયો હતો. જેવો સંધ્યાએ સૂરજનો ચહેરો જોયો કે, તરત એને આંખ ખોલી નાખી હતી. પણ આંખ ખોલતા જ હકીકત એની સામે હતી. એ હકીકતથી વાકેફ થવા ઈચ્છતી નહોતી. એને ફરી આંખ બંધ કરી અને ફરી સૂરજનો એ જ હસતો ચહેરો આંખ સામે આવી ગયો હતો. સંધ્યાને બંધ આંખથી જ સૂરજનો ચહેરો જોઈ શકાતો હતો. એણે બંધ આંખે જ એના ચહેરાને જોયા કર્યો હતો. બસ, એ સૂરજના અહેસાસ સાથે જ ક્યારે ઉંઘી ગઈ અને બીક કેમ દૂર થઈ ગઈ એની સંધ્યાને જ ખબર નહોતી! સંધ્યા એકદમ મસ્ત ઉંઘ કરીને સવારે ઉઠી ત્યારે એને ખરેખર એવું લાગવા લાગ્યું કે, સૂરજનો અંશ ખરેખર એની સાથે જ રહે છે. એ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. એણે ફરી એ અદ્રશ્ય સૂરજના અહેસાસને અનુભવી જોયો હતો. એ સૂરજના હસતા ચહેરાને જોઈને ખીલી ઊઠી હતી.
હવે એનું બધું જ કામ, જોબ અને સ્ટડી બધું જ સરસ સેટ થઈ ગયું હતું. અભિમન્યુને પણ ટ્રેનિંગ જોરદાર અપાઈ રહી હતી. એ પણ ખૂબ જ મહેનત કરતો હતો. આમ, સંધ્યા અને અભિમન્યુનો બંનેનો સમય કસોટીનો ચાલી રહ્યો હતો. અને બંને એકબીજાને સાથ આપી આગળ વધી રહ્યા હતા.
કેવો થશે સંધ્યાને પરીક્ષા વખતનો અનુભવ?
કેવી રહેશે અભિમન્યુની પહેલી ટુર્નામેંટ?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻