પંક્તિને એ બહેનની વાત એકદમ સ્પર્શી ગઈ હતી. પંક્તિનું માઈન્ડ સેટ નહોતું, આથી એ પણ એક કામવાળી બેનના વિચારને અનુસરવા લાગી હતી. એ બહેનોનું કામ જ એવું હોય કે કોઈની પણ વાતમાં આવી જાય અને ગમે ત્યારે દુશ્મની પણ થઈ જતી હોય છે. એમના વિચાર જ સાવ છીછરા હોય છે. આથી જ તો જીવનમાં આટલી મહેનત કરવા છતાં જીવન સાવ દુઃખી થઈ જીવતા હોય છે. એનું કારણ માત્ર એજ કે એમના વિચાર જ એમના જીવનને આગળ વધતું અટકાવે છે. અને આજે પંક્તિએ એ લોકોના વિચારને મનમાં સ્થાન આપ્યું હતું. પંક્તિએ એ વાતને મનમાં લઈને ખુબ મોટી ભૂલ કરી હતી. પણ પંક્તિ ક્યાં એના પોતાના કન્ટ્રોલમાં જ હતી, કે સાચું ખોટુને સમજી શકે!
પંક્તિ ડિસ્ટબ હતી આથી ગાર્ડનમાં પણ એનું મન લાગતું નહોતું! એના અથાગ પ્રયત્ન પણ મનમાં શાંતિ નહોતી. એને પોતાનો બળાપો કાઢવો હતો પણ એમ કરવા પણ એ સક્ષમ નહોતી. એને શું થતું હતું એ એને ખુદને સમજાઈ રહ્યું નહોતું. અતિ બેચેનીના લીધે એ સાક્ષીને લઈને ફરી ઘરે આવી ગઈ હતી. ત્યાં જ થોડીવારમાં સંધ્યા અને અભિમન્યુ પણ આવી ગયા હતા.
સંધ્યાને થયું કે, પંક્તિની તબિયત બરાબર નહીં આથી એ બોલી, "ભાભી કોઈ તકલીફ થાય છે?" પાણીનો ગ્લાસ એમની સામે ધરતા સંધ્યા બોલી હતી. સંધ્યાને જવાબ આપ્યા વગર પંક્તિ એકદમ ફટાફટ મોં પર હાથ રાખીને બાથરૂમ તરફ દોડી હતી. એને ઉલ્ટી થઈ હતી. ઉલ્ટી થઈ ગયા બાદ એને થોડી રાહત થઈ હતી.
"ભાભી! ચાલો આપણે ડોક્ટર પાસે જતા આવ્યે." સંધ્યાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું.
"ના સંધ્યા, ડોક્ટર પાસે તરત જવાની જરૂર નથી, સુનીલ આવે એટલે અમે કોઈ ગાયનેક પાસે જતા આવશું!" સહેજ શરમાતા પંક્તિ બોલી હતી.
"ખરેખર ભાભી? ગાયનેક પાસે જવું પડશે?" ખુશ થતા સંધ્યા બોલી હતી.
"હા, સંધ્યા." નજર નીચે કરી પંક્તિ બોલી હતી.
"અરે વાહ.. ચાલો હવે મારી બધી જ ચિંતા દૂર થઈ ગઈ. આ તમારો સ્વભાવ પણ થોડા દિવસોથી એકદમ સ્વીંગ થતો હું જોવ છું. હું ખુબ ગભરાઈ રહી હતી. હવે મને બધું સમજાઈ ગયું છે. લવ યુ ભાભીજાનનન.. તમારા રિપોર્ટ્સ પોઝિટિવ જ હશે." એમ કહી એણે ભાભીના કપાળ પર એક ચુંબન કરી લીધું હતું. ભાભીને આરામ કરવાનું કહીને સંધ્યા કિચનમાં રસોઈ બનાવવા ગઈ હતી
સંધ્યાને ખુશ જોઈને ફરી પંક્તિનું મન પેલી બેનના વિચારો માંથી મુક્ત થઈ ગયું હતું. એ હવે ઘણી રાહત અનુભવતી હતી. થોડીવારમાં સુનીલ અને પંકજભાઈ પણ આવી ગયા હતા. સંધ્યાએ રસોઈ બનાવી લીધી હતી. બધા સાથે જમવા બેઠા હતા. સંધ્યા એટલી બધી ખુશ હતી કે, આજ જમતા જમતા એની વાતો બંધ થતી નહોતી. એ ખુબ જ મજાક કરતી હતી અને બધાને હસાવી રહી હતી. પંક્તિતો એનું રાજી રહેવાનું કારણ જાણતી હતી પણ સુનીલને હજુ અચરજ થતું હતું કે આજ સંધ્યા કેમ આટલી ખુશ છે!
પંક્તિ એ રાહમાં જ હતી કે સુનીલ ક્યારે રૂમમાં આવે અને હું એને ફરી ગર્ભવતી છું એ સમાચાર આપું! સુનીલ જયારે રૂમમાં ગયો ત્યારે સાક્ષી ઊંઘી ગઈ હતી. પંક્તિ તરત જ સુનીલ પાસે ગઈ અને એને ખુશ થતા ભેટી પડી હતી.
"ઓહ! શું વાત છે? મેડમ આજ કેમ બહુ જ ખુશ છો? સુનીલે પંક્તિને ખુશ જોઈ કહ્યું હતું.
"વાત જ એવી છે તો ખુશ જ હોઉં ને!"
"ગોળ ગોળ વાત ન કર ને! તને ખબર છે ને મારાથી બહુ ધીરજ ન રહે!"
"એમ એવું!...અચ્છા.."એવું કહી પંક્તિ નખરાળી અદામાં સુનીલ સામે જોઈ રહી હતી.
"યારરર. તારે કહેવું છે કે નહીં?"
"ના કહું તો તમે શું કરશો?" ખડખડાટ હસતા પંક્તિ બોલી હતી.
"તો હું તારી સાથે બોલવાનું જ બંધ કરી દઈશ!" સહેજ ખોટા ગુસ્સા સાથે સુનીલ બોલ્યો હતો.
પંક્તિએ સુનીલનો હાથ પોતાના પેટ પર મુક્યો અને કહ્યું, "પછી આ આવનાર બાળક સાથે પણ નહીં બોલો?" સુનીલની આંખમાં એક નજરે જોતા પંક્તિ બોલી હતી.
"અરે મારી ડાર્લિંગ તો સીધું કહે ને!થેન્ક યુ માય જાન!" હરખ વ્યક્ત કરતા એ પંક્તિને વળગી પડ્યો અને એના ચહેરાઓ પર ચૂમીઓની વર્ષા કરી દીધી હતી.
પંક્તિ બીજે દિવસે સવારે જ ગાયનેક પાસે જઈ આવી હતી. એના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઘરે આવી એણે બધાને જાણ કરી કે, એ ફરી ગર્ભવતી બની છે. પંક્તિએ પોતાને પિયર પણ જાણ કરી હતી. બધા જ પંક્તિની ખુશીમાં ખુશ હતા. પંક્તિની તબિયત સારી ન રહેતી હોવાથી સંધ્યા એની ખુબ કાળજી રાખતી હતી. એ પોતાનું ડિઝાઇનિંગ કામ જાગીને રાત્રે કરતી હતી. ઘરમાં બંને ટાઈમ રસોઈ અને સવારનો નાસ્તો મોટાભાગે સંધ્યા જ કરવા લાગી હતી. પંક્તિને કંઈ પણ નતનવીન જમવાનું મન થાય તો એ તરત બનાવી આપતી હતી. પોતાની બેનની રાખે એવી દેખરેખ સંધ્યા પોતાના ભાભીની રાખતી હતી. સમય ખુબ ઝડપથી વીતી રહ્યો હતો. સંધ્યા સતત ઘણા મહિનાઓથી બધું કરતી હતી આથી એના ચહેરે પણ અતિ કામનો થાક ડોકાવા લાગ્યો હતો. સંધ્યા બસ એટલું જ ઈચ્છતી હતી કે, મારે લીધે મારા પરિવારમાં કોઈ તકલીફ ઉભી ન થવી જોઈએ. સંધ્યા પંક્તિનો સ્વભાવ જાણતી જ હતી, આથી એ એમ વિચારીને બધું કરતી હતી કે, હું સાસરે હોત તો બધું કરવું જ પડત ને! સંધ્યાને એવું સમજાતું પણ હતું કે, પંક્તિને તબિયત હવે સારી જ છે પણ એ સંધ્યાની હાજરી હોય ત્યાં સુધી બીજા કોઈ કામ કરતી નથી. સંધ્યા બધું જ જાણવા છતાં ચૂપ રહેતી હતી એનું એક કારણ અભિમન્યુ પણ હતું. અભિમન્યુ પરિવારનો પ્રેમ પણ મેળવી શકે અને સાક્ષી સાથે એ ખુશ હોય તો એ જીવન પણ સરળતાથી જીવે આ સ્વાર્થ પણ સંધ્યાના મનમાં હતો.
સંધ્યાને એના કોર્ષની બે મહિના બાદ ટેસ્ટ આવતી હતી. આથી એ એની પણ તૈયારીમાં ગૂંચવાયેલી રહેતી હતી. અભિમન્યુ પણ લોકલ ટૂર્નામેંટમાં સિલેક્ટ થઈ ગયો હોય એની પ્રેક્ટિસમાં એ વ્યસ્ત રહેતો હતો. સાક્ષી અને અભિમન્યુ હવે જાણી ગયા હતા કે, થોડા સમયમાં એમના ઘરે એક નાનું બાબુ આવવાનું છે. એ બંને ઘણીવાર એમ પણ કહેતા હતા કે, "બાબુને જલ્દી લાવો ને! અમારે કેટલી રાહ જોવાની?" એ બંને બાળકોની નિખાલસ વાતો સાંભળીને બધા હસી પડતા હતા.
પંક્તિને એની પ્રેગ્નેન્સીના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા. એને હવે કોઈપણ સમયે ડીલેવરી આવે એવી સંભાવના હતી. બસ એ સમયની બધા ખુબ આતુરતાથી રાહ જોતા હતા. બપોરનું ભોજન પતાવીને પંક્તિ એના રૂમમાં આરામ કરવા માટે ગઈ હતી. થોડી થોડી વારે આજે પંક્તિને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. એ શાંતિથી ઊંઘી શકતી નહોતી. એ આરામ ખુરશીમાં બેઠી અને ઊંઘવાની કરવાની કોશિશ કરી રહી હતી. પંક્તિના બધા જ પ્રયાસ વ્યર્થ હતા. એનાથી હવે જરા પણ રહેવાતું નહોતું. એ પોતાના સાસુ પાસે ગઈ અને કહ્યું, મમ્મી મને ખુબ જ પેટમાં દુખે છે. દુખાવો હવે મારાથી સહન થતો નથી.
દક્ષાબહેને તરત જ સુનીલ અને પંકજભાઈને જાણ કરી હતી. સંધ્યાને કહ્યું તું જલ્દી હોસ્પિટલ પહોંચવાની વ્યવસ્થા કર, હું હોસ્પિટલ સાથે લઈ જવાની ફાઈલ અને આવશ્યક વસ્તુઓ પેક કરી લઉં છું. હોસ્પિટલ જતી વખતે દક્ષાબહેને પંક્તિના પિયરમાં પણ જાણ કરી કે, એ લોકો હોસ્પિટલ જઈ રહ્યા છે.
હોસ્પિટલ બધાજ પહોંચી ગયા હતા. પંક્તિને ડોકટર ડીલેવરી રૂમમાં લઈ ગયા હતા.
શું હશે ડિલેવરી બાદ બાળકને જોઈને પંક્તિનો અહેસાસ?
શું આવશે સંધ્યા પર નવી આફત?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻