HUN ANE AME - 16 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 16

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 16

વહેલી સવારે શેરીની ખટપટ શરૂ થઈ ગઈ. રસીલા પોતાના ઘરના વાડામાં બેસીને કપડાં ધોઈ રહી હતી તો સામે હર્ષ પોતાની બાઇક સાફ કરી રહ્યો હતો. રમેશના મકાનમાંથી તેના બંને ભાઈ ચંદ્રેશ અને મુકેશ પોતાના કામે જવા નીચે ઉતાર્યા. તેવામાં એક ગાડી શેરીની વચ્ચો-વચ્ચ આવીને ઊભી રહી. બધા તે ગાડી જોઈ દંગ રહી ગયા. આટલી મોંઘીદાટ ગાડી! કોની હશે? એટલામાં અંદરથી મયુર બહાર આવ્યો અને જઈ સીધો રસીલાને મળ્યો. તેના ખબર-અંતર પૂછી તે રાધિકાના ઘરમાં ગયો. બહાર બધા વિચારમાં પડી ગયા કે હજુ થોડા સમય પહેલા તો ગાડી બદલાવેલી અને અત્યારે પાછી નવી ગાડી!

થોડીવાર પછી નીરવ અને ગીતા બન્ને બહાર જઈ રહ્યા હતા. તેવામાં મહેશ બહારથી આવ્યો અને રસીલા સાથે વાત કરવા લાગ્યો, "જોયું કાકી, મયુરકુમાર આવ્યા છે."

"હા મહેશ. હમણાં મને મળીને જ ગયા."

"મોટા વગવાળા માણસોમાંથી છે આપણા કુમાર. પણ અભિમાન નય."

સામે નીરવ અને ગીતા આ બધું સાંભળતા હતા અને સમજી ગયા કે મહેશ આ બધી વાત અમને સંભળાવી રહ્યો છે. ગીતા બધું સાંભળી બેચેન થઈ ગઈ પણ નીરવને રાકેશની સ્થિતિની જાણ હતી. તેણે મનમાં હસી આ વાતને નકારી દીધી. પણ તે બન્નેએ બોલવાનું ચાલુ જ રાખ્યું.

"રે મહેશ! ગાડી તો બહુ મોંઘી લાગે છે."

"હા કાકી, બે કરોડની આવે."

"શું વાત કરો છો! બે કરોડની?"

"હા"

એટલી વારમાં નીરવ અને ગીતા બન્ને જતા રહ્યા. મહેશ તેને ત્રાંસી નજરે જોઈ રહ્યો. તેના હાથમાં બેગ જોઈ રસિલાએ પૂછ્યું: "મહેશ! અત્યારમાં આ શેની તૈય્યારી કરી છે?"

"શું છે કાકી, આ મયુરકુમાર આવ્યા છે રાધિકાને લેવા માટે તો એના જમવાની વ્યવસ્થા ચાલી રહી છે."

સાસરિયામાં મયુરની કિંમત દિવસેને દિવસે વધતી જતી હતી. તેનું કારણ પણ હતું. મહેશને મન માણસની કિંમત તેના પૈસાથી થતી. જે જેવો મૂડીદાર તે તેવો મહાન. જાજે પૈસે મોટો માણસ અને થોડા પૈસે નાનો. એટલે તે મયુરને મોટા માણસોમાં ગણતો. જોકે મયુરનો સ્વભાવ અલગ હતો, તેને મન તો જે જેવો ગુણવાળો તે તેવો માણસ. આ બાબતે ઘણીવાર તકરાર થઈ જતી. પણ મહેશ પોતાની ભૂલ સ્વીકારી લેતો અને પૈસાદાર જમાઈ સામે પોતાને સાચા સાબિત કરવાના વધારે પ્રયત્નો ના કરતો. આ વાતનો અંદાજો મયુરને પહેલેથી જ હતો.

બપોરના ભોજનમાં પુરી સાથે બે શાક, અથાણું અને શમ્ભારો, દાળ-ભાત, મયુરને ભાવતી જેરેલા દહીંની છાશ તથા ખમણ અને પટૌડી. વળી મીઠાઈમાં સોહમ હલવો અને સુરતની ફેમસ ફાડા લાપસી. આજે તમામ રસોઈ તેને ભાવતી જ બનાવવામાં આવી હતી. પેટ ભરીને જમી-પરવારી તે રાધિકા સાથે એકાંતમાં તેની રૂમમાં, બેડ પર બેઠો હતો. તેવા સમયે રાધિકાએ વાત છેડતા કહ્યું, " તમે નવી ગાડી લાવ્યા મને કહ્યું કેમ નહિ? આપણે નક્કી કરેંલુને કે આપણે એકબીજાથી કશું નહિ છુપાવીયે."

"અરે ના એવું નથી. મેં નવી ગાડી નથી લીધી."

" મને બધીજ ખબર છે."

"અને તને આ કહ્યું કોણે?"

"ભાઈએ."

"લાગે છે ભાઈને કંઈક ગેરસમજ થઈ છે."

"હા, આપણા ઘરની બહાર આવડી મોટી ગાડી પડી છે, એ ગેરસમજ છે? દરેક લોકોએ જોઈ, ને તમે કહો છો નથી લીધી!"

"અરે...! એ મારી ગાડી નથી."

"તો?"

"હું જ્યારે મુંબઈ ગયો ત્યારે શ્વેતા મેડમ જોડે ગયો 'તો. મેડમનું કામ ન્હોતું પત્યું ને મારુ કામ પતી ગયું 'તુ. એટલે હું એકલો જ અહીં આવવા નીકળી ગયો. એમાં થયું એવું, કે બૉસ પાસે બે ગાડી હતી. એટલે એક તેણે મને આપી દીધી અને બીજી એ લેતા આવશે."

"એટલે આ તમારા બોસની ગાડી છે, એમ?"

"હા, એમ"

"તમે બસ અત્યાર સુધી તેના વખાણ જ કર્યા છે. પણ આટલાં દિવસથી તમે તેનું નામ પણ મને નથી જણાવ્યું."

"રાધુ! હું છેક મુંબઈથી જાતે ગાડી ચલાવીને આવ્યો છું. રસ્તામાં આરામ પણ નથી કર્યો. આઈ એમ ટાયર્ડ. લેટ મી સ્લીપ નાવ." કહી તે તો સુઈ ગયો. પણ રાધિકાના મનમાં આજે અદકેરું વ્હાલ ઉમટ્યું. સુઈ ગયેલા મયુર સામે જોઈ તે મનમાં જ હસવા લાગી. આજ દિન સુધી મયુરે અનેક મીઠી અને પ્રેમ ભરેલી વાતો કરેલી તથાપિ આજ સુધી કોઈ દિવસ તેના માટે તેને આવું ક્યારેય ન્હોતું લાગ્યું. કેમ? કારણ કે આજે પહેલીવાર તેના મોઢેથી 'રાધુ' શબ્દ સંભળાયો. વર્ષો પહેલા મહેશ તેને આ નામથી બોલાવતો. જો કે તેના લગન પછી રાધિકા માટેનો તેનો પ્રેમ તો જાણે વિસરાય જ ગયો. ઘણા સમયે આજે તેને આ શબ્દ ફરી સાંભળવા મળ્યો અને તેના મનમાં અનેક વિચારો અને લાગણીઓ જન્મ લેવા લાગ્યા. તે મયુરના મોઢેથી 'રાધુ' શબ્દ સાંભળી પોતાની જાતને રોકીના શકી. આજે વ્હાલો લાગતો મયુર તેને વધારે વ્હાલો લાગવા લાગ્યો અને તે તેની છાતી પર માથું ઢાળીને સુઈ ગઈ.

મયુરે નજર ઊંચી કરી જોયું તો તેને પણ નવાઈ લાગી. તેના માટે આ એક નવી ક્ષણ હતી. છતાં તે કશુંજ કહ્યા વિના તેના બન્ને હાથ વડે તેને આલિંગ આપી ફરીથી સુઈ ગયો.

આ બાજુ નીરવ અને ગીતા બંને સાગરને ઘેર આવ્યા. સાગર અને શિવાનીએ તેઓને રાકેશની તમામ હકીકત કહી સંભળાવી. કઈ રીતે સાજીદ તેને લઈ ગયો, ત્યાં તેની મહેનતથી તેણે ડૂબતી કંપનીને બચાવી અને તેના અડધા શેયર ખરીદી તેમાંજ પાર્ટનરશીપ કરી. આ બધું સાંભળી ગીતા તો અચરજમાં જ રહી ગઈ. આ સિવાય નીરવે પણ અત્યાર સુધી છુપાવેલી લોનની વાત તેને કરી અને કહ્યું, "માત્ર આ લોન જ નહિ, અત્યાર સુધી જ્યારે જ્યારે જરૂર પડી છે. દરેક વખતે તેણે આપણને મદદ કરી છે."

"હા એ તો છે જ, પણ..." સાગરનું મન બોલતા ભારે થતું હતું.

ગીતા અધીરાઈથી પૂછવા લાગી, "પણ... ? પણ શું? શું થયું?"

શિવાનીએ તેનો હાથ પકડી તેને બોલવાની હિંમત આપી અને તેણે વાત આગળ વધારી. " તે કે'તો 'તો કે હવે વધારે એ અહીં નય રે'"

"નય રે' એટલે?" નીરવે પૂછ્યું.

"જ્યારે તે મુંબઈ જવા નીકળ્યો ત્યારે તે કે'તો ગયો 'તો કે તેણે એક નવું ઘર લઈ લીધું છે અને તે ત્યાંજ રહેશે."

ગીતાનું મન તેને મળવાની ધીરજતા ખોઈ રહ્યું હતું. તે બોલી, "હા, પણ તે હજુ સુધી આવ્યો કેમ નહિ? કાલે રાત્રે ફોનમાં વાત થઈ ત્યારે કે'તો 'તો કે બપોરના ટાણે આંઈ પહોંચી જાશે."

નીરવે તેના ખભા પર હાથ મુકતા ધીરજ ધરવા કહ્યું. "મમ્મી ધીરજ રાખો, આવી જશે."

"શું આવી જશે! બે વાગ્યા પહેલા આવવાનું કહ્યું 'તુ. આ ત્રણ ઉપર થવા આવ્યા છે. હજુ સુધી નથી આવ્યો. એકવાર આવવાદે, હું એને બીજા મકાનમાં તો શું, ક્યાંય નહિ જવા દઉં. અહીંથી હાથ પકડીને સીધો જ ઘરે લઈ જશ."

અન્યને મનમાં ખુશી થતી હતી કે ગીતાનું મન રાકેશ માટે સાફ થયું. બધાં આ વિષયે જ વાતો કરતાં હતા. એટલામાં બહાર ગાડીનો અવાજ આવ્યો અને થોડીવારમાં અહમે સાદ કર્યો, "દીદી!"

"લાગે છે તેઓ આવી ગયા." કહી શિવાની બહાર તરફ દોડી અને અહમ સાથે અંદર પાછી આવી.

અહમને અંદર આવતાની સાથે બધાને સાથે ઉભેલા જોઈ આશ્વર્ય થયું. "કેમ બધા આ રીતે ઉભા છો?"

"ના કંઈ નઈ, બસ અમસ્તાજ."

"અચ્છા. આ કોણ છે?" તેણે ગીતા સામે જોતા પ્રશ્ન કર્યો.

"આ મારા મમ્મી છે." નીરવે જવાબ આપ્યો તો તેની નજર નીરવ પર પડી.

"અરે નીરવભાઈ! કેમ છો? તમારા તરફ તો મારું ધ્યાન જ ના ગયું."

"મસ્ત. પણ રાકેશ ક્યાં છે?"

"સર આવતા જ હશે. શું છે તેણે જાતે ગાડી ચલાવી. મેં કહ્યું તેને પણ ખબર નઈ, તેણે સ્ટેયરીંગ પકડવા જ ના દીધું. છેકથી પોતે ચલાવીને આવ્યા છે. કાર પાર્ક કરીને આવતા જ હશે."

શિવાનીએ પૂછ્યું: "ડ્રાઈવર ન્હોતો તમારી સાથે?"

"ના એ રજા પર છે."

"તમારો સામાન અંદર નથી લાવવાનો?"

"ના. સરે કહ્યું છે જે સામાન અંદર છે તે બહાર લઈ જવાનો છે. તે અહીંથી તેનો બીજો સામાન લઈ તેના નવા ઘેર જવાના છે."

"શું? અત્યારે જ જવાના છે?" સાગરે પૂછ્યું.

"હા, અત્યારે જ..." બહારથી પ્રવેશ કરતા જ રાકેશે જવાબ આપ્યો. અંદર આવતા તેનું ધ્યાન નીરવ અને તેની મા પર ગયું. "મમ્મી તમે!.. અહીં?"

"હા."

તે ગીતાને પગે લાગી નીરવ તરફ ગયો, "ફોન પર તો કહ્યું 'તુ કે તમે મને સાંજે મળવા આવશો".

લલ્લુએ જવાબ આપતા કહ્યું, "હા, કીધું 'તુ. પણ અમે અત્યારે જ આવી ગયા. એ છોડ અને મને એમ કે' કે આ નવા ઘરની વાત શું છે?"

"મમ્મી, મને હતું કે હું એ ઘેર પાછો નહિ આવી શકું. ને અહીં દીદી અને જીજાજી સાથે કેટલો સમય રહી શકું? એટલે મેં અલગ એક મકાન રાખી ત્યાં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે."

શિવાની બોલી, "હા. હવે તો બઉં મોટો માણસ થઈ ગ્યો છેને! એટલે બધું કરશે. જોયું નીરવ, એણે અલગ ઘર રાખી લીધું. એકલા રે'વા માટે."

"પપ્પા, ભાઈ હું તમને જાણ કરવાનો હતો."

ત્યાં નીરવ પણ તે બંને વચ્ચે બોલી પડ્યો, "રાકેશ તે મને અત્યાર સુધી બધી વાત કરી અને આટલી મોટી વાત ના કરી."

"આ બધું એટલું જલ્દી બની ગયું કે સમય જ ના મળ્યો."

ગીતા કહેવા લાગી, "સમય ના મળ્યો! રાકેશ તને તારાઘરના લોકોને કે'વા સારુ સમય ના મળ્યો? એ છોડ ચાલ ના કીધું, પણ દોઢ વરસથી તને એ પણ સમય ના મળ્યો કે તું તારા પરિવારના સમાચાર પૂછી લે."

"સોરી મમ્મી."

તો નીરવે પણ કહ્યું, "મમ્મી, આપણે અહીં શું કામ આવ્યા છીએ ને તમે શું વાત કરો છો?"

"વાત તો કરવી જ પડે ને. એણે આપણને જાણ પણ ના કરી અને એકલા જાતે રહેવાનો નિર્ણય કરી લીધો..." દરેક વ્યક્તિ ભાવ વિભોર થઈ ગઈ અને અહમ તે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરતો હતો. "... મને હતું કે તે ફોન કરી માફી માંગશે. પાછા ઘેર આવવાની વાત કરશે એટલે હું તેને બોલાવી લઈશ. પણ એણે? જોયું તે નીરવ. માફી માંગવી તો દૂર, એકવાર ફોન પણ ના કર્યો." આટલું કહી ઉદાસ મને તે બેસી ગઈ.

રાકેશ ભાવનાથી ભીની આંખે તેની સામે બેસી ગયો. તેના બન્ને હાથ પોતાના હાથમાં પકડી સમજાવા લાગ્યો, "મમ્મી, હું જાણું છું કે મેં તમને ક્યારેય ફોન નથી કર્યો, કે ક્યારેય તમારી સાથે વાત નથી કરી. જો મેં કહ્યું હોત તો તમે માની પણ જાત. છતાં મેં ના કર્યું. કારણ કે હું તો મારા બાપ-દાદા પાસેથી વટનું જીવન જીવતા શીખ્યો છું. મેં ભૂલ કરી છે તો સજા પણ હું જ ભોગવીશ. મારા લીધે કોઈ મારા પરિવારને મેણું મારે એ મારાથી કેમ સહન થાય?"

આ સાંભળી દરેકની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને ગીતા પોતાના શાણા દીકરાને ભેટી પડી. "પણ હવે હું તને એકલો નહિ રહેવા દઉં. તું અત્યારે જ અમારી સાથે પાછો આવતો રે'. તારે કશેય જવાની જરૂર નથી."

"જો એ શક્ય હોત તો હું જરૂર આવેત. પણ આ મારો સ્વ-નિર્ણય છે અને એ હવે નહિ બદલાય."

તો નીરવે તેને પૂછ્યું, "એટલે તું કે'વા શું માંગે છે?"

"તમે મને લઈ જવા માંગો છો. કારણ કે તમને મારી ચિંતા થાય છે. પણ હું નહિ આવી શકું અને શું કામ એ મમ્મી તમે જાણો છો."

"એટલે તું અમારી સાથે નહિ આવે?" નીરવે ફરીથી પૂછ્યું.

જવાબ આપતા તેણે કહ્યું, "આવીશ. પણ રહેવા નહિ. ફક્ત તમને બધાને મળવા. જો તમે મને માફ કરી દીધો છે તો હું આવતો રહીશ બધાને મળવા."

સાગરે કહ્યું, "તું એક કામ કરને. તારું સરનામું આપી દે. એટલે જ્યારે પણ અમારામાંથી કોઈને મળવાનું મન થાય. અમે આવી જશું, કેમ?"

તે થોડીવાર ચૂપ રહીને બોલ્યો, "તેની કોઈ જરૂર નથી. હું ક્યાં જાઉં છું એ મેં કોઈને નથી કહ્યું. બસ તમને મળવાનું મન થાય ત્યારે ફોન કરી કહી દેજો. હું આવી જઈશ." આટલું કહી તે ઊભો થઈ ગયો અને અહમને કહ્યું, "ચાલ અહમ મારી રૂમમાંથી સામાન લેવાનો છે. મોડું થાય છે."

કહી તે તેની રૂમ તરફ ચાલવા લાગ્યો. ગીતાએ ઉભા થઈ અને તેને રોકી કહ્યું, "રાકેશ! તું તારા બાપને મળવા પણ નહિ આવે?"

તે થોભાઈ ગયો. "આવીશ. પણ આજે નહિ." આટલું કહી તે ચાલતો થયો. અહમ પણ તેની પાછળ જવા લાગ્યો. શિવાનીએ તેનો હાથ પકડી લીધો અને તેને જ પૂછવા લાગી. "તને તો ખબર જ હશેને તેનું ઘર ક્યાં છે? હાં."

તેણે ધીમેથી પોતાનો હાથ છોડાવતા કહ્યું, "સર રાહ જુવે છે. હું હમણાં જ પાછો આવું છું." અને તાબડતોબ દાદર ચડી ગયો. બીજા બધા બસ એકબીજાની સામે જ જોતા રહી ગયા.