બકુલા દેવીની નજર એકાએક બહાર પ્રવેશ દ્વાર પર પડી. કોઈ વ્યક્તિ લાંબો કાળો ધાબળો ઓઢીને હવેલી અંદર આવી રહ્યો હતો. બહારનું વાતાવરણ જોઈને કોઈ પણ હાલમાં ઘરની બહાર નીકળવાની હિંમત ના કરે તો આ બહાદુર વ્યક્તિ કોણ.......? બકુલાદેવીના મનમાં સહેજ પ્રશ્ન ઊભો થયો ત્યાં તો તે માણસ હવેલીમાં પ્રવેશી ચૂકયો હતો.
એ વ્યક્તિ આવતાની સાથે જ બધાની સાથે ભોજન ગ્રહણ કરવા બેસી ગયો. બકુલાદેવીએ ફરી એ વ્યક્તિ તરફ નજર કરી પરંતુ તેનો ચહેરો એ લાંબા કાળા ધાબળામાં સમાયેલો હતો જેથી દેખાતો ન્હોતો.
સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને અંધારું પણ ખૂબ જ ગાઢ બની રહ્યું હતું. બધા ગામલોકો જમી રહ્યા એટલે તેઓએ ભૈરવી તેમજ માનસિંહની દિકરીને જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
નંદિની ભૈરવીના શયનખંડમાં ગયા અને એક પ્રેમાળ મમતા ભર્યો હાથ જ્યારે એ નાનકડી નવજાત બાળકી પર પડ્યો ત્યારે તે ભૈરવીની બાજુમાં પોતાના સુમધુર સુરમાં પોતાની ઝીણી આંખોને થોડી ખોલી.
નંદિની ભૈરવીની દીકરીને લઇને શયનખંડની બહાર આવ્યા, નંદિનીના સ્પર્શથી પથારીમાં જ જાગી ગયેલી બાળકી ઝીણું રુદન કરવા લાગી. ગામલોકો એકી નજરે નંદિનીના હાથમાં રહેલી બાળકીને જોવા લાગ્યા. પેલો કાળા ધાબળા વાળો વ્યક્તિ ગામલોકોના ટોળાની છેક પાછળ ઊભો હતો, તે ગામલોકોના ટોળાને વીંધીને બાળકી સુધી પહોંચે તે પેલા બકુલાદેવી એ બાળકીને હાથમાં લઈને ધ્યાનથી નિહાળતાં નિહાળતાં પોતાના ઇષ્ટદેવીના મંદિરમાં લઇ ગયા.
ગામલોકો પણ વાતાવરણે ધ્યાનમાં રાખીને ત્યાં વધુ સમય રોકાવું ઉચિત લાગ્યું નહિ તેથી તેઓ પણ પોતપોતાના ઘેર પરત ફર્યા પરંતુ એ કાળા ધાબળા વાળો વ્યક્તિ હજુ ભૈરવીની દીકરીને જોવાની મથામણ કરી રહ્યો હતો.
“ હજુ શું બાકી રહી ગયું છે..? મફતનું જમી તો લીધું !!" એક તીખો તમતમતો અવાજ એ ધાબળા વાળા વ્યક્તિને કાને પડ્યો.
ક્ષણિક પોતાની નજર બાળકી તરફથી હટાવીને ધાબળા વાળા વ્યકિતએ એ વ્યક્તિ તરફ ક્રોધ ભરી નજરે જોયું.
“ ઓહ.. આતો દુર્લભરાજનો ચમચો છે." મનોમન એ ધાબળા વાળો વ્યક્તિ બોલ્યો.
“ કાને ઓછું સંભળાય છે કે શું..?” સામેથી કંઈ પ્રત્યુતર ના આવતાં ફરી થોડા ગુસ્સા સાથે દુર્લભરાજનો વ્યક્તિ બોલ્યો.
કાળા ધાબળા વાળો વ્યક્તિ પોતાની જગ્યાએથી ડગ્યો અને તે દુર્લભરાજના વ્યક્તિ તરફ આગળ વધ્યો. એકદમ નજીક જઈને પોતાની પાસે રહેલા ધાબળામાંથી નાનું એક પેકેટ કાઢીને તે વ્યક્તિ તરફ રાખ જેવું કઈક ફેંક્યું. દુર્લભરાજનો વ્યક્તિ ત્યાં જ બેહોશ થઈ ગયો, કોઈ જોવે નહિ એવી રીતે એ બેહોશ વ્યક્તિને ઠેકાણે લગાવી દીધો અને તેના પર પોતાનો ધાબળો નાખી દીધો જેથી કોઈની નજર તરફ તે તરફ જાય નહિ.
ઓહ...! પોતાના શરીર તરફથી ધાબળો લેતાની સાથે જ એક ચમકતો ચહેરો નજર આવ્યો. કોઈ આમ પુરુષમાં આટલું બધું તેજ કંઈ રીતે હોઈ શકે..!?
એ વ્યક્તિએ ઇષ્ટદેવીમાંના મંદિર તરફ જોયું ત્યાં કોઈ નજરે ચડ્યું નહિ... તે ભૈરવીના શયનખંડ તરફ આગળ વધ્યો.
( થોડાક કલાકો પછી.....)
અચાનક અર્ધી રાત્રે હવેલીનો દરવાજો ખુલ્યો. માનસિંહની રાહ જોઈને બેઠેલા તેમના માતૃશ્રી અર્ધ ઊંઘમાંથી સફાળા ઉભા થયા. બહારથી ચાર પાંચ વ્યકિતઓને હવેલીની અંદર આવતી જોઈ. અંધારું ગાઢ હોવાથી વ્યકિતઓના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાતા નહોતા.
“ માનસિંહ..." બકુલાદેવી હવેલીના પ્રવેશ દ્વાર તરફ પોતાના પુત્રને સહીસલામત જોવા માટે ભાગ્યાં.
“ આહ....!" એક દર્દનાક ચીસે હવેલીમાં ચોમેર પડઘા પાડી દીધા. હવેલીમાં સૂતેલા તમામ લોકો ચીસ સાંભળીને જાગી ગયા.
“ આતો માતૃશ્રી બકુલાદેવીનો અવાજ હતો." ભૈરવી પોતાના શયનખંડમાં પેલા ધાબળા વાળા વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી તે દરમ્યાન એકાએક ચીસ સાંભળી.
નંદિની પણ ઊંઘમાંથી જાગી ગયા અને ભૈરવી તેમજ તે ધાબળા વાળો વ્યક્તિ અવાજની દિશામાં ભાગ્યાં.
બહારનું દૃશ્ય જોઈએ સૌ કોઈ થંભી ગયા. બકુલાદેવીના પેટમાંથી લોહી નીકળી રહ્યું હતું તેઓ દર્દના માર્યા ચીસો પાડી રહ્યા હતા. નંદિની, ભૈરવી તેમજ તે ધાબળા વાળો વ્યક્તિ બકુલાદેવી તરફ ગભરાયેલી હાલતમાં ભાગ્યાં.
“ માતૃશ્રી... આપની આવી હાલત...?" ભૈરવીએ કહ્યું.
નંદિનીની નજર ભૈરવી સાથે રહેલા વ્યક્તિ તરફ પડી... “રક્ષિત...!" નંદિનીને તરત આ જાણીતો ચહેરો યાદ આવ્યો તેનાથી બોલાઈ ગયું.
આ ધાબળા વાળો વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ રક્ષિત જ હતો ભૈરવીનો પ્રથમ પ્રેમ. રક્ષિત કઈ બોલે એ પેલા જ એક ભયંકર અટ્ટહાસ્ય હવેલીના પ્રવેશ દ્વાર તરફથી સંભળાયું. બધાનું ધ્યાન બકુલાદેવી તરફ હોવાથી કોઈએ પ્રવેશ દ્વાર તરફ ધ્યાન આપ્યું નહોતું પરંતુ અટ્ટહાસ્ય થતાંની સાથે જ બધાનું ધ્યાન તે તરફ ગયું.............
વધુ આવતા અંકમાં......