થોડાં જ દિવસોમાં બેય દીકરાઓ પોતપોતાની પત્નીને લઈ નવા ફ્લેટમાં રહેવા જતાં રહ્યાં. અહીં મોટો દીકરો - શામળ માતા-પિતા અને દાદા-દાદી સાથે રહી ગયો. તેને લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી. એ વાતે ચારેયનો જીવ ખૂબ જ બળતો, પણ શામળને સમજાવવા માટે હવે કોઈ ઉપાય તેમની પાસે ન હતો. શામળ મા નાં હાથનું સાદું ભોજન એવા પ્રેમથી જમતો અને ચારેય મનડાંને સાચવતો.
એક દિવસ તેમની એકલતા દૂર કરવા તે મઝાનું મોટું ટેલિવિઝન લઈ આવ્યો. વીસળને તે ચલાવતાં શીખવાડી દીધું. દાદા-દાદીને તો ભજન, દેશી ગુજરાતી કાર્યક્રમ અને ખેતીની સમજણ, બધુંય જોવા-સાંભળવાની મજા પડી ગઈ. એક સુશીલા, જે આઠ વર્ષની ઉંમરથી ઘરકામ કરતી આવી હતી તે આજદિન સુધી રસોઈ, વાસણ ઘસવા, કપડાં ધોવાં, ઘરને ચોખ્ખું રાખવું અને ચારેયની સગવડ સાચવવી તેમાંથી ઊંચી આવતી નહીં.
આખરે એક દિવસ તેઓ બધાં ગામની જમીન ઉપરની ખેતીની કાપણી માટે ગયાં ત્યારે ત્યાં વીસળના પાડોશી હેમલની યુવાન દીકરી, સ્નેહા નજરે ચડી. તે નાનપણથી જ શહેરમાં તેનાં પોસ્ટમેન મામાના ઘરે રહીને ઉછરી અને ભણી હતી. મામીને કોઈ સંતાન ન હતું તેથી મોટા નણંદની આ સૌથી નાની દીકરી તેમણે માંગી લીધી હતી. સ્નેહા તેનાં માતા પિતાને અને મામા-મામીને, બેય જોડીઓને માવતર જ સમજતી. મામીને અચાનક બિમારી આવી જતાં તેણે કૉલેજ અધૂરી છોડી હતી. હવે બધું અનુકૂળ થવાથી તે બીજા વર્ષની પરીક્ષા આપવાની હતી. વીસળ અને સુશીલાને આ સ્નેહા ગમી ગઈ. તેઓએ બહુ હળવેથી શામળને પોતાનાં મનની વાત કહી.
શામળની નજર પણ આ શહેરી છતાંય સાદી અને માયાળુ યુવતી ઉપર પડી હતી. તેને પોતાનાં ચારેય વડીલોને કોઈ જ ભેદભાવ વિના સાચવે તેવી યુવતી પત્ની તરીકે જોઈતી હતી. જે પોતાનાં બે અલગ અલગ પૃષ્ઠભૂ ધરાવતાં માતા-પિતાને જાળવી લેતી હોય તે સાસરિયાંને પણ સાચવી લેશે તેમ જણાયું. શામળ તરફથી હોંકારો ભણાતાં બધાંય ખુશ થયાં અને સ્નેહાનાં ઘરે વાત કરતાં ત્યાંથી પણ બેયનાં સગપણ માટે રાજીપો આવ્યો. બેયના નજીકનાં સગાંને ગામમાં તેડાવાયાં અને અઠવાડિયામાં જ તેમનું લગ્ન લેવાયું.
સુશીલાને શામળની વહુનાં બહુ ઓરતાં હતાં. લગ્ન થયે સંધ્યાકાળે તેણે વહુને બારણે ભાવથી પોંખી અને લગભગ તેને ભેટી પડીને બોલી, "વોવ, આજથી અમ લોક તારાં બનાવેલા રોટલા જ ખાઈહું. બસ, અવ તો થોડો દમ લેવો સ."
સ્નેહા સાસુને વળતી ભેટી અને બોલી, "મા, એમાં તે કાંઈ કહેવું પડે? તમને રોટલા ઘડી જમાડતાં મનેય તે ખૂબ જ આનંદ થશે."
રંગેચંગે રિવાજો પૂરાં થયાં અને બે દિવસ પછી સ્નેહા અને શામળ, માતા-પિતા અને દાદા-દાદી સાથે શહેરનાં ઘરમાં પરત ફર્યા. સ્નેહાએ આખુંય ઘર સંભાળી લીધું. સુશીલાને થોડી રાહત મળી. જે પ્રેમ અને આદર બે નાની વહુઓ ન આપી શકી એ બધું જ સવાયું થઈ સ્નેહા પાસેથી મળ્યું.
લગ્નને દોઢ વર્ષ વીતતાં સ્નેહાએ થોડું લજાતાં સાસુને કહ્યું, "હવે તમે બહુ નવરા નહીં પડો એવો અવસર આવવાનો છે."
સુશીલા તેની સામે થોડું વિસ્મયથી જોઈ પૂછી રહી, "તે વોવ નાનલી દીકરી આપહો કે નટખટ દીકરો?"
બેય એકબીજાને નીરખતી રહી અને સુશીલાએ પોતાની બેય હથેળીઓ સ્નેહાના માથે મૂકી સંતોષથી આંખો બંધ કરી. ખુશીની ધારા એ બંધ આંખોમાંથી વહી રહી. સમય રહેતાં સીમંતવિધિ થઈ અને યોગ્ય સમયે ઘરનું આ પહેલું બાળક હોસ્પિટલમાં શ્વસ્યું. સુશીલા અને તેનાં સાસુ તો આવી આધુનિક હોસ્પિટલમાં જઈ આભાં જ બની ગયાં. સ્નેહાનાં મામી અને માતા પણ હાજર હતાં. આખરે ત્રણ દિવસે નાનકડા દીકરાને તેડી સ્નેહા બે માસ માટે મામીના ઘરે રોકાવા ગઈ.
સુશીલાને વહુ વિના સોરતું નહીં તેની સ્નેહાને સુપેરે જાણ હતી. તેણે મામાને મોકલી સાસુ- સસરા અને વડ સાસુ- વડ સસરાને પરાણે મામાને ઘેર તેડાવ્યા અને ચાર દિવસ રોક્યાં. નાનકડા નવતર જીવને રમાડવા તેનાં માતા-પિતા ઉપરાંત બીજાં આઠ જોડ હાથ હતાં. પછી તો સુશીલા પોતાનાં સાસુને લઈ નાનકડા એ બાળને રમાડવા અને પોતાની વહાલસોયી વહુને મળવા અઠવાડિયે એકાદ વખત પહોંચી જતી.
ચાળીસ દિવસે જ્યારે બાળકનું નામકરણ રાખ્યું ત્યારે બેય ફોઈ હોંશે હોંશે નિતનવાં નામ લઈને પહોંચી ગઈ પણ શામળે પોતાનાં દીકરાનું નામ પહેલેથી જ સ્નેહા સાથે મળીને નક્કી કરી લીધું હતું. તેણે બાળકની વધામણીના રાજીપા રૂપે બેય બહેનોને સુંદર સાડીઓ અને ચાંદીની ઝાંઝરીઓ આપી. જમાઈ અને ભાણેજોને રોકડ આપી.
મોટી બહેનનાં હાથમાં પોતાનો દીકરો મૂકતાં કહ્યું, "બેન, આ સુશીલને આશિર્વાદ આપ કે તેની જીંદગી આપણાથીય વધુ સુંદર બને."
નામ સાંભળી બધાં જ ચોંકી ગયાં કારણ કે સ્નેહા સિવાય અન્ય કોઈને પણ ખ્યાલ ન હતો કે શામળે માતાના નામ ઉપરથી પોતાના બાળકનું નામ રાખ્યું છે.
દિવસને અંતે બધાંય મિષ્ટાન્ન જમીને છૂટાં પડ્યાં. ગુજરાતી વર્ષની તિથી મુજબ સુશીલને ત્રીજો મહિનો બેસતાં જ શામળ સ્નેહાને ઘરે તેડી લાવ્યો. નાનકડા પૌત્રને રમાડતા, માલીશ કરી નવડાવતાં સુશીલાનો સમય વીતતો. સ્નેહા વધુ પ્રેમથી સાસુ અને બીજાં સભ્યોની કાળજી લેતી.
ક્રમશ:
મિત્રો,
આપને વાર્તા ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવ આપશો, જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા