પ્રકરણ ૧૭
જૈનિશ ગાડીમાં ગોઠવાયો ડૉકટર આશુતોષે એમના વિકેન્ડ હાઉસ તરફ ગાડી લઈ લીધી. એ લગભગ અડધો કલાકને અંતરે હશે. જૈનિશે પૂછ્યું, " ભાઈ, ક્યાં જઈ રહ્યા છીએ? એની પ્રોબ્લેમ?" ડૉકટર આશુતોષે કહ્યું, "સચ અ બિગ પ્રૉબ્લેમ માય બ્રો. દસ-પંદર દિવસ પહેલાં મારી બહેન પર કોઈએ હુમલો કર્યો હતો. ગળા પર અને શૉલ્ડર પર બહુ ઘા વાગ્યાં છે. હવે, સાંભળ એની અંદર તારાં દોસ્ત આલાપનું નામ આવ્યું છે." આટલું સાંભળતા જ જૈનિશનાં મોઢા પરથી નૂર ઉડી ગયું. " ના, ભાઈ એ એવો નથી. એણે એવું કંઈ કર્યું નથી."
"જો જે હોય એ બધી વિગતે અહીં વાત થાય એટલે આપણે મારાં આ ઘરે જઈ રહ્યાં છીએ. ઘરમાં આપણાથી બધી વાત થાય એમ નહોતી. સુમનબેનની મને ખરેખર દયા આવે છે. બિચારાએ કેટલાં અરમાનો અને કેટલાં વિશ્વાસ સાથે દીકરાને મોટો કર્યો." જૈનિશ ફક્ત, "હમ્મ" કહી ચૂપ થઈ ગયો. એનાં મગજમાં હવે ગડ બેઠી કે આશુભાઈ આલાપ વિશે આટલું કેમ પૂછતાં હતાં.
પરમ અને મિતેષ હવે પહોંચવા જ આવ્યાં હતાં. જૈનિશની સામે કઈ રીતે આવવું એ નક્કી જ હતું. મિતેષને આ વાતનું જરાય નવું નહોતું લાગતું, પણ પરમ બહુ અવઢવમાં હતો કે એ વ્યવસ્થિત રીતે નક્કી કરેલી વાતો કહી શકશે કે નહીં. મિતેષે કહ્યું, "થોડીવાર માટે રોલમાં આવી જજે. જો એમ ન થાય તો પછી એ છોકરો ક્યાંક બીજે પણ ખેલ કરશે. આપણે બદલો લેવા નથી જઈ રહ્યાં પણ બીજે ક્યાંક કોઈ કવિતા સૉરી માયા કે આલાપ નવા ખેલ ન રચે એને માટે આ કરી રહ્યાં છીએ એ ધ્યાનમાં રાખજે." એના સમર્થનમાં પરમે હકારમાં માથું હલાવ્યું.
જૈનિશ અને ડૉકટર આશુતોષ વિકેન્ડ હાઉસ પર પહોંચ્યાં. વિશાળ જગ્યામાં ફેલાયેલો સુવ્યવસ્થિત બગીચો જાતજાતના ફૂલછોડ, આંબા ચીકુના ઝાડ અને વચ્ચે ભૂરા વાદળી રંગનો મોટો બંગલો સફેદ એલઇડી લાઈટો દ્વારા શોભી રહ્યો હતો. જૈનિશ બે ઘડી એની ભવ્યતા જોઈ રહ્યો. આટલું બધું હોવા છતાં આશુભાઈનો સ્વભાવ કેટલો સરળ અને નિરાભિમાની છે એ વિચાર પણ આવી ગયો. અંદર પહોંચ્યા એટલે ત્યાંની દેખરેખ રાખતાં પરિવારની એક સ્ત્રી પાણી આપી ગઈ. ડૉકટર આશુતોષ બોલ્યા, "બસ માસી, તમે હવે તકલીફ નહિ લેતાં કોઈ જરૂર હોય ત્યારે બોલાવી લઈશ." માસી સમજીને જતાં રહ્યાં. હવે ડૉકટર આશુતોષે વાત શરૂ કરી, " ધ્યાનથી સાંભળજે, આલાપ પર સીધી કોઈ કાર્યવાહી નથી થઈ પણ આ કેસ સાયબર ક્રાઇમનાં એક ઓળખીતા ઓફિસરને સોંપાયો છે. માયા અને આલાપ બન્ને દોષી છે. પરંતુ આલાપે જીવલેણ હુમલો કર્યો અને સંપુર્ણપણે સભાન અવસ્થામાં એ વાત નોંધાઈ છે. માયા જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે." જૈનિશ આ સાંભળી ગભરાઈ ગયો. " તો ભાઈ, હવે શું થશે? આલાપને આકરી સજા ન થાય એમ કરજો પ્લીઝ." ત્યાં જ ડોરબેલ વાગ્યો. માસીએ દરવાજો ખોલ્યો તો સામે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં બે વ્યક્તિ હતાં. ડૉકટર આશુતોષે ઉભા થઈને, "પ્લીઝ, કમ ઇન.." કહ્યું એટલે માસીએ અંદર આવવા દીધાં. એમને જોતાં જ જૈનિશને સમજતાં વાર ન લાગી કે આ એ જ બે ઑફિસર હશે. એક આશરે છ ફૂટ હાઈટ ધરાવતો, ફિલ્મી હીરો જેવો ચશ્મા પહેરેલો પ્રભાવશાળી વ્યક્તિ અને બીજો લગભગ સાડાપાંચ ફૂટની આજુબાજુ હાઈટ ધરાવતો, ફ્રેન્ચ કટ દાઢી, કરડો ચહેરો, બ્લેક ફ્રેમનાં ચશ્મા અને કાળું બ્લેઝર પહેરેલા હેડ ઓફિસર હતો.
આ તરફ ઘરે હેમા કવિતા પાસે જઈને બેઠી. થોડી આડી અવળી વાતો કરી પછી કવિતાને પરમનાં વર્તન વિશે પૂછ્યું, "પરમભાઈનાં બોલવામાં થોડો ફેર પડ્યો? તારી સાથે કોઈ પર્સનલ વાત કરી?" કવિતાએ નિરાશ અવાજે કહ્યું, "ના, બહુ ફોર્મલ થઈ ગયાં છે. હું રડું ત્યારે મને શાંત રાખે, માથે હાથ ફેરવે ત્યારે પણ એમનાં સ્પર્શમાં જરાય હૂંફ નથી અનુભવાતી. મારી સાથે નજર મેળવવા પણ ન માંગતા હોય એમ રહે છે. કદાચ, મમ્મી-પપ્પા છે એટલે આટલું બોલતા હશે." હેમા બોલી, "એ તો નોર્મલ થતાં થોડો ટાઈમ લાગશે જ..પણ એક વાત સાંભળ, કૅફેનાં માલિકે કોઈ કોમ્પ્લિકેશન્સ ઉભા કર્યા છે. બન્ને બિચારા એની દોડધામમાં છે. આલાપ સુધી કદાચ એ તપાસ પહોંચી શકે છે. જોઈએ શું થાય..પણ તું ફિકર ન કરતી. મિતેષ અને પરમભાઈ એ બધું થાળે પાડવા જ દોડી રહ્યાં છે." અને કવિતા એનાં ચહેરાના ભાવ જોયા વગર જતી રહી. હેમાએ એનાં ભાગે આવેલું કામ બરોબર પાર પાડ્યું.
જૈનિશ આલાપને લઈને ડૉકટર આશુતોષનાં વિકેન્ડ હાઉસ પર આવ્યો. તે દિવસે મળેલા બે ઑફિસર અને આશુભાઈનાં કહ્યા મુજબ આલાપને બધી વાતોથી અજાણ જ રાખ્યો હતો. એ હાઉસ જોતાં જ આલાપ બોલ્યો, " યાર, મેં પણ માયા સાથે આવા જ એક ઘરનું સપનું જોયું હતું..ખેર, એ બધું ભૂલવું જ રહ્યું પણ એ બાઈ જીવનનો મોટો સબક શીખવી ગઈ છે. કોઈપણ સ્ત્રી પર વિશ્વાસ કરતાં પહેલાં હું હવે સો વાર વિચારીશ." જૈનિશે કહ્યું, " તારે એને ભૂલવી જ પડશે આલાપ મારાં દોસ્ત, એ વ્યક્તિ તારું જીવન બરબાદ કરી ગઈ છે." ત્યાં જ સામે દરવાજે ડૉકટર આશુતોષ દેખાયાં અને એ લોકોને ઈશારો કરી ત્યાં બોલાવ્યાં. ત્યાં પહોંચતાં જ આલાપ ડૉકટર આશુતોષને પગે લાગ્યો બોલ્યો, "સર, આજે હું જે છું એ તમારી હોસ્પિટલ અને તમારાં થકી જ છું. તમે ઘણી વખત મારી મમ્મીને મદદ કરી છે. મારી ફી ભરવા માટે પૈસા આપ્યા છે. અને ખાસ તો મારી મમ્મીની જોબ બચાવી છે. થેન્ક યુ સો મચ." ડૉકટર આશુતોષ પળભર લાગણીશીલ થઈ ગયા. એને ભેટ્યા બોલ્યા, " તમે લોકો અહીં બેસો." પછી ખોંખારો ખાઈને બોલ્યા, " આલાપ, તારો કપલબોક્સમાં થયેલ કાંડ બહાર આવી ચૂક્યો છે. હમણાં જ બે ઑફિસર આવી રહ્યાં છે. હું બધું અહીં જ સમેટી શકું એ આશયથી અહીં બોલાવ્યાં છે. જોઈએ શું થાય?" આલાપ બહાવરો બની ગયો. "જૈનિશ…જૈનિશ.. આ..આ બધું…શું.. છે?" ત્યાં જ પેલા બે ઑફિસર આવી પહોંચ્યા. ડૉકટર આશુતોષને આલાપ માટે સખત દુઃખ થતું હતું પણ જે થવા જઈ રહ્યું હતું એ પણ બહુ જરૂરી હતું. પેલા બંને ઑફિસર બરાબર આલાપની સામેનાં સોફા પર બેઠાં. આલાપને એસીમાં પણ પરસેવો છૂટી ગયો. એણે ગભરાઈને ભાગવાની કોશિશ કરી પણ પેલાં મજબૂત બાંધાનાં ઑફિસરે એને પકડી લીધો. ખિજાઈને બોલ્યા, "મિસ્ટર આલાપ, હવે તમે ભાગી કે બચી નહિ શકો. બેસો અહીં…" કહી ફરી સોફા પર બેસાડ્યો. એ સામે બેઠો બેઠો ધ્રુજી રહ્યો હતો. હેન્ડસમ ઑફિસર બની આવેલો પરમ એને જોઈ વિચારી રહ્યો હતો કે, આ સાવ કોલેજ ગોઈંગ યુવાન, નથી કોઈ સ્ટાઈલ કે નથી ખાસ પર્સનાલિટી! તદ્દન સામાન્ય દેખાવ અને સાધારણ લાઈફ જીવતો હોય એવો છે. કવિતાને એ કઈ રીતે ગમી ગયો હશે! ક્યાં પોતે અને ક્યાં આ સામાન્ય દેખાવનો યુવાન! એને આ નાટક કરતાં ખરેખર, સખત તકલીફ પડી રહી હતી.
આલાપને સોફા પર બેસાડ્યો કે તરત જૈનિશે પાસે આવી એને સંભાળી લીધો.હવે શરૂ થઈ સવાલોની રમઝટ. ફ્રેન્ચકટ વાળા હેડ દેખાતાં ઑફિસરે સવાલો પૂછવા શરૂ કર્યા, "મિસ્ટર આલાપ, તમે મિસીસ માયાની સભાન અવસ્થામાં હત્યાની કોશિશ કરી છે. સાચું કે ખોટું?" આલાપ ગભરાતો બોલ્યો, "ના સર, બધું અજાણતાં જ બની ગયું હતું.હું તો…" એને અટકાવતાં જ પેલા હેન્ડસમ ઑફિસર બોલ્યા, "જેટલું પૂછવામાં આવે એટલો જ જવાબ જોઈએ."
ફરી સવાલ થયો, " એમની સાથે તમારાં કેવા સંબંધો હતાં?"
"સર, એમ તો લવશીપ કહી શકાય પણ એ બાઈ એક નંબરની ચીટર નીકળી."
"તો તમે આ જ કારણસર એની હત્યા કરવા માંગતા હતાં ને?"
"ના..સર..વાત હત્યાની છે જ નહીં…પણ.."
ફરી પેલાં ઑફિસર જોરથી પાસે પડેલી ટીપોઈ પર હાથ પછાડતાં બરાડ્યા, " મિસ્ટર….યસ ઓર નો? પૂછ્યા વગર વધુ બોલવું નહિ કહ્યું ને એકવાર..."
આલાપ ધ્રુજી ઉઠ્યો..સાથે જૈનિશ પણ પરસેવે રેબઝેબ થઈ ગયો.
"ઓકે સર.." કહી આલાપ ચૂપચાપ નીચી નજરે બેસી ગયો.
ફરી હેડે સવાલોનો દોર સંભાળ્યો, "હત્યાની કોશિશ નહોતી એ વાત માની શકાય એમ નથી. તો એ કપલબોક્સમાં એવું તે શું થયું કે આમ તમે એમને મારી નાંખવા સુધી પહોંચી ગયાં!"
"સર…વાત થોડી પ્રાઇવેટ છે હું નહિ કહી શકું."
" એ વાત ન કહેવી હોય તો સજા માટે તૈયાર રહેજો…"
આલાપ અને જૈનિશ ચોંકી ઉઠ્યાં.
ક્રમશ: