No Girls Allowed - 13 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 13

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 13


રમણીકભાઈ આખી રાત વિચાર કરીને અંતે એક નિર્ણય ઉપર પહોંચી ગયા. સવાર થતાં અનન્યા જ્યારે નાસ્તો કરવા બેસી ત્યારે રમણીકભાઈ એ કહ્યું," અનુ..."

" જી પપ્પા.." ફોનમાં મશગુલ અનન્યા એ જોયા વિના જ જવાબ આપી દિધો.

" શું હું એ ડ્રીંકસ એક વખત ટેસ્ટ કરી શકું?"

અનન્યા જાણે ખુશીથી ઊછલી પડી. " સાચે જ !"
અનન્યા સીધી એના પપ્પા ને ભેટી પડી. " થેન્ક્યુ પપ્પા..."

" થેન્ક્યુ હમણાં નહિ..પહેલા હું ડ્રીંકસ ટેસ્ટ કરી અને પછી હું મારો નિર્ણય તને જણાવીશ..."

" ચાલશે..કારણ કે મને વિશ્વાસ છે કે એ ડ્રીંકસ તમને જરૂર પસંદ આવશે..." ચા નાસ્તો ત્યાં જ ટેબલ પર મૂકીને અનન્યા આકાશને ફોન કરવા થોડે દૂર જતી રહી.

બે રીંગ પૂરી થઈ ગઈ છતાં આકાશે કોલ રિસીવ જ ન કર્યો.
અનન્યાને આકાશ પર ખુબ ગુસ્સો આવ્યો. તેણે તુરંત કિંજલને ફોન લગાવ્યો.

" બોલ અનુ આટલી સવાર સવારમાં મને યાદ કરી?"

" તને યાદ કરવી પડી!"

" કેમ શું થયું?"

" યાર જો ને આકાશ મારો કોલ જ રીસીવ નથી કરતો, મેં કેટલા કોલ કર્યા એમને! તારે એની સાથે કોઈ વાત થઈ છે?"

" ના કાલ આપણે મળ્યાં એ પછી મારી એની સાથે કોઈ વાતચીત થઈ જ નથી.."

" એક નંબરનો આળસુ છે! મને તો લાગે છે એ હજુ સૂતો જ હશે.."

" હોઈ શકે એમ પણ છોકરાઓને સવારે વહેલા ઉઠવાની આદત હોતી નથી!"

અનન્યા એ બે ઘડી વિચાર કર્યો અને બોલી. " એક કામ કરીએ આપણે જ એમના ઘરે મળી આવીએ તો.."

" સવારના સાત વાગ્યે કોઈની ઘરે જવાતું હશે?" કિંજલ આનાકાની કરવા લાગી.

" તને શું પ્રોબ્લેમ છે? તું આવે છે મારી સાથે બસ! મારે તારી બીજી કોઈ આરગ્યુમેન્ટ નથી સાંભળવી..."

" પણ અનુ મારી વાત તો સાંભળ.."

અનન્યા એ તરત જ ફોન કટ કરી નાખ્યો. પરેશાન કિંજલ જાણતી હતી કે આટલા સવારમાં સવારમાં આકાશના ઘરે જવું યોગ્ય નથી. કારણ કે આકાશ એના ઘરે એકલો જ રહેતો હતો અને સવારે છોકરાની હાલત શું હોય છે એ કિંજલ સારી રીતે જાણતી હતી.

પંદરેક મિનિટ બાદ અનન્યા અને કિંજલ મળ્યા. બંને ગાડી મારફતે આકાશના ઘર તરફ નીકળી પડ્યા. રસ્તામાં કિંજલે ફરી એક વખત પ્રયાસ કરી જોયો. " અનન્યા હજી આપણી પાસે સમય છે આટલી સવારમાં કોઈ છોકરાને ઘરે ન જવાય.. એ બિચારો એકલો ઘરે રહે છે તું એ તો વિચાર કર!"

ડ્રાઇવિંગ કરતી અનન્યા બોલી. " તો એને મારો કોલ રિસિવ કરી લેવો જોઈતો હતો ને! અને એમ પણ બિઝનેસ ચલાવવા માટે ધગસ હોવી જરૂરી છે, આમ આળસ મરડતા પથારી પર પડયા રહેવાથી બિઝનેસ સફળ નથી થઈ જવાનો.."

વાતચીત કરતા કરતાં આકાશનું ઘરે ક્યારે આવી ગયું ખબર જ ન રહી. અનન્યા કારમાંથી ઉતરી અને એક પછી એક ડોરબેલ વગાડવા લાગી. અંદર ઘોર નિંદ્રામાં સૂતો આકાશના કાને ડોરબેલનો અવાજ જાણે પહોંચ્યો જ નહિ એમ તે ઘસઘસાટ ઊંઘતો જ રહ્યો. ત્યાં જ થોડીવારમાં કોઈ અજાણી વ્યક્તિ એ અંદરથી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ અનન્યા અને કિંજલની આંખો આશ્ચર્યને મારે પહોળી થઈ ગઈ!

" બોલો કોનું કામ છે તમારે?" પાતળી કમર પર હાથ ટેકવી અને અવળી સાડી પહેરેલ એક યુવાન સ્ત્રી બોલી ઉઠી.

" આકાશ ક્યાં છે?" અનન્યા ઊંચે અવાજે બોલી.

" ધીમે અવાજે વાત કરો, બિચારા આકાશજીની નીંદર ખરાબ થઈ જશે!"

" આકાશ જી??" બંને એક સાથે બોલી ઉઠી.

ત્યાં જ આકાશના કાને કોઈની વાતચીત કરવાનો અવાજ
સંભળાતા તે ઊંઘમાં બોલ્યો. " કોણ છે સોનુ? શું સવારમાં સવારમાં આવો ઘોંઘાટ માંડ્યો છે?"

આકાશનો અવાજ સાંભળીને અનન્યા સોનુને ધક્કો મારતાં ઘરમાં પ્રવેશી. આકાશના રૂમ તરફ જતા જોઈને સોનું એમને રોકતા બોલી. " અરે! બહેનજી ત્યાં ક્યાં જાવ છો?" પરંતુ અનન્યા કયા કોઈનું સાંભળવાની હતી. તેણે અડધો અટકાવેલો દરવાજો ખોલ્યો અને સીધી અંદર રૂમમાં પ્રવેશી.
આકાશની ઉભરતી બોડી બારીમાંથી આવતા સૂર્યના કિરણોને લીધે વધુ ચમકતી દેખાઈ રહી હતી. આકાશે કમરની નીચે ગોદડી ઓઢેલી હતી જ્યારે ઉપરનો છાતીનો ભાગ સાફ સાફ દેખાઈ રહ્યો હતો. બોડી બિલ્ડિંગ કરીને બનાવેલું મજબૂત શરીર જોઈને અનન્યા શરમાઈને લાલ લાલ થઇ ગઇ. ત્યાં જ આકાશ ઊંઘમાં જ બાકી બચેલી ગોદડીને કમરથી નીચે હટાવવા લાગ્યો. આ જોઈને અનન્યાથી ચીસ પડાઈ ગઈ. ચીસ કાને પડતા જ આકાશ તુરંત ઊભો થયો.

" કોણ છે? કોણ છે?" આજુબાજુ નજર ફેરવતા તેમની નજર અનન્યા પર પડી. તેણે તરત શરમાઈ ને ગોદડી ઊંચકી અને પૂરા શરીર ઉપર ઢાંકી દીધી.

" અનન્યા તું અહીંયા! આટલી વહેલી સવારે?"

" ખબર છે કેટલા કોલ કર્યા તને! તે મારા કોલ કેમ ન ઉપાડ્યા?"

ત્યાં જ ચાલુ વાતમાં કિંજલ અને સોનુ પણ આવી પહોંચી.
આકાશે સોનુ સામે જોયુ અને પૂછ્યું, " મારો ફોન ક્યાં છે?"

" ચાર્જ માટે ફોન ટેબલ પર મૂક્યો છે..."

" અનન્યાનો ફોન આવ્યો તો તે ઉપાડ્યો કેમ નહિ?"

" જી...તમે તો કહ્યું હતું કે ફોન ચાર્જ ઉપર લગાવી દે અને જો કોઈ નો કોલ આવે તો કોલ રિસિવ જ ન કરતી.."

આકાશને કાલ રાતની વાત યાદ આવી. " અરે હા હું જ ભૂલી ગયો હતો સોરી સોનુ.."

" આ સોનું કોણ છે?" કિંજલે દૂરથી હાથના ઈશારામાં પૂછ્યું.

" અરે ના ના તું ખોટું ના સમજતી..આ તો કામવાળી છે, મેં કાલે જ મમ્મી ને ના પાડી હતી કે હું ઘરનું બધુ કામ કરી લઈશ પણ મમ્મી તો ક્યાં કોઈનું સાંભળવાની હતી તેમણે સવારના પાંચ વાગ્યે જ આ સોનુને ઘરના કામ માટે મોકલી દીધી.."

" સોનું તું જા તારે કિચનનું કામ બાકી છે ને!"

સોનુ ત્યાંથી જતી રહી. સોનુના જતા જ કિંજલ બોલી.
" સાચે સાચું બોલ આ કામવાળી જ છે ને?"

" અરે હા કિંજલ..આ કામવાળી જ છે બીજું તો કોણ હોઈ શકે?"

" નહિ મતલબ કઈ હોઈ તો કહી દેજે.. ખોટુ નાટક કરવાની જરૂર નથી..."

" અરે ના ના એવું કંઈ નથી.."

" તમારી બંનેની વાતો પૂરી થઈ ગઈ હોય તો હું આગળ કંઈ બોલું?" અનન્યા એ આગળ આવીને કહ્યું.

" અરે હા એ તો કહો તમે આટલી વહેલી સવારે મારી ઘરે?"

અનન્યા કંઇક બોલતી બોલતી ત્યાં જ અટકી ગઈ.
" તું પહેલા ફ્રેશ થઈને રેડી થઈ જા આમ તારી પથારી પર બેસીને વાત કરવું મને નહિ જામે.." અનન્યા એટલું કહીને રૂમની બહાર નીકળી ગઈ. પરંતુ કિંજલ હજુ આકાશની સામે ઊભી ટગર ટગર જોઈ જ રહી હતી.

" તું કેમ ઊભી છે?"

" કેમ મારી સામે તું બાથરૂમમાં નહિ જઈ શકે?"

" નહિ હું નહિ જઈ શકું.."

" તો પેલી પાતળી કમર વાળી સોનુને મોકલું, તને બાથરૂમ તરફ લઈ જવા માટે.." કિંજલે ચીડવતા કહ્યું.

" તું જાઈ છે કે?" હાથમાં ઓશીકું લેતા આકાશ બોલ્યો.

કિંજલના જતા જ આકાશ ફ્રેશ થવા ગયો અને આ તરફ કિંજલ અને અનન્યા સોનું વિશે વાતચીત કરવા લાગ્યા.

ક્રમશઃ