'આવક ઓછી અને ખર્ચા વધવા લાગ્યાં છે અમુક સભ્યોના. અહીં સુધી હવે તો હિસાબ પણ લખાવવામાં આવતો નથી. બોલો.' જ્યંતિભાઈ અર્જુને ટોણો મારીને કહી રહ્યાં હતાં.
'તમે કોઈનો ગુસ્સો કોઈ ઉપર નહીં કાઢો. હવે સ્વભાવ પણ બદલો. તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું જ છે. હું લલિતાને લઈને બહાર જાઉં છું. અને રહી વાત ખર્ચા ની તો અમે પિક્ચર જોવા ગયાં હતાં. જેની ટીકીટ મને મારા મિત્રોએ કાઢીને આપી હતી એટલે તેનો હિસાબ લખાવ્યો નથી અને બીજું એ કે આજ સુધી મેં તમારી પાસે ક્યારે હાથ લંબાવ્યો નથી તમે મને ખિસ્સા ખર્ચ માટે જેટલા પૈસા આપો છો તેમાંથી જ હું બધું ચલાવી લઉં છું.' અર્જુને પણ આજે બધું કહી જ દીધું હતું.
'જોયું બૈરી હજી આવી નથી અને બોલવાનો ટોન બદલાઈ ગયો ભાઈનો. મને કહેવા માંગે છે કે હું તેને પૈસા નથી આપતો. કોઈને મારી કદર જ નથી. ઘરના લોકોના પેટ બાળવા અને જરૂરિયાત પૂરી કરવા માટે મેં મારી આખી જિંદગી ઘસી નાખી અને મારી કદર કરવાને બદલે મને જ દોષી ઠેરવે છે આ માણસ' જ્યંતિભાઈના ગુસ્સાની સીમા હવે હદ પાર કરી રહી હતી.
'એક મિનિટ પપ્પા, તમર માત્ર અમારી માટે જ જિંદગી નથી ઘસી કાઢી. અમારાં કરતાં તમારા ભાઈ બહેન અને મમ્મીના ભાઈ બહેનોને સેટલ કરવામાં તમારી જિંદગી ઘસી કાઢી છે. જો તમે તેનું અડધા ભાગનું પણ અમારા માટે કર્યું હોત ને તો આજે આપણી પરિસ્થિતિ કંઈ અલગ જ હોત. આજે આપણાં ઘરમાં બધાં નોકરી કરે છે. છતાં ખેંચ પડે છે કેમ તે તમે જ વિચારો.' અર્જુનનો આ આરોપ સીધો જ્યંતિભાઈને કાળજે લાગે છે અને અર્જુનના ગાલ ઉપર સણસણતો તમાચો મારવા માટે જોરમાં હાથ ઊંચકે છે પણ બા આવીને હાથ પકડી લેઇ છે.
'જ્યંતી, આ શું કરે છે? બસ કર હવે, હવે અર્જુનના લગ્ન થવાનાં છે હવે તેના ઉપર હાથ ન ઉપડાય. અર્જુન, જા તું હમણાં અહીંથી.' આટલું બોલીને બા રડી પડે છે.
'ક્યારે પિતા અને પુત્ર વચ્ચે પ્રેમ અને સન્માનજનક વાતાવરણ બનશે. ક્યાં સુધી આ બન્ને દુશ્મનની જેમ સામ સામે ઉભા રહેવાનું બંધ કરશે' એવું બોલીને બા રસોડામાં જતી રહે છે.
ઘરમાં થયેલી રામાયણને લીધે અર્જુનનો મૂડ સાવ ખરાબ થઈ ગયો હોય છે. તે લલિતાના ઘર નીચે પહોંચે છે. અર્જુને આવતાં મોડું થયું હોવા છતાં લલિતા નીચે આવી નહતી. અર્જુન પહોંચ્યો ત્યારબાદ પાંચ મિનિટ રહીને લલિતા નીચે ઉતરી. અર્જુન ઘરમાંથી નીકળેલો ત્યારે ગુસ્સામાં હતો એટલે તેનો ગુસ્સો લલિતા ઉપર નીકળ્યો.
'લલિતા બહુ મોડું કરી દીધું. સમય સાચવતાં શીખી જા. નહીંતર રોજ સાંભળવું પડશે.' અર્જુન ગુસ્સામાં શું બોલી રહ્યો હતો તે તેને ભાન ન હતું.
લલિતા સમજુ હતી તેણે કોઈપણ દલીલ કરવા કરતાં માત્ર એટલું જ કહ્યું કે હા, હવે ફરી આવું નહીં થશે.'
અર્જુન અને લલિતા ચાલતાં ચાલતાં સ્ટેશન ઉપર પહોંચ્યા. ટ્રેન પકડી ગરદી હતી એટલે બન્ને અલગ ડબ્બામાં બેસયા. ટ્રેનમાં અર્જુનને વિચાર આવ્યો કે મેં ખોટું લલિતાને સંભળાવી દીધું. બિચારી વગર વાંક વિના મારું સાંભળી લીધું. અહીં સુધી તેને જરા સરખો ગુસ્સો પણ ન આવ્યો.
વિર્લેપાર્લા સ્ટેશન આવ્યું. અર્જુન ફટાફટ ઉતરીને નીચે લેડીઝ ડબ્બા આગળ આવ્યો. ખૂબ જ ભીડ હોવાથી લલિતા માંડ ઉતરી શકી. બધાં તેને ધક્કા મારીને નીચે ઉતરતાં હતાં. પણ લલિતા તેઓ 'અરે.. અરે..' સિવાય કંઈ બોલી શકતી ન હતી.
અર્જુનને તે જોયું. જુહુ બીચ ઉપર તેઓ પહોંચ્યા. સાંજનો સમય થયો હતો. વાતાવરણ પણ એકદમ ઠડું થઈ રહ્યું હતું. સરસ મજાનો પવન ફૂંકાતો હતો. બંન્ને જણ બીચ ઉપર બેસી ગયાં. થોડી અહીં ત્યાંની વાત કરી પછી અર્જુને લલિતાને કહ્યું, 'લલિતા હું આજે ઘરેથી નીકળ્યો ત્યારે થોડો મૂડ ખરાબ હતો એટલે મારા શબ્દો અને ટોન થોડો કઠોર નીકળ્યો.'
'હા, કંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું. આપણી ભૂલ થઈ હોય તો સાંભળી લેવામાં વાંધો શું હોવો જોઈએ. મને ખરાબ નથી લાગ્યું.' લલિતા એકદમ ચોખ્ખા મને અર્જુનને કહી રહી હતી.
'હા, પણ લલિતા તું બહુ જ નરમ અને ઢીલી છે. આવી રીતે નહીં ચાલશે. મને કોઈ વાંધો નથી પણ આ દુનિયા બહુ ખરાબ છે. એમાં પણ મુંબઈ જેવા શહેરમાં લોકો લાગ જોઈને જ બેઠેલા હોય છે. થોડી જબરી થઈ જા નહીંતર તને ભારે પડશે. મારુ કહેલું ખરાબ નહીં લગાડતી પણ હું તારા સારા માટે જ કહી રહ્યો છું.' એમ અર્જુને શાંત સ્વરે લલિતાને સમજાવતાં કહું.