ભાગ - ૧૯
ઊર્મિ અને અર્પિતા શોપિંગ કરી સાંજે પાછી ફરી ત્યારે બેય થાકી ગઈ હતી, બાળકો તો હમેશ મુજબ પોતાની મસ્તીમાં હતા. બેય જણીઓ ફ્રેશ થવા પોતાના રૂમમાં ગઈ..
દરવાજો ખોલતાં જ ખુલ્લો વોર્ડરોબ અને વેરવિખેર રૂમ જોઈ ઊર્મિ અવાચક પૂતળું બની ઉભી રહી...
"અર્પિતા.....અ... ર્પિતા.... જલ્દી આવ," અર્પિતા એના રૂમમાં પહોંચે એ પહેલાં તો ઉર્મિનો અવાજ એના કાને અથડાયો અને શોપિંગ બેગ્સ ત્યાં જ ફગાવી એ વળતા પગલે દોડી.
"ભાભી, શું થયું? કેમ આટલી બુમાબુમ મચાવી?"
"અર્પિતા... આ જો, અમારા રૂમની શું હાલત કરી છે.."
અર્પિતાએ દરવાજે ઉભાઉભા જ અંદર નજર ફેરવી, વેરણછેરણ રૂમ જોઈને એ પણ ડઘાઈ ગઈ.
"સં...તુ, રઘુકાકા..., જીવાભાઈ..., ક્યાં છો બધા?" અર્પિતાએ બધાને બુમ મારી.
"ભાભી, તમે કૌશલને ફોન કરો."
"હા. ..હા.." ઉર્મિએ કૌશલને ફોન લગાડ્યો.
@@@@
વેદનાથી કણસતા શ્રીધરને ઉભો કરી, હાથ પકડી શિમોની એને ધીમેધીમે એના રૂમમાં લઈ ગઈ અને હળવેકથી બેડ પર બેસાડ્યો.
"બાબુજીએ જે કીધું એ સાચું છે ભાઈ?" શ્રીધરની પાસે બેસી, એની આંખમાં આંખ પરોવી શિમોનીએ પ્રશ્ન પૂછ્યો,
"કોણ છે એ યુવતી?"
" મા. ..લિની. ..., આપણા ઘરની સામેના મકાનમાં રહે છે એ... આમાદેરા બસરા સામને થાકે. એતા ખુબા દુઃખજનકા. .એની મામી બહુ ત્રાસ આપે છે એને. હું એને એ નરકમાંથી છોડાવવા માંગુ છું. સે ખુબા ભાલો મેયે..બહુ ભોળી અને નિર્દોષ છે એ."
"હમમમમ.. એખાના તુમિ બિશ્રામા નાઓ.. હવે આરામ કરો," શ્રીધરને એકલો રહેવા દઈ શિમોની નીચે ઉતરી અને રસોડામાં ગઈ ત્યાં યામિની આંસુ સારતી કામ કરી રહી હતી.
"માં, એખાના આપાની બાબુજીકે... તું જ સમજાવ હવે એમને."
"આમિ કોશિશ કરાચી. .. બિલાડીના ગળે ઘંટ બાંધવાની વાત છે આ, તને ખબર તો છે એમનો સ્વભાવ કેવો વિચિત્ર છે. આમિ આમારા ચેલારા જન્યા સબકીછુ કરીબા." કામ પડતું મુકી યામિની એમના ઓરડામાં આવી અને જોયું તો દેબાશિષબાબુ વ્યગ્ર ચિત્તે આમથી તેમ આંટા મારી રહ્યા હતા. એમના ચહેરા પર ચિંતા અને ક્રોધની લકીરો ઉપસી આવી હતી, યામિનીને આવતી જોઈ એમનો ક્રોધ ભભુકી ઉઠ્યો.
"તારા દીકરા માટે આવી હોય તો મારે એકે વાત નથી કરવી કે નથી સાંભળવી. આ ઘરમાં મારો નિર્ણય અંતિમ અને અફર છે હતો, છે અને રહેશે અને દરેકે એ માન્ય રાખવો જ પડશે. જેટા આમિ બોલબો સેટાઈ હોબે." સામસામી મુઠ્ઠીઓ પછાડતા દેબાશિષબાબુ પલંગમાં બેસી ગયા.
યામિનીએ થરથરતા અને ગળગળા અવાજે વિનંતી કરી, "આપણો દીકરો છે એ, એકવાર એની વાત તો સાંભળી લો. એકબારા સુનોના."
"આમાર ઈચ્છા છાડા એકટાઓ પાતા નઢબે ના. એક પાંદડુંય નહીં હલે મારી ઈચ્છા વિરુદ્ધ, સમજી... અને આ તો એક અજાણ યુવતીની વાત છે. જઈને કહી દે તારા કપૂતને આ દિવસ જોવા માટે એને મોટો કર્યો, મારી ઈજ્જત આબરૂનો કોઈ વિચાર ન કર્યો, નિજેરા સમ્માનેરા કથા ભાબિની. અત્યાર સુધી આખા ચિન્સુરામાં આ ખબર વાયુવેગે ફેલાઈ ચુક્યા હશે. કોણ છોકરી આપશે એ નપાવટને અને કયો યુવક કરશે આપણી શિમોની સાથે લગ્ન? આગળપાછળનો કોઈ વિચાર કર્યા વગર અવિચારી પગલું એણે ભર્યું છે તો હવે ભોગવો બધા. એખાના સબા ઉપભોગા કરૂના."
"તોમારા સામને હાતા જોરા કરાછી, આટલા ક્રૂર ન થાઓ, આમપણ આપણે હવે એના લગ્ન તો લેવા જ પડશે તો એકવાર એ યુવતીને અને એના પરિવારને મળીને જાણી ઓળખી લઈએ." માથેથી સરી ગયેલો સાડીનો છેડો સરખો કરી યામિનીએ વાત આગળ વધારી, "હું વિનંતી કરું છું તમને, શ્રીધરની વાત એકવાર તો સાંભળો."આમિ તોમાકે અનુરોધ કરાછી."
"એકની એક વાત કેટલી વાર કરીશ. હું મારા નિર્ણયમાં અટલ છું, હું ટસનો મસ નહીં થાઉં. હવે તું ય જા અહીંથી, માથે ઉભી રહીને મગજ ખરાબ ન કર મારું. અમારા મસ્તિસ્કા નષ્ટ કરાબેના ના, જઈને રસોડું સંભાળ." દેબાશિષબાબુના ઘેરા અને ક્રોધીલા અવાજે યામિની માથું નીચે કરી ચુપચાપ આંખો લૂછતી ત્યાંથી નીચે ઉતરવા ગઈ એટલામાં દેબાશિષબાબુએ એને પાછી બોલાવી.
"ઠીક છે, એક વખત હું તારા લાડલા સાથે વાત કરી જોઉં પછી વિચારીશ આગળ શું કરવું એ, પણ.... આખરી નિર્ણય તો અમારા હી હાબે..." મોઢામાં ભરેલું પાન ગળા નીચે ઉતારી એમણે બીજું પાન મોમાં ખોસ્યું.
"આપ પણ ખરા છો, એકદમ નારિયેળ જેવા, બહારથી કઠોર પણ અંદરથી મૃદુ અને મધુર. શ્રીધર પ્રતિ અપાનારા અનુભૂતિ ... આપની આંખોમાં છલકાય છે. એકવાર એની વાત શાંતિથી સાંભળી લો પછી નિર્ણય કરજો." યામિનીની વાત સાંભળી દેબાશિષબાબુએ હકારમાં માથું ધુણાવ્યું જેથી એના હૈયે ટાઢક વળી. મનમાં ને મનમાં ખુશ થતી, પુત્રને પરણાવવાના દિવાસ્વપ્ન જોતી યામિની ગીત ગણગણતી પાછી રસોડામાં આવી કામે લાગી.
@@@@
ઉર્મિનો ફોન આવતા અને એની વાત સાંભળી કૌશલ અને દિલીપ બધું કામ એમ જ મુકી ઓફિસેથી મારતી ગાડીએ હવેલી પહોંચ્યા પણ એ પહેલાં કૌશલે પોલીસસ્ટેશનમાં ફોન કરી પોતાના મિત્ર ઇન્સ્પેક્ટર ઉમેશ જાધવને તુરંત હવેલીએ પહોંચવા જણાવી દીધું હતું.
"ઉર્મિ, અર્પિતા,... તમે ઠીક તો છો ને? બાળકો ક્યાં છે? તમે બેય ક્યાં હતા જયારે આ બનાવ બન્યો, મેં ઇન્સ્પેક્ટર ઉમેશને બોલાવી લીધા છે, એ હમણાં આવતા જ હશે અને સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યુગયા હાથમાં રહેલી બેગ સોફા પર મુકી આવતાવેત જ કૌશલે પ્રશ્નોનો મારો ચલાવ્યો.
"શાંત.... ભાઈ..... પહેલાં શાંત થઈ જા ને તમે બેય પહેલાં પાણી પી નિરાંતનો શ્વાસ લો," પાણી લઈને આવેલી સંતુના હાથમાંથી ગ્લાસ લઈ અર્પિતાએ કૌશલ અને દિલીપને આપ્યા.
ખાલી ગ્લાસ કિચનમાં મુકી સંતુ પાછી આવી અને જીવાની બાજુમાં ઉભી રહી, રઘુકાકા દીવાલને ટેકો દઈ નીચે બેઠા હતા.
"હું અને અર્પિતા બપોરે ઘરમાં બેસીને કંટાળી ગયા હતા એટલે છોકરાંવને લઈને શોપિંગ કરવા ગયા અને પાછા આવી જોયું તો આ....." ઉર્મિએ બપોરની ઘટના અથથી ઇતિ સંભળાવી.
ઉર્મિની વાત પુરી થાય એ પહેલાં ઇન્સ્પેક્ટર ઉમેશ આવી પહોંચ્યા.
"બોલો મિ. કૌશલ રાઠોડ, આમ અચાનક અમને યાદ કરવાનું કોઈ ઠોસ કારણ?"
"તારી નારાજગી હું સમજી શકું છું દોસ્ત, પણ ..."
"હમણાં હું ઓન ડ્યુટી છું એટલે પહેલાં ફરજ પછી દોસ્તી, બોલો શું થયું, વિગતવાર જણાવો." ઉર્મિએ ફરીથી ઘટનાનું વર્ણન કર્યું એને ધ્યાનથી સાંભળી ઇન્સ્પેક્ટર ઉમેશ એ રૂમમાં ગયા અને બારીકાઈથી નિરીક્ષણ કરી બધાને કેટલાક સવાલો પૂછ્યા.
પહેલો વારો સંતુનો હતો એ પાણીનો ગ્લાસ લઈને ઉભી હતી પણ એના હાથ ધ્રૂજતા હતા.
"સાયેબ, હું તો બધું કામ પરવારીને ત્રણેક વાગે આંયથી અમારી ઓરડીએ ગઈ અને થાકેલી હતી એટલે ઘસઘસાટ સુઈ જ ગઈ, આ તો ભાભીબા અને બેનબાના અવાજે ઉઠીને આંય આવી ને જોયું તો આ હઘળું કમઠાણ..." આટલું બોલતાં તો એ સાવ રડમસ થઈ ગઈ.
"રઘુકાકા તમે ક્યાં હતા અને શું કરતા હતા?"
"હું ય તે જમીને આડે પડખે થયો'તો, આ બધાના અવાજે ઉભો થ્યો ને આંય લગી આવ્યો." એમના કરડા ચહેરા પર ઉંમર અને બિમારીનો થાક ભારોભાર વર્તાતો હતો.
"જીવાભાઈ, તમે....?" ઇન્સ્પેક્ટર ઉમેશ આગળ પૂછે એ પહેલાં જ જીવો કડકડાટ બધું સાચું બોલી ગયો.
એ ત્રણેયને જવા દઈ ઇન્સ્પેક્ટર ઉમેશ, કૌશલ અને દિલીપ સ્ટડીરૂમમાં આવ્યા અને ત્યાંનું પી.સી. ચાલુ કરી સિસિટીવી ફૂટેજ ચેક કરવા બેઠા.
"આમાં જીવાએ કહ્યું એમ એ ઉપર ચડતાં તો દેખાય છે પણ આગળ કેમ કાંઈ નથી દેખાતું? પિક્ચર સ્થિર થઈ ગયું છે," કૌશલે ઘણી કોશિશ કરી પણ પરિણામ શૂન્ય.
'હવે શું? આગળ શું થયું હશે અને કોણ હશે આ ઘટના પાછળ?' એમ વિચારતા ત્રણેય એકબીજાના મોં જોવા લાગ્યા.
ક્રમશ: