છપ્પરપગી -૪૦
—————————-
વહેલી સવારનું ખુબ સરસ વાતાવરણ છે. વિશ્વાસરાવજી ક્યાં લઈ જશે એ કુતૂહલતા વચ્ચે બસ હરિદ્વારનો મુખ્ય વિસ્તાર છોડી હવે ગંગામૈયાને કિનારે કિનારે મુખ્ય માર્ગ પર આગળ વધી રહી છે. બહારનું સુંદર દ્રશ્ય જોઈને ક્યાં જશે એ કુતૂહલતા લગભગ બધાની શાંત થઈ જાય છે અને બસની બારીની બહાર અદ્ભુત નજારો જોઈને બધા એ જોવામાં ધ્યાનસ્થ થઈ જાય છે… બારી બહાર ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક થોડી વાર સૂર્યનારાયણ દર્શન આપી દે છે.
આખુય આકાશ જાણે સાત રંગોથી છવાયેલું જોવા મળે છે અને એનો ઉમંગ દરેકના મનમાં સમાવિષ્ટ થઈ રહ્યો હોય તેમ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી અને આ લોકોને એની આહ્લાદક અનુભૂતિ કરાવી રહી ને જાણે કહી રહી હોય કે જોઈલો મને…! માણી લો મને મનભરીને… જાણે પ્રકૃતિ કહી રહી હોય કે મને એકવાર મગ્ન થઈને નીરખશો તો બાકી બધું જ ફિક્કુ લાગશે… અને એવુ જ બની રહ્યું છે.
અભિષેકભાઈ મનોમન વિચારી રહ્યા છે કે ક્યાં મારા એ તોતિંગ બિલ્ડીંગો વચ્ચે ઘેરાયેલો સિમેન્ટ અને કોંક્રીટનાં જંગલોમાં અને આજે ક્યાં હુ આ ગઢ વાદળોથી આચ્છાદિત અનંત અમાપ વિશાળ આકાશને આશરે, રસ્તાની એક બાજુએ નિર્મળ અને પવિત્ર ગંગા મૈયા, પાછળ અદ્ભુત અને અલૌકિક સતત દેખા દેતી અડીખમ પર્વતમાળા, રસ્તાની બાજુએ કૂદાકૂદ કરતા કપિરાજો, કતારબંધ ઉડી રહેલ પક્ષીઓનો સમૂહ, સ્થાનિક લોકો રસ્તે પોતાની મસ્તીથી નિજાનંદથી ચાલતા જતા હોય.. આ બધુ જોઈને તો એમને એકવાર તો એવું જ થાય છે કે કેમ અહીં જ ન રહેવું ? શું ખૂટે છે અહીં ?
પણ એકદમ જ બસની બ્રેક લાગે છે, બધાનુ ધ્યાન પ્રકૃતિને નિરખવા અને વિચારોથી ફરી ડ્રાઈવર સાહેબ તરફ જતું રહ્યું…
‘શું થયું !?’ વિશ્વાસરાવજીએ પૂછ્યું.
‘સાહેબ… આગળ રસ્તો બંધ છે… ડાયવર્ઝનનું બોર્ડ લાગ્યુ છે… આપણે તો પહેલા સપ્તર્ષિ આશ્રમ જવાનું હતુ ને..!’
‘હા..પણ ડાયવર્ઝન છે તો તે રસ્તે પણ આગળ જવાશે જ ને ?’
‘હા… જવાતું તો હશે જ પણ એ રસ્તેથી પછી કેવી રીતે આગળ જવાશે એ કોઈને પૂછવું પડશે ને..! ક્યાંક માર્ગ ભૂલીએ તો… મને લાગે છે એ આશ્રમ બહુ દૂર ન હતો.. પાંચ-સાત કિલોમીટર જ દૂર હતો એટલે આપણે કદાચ નજીક જ હોઈશું !’
‘ સારું … બસ જરા સાઈડ પર કોઈને ન નડે તે રીતે રોકી દો.., હું જરા નીચે ઉતરીને તપાસ કરુ છું’ વિશ્વાસરાવજી નીચે ઉતરવાની તૈયારી કરતા હતા પણ સ્વામીજીએ રોક્યા અને કહ્યુ કે આ રસ્તો જે ડાયર્ઝન માટે જાય છે તે માર્ગે જ આગળ જવા દો.. આગળથી બીજો રસ્તો જોઈન્ટ થઈ જ જશે… એટલે કોઈને પૂછવાની જરૂર નથી. એ જ રસ્તા પર આગળ જઈશું એટલે બે એક કિલોમીટર જઈએ તો સપ્તર્ષિ આશ્રમ આવી જશે.
એટલે બસ ડાયવર્ઝન લઈને કાચા રસ્તે આગળ ચાલે છે.. હવે બધાને ખબર પડી કે આપણે તો સપ્તર્ષિ આશ્રમ જઈ રહ્યા છે… શેઠાણીએ તરત કહ્યુ,’આજે તો રૂષિ પાંચમ છે ને ..!’
‘હા.. આજે રૂષિ પંચમી છે.તમને તો યાદ છે બહેન..’ સ્વામીજીએ કહ્યુ.
અભિષેકભાઈના વાઈફ અત્યાર સુધી સાવ શૂન્યમનસ્ક થઈને બારી બહાર જોઈ ગ્રહને બેસી રહ્યા હતા.. એ જાણે ધ્યાનસ્થ થઈ ગયા હતા.. પણ આ વાત દરમ્યાન એ સહસા જાગૃત થઈ ગયા અને પૂછ્યું,
‘મમ્મી એ રૂષિ પાંચમ એટલે ?’
‘બેટા મને તો બહુ વધારે ખબર નથી પણ મુંબઈ આવ્યા એ પહેલાં દેશમાં અમે આ વ્રત ઉજવતા એટલે થોડી વાત ખબર છે.ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ને દિવસે ઉજવવામાં આવતુ એક વ્રત છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈ, ફળાહાર કરી ને નદીએ જઈ સ્નાન કરીને હિંદુ ધર્મના સપ્તર્ષિ (સાત ઋષિઓ) કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પૂજા કરે છે. તેથી આ વ્રતને ઋષિપાંચમ, ઋષિપંચમી અથવા કોઈ એને સામા પાંચમ પણ કહે છે… પણ સ્વામીજી જોડે જ છે તો એમને વધારે વિગતે ખબર. હશે જ એટલે એ જ સમજાવે તો વધારે યોગ્ય કહેવાય.’
આ સાંભળી સ્વામીજીએ કહ્યુ,
‘ચોક્કસ સમજવું જ જોઈએ અને મને આ બાબતે કહેવાનું ગમશે પણ ખરું… હું દર વર્ષે આ દિવસે અચૂક અહીં આ આશ્રમમાં આવું જ.. આજે પણ ખાસ આ દિવસે અહીં આપ સૌ સાથે આવવાનું સદ્ભાગ્ય મળ્યુ એ વધારે આનંદની બાબત છે.. આપણે હવે આ આશ્રમ પર પહોંચી જ ગયા છીએ… આ જગ્યા સપ્ત સરોવર પણ કહેવાય છે અને આ વિસ્તારને મોતીચૂર કહેવાય છે, જૂઓ આ ગંગાજીને બિલકુલ કાંઠે જ છે.’
આટલું કહેતાં કહેતાં સ્વામીજી અને બાકી બધા આશ્રમની અંદર તરફ પ્રયાણ કરે છે… પછી આગળ જણાવે છે કે આ આશ્રમ ૧૯૪૩ ની સાલમાં ગોસ્વામી ગુરુદત્તજીએ સ્થાપ્યો છે.. પણ આ જગ્યા એ સ્થાપના પહેલાની ઘણી પવિત્ર અને પ્રાચીન પણ છે.. અહીં આપણા સપ્તર્ષિઓને એમને આવનારી પેઢી એમનાં અમૂલ્ય યોગદાન માટે યાદ કરે એ ભાવ સ્થાપિત કરવો એ ઉદ્દેશ્ય મુખ્ય છે… પણ દુખ એ વાતનું છે કે આજની પેઢી હવે એમનાં બાબતે વિશેષ જાણતી નથી.. બેટા પલ… તને ખબર છે ?’
‘સ્વામીજી યુ મીન સેવન ગ્રેટ એન્સિયન્ટ સાયન્ટીસ્ટ ઈન ધ ફોર્મ ઓફ સેઈજ…આવો કોઈ આર્ટિકલ મેં ક્યાંક વાંચ્યો હતો.. ઈટ વોઝ ઈન ઈંગ્લીશ.. એમાં એવુ લખ્યું હતુ કે એ રૂષિઓ મહાન વૈજ્ઞાનિકો હતા..’
‘બહુ સારુ… ચલો એ રીતે તો યાદ છે એ પણ આપણા સદ્દભાગ્યની બાબત છે..’
‘પણ… સ્વામીજી મને એક્ઝેટ નામ યાદ નથી, કોણ હતા.! આજે એમનો દિવસ એટલે શું ..! અમને સમજાવોને તો જ અહીં આ જગ્યા પર આવ્યા છીએ તો એ જાણવું વર્થ કહેવાય ને ..?’
લગભગ બધા જ ની એ બાબતે જાણવાની કુતૂહલતા સ્પષ્ટ હતી એવુ દરેકનાં ચહેરા પર દેખાતુ હતુ..
હવે બધા જ એ સપ્તરૂષિઓની બિલકુલ સન્મુખ હતા..
એ આશ્રમમાં કોઈને ખબર પડી કે રાધાવલ્લભજી આવ્યા છે તો તરત બે-ચાર લોકો મળવા આવ્યા અને સ્વામીજીને પુરા સન્માનથી આશ્રમમાં અંદર આવવા વિનંતી કરે છે, પણ સ્વામીજી વિવેકપૂર્વક ના કહીને જણાવે છે કે આજે તો મહેમાન જોડે છે એટલે માત્ર દર્શન કરી નિકળી જવુ છે અને આ લોકો જોડે અહી થોડી વાર બેસી વાત કરવી છે.. આપના જોડે સત્સંગ કરવા ફરી નિરાંતે આવીશ.
એટલે એ લોકો પણ સ્વામીજીના સ્વભાવને જાણતા હોય, વિશેષ કોઈ આગ્રહ ન કરતા, ‘જી.. કોઈ બાત નહીં.. સ્વામીજી જૈસી આપકી ઈચ્છા… ફિર ભી કોઈ સેવા હો તો અવશ્ય બતા દીજીએગા..’ એવો વિવેક કરી જતા રહે છે. હવે સ્વામીજી ત્યાં આસન જમાવીને પછી બધાને એક વૃક્ષ નીચે જે લાકડાની પાટલીઓ હતી ત્યાં બેસાડે છે અને કહે છે,
‘આજે ઋષિપાંચમ છે. આપણાં સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણાં મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ.
સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે. નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી કેળવવો જોઈએ…’
પછી પહેલા રૂષિની મૂર્તિ તરફ બતાવીને કહે છે, આ
કશ્યપ ઋષિ છે…બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે. બીજા રૂષિની પ્રતિમા બતાવતા કહે છે કે આ અત્રિ ઋષિ છે…અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.
ત્રીજા રૂષિ તરફ વંદન કરીને બતાવે છે કે આ વસિષ્ઠ ઋષિ…વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.હવે વિશ્વામિત્ર ઋષિ તરફ વંદન કરીને કહે છે,
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.
પછીની આ મૂર્તિ ગૌતમ ઋષિની છે, ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.
હવે આ જમદગ્નિ ઋષિજીની મૂર્તિ છે, તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા. હવે છેલ્લી મૂર્તિ તરફ વંદન કરીને કહે છે આ ભરદ્વાજ ઋષિ છે..ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.’
શેઠ- શેઠાણી સહિત બધા લોકો આ તમામ રૂષિઓને ભાવપૂર્વક વંદન કરી આજે આ પવિત્ર દિવસે અહીં છે તેમ પોતાની જાતને ભાગ્યશાળી માને છે… લગભગ બધા જ આ બધુ સાંભળી અવાક્ બની જાય છે.. શું પ્રતિક્રિયા આપવી એ કોઈને સૂજતું નથી અને સ્વાભાવિક છે કે કોઈપણ લોકો આ બધુ સાંભળે પછી અભિભૂત થયા વગર રહે જ નહીં…
પછી બધા આશ્રમમાં થોડું ફરી, દર્શન કરી અને વિશ્વાસરાવજીની સૂચના મુજબ પુનઃ બસમાં ગોઠવાઈ જાય છે…
હવે થોડી વાર મુસાફરી કર્યા પછી બપોરે જમવાનો સમય થઈ ગયો હોય છે… એટલે આયોજન મુજબ બસ પહોંચે છે હવે એક નવી જ જગ્યાએ….
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા