Bhootno Bhay - 23 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 23

Featured Books
Categories
Share

ભૂતનો ભય - 23

ભૂતનો ભય ૨

- રાકેશ ઠક્કર

ઝાડ પરનું ભૂત

આશાબેન પોતાના પુત્ર અમેજ સાથે ઘણા વર્ષો પછી ગામડે રહેવા આવ્યા હતા. ગામડે એમના ભાઈનું ઘર હતું. પણ પતિના આકસ્મિક મૃત્યુ પછી અમેજને વધારે ભણાવવા એ શહેરમાં આવી ગયા હતા. એ પોતે નોકરી કરતા હતા અને અમેજને ભણાવતા હતા. એ કારણે ભાઈને ત્યાં રહેવા જવાનો સમય મળતો ન હતો. પ્રંસંગોપાત ગામડે જઇ આવતા હતા.

અમેજ કોલેજ પૂરી કરી ચૂક્યો હતો અને હવે પરિણામની રાહ જોતો હતો. આશાબેન પણ દોડતી-ભાગતી જિંદગીથી કંટાળ્યા હતા એટલે એક અઠવાડિયું ભાઈને ત્યાં રહેવા જવાનો અને આસપાસમાં ફરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.

અમેજને તો જૂના મિત્રો મળતા મજા આવી ગઈ હતી. પહેલા જ દિવસે એણે કહ્યું કે આજે રાત્રે એ નજીકના રાજસ્થાની ધાબા પર મિત્રો સાથે જમવા જવાનો છે. આશાબેને તો તરત રજા આપી દીધી પણ બનીરભાઈએ એને ચેતવ્યો:દીકરા, એ રાજસ્થાની ધાબાથી વધારે દૂર જશો નહીં. કહેવાય છે કે ત્યાં એક સામરના ઝાડ પર ભૂત રહે છે. બહુ મોડું પણ કરતા નહીં...

બનીરની વાત સાંભળી આશાબેન ગભરાઈને કહેવા લાગ્યા:અમેજ, તારે ત્યાં રાત્રે જમવા જવાની જરૂર નથી. આવતીકાલે બપોરે જજો...

મા, તું ચિંતા ના કરીશ. ભૂત-બૂત જેવું કંઇ હોતું નથી. અમે ઘણા બધાં છે. અમને કંઇ થવાનું નથી...

બેટા, તું મારો એકનો એક પુત્ર છે. તને કંઇ થવું જોઈએ નહીં. હું તારા વગર રહી શકીશ નહીં...

બનીરે એને ઘણો સમજાવ્યો:બેટા, ઝાડ પરનું ભૂત લોહી તરસ્યું કહેવાય છે. ભૂલેચૂકે કોઈ એ ઝાડને હાથ લગાવી દે તો એ માણસ મારી જાય છે.

આશાબેન પણ ચિંતા કરતા રહ્યા અને અમેજ કોઈનું કંઇ સાંભળ્યા વગર બિન્દાસ જતો રહ્યો.

બધા મિત્રો એક જગ્યાએ આવ્યા એટલે સાથે મોજ- મસ્તી કરતા રાજસ્થાની ધાબા પર પહોંચ્યા. પેટ ભરીને રાજસ્થાની ભોજન ખાધા પછી અમેજ પૂછવા લાગ્યો:અહીં નજીકમાં કોઈ ઝાડ પર ભૂત રહે છે?’

હા, લોકો કહે તો છે... આપણે અનુભવ કર્યો નથી! રસિક બોલ્યો.

ચાલો, આંટો તો મારીએ... આ જમાનામાં આવી વાતો પર વિશ્વાસ શું કરવાનો?’ કહી અમેજ બધાને તૈયાર કરવા લાગ્યો.

દસ મિનિટ પછી એની વાતમાં બધાં જ મિત્રો આવી ગયા અને ઝાડ તરફ ગયા. થોડું ચાલ્યા પછી દૂરથી ઝાડ દેખાતા રસિક બોલ્યો:પેલી નાળિયેરીની બાજુનું સામરનું ઝાડ છે એના પર ભૂત રહેતુ હોવાનું કહેવાય છે. બોલ જવું છે?’

હા-હા, એ બધી અફવાઓ હશે. ચાલો... અમેજ પ્રોત્સાહન આપતા બોલ્યો.

ચાલો, તું પહેલવાન જેવી હિંમત રાખે છે તો અમારે શું ડરવાનું?’ કહી રસિક પણ એની સાથે ચાલ્યો.

એક મિત્ર ડરપોક હતો. એ ભૂતની અનેક વાત સાંભળી ચૂક્યો હતો. એણે ઘરની વાટ પકડી લીધી. તોય અમેજ ડર્યો નહીં. હવે અમેજ, રસિક અને અલ્પેશ એમ ત્રણ જ મિત્રો રહી ગયા.

ત્રણેય ઝાડ પાસે પહોંચ્યા અને અમેજ બોલ્યો:ક્યાં છે ભૂત?’

ચૂપ. એમ ના બોલીશ. અલ્પેશ ડર સાથે બોલ્યો.

હા... હા... હા... આવી ગયા એમ ને? તમે ભોજન કરીને આવ્યા છો. હવે મારું ભોજન બનશો... ઝાડ પરથી ઘોઘરો અવાજ આવ્યો અને બધાની ફાટી.

અમેજની તો ઉપર જોવાની પણ હિંમત ના રહી. રસિકે હિંમત કરી ઉપર જોઈને ધીમેથી કહ્યું:જો, ભૂત જેવું જ લાગે છે. આપણો શિકાર કરી જશે. ભાગો...

ત્રણેય મિત્રો મુઠ્ઠી વાળીને ભાગ્યા. થોડે દૂર સુધી એમને હસવાનો ડરામણો અવાજ પીછો કરતો લાગ્યો.

ત્રણેય ઘર નજીક જઈને હાંફતા બેઠા.

મામા, સાચું કહેતા હતા... આપણે જવાની જરૂર ન હતી... અમેજ પસ્તાતો હોય એમ બોલ્યો.

અમેજ ઘરે આવ્યો ત્યાં સુધી આશાબેન જાગતા હતા. અમેજે આવીને મમ્મીને કશું કહ્યું નહીં અને ચૂપચાપ સૂઈ ગયો.

અમેજને ખબર ન હતી કે આશાબેનના કહેવાથી બનીરે રસિક સાથે એક યોજના બનાવી હતી. બનીર જ સામરના ઝાડ પર ભૂત બનીને ચઢી ગયો હતો અને ભૂત તરીકે બોલ્યો હતો. અસલમાં ભૂત રહેતું હતું એ સામરનું ઝાડ ઘણું દૂર હતું. રસિકે યોજના મુજબ નજીકના સામરના ઝાડ પાસે લઈ જઇ અમેજને ગભરાવ્યો હતો. અમેજને એ વાતની ખબર જ ના પડી કે એ રાત્રે આવ્યો ત્યાર પછી એના બનીરમામા ઘરે આવ્યા હતા.

*