"શ્રેયા શું થયું કેમ આમ તેમ પડખાં ફેરવે છે ઊંઘ નથી આવતી?" શ્રેયાને પથારીમાં વારે વારે પડખાં ફેરવતી જોઈને કાલિંદી એ કહ્યું.
“ ઊંઘ તો તને પણ નથી આવતી ને ત્યારેજ હજુ સુધી જાગતી છે. શું હું જાણી શકું તેનું કારણ..?" શ્રેયા એ કાલિંદી ને વળતો જવાબ આપતા પ્રશ્ન કર્યો.
શ્રેયાના એ પ્રશ્ને કાલિંદીના મનને ચકડોળે ચડાવી દીધું. કાલિંદી એ શિવમની આંખોમાં જે દુઃખ જોયું હતું એજ દુઃખના કારણે કાલિંદીને ઊંઘ નહોતી આવતી.
“ કાલિંદી એક વાત કહું..? " પથારીમાં ઊંઘ ના આવતી હોવાથી શ્રેયાએ કાલિંદીને કહ્યું.
“ હા બોલને. "
“ મારા મનમાં એક પ્રશ્ન છે. હું તને જણાવવા માંગુ છું પણ..." શ્રેયા બોલતાં બોલતાં અટકી ગઈ.
કાલિંદી એ શ્રેયાને આમ પોતાની વાત અધૂરી મૂકતાં પહેલી વાર જોઈ.
“ પણ શું...? " કાલિંદી એ શ્રેયાની અધૂરી છોડેલી વાતને જાણવાની જિજ્ઞાસા બતાવતા કહ્યું.
શ્રેયા પથારીમાં થી ઉભી થઈને રૂમમાં આમ તેમ આંટા મારવા લાગી. તેણીએ કાલિંદી ને કહી તો દીધું પણ.... આગળ શું કહું એજ વિચારતી હતી ત્યાં કાલિંદી બોલી...
“ આમ તો તું આખો દિવસ બોલ બોલ જ કરતી હોય છે. બીજા કોઈને બોલવાનો મોકો પણ મળવાં દેતી નથી તો આજે શું થયું. કેમ તારી વાતને અધૂરી મૂકી દીધી."
“ કાલિંદી એ દિવસે.... હું રૂમમાં આવી... એ જન્મકુંડળી... એમાં માની જગ્યાએ ભૈરવીનું નામ.. તું તું નંદિની આંટીની બેટી નથી...." શ્રેયા એકી શ્વાસે બોલી ઉઠી. આટલું બોલતા જ શ્રેયાના શ્વાસ હાંફી ગયા.
“ શ્રેયા તું તૂટક તૂટક શું કહે છે મને કંઈ સમજાતું નથી. " શ્રેયાએ હિંમત કરીને બધું જણાવી તો દીધું પણ શ્રેયાના અધ્ધ વચ્ચે થી તૂટી જતા શબ્દો કાલિંદી ને કઈક જ સમજાયા નહિ.
શ્રેયાને હાંફતા જોઈ કાલિંદી તેની નજીક ગઈ..
“ શ્રેયા શું થયું તને કેમ આમ હાંફી રહી છે..!?" કાલિંદી એ ચિંતા સાથે કહ્યું.
“ કંઈ નહિ એતો કેટલી હિંમત એકઠી કરીને હું બોલી હતી એટલે શ્વાસ ચડવો તો સ્વાભાવિક છે." શ્રેયા એ પોતાના શ્વાસો પર કાબૂ મેળવી લેતા કહ્યું.
“ હિંમત એકઠી કરીને..!? પણ તે શું કહ્યું હમણાં મને કહી જ સમજાયું નથી. " કાલિંદી એ સ્પષ્ટતા કરતાં કહ્યું.
“ કંઈ નહિ રહેવા દે, કાલે જણાવીશ. હાલ મને ઊંઘ આવે છે." શ્રેયાએ વાતને કાપતાં કહ્યું.
શ્રેયા પથારીમાં જઈને સુઈ ગઈ.“ આટલું મોટું રહસ્ય મે કાલિંદી ને જણાવ્યું પણ તેને કંઈ ખબર જ ના પડી." શ્રેયા એ ધીમા અવાજે કહ્યું.
“ શ્રેયા તું કંઈ બોલી." શ્રેયાનો અવાજ કાલિંદીના કાને પડતાં કાલિંદી એ કહ્યું.
“ ના...." એટલું કહીને શ્રેયા એ પોતાના પૂરા શરીરને ધાબળા દ્વારા ઢાંકી દીધું. અને ઊંઘી ગઈ. પણ કાલિંદી ને ઊંઘ આવતી નહોતી. આટલી વાર તો શ્રેયા તેની જોડે વાતો કરતી હતી એટલે સમય પસાર થઈ ગયો. પણ હવે તો શ્રેયા એ ઊંઘી ગઈ હતી. કાલિંદી ને કેમેય કરીને ઊંઘ આવતી નહોતી એટલે તે ઓરડામાંથી બહાર નીકળી. જેવી ઓરડામાંથી બહાર નીકળી તેવોજ તેને કોઈકનો રડવાનો અવાજ સંભળાયો. કાલિંદી ધીમા પગલે તે અવાજની દિશામાં ગઈ. જેમ જેમ તે પોતાના ડગલાં અવાજની દિશા તરફ ભરી રહી હતી તેમ એ રડવાનો અવાજ વધુ સ્પષ્ટ પણે સંભળાઈ રહ્યો હતો.
“ બેટા, જે થવાનું હતું એ થઈ ગયું. ભગવાનને જે ધાર્યું એજ કર્યું. હવે રડવાથી શું ફાયદો અને તું આમજ હિંમત હારી ગયો તો તેમના મોતનો બદલો કોણ લેશે." રડતાં શિવમને સાંત્વના આપતાં વિરમસિંહે કહ્યું.
“ હા હું આમ હિંમત ના હારી શકું હજી તો મારે એ શૈતાનનો ખાત્મો કરવાનો છે. " શિવમે પોતાની આંખમાં ના આંસુ પુંછતા કહ્યું.
“ હા બસ એ સમય દૂર નથી જ્યારે તું એ શૈતાનનો વધ કરીશ." વિરમસિંહે શિવમને હિંમત આપતાં કહ્યું.
“ પણ એ પહેલાં મારે એ બ્રહ્મરાક્ષક વિશે જાણવું છે. એ કોણ છે, શા માટે છે અને શા માટે નિર્દોષ લોકોના જીવ લે છે..?" શિવમે પ્રશ્ન કર્યો.
“ બેટા, તું ચાલ મારી સાથે તારા બધાં જ પ્રશ્નોના જવાબ ત્યાં મળી રહેશે." વિરમસિંહ આટલું બોલીને શિવમને પોતાની સાથે બહાર લઈ ગયા.
કાલિંદી આ બધું છાનીછૂપી સાંભળી રહી હતી. તેને શિવમ તથા તેના પપ્પા ના સવાંદો વિશે કંઈ પણ ખબર પડતી નહોતી. કાલિંદી તેમની સાથે ધીમે પગલે ઘરની બહાર નિકળી તેને કોઈ જોઈ ના લે એટલા માટે તે સંતાઈ રહી હતી.
નિવાસસ્થાન ની બહાર જેવા શિવમ અને વિરમસિંહ નીકળ્યા એવાજ તેમને બહાર અઘોરી નજરે ચડ્યા. આટલી મોડી રાત્રે અઘોરીને નિવાસસ્થાનની બહાર જોતા શિવમને નવાઈ લાગી. પણ વિરમસિંહ તો જાણતા જ હતા કે અઘોરી બહાર ઊભા છે. કાલિંદી પણ હેરાન હતી કે આ બધું શું થઈ રહ્યું છે. તે ચુપચાપ એક ખૂણામાં ઉભી રહી જ્યાં તેને આસાનીથી કોઈ પણ ના જોઈ શકે.
“ અઘોરી દાદા તમે આટલી મોડી રાત્રે અહી શું કરી રહ્યા છો." શિવમે આશ્ચર્ય સાથે કહ્યું.
“ તેમને મે જ અહીં બોલાવ્યા છે બેટા, તારા બધાં પ્રશ્નો ના જવાબ આમની પાસે થી મળી રહેશે." વિરમસિંહે કહ્યું.
“ બધાં જ પ્રશ્નોના જવાબ... તો શું એ પ્રશ્નનો પણ જવાબ મળશે..!?" શિવમે પોતાના દિલની વેદના બહાર ઠાલવતાં કહ્યું.
“ હું તમારું દુઃખ સમજી શકું છું શિવમ. મે પણ મારા કેટલાય ને મારી આંખોની સામે એ બ્રહ્મરાક્ષકનો શિકાર બનતા જોયા છે. પણ અફસોસ..!! હું તેમને ના બચાવી શક્યો. પણ હવે એ શૈતાનનો અંત નજીક છે. હવે કોઈ પણ ગામ લોકોને આમ ડરી ડરીને જીવવું નહિ પડે. ગામના લોકો ટુંક જ સમયમાં કોઈ પણ ડર વગર મુક્ત પણે આ કુદરતના ખોળે, આ જંગલમાં દરેક કેડીએ પોતાના પગલાં પાડી આવશે. બાવીશ વર્ષો પછી ફરી આ ગામમાં ખુશીઓની લહેર આવશે. એ સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિના નામનું સિંદૂર પોતાના માથામાં લગાવશે. એ ફિક્કા રંગના કપડાં પહેરે દરેેક પત્નીઓ લાલ રંગના કપડાંઓમા ફરી સુશોભિત થશે. આ ગામની સુની શેરીઓમાં બાળકોની મસ્તી કરતી એક અલગ જ દુનિયા જોવા મળશે. અંતે મારું આ અમરાપુર ગામ અમર બની જશે." અઘોરીએ ખુશ થતાં કહ્યું. અઘોરીની આંખોમાં ખુશી સમાતી નહોતી. કલ્પના કરો કે અત્યારે શૈતાનના અંતની કલ્પના માત્રથી તેમને આટલી ખુશી મળી છે તો જ્યારે તેનો અંત થશે ત્યારે તેમને કેટલો આનંદ થશે.
“ દાદા મારે જાણવું છે આ હસતાં રમતાં અમરાપુર ને આ કાળરૂપી ગ્રહણ ક્યાંથી લાગ્યું. શું થયું હતું એવું કે જેના કારણે એ બ્રહ્મરાક્ષક લોકોનો જીવ લે છે. અને ખાસ સુહાગણ સ્ત્રીઓનો જ કેમ..? મારે શરૂઆત થી અંત સુધીનું બધું જ જાણવું છે." શિવમે હવે રહસ્યો જાણવામાં ઉતાવળ કરતાં કહ્યું.
હવે તો કાલિંદી પણ જાણવા માંગતી હતી કે આખરે આ ગામનું છુપુ રહસ્ય છે શું...! અને તે રહસ્ય થી તેના પરિવારને શું લેવાદેવા. કઈક તો એવું હશે જ ને ત્યારેજ તો વિરમસિંહ આટલી રાત્રે અહીં આવ્યા છે.
“ તો સાંભળ.......
આગળના ભાગમાં અમરાપુર ગામનું રહસ્ય તથા ગામની સાથે જોડાયેલા બ્રહ્મરાક્ષકનું છૂપુ રહસ્ય બહાર આવશે..
તો આગળના બધાજ રહસ્યો જાણવા માટે જોડાયેલા રહો આ ધારાવાહિક સાથે...😊🙏
ચલો મળીયે આગળના નવા ભાગમાં...🙋🏻♀️🙏
અને હા ખાસ વાત તો રહી જ ગઈ...🤦🏻♀️
તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવજો..✍️🙏 મારી આ વાર્તા કે ધારાવાહિક જે કહો તે પ્રથમ શરૂઆત છે એટલે ભૂલો હોવી સ્વાભાવિક છે. જો ભૂલો હોય તો અવશ્ય જાણ કરજો.....😊🙏🙏