Poison has been drunk knowingly - review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | ઝેર તો પીધાં છે જાણી જાણી - સમીક્ષા

Featured Books
Categories
Share

ઝેર તો પીધાં છે જાણી જાણી - સમીક્ષા

પુસ્તકનું નામ:- ઝેર તો પીધાં છે જાણી જાણી

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

મનુભાઈ પંચોળી 'દર્શક'નો જન્મ જન્મ ૦૨ નવેમ્બર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. ઈ.સ. ૧૯૩૦ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. ૧૯૩૩માં ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન, ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી, ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય - આમ તેમની કારકિર્દી વિકસી.

તેમની નવલકથાઓમાં બંદીઘર, બંધન અને મુક્તિ, દીપનિર્માણ, ઝેર તો પીધાં છે જાણી જાણી, સોક્રેટિસ વગેરેનો સમાવેશ થાય છે. તેમના નાટકોમાં જલિયાંવાલા, અઢારસો સત્તાવન, પરિત્રાણ, સોદો, હેલન, અંતિમ અધ્યાય વગેરે સમાવિષ્ટ છે. વાગીશ્વરીનાં કર્ણફૂલો અને મંદારમાલા એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે. આપણો વારસો અને વૈભવમાં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. 'ઇતિહાસ અને કેળવણી' પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. 'બે વિચારધારા', 'લોકશાહી' અને 'સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં' એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. 'નઈ તાલીમ અને નવવિધાન' તથા 'સર્વોદય અને્ શિક્ષણ' એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.

'સોક્રેટીસ', 'ત્રિવેણીતીર્થ', 'ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ', 'નાનાભાઈ', 'ટોલ્સ્ટોય' વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. 'ધર્મચક્રપ્રવર્તન', 'શાંતિના પાયા', 'અમૃતવલ્લરી', 'મહાભારતનો મર્મ', 'રામાયણનો મર્મ' વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે. 'મારી વાચનકથા' ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, 'ચેતોવિસ્તારની યાત્રા' માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. 'સદભિ:સંગ:'માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સણોસરાની ઘડતરકથા છે.

૧૯૬૪માં દર્શકને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો. ૧૯૮૭માં 'ઝેર તો પીધાં' ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો. ૧૯૮૨માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : ઝેર તો પીધાં છે જાણી જાણી

લેખક : મનુભાઈ પંચોળી 'દર્શક'

પ્રકાશક : આર.આર.‌શેઠ & કંપની

કિંમત : 500 ₹.

પૃષ્ઠ સંખ્યા : 592

 

બાહ્ય મૂલ્યાંકન:-

આ પુસ્તકના મુખપૃષ્ઠ પર કટોરો હાથમાં રાખી મુખ તરફ લઈ જતી સ્ત્રીનું ચિત્ર આલેખાયેલુ છે, બેક કવર પર યશવંત દોશીએ લખેલી ટૂંકી પ્રસ્તાવના છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

મનુભાઈ પંચોળી 'દર્શક' ની બૃહદ્ નવલકથા એટલે 'ઝેર તો પીધાં છે જાણી જાણી'. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે.

કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે.

પ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.

વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે.

મહાત્મા ગાંધીના સમયની આ નવલકથામાં મનુભાઈ એ ખૂબ જ ઉત્તમ રીતે ઓગણીસમી અને વીસમી સદીની ઘટનાઓની સાથે ત્રણથી ચાર અલગ-અલગ લોકોના જીવનમાં  આવતા એ પડકારોની સાથે આપણા દરેકના જીવનને  જોડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના અલગ અલગ દેશો જેવા કે જર્મની, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ભારતમાં ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતિઓમાં અલગ અલગ પાત્રો કઈ રીતે સંકળાય છે તે જાણવા માટે આ ઉત્તમ નવલકથા વાંચવી જ રહી.

 

શીર્ષક:-

જે ઘટનાઓ અહીં આલેખાયેલી છે એ ઝેર પીધાં પછી જે સ્થિતિ થાય એનાથી લગીર પણ ઓછી નથી. સમગ્ર કથાનું સૂચક છે શીર્ષક 'ઝેર તો પીધાં છે જાણી જાણી'.

 

પાત્રરચના:-

પ્રથમ ખંડનાં રોહિણી, સત્યકામ અને હેમંતનું જીવનકાર્ય બીજા ખંડમાં અંધ બનેલા સત્યકામની સાક્ષીએ યહૂદી રેથન્યૂ જેવાં પાત્રો દ્વારા સમર્થન પામે છે. ત્રીજા ભાગમાં અચ્યુત, રેખા અને મર્સી જેવાં પાત્રો માનવતાના ભવિષ્ય માટે ઝઝૂમે છે. બૅરિસ્ટર, હિટલર અને એના સાથી કાર્લને પણ લેખક સપાટ દુરિતો તરીકે આલેખવાને બદલે એમના જીવનની અનિવાર્ય કરુણતા સાથે સંકુલતા ધારણ કરે એ રીતે નિરૂપે છે. વિવિધ દેશ અને જુદી જુદી આનુવંશિક જાતિઓમાંથી મળેલાં પાત્રોને લેખક એમની આગવી રેખાઓ સાથે ઉપસાવી શક્યા છે. આ પાત્રો એક લાંબા સમયપટ પર આકારાઈ રહ્યાં છે તેથી અને એમની મદદથી જ કથાનો પ્રવાહ આગળ ધપાવવો છે તેથી લેખકે ક્યાંક ક્યાંક આકસ્મિક તત્વોને પણ ખપમાં લીધાં છે. ટુંકમાં પાત્રરચના અને પાત્રવિકાસ જેવા તત્વો દર્શકની નવલકથાના પાયાના પથ્થર બની રહે છે.

 

સંવાદો/વર્ણન:-

મોટે ભાગે તાત્વિક સંવાદો આખી નવલકથામાં જોવા મળે છે જેમકે,

‘‘આ બ્રહ્માંડમાં આપણે તો સાવ રજકણ જેવાં છીએ, પણ ઈશ્વરે આપણા મનમાં બ્રહ્માંડમાંય ન માય એટલું સુખ કેમ કરીને ગોઠવી દીધું હશે ?’’

"હું ને તું એવા પુરુષનાં સંતાન છીએ કે જેને જીવન અને મૃત્યુ બંનેએ વંદના કરી છે."

"મરવાની પણ તૃષ્ણા નથી, સહેજે બધું થશે.’’

‘‘રોટલાના વાંકે બધાં રાક્ષસ નથી થતાં. ઘણી વાર રોટલાવાળા રાક્ષસ થાય છે… રોટલાવાળા જ આ મહાયુદ્ધમાં આક્રમકો છે…. જ્ઞાન વિનાનું કર્મ અંધ… આત્મનિરીક્ષણ વિના તમે જગતનું પરીક્ષણ કરવા જશો તો જેવું તમારું મન હશે તેવું દેખાશે. તમારા દૂરબીનનો કાચ તો સાફ કરવો પડશે.. માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી, નહિતર તેને મગર જેવા દાંત કે વાઘ જેવા પંજા કુદરતે આપ્યા હોત.’’

મર્સી નદીના પ્રવાહમાં યુદ્ધની વિભીષિકા,  કીડીઓથી ખવાઈ ગયેલા કાર્લના હાડપિંજરનું વર્ણન, યામાશિટાએ ભરેલા હારાકીરી આત્મહત્યાના પગલાનું વર્ણન વગેરે અદભુત વર્ણનો છે.

 

લેખનશૈલી:-

લેખકની શૈલી સાવ સાદી, સરળ છતાં રસાળ અને હૃદય સોંસરવી ઉતરી જાય તેવી છે. વાચકને પહેલેથી અંત સુધી જકડી રાખે તેવી છે. આલંકારિક ભાષાનો પ્રયોગ તત્વચિંતનની વાતોમાં વિશેષ જોવા મળે છે. લેખકની ભાષાકીય સુસજજતા ઉડીને આંખે વળગે એવી છે. કથનો, સંવાદો, વર્ણનો, પાત્રરચના - દરેકને ફુલ માર્કસ આપી શકાય.

 

વિશેષ મૂલ્યાંકન:-

યશવંતભાઈ દોશી આ નવલકથા વિષે લખે છે કે: “ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી ત્રણ કૃતિઓ નજરે ચડે છે: સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, અને ઝેર તો પીધાં છે જાણી જાણી. આ નવલકથાના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કલાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહિ, પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે.”

રઘુવીર ચૌધરીએ આ નવલકથા વિષે કહ્યું છે કે "ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવામાં એમનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધારે છે."

આ નવલકથાનું પ્રથમ નાટ્ય રૂપાંતર ૧૯૬૨-૬૩માં કરવામાં આવ્યું હતું. તેનો સૌથી પહેલો પ્રયોગ સુરતના રંગ ઉપવનમાં ૨૨ ઑક્ટોબર ૧૯૬૨ દિવસે ભજવાયો હતો. તેમાં રોહિણીની ભૂમિકા વર્ષા આચાર્ય (વર્ષા અડાલજા), સત્યકામની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અને ગોપાળબાપાની ભૂમિકા વિષ્ણુકુમાર વ્યાસે ભજવી હતી.

૧૯૭૨માં આ નવલકથા ઉપરથી તે જ નામે એક ગુજરાતી ચિત્રપટ બન્યું હતું તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

 

મુખવાસ:-

વિશ્વયુદ્ધના ઝેર પીધેલા માનવીઓના જીવનને જાણવા માણો 'ઝેર તો પીધાં છે જાણી જાણી'.