છપ્પરપગી ( પ્રકરણ -૩૭ )
—————————-
પલે સ્વામીજીને પુછ્યુ કે, ‘ તમે તો એક વિદ્વાન પ્રોફેસર રહ્યા છો… સારુ એવુ રિસ્પેક્ટ અને અરનિંગ હતું તો કેમ એ છોડ્યું ? અને હવે આ ધ્યાન કે તપથી શુ મળશે તમને?’
સ્વામીજીએ બહુ જ ટૂંકો જવાબ આપ્યો, ‘મને હું પોતે મળી રહ્યો છું, જે મારે જોઈતું હતું.’
પલ ને સમજાયું નહીં એટલે હવે આ વાત એણે ગાંઠે બાંધી અને થયુ કે નિરાંતે રાત્રે પૂછીશ…
સાડા દસ જેવો સમય થઈ ગયો હતો એટલે હવે સૂર્યનારાયણ વધારે માત્રામાં પ્રસન્ન થઈ રહ્યા હતા એટલે બધા જ લોકો હવે જ્યાં કાર પાર્ક કરી હતી એ પ્રાચીન મંદીર અને ખુલ્લા ચોક વાળી જગ્યા તરફ પ્રયાણ કરે છે. એ જગ્યાએથી પ્રકૃતિને નિહાળતાં નિહાળતાં લગભગ દોઢેક કલાક ચાલ્યાં હશે એટલે બધાને કકડીને ભૂખ પણ લાગી હતી એટલે લક્ષ્મીએ કહ્યુ કે… ‘જલ્દી ચાલીએ અને વાતો ઓછી કરીએ તો વહેલું આશ્રમ પર પહોંચીએ.. અહીં બહાર તો મોર નો મધૂર અવાજ સંભળાય છે પણ પેટમાં કૂકડાનો અવાજ સંભળાય છે..’
બધાજ ખૂબ હસ્યા અને કદમ તેજ કર્યા.
હવે પેલું પંચવટી જેવું વિશાળ વૃક્ષોથી ઘેરાયેલ મંદીરની ધ્વજા દેખાય એટલે બધાનાં પગમાં વધારે જોર આવ્યું..
અભિષેકભાઈના પત્ની એ કહ્યુ કે થોડી વાર તો ત્યાં આરામ કરી લઈએ જ.. મારાથી હવે બિલકુલ નહીં જ ચલાય.. પણ જેવા નજીક પહોંચે છે તો મંદીર પાસે થોડી વધારે ચહલપહલ દેખાઈ.. સાવ નજીક પહોંચે છે તો જોયું કે મંદીરની પાછળ એક ટેમ્પો ઉભો હતો.. આશ્રમની ભોજનશાળામાં કામ કરતાં બે સેવકોએ ત્યાં ટેબલ, ચાર પાંચ ફોલ્ડીંગ ચેર, ટેબલ પર ગોઠવેલ સરસ મજાનું ભોજન આ સૌની પ્રતિક્ષા કરતું હતુ….
‘ ઓઓઓ… વ્હોટ એ પ્લીઝન્ટ સરપ્રાઈઝ.. આઈ એમ નોટ ગોઈંગ ટુ વેઈટ ફોર એની બડી.. મોમ’ આવું કહીને પલ તો તરત ત્યાં રાખેલ પાણીની વ્યવસ્થાથી મો અને હાથ ધોઈને પોતાની ડીશ તૈયાર કરી મંદીરના ઓટલે પલાંઠી વાળીને જમવા બેસી ગઈ..
બાકીના બધા પણ થોડી વાર માટે આરામ કરતા વા બેસીને પાંચ સાત મિનીટ્સ પછી જમવા બેસે તેવો વિચાર કરી મંદીરનાં વિશાળ ઓટલાં પર બેઠાં ને કોઈ તો આડા પણ પડ્યા.. મંદ શીતલ પવનની લહેરખીઓ, આસપાસનાં ફૂલોની મીઠી સુવાસ, થોડે દૂર ગંગા મૈયાના નીરનો મધુર નાદ, આ લોકો આવ્યા એટલે વૃક્ષોની ડાળીઓ જાણે થનગનાટ કરતી નાચતી હોય તેમ એની ડાળીઓનાં ઘર્ષણથી આવતો મીઠો અવાજ, પક્ષીઓ નો કલશોર અને જમવાનુ મળશે એવા આનંદ સાથે કપિરાજના પરીવારોનો થોડે દૂર કૂદાકૂદ કરી થઈ રહેલો ઈન્તજાર એ વાતાવરણને ખૂબ સંમોહક બનાવી દેતું હતુ..
પલ ને આટલું સ-રસ જમતાં લક્ષ્મીએ પહેલી વખત નીરખી હતી એટલે પૂછ્યું, ‘બેટા ભાવ્યું ? મજા આવતી લાગે છે તને !’
‘ આઈ હેવ નેવર ઈટન સચ અ ડેલિસીયસ ફૂડ બિફોર’ એમ બોલી પલ ટચલી આંગળી અને અંગુઠો ભેગા કરી જાણે બહુ જ મસ્ત.. બહુ જ મસ્ત એમ ચેષ્ટા કરતી ફરી જમવામાં મશગુલ થઈ જાય છે.
સ્વામી રાધાવલ્લભજી હળવા પગલે હજી પણ આજુબાજુમા ટહેલતા હોય છે એમનાં માટે એક નાળીયેર લઈને આવેલ હોય એક સેવક એ નાળીયેર પાણી લઈને સ્વામીજીને ધરે છે એટલે સ્વામીજી પણ ખભે રાખેલ એક ખેંસ ને મંદીરના ઓટલે પાથરી પલાંઠી વાળીને બેસી જાય છે. એ નાળીયેર પાણી ધીમે ધીમે પી રહ્યા હોય છે એટલે એ તકનો લાભ લઈ લક્ષ્મીએ પોતાની બેગમાંથી પેલો અલગ લાગતો પથ્થર બહાર કાઢીને સ્વામીજીને બતાવ્યો.. તો સ્વામીજીએ સમજાવ્યુ,
‘આ તો અવકાશી પદાર્થ છે….અવકાશી ઉલ્કાના આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ ગ્રામ ઉલ્કાનો ભાવ ૧ ડોલરથી લઈને 1,000 ડોલર સુધીનો હોય છે. પૃથ્વીના વાતાવરણમાં દરરોજ દસેક કરોડ ઉલ્કાઓ ખરી પડે છે, જેમાંની મોટા ભાગની તો ઘટ્ટ હવાના ઘર્ષણમાં આવતાં રાખ બની જાય છે. શેષ બચતી જૂજ ઉલ્કાની કિંમત લાખમાં થાય છે.’
આ વાત ચાલતી હતી તો બાકી બધાને પણ રસ પડ્યો એટલે બધા સ્વામીજીની આસપાસ વિંટળાય જાય છે.. અને પ્રવિણે પુછ્યુ, ‘સ્વામીજી… ખરેખર લાખોમાં… એવું શું મહત્વ છે આ અંદાજે સો ગ્રામ વજનનાં કાળા પથ્થરમા..!’
સ્વામીજીએ સમજાવ્યું કે આ પથ્થર સામાન્ય નથી પ્રવિણ..! પથ્થરના એક ટુકડા માટે આટલા બધા દામ કોઈ ચૂકવે તે સામાન્ય બુદ્ધિને પડકારે તેવી વાત છે. પરંતુ યાદ રહે કે આવા પાણા ધરતીનાં છોરું હોતા નથી. બલકે, દૂરના અવકાશમાં કરોડો વર્ષ પહેલાં તેમનું ઘોડિયું બંધાયું હોય છે. ઉલ્કા મૂળભૂત રીતે કાંકરા, પથરા, ખડક તથા રજકણ સ્વરૂપે લગભગ ૪.૬ અબજ વર્ષ પહેલાંનો એવો કાચો માલ છે જે ગ્રહ તરીકે ગંઠાયો નથી. નિયત અવકાશી ફલકમાં સતત ભટકતા રહેવું તેમની નિયતીમાં લખાયેલું છે, પણ ક્યારેક પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અડફેટે ચડી જવાથી તે ધરતી પર ખેંચાઈ આવે છે. આ રીતે પૃથ્વીના વાતાવરણમાં દરરોજ લગભગ દસેક કરોડ ઉલ્કાઓ ખરી પડે છે, જેમાંની મોટા ભાગની તો ઘટ્ટ હવાના ઘર્ષણમાં આવતાં રાખ બની જાય છે. અમુક ઉલ્કા કદમાં જરા મોટી હોય, એટલે રાખરૂપે થોડોઘણો દેહત્યાગ કરવા છતાં આખરે ભૂસપાટી સુધી પહોંચે છે. જો કે, એવી ઉલ્કાઓનો વાર્ષિક જુમલો પ૦૦થી વધારે હોતો નથી.
પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી ઉલ્કા અને પૃથ્વીની સપાટી સુધી પહોંચતી ઉલ્કા વચ્ચેનો જબ્બર આંકડાકીય તફાવત માર્ક કર્યો? બસ, એ તફાવત જ ઉલ્કા નામના અવકાશી સંપેતરાને મહામૂલું બનાવે છે. અલબત્ત, સપાટી સુધી પહોંચતી વાર્ષિક પ૦૦ ઉલ્કા પૈકી ગણીને માત્ર ૧૦ મનુષ્યના હાથ લાગતી હોય છે. બાકીની સમુદ્રમાં ખાબકે છે અથવા આવા પર્વતીય પ્રદેશો, રેગિસ્તાનો યા જંગલોમાં ક્યાંક અજ્ઞાત ખૂણે જઈ પડે છે’
‘તો સ્વામીજી લક્ષ્મીને મળેલ આ પથ્થરની કિંમત કેટલી હશે..?’ પ્રવિણે પૂછેલ સવાલ માટે સ્વામીજીએ કહ્યુ,
‘ભાઈ વહેપારી તુ છે… હુ નહી..! પણ હમણાં એક આવી જ ઘટના બની હતી જે મારા ધ્યાનમાં ક્યાંક વાંચવા કે સાંભળવા મળી હતી…પણ તમે લોકો પહેલા જમવા માટે ડીશ લઈ આવો પછી બેસો… ભૂખ લાગી હશે ને..? અત્યારે તો આ પથ્થર નહીં ખવાય.. અન્ન જ ઓડકાર આપશે.’
પણ હવે બધાને રસ પડ્યો એ વાત જાણવા એટલે કહ્યું કે .. અમે ડીશ બનાવીને લઈ આવીયે.. જમતાં જમતાં સાંભળીશું પણ.. અમારે તો જાણવું જ છે.. એવો બધાનો આગ્રહ હતો એટલે બધાં પોતાની ડીશ તૈયાર કરી સ્વામીજી ફરતે ગોઠવાઈ ગયા એટલે બધાની કૂતુહલતા સંતોષવા સ્વામીજીએ પેલા અવકાશી પદાર્થની વાત માંડી…..
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા