Bhootno Bhay - 22 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 22

Featured Books
Categories
Share

ભૂતનો ભય - 22

ભૂતનો ભય ૨૨

- રાકેશ ઠક્કર

મમ્મીનું મોત

અંજસ અને અંબુજ નાનપણથી મિત્રો હતા. પહેલા ધોરણથી સાથે ભણતા આવ્યા હતા અને કોલેજ પણ સાથે કરી રહ્યા હતા. બંને જિગરજાન મિત્રો હતા એટલે એક સરખો અભ્યાસ કરી રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો અને કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તારીખ આવી રહી હતી. બંને કોલેજની હોસ્ટેલમાં રહી સાથે જ અભ્યાસ કરતા હતા.

બે દિવસ પછી પરીક્ષા શરૂ થવાની હતી. બંને સરસ તૈયારી કરી રહ્યા હતા. અંજસ રાત્રે પણ વધુ વાંચતો હતો એટલે અંબુજ પણ જાગતો હતો. અંજસ રાત્રે બે વખત કોફી બનાવતો હતો. પણ અંબુજને આજે મોડી રાત્રે ઊંઘ આવી ગઈ હતી.

અડધી રાત્રે અંજસની મમ્મીનો ફોન આવ્યો. સારું થયું કે ફોન સાયલન્ટ મોડ પર હતો. અંબુજની ઊંઘમાં ખલેલ ના પહોંચે એટલે અંજસે ગેલેરીમાં જઈને ફોન ઉપાડયો.

હા મા... અંજસે ડર સાથે કહ્યું.

બેટા, અંબુજ શું કરે છે?’ કલ્પનાબેને ધીમા અવાજે પૂછ્યું.

કોઈ કામ છે? જગાડું?’ અંજસ અંબુજની નજીક જતાં બોલ્યો.

ના-ના... સહેજ મોટેથી બોલી કલ્પનાબેન પછી ધીમેથી બોલ્યા:એને ઊંઘવા દે. એનાથી દૂર જઈને વાત કર...

વાત શું છે મા? તમારા અવાજમાં ચિંતા અને ગભરાટ કેમ છે?’ અંજસે શંકાથી પૂછ્યું.

કેવી રીતે કહું બેટા? એવા દુખ:દ સમાચાર છે કે મને કહેતા જીભ ઊપડતી નથી... કલ્પનાબેન સમાચાર આપવા જાણે હિંમત એકઠી કરી રહ્યા હતા.

મા, કોઈનું મરણ થયું છે?’ અંજસથી પૂછાઇ ગયું.

હા બેટા, અંબુજને બહુ દુ:ખ પહોંચે એવા સમાચાર છે પણ તારે એક કામ કરવાનું છે. આ સમાચાર હમણાં એને કહેવાના નથી. એનાથી છુપાવી રાખવાના છે. કલ્પનાબેન સમાચાર આપતા પહેલાં સૂચના આપવા લાગ્યા.

મા, પહેલાં એ કહે કે દુખ:દ સમાચાર શું છે?’ અંજસ એક ડર સાથે જાણવા આતુર બન્યો.

બેટા, અંબુજના... કલ્પનાબેન આગળ બોલી શક્યા નહીં. એમનાથી ડૂસકું મુકાઇ ગયું. પછી સહેજ સ્વસ્થ થતાં બોલ્યા:બેટા, તું સ્વસ્થ રહેજે. તારે અંબુજને સંભાળવાનો છે. એના જીવનની આ મહત્વની પરીક્ષા છે. એને એ વાતની ખબર પડવી ના જોઈએ કે એના મમ્મી જલ્પાબેન હવે આ દુનિયામાં રહ્યા નથી...

શું...? જલ્પાઆંટી ગુજરી ગયા? ક્યારે કેવી રીતે?’ અંજસ ધ્રૂજી ગયો. એને મન પણ જલ્પાઆંટી મા જેવા જ હતા. એને એમની પાસેથી પણ મા જેવું જ હેત મળતું હતું. પોતાને આઘાત લાગ્યો છે તો અંબુજને ખબર પડશે તો એની શું હાલત થશે એ વિચારતા એને કમકમાં આવી ગયા.

બેટા, હું તને ફરી કહું છું. જે થવાનું હતું એ થઈ ગયું. તમારી આ પરીક્ષા પર તમારું ભવિષ્ય નિર્ભર છે. અંબુજને આ વાતનો જરાપણ ખ્યાલ આવવો ના જોઈએ. એનો ફોન આવશે તો એના પપ્પા બધું સંભાળી લેશે. આમ તો એ પપ્પાને બહુ ઓછા ફોન કરે છે. મમ્મીને રોજ કરે છે. એટલે ચિંતા વધારે છે. બસ તું ત્યાં એને અંધારામાં રાખી બધુ સંભાળી લેજે. જલ્પાબેનને રાત્રે અચાનક જ ઊંઘમાં હાર્ટએટેક આવ્યો અને આ ફાની દુનિયા છોડી ગયા છે. બધાંએ નક્કી કર્યું છે કે એક અઠવાડિયાનો સવાલ છે તો અંબુજને કહેવું નથી. આવતીકાલથી એની પરીક્ષા શરૂ થાય છે. જો એને ખબર પડશે તો એ આઘાત પામશે અને પરીક્ષા આપી શકશે નહીં. તું સંભાળી લેજે... કલ્પનાબેન એને વિનવણીઓ જ કરતાં રહ્યા.

**

એક અઠવાડીયા પછી...

અંબુજે શાંતિથી પરીક્ષા આપી. એના બધાં જ પેપર સારા ગયા. જ્યારે અંજસ પરીક્ષા આપી શક્યો નહીં...

બન્યું એવું કે કલ્પનાબેનના ફોન પછી અંજસે અંબુજની માતા જલ્પાબેનના મોતના સમાચાર છુપાવી રાખ્યા. પરીક્ષાની આગલી રાત સુધી બંનેએ બરાબર તૈયારી કરી. પહેલા પેપરના દિવસે સવારે અંબુજે માના આશીર્વાદ લેવા વિડીયો કોલ કર્યો અને જલ્પાબેને ફોન પર આવી એને આશીર્વાદ અને શુભેચ્છા આપ્યા. જલ્પાબેનનું ભૂત જોઈ અંજસ ગભરાઈ ગયો. એની હાલત બગડી ગઈ. એને તાવ ચઢ્યો. એનાથી એકપણ પેપર આપી શકાયું નહીં. એણે અંબુજને કસમ આપીને વિનંતી કરી કે ઘરના કોઈને આ વાત કરતો નહીં કે મારી તબિયત ખરાબ થઈ છે અને પરીક્ષા આપી રહ્યો નથી. અંબુજ રોજ મા સાથે એક વખત વાત કરતો હતો. એ જોઈ અંજસ વધારે ડરી ગયો હતો.

બંને જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે કલ્પનાબેનને ખબર પડી કે અંજસ પરીક્ષા આપી શક્યો નથી. અંબુજને તો જલ્પાબેનના મોતના સમાચાર સાચા લાગ્યા જ નહીં. સાચી પરિસ્થિતી જાણી ત્યારે એને દુ:ખ થયું. એને વધારે દુ:ખ એ વાતનું થયું કે અંજસ પરીક્ષા આપી શક્યો નહીં.

*