tamne shano shokh chhe? in Gujarati Comedy stories by SUNIL ANJARIA books and stories PDF | તમને શાનો શોખ છે?

Featured Books
Categories
Share

તમને શાનો શોખ છે?

તમને શાનો શોખ છે?
એક અતિ અંગત વાત કહું? હું તમને મારા ગણી કાનમાં કહું છું. બોલીએ તો ગુસપુસ અવાજે, તો લખીને? નાના ફોન્ટમાં. બીજું શું?

પ્રથમ તો સ્પષ્ટતા કે અત્રે ફક્ત મનોરંજન પીરસવાનો હેતુ છે.

1982ની કોઈ જાહેર રજામાં હું છોકરી જોવા ગયો. હું સૌરાષ્ટ્રનાં એક શહેરમાં નોકરી કરતો હતો.

એ વખતમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વડીલો નક્કી કરે ત્યાં પરણી જવાનું રહેતું. શહેરોમાં છોકરા છોકરીની મુલાકાત ક્યાંક વડીલોની હાજરીમાં તો ક્યાંક એકલાં થતી. બન્ને હજી પુખ્ત મુગ્ધાવસ્થામાં કહેવાય એટલે એ મુલાકાતમાં સામસામે આવી જાય પછી શું વાત કરવી એ ખબર ન હોય. કોલેજમાં 'હાય હલો' કરતા હોય પણ બધાને કાંઈ પ્રેમ બ્રેમ ન થઈ જાય. પહેલી વાર એક વિજાતીય યુવાન કાયા સામે તમને ધરી દે એટલે બે ત્રણ મિનિટ તો બઘવાઈ જાય પછી સ્ટાન્ડર્ડ સવાલો પૂછવા ખાતર પૂછે.

અરે, 'સ્ત્રી' અને 'શ્રી' જેવાં છાપાંમાં તો આવી રીતે છોકરો જોવા આવે તો કેમ તૈયાર થવું ને શું પૂછવું તેના લેખ આવતા!

લગ્ન વિષયક મુલાકાતો આજે પણ થાય છે, અલગ સ્વરૂપે. યુવાન યુવતી ઘર બહાર કોઈ રેસ્ટોરાં કે કાફેમાં જ મળે છે. એ પહેલાં ઓનલાઈન એક બીજાને જોઈ લે છે. એ વખતે તો છોકરો છોકરીને ઘેર જતો. ક્યારેક મા-બાપ સાથે હોય ને ક્યારેક તેઓ બીજી મિટિંગમાં આવે.

તો હું ક્રીમ કલરનું સફારી ઠઠાડીને ગયો.
'..હોત ન આજ્ઞા બિન પેઠા રે..'. પહેલી ચોકી છોકરીનાં મા-બાપ. તે પછી પડદામાંથી ડોકાવા આને કોઈ બહેન ન હતી. નહીંતો પહેલાં એ બહેન કે ભાભી ડોકાય.
મા,બાપની ચોકી મેં નમસ્કાર કરી સામે નમસ્કાર ઝીલી કલીયર કરી. એના પિતાશ્રીએ હું બેંક ઓફિસર હોઈ બેંકની કસ્ટમર સર્વિસમાં લોકોને પડતી મુશ્કેલીઓની વાત કરી. મેં બેંકની સેવા કરવાની રીત, ક્યારેક કાયદા કેવા નડે તેની અને એમને મસ્કો લગાવવા 'આપની જેવા જાગૃત નાગરિકો સમજે કે' કરી કોઈ વાત કરી. ચોકી ખુલ્લી ફાટ ક્લિયર. હું એમના પ્રાથમિક ઇન્ટરવ્યૂમાં પાસ. મહાભારતમાં જેમ દ્વારપાળ બે ભાલા ઉઠાવી લે તેમ માર્ગ મોકળો થયો.
હવે એની મમ્મી મેદાનમાં આવી. અંકલ તો ધોતિયું પહેરેલા હતા, (પોતે મારી નાગર જ્ઞાતિના રિવાજમાં માને છે એ બતાવવા?) પણ મમ્મીશ્રી તો સરસ તૈયાર થયેલાં. ઢળેલી આંખોએ હું ચા પીઉં છું ને, અને ગળી, મોળી, કડક, માફક, મસાલાવાળી ફાવે કે નહીં ને એ પૂછ્યું. ચા ને બદલે કે પછી ઠંડુ પીવું હોય તો તેમ પૂછ્યું. મેં ચા જ બરાબર છે કહ્યું. હું 'એવી તકલીફ કેમ' એવી ફોર્માલિટીમાં માનતો ન હતો. આ બીજી ચોકી ક્લિયર.
હું એકલો ચા બનાવી શકું છું? કપડાં કે કચરા જાતે કરું છું કે કેમ ને એવું મમ્મીજીએ પૂછ્યું. (તે કરું છું કહું તો એમની દીકરીને સારી મદદ રહે એમ વિચારતાં હશે!) મમ્મીશ્રી મારી સામે વાત્સલ્યસભર નજરે જોઈ રહ્યાં.

અંદરના પેસેજનો પડદો ખુલ્યો અને.. ગ્રાન્ડ એન્ટ્રી થઈ. એક નાની ટ્રેમાં ચા અને સ્ટાન્ડર્ડ નાસ્તો ચવાણું, બરફીની ડીશ સાથે નાજુકડી નાગર કન્યા દાખલ થઈ. એનાં પેરન્ટ્સ સામે એક નજર નાખી મારી સામે પહેલાં હળવું અને પછી ખુલ્લું સ્મિત વેર્યું. સિલ્કની ગુલાબી સાડી, બ્લ્યુ બ્લાઉઝ, કાનમાં ચમકતાં બ્લ્યુ એરિંગ, સાડીને મેચિંગ રંગનાં કાચના 'ડાયમંડ' જડેલાં કંકણ.

મેં ચાનો કપ લીધો. યુવાન સ્ત્રીના સુંવાળા હાથનો ઠંડો મઝાનો સ્પર્શ થયો. મારી પૌરુષીય ઉષ્માને જાણે નાનો કરંટ લાગ્યો. મેં નાસ્તાની ડીશ લીધી. તે મારી સોફા ચેરની બાજુમાં એક સ્ટુલ પર ગોઠવાઈ. વળી મા-બાપની થોડી સામાન્ય વાતો, તેનું મૌન રહી મારી સામે ઉપરથી નીચે જોવું અને મારું તેને.

પપ્પાશ્રીએ અમને અંદરના રૂમમાં જઈ વાત કરવા કહ્યું. મારો આ અનુભવ નં. 2 હતો. તેનો કેટલામો એ ખબર નહીં.

એ, તે વખતે સૌરાષ્ટ્રનાં ઘરોમાં વપરાતા ડેકોરેટીવ પીઠવાળા બ્લેક કલરના લોખંડના પલંગ પર બેઠી અને મને પણ એ પલંગ પર જ સહેજ દૂર બેસવા ઈશારો કર્યો. નજીક કોઈ સ્ટુલ બુલ હતું નહીં કે જે હતું એ બહાર દિવાનખાનામાં મૂકેલું.

તેની અણિયાળી આંખો આજે પણ યાદ છે. એણે મારી સામે ઠેરવી. ગુલાબી સાડી આંગળી પર વીંટતાં તેણે પૂછ્યું, 'તમને શાનો શોખ છે?'

મને શેના શોખ છે એ બરાબર ત્યારે જ યાદ ન આવ્યું.

મારાથી કોણ જાણે કેમ, બોલી જવાયું, 'તે અમુક શોખ ન હોય તો નહી પસંદ કરો?' તે નીચું જોઈ થોડું હસી.
મેં યાદ કરી કહ્યું-
'અં.. ક્યારેક યોગ, બાકી વાંચન ને એવું.'

'તમને સંગીતનો શોખ ખરો ?' તેણે થોડા નજીક સરકતાં પુછાયું.

'સંગીત? હા, રાત્રે છાયાગીત સાંભળું.'
(વિવિધભારતી પર હમણાં સુધી જુનાં ગીતોનો આ પ્રોગ્રામ આવતો.)
'વાહ. તમને કઈં વગાડતાં આવડે?'

'હા. રેડિયો.'

મારાથી બોલી જવાયું. તે નીચી વળી ખડખડાટ હસી પડી. પોતાનો હાથ પલંગની સાઈડે માર્યો. ટનન.. કરતો ટંકાર થયો.

'તે વાંચનનો શોખ છે તો તમે ખાસ કરીને, વધુ શું વાંચો છો?'

'પાસબુક ને લેજરો. બેંકમાં નોકરી છે ને!'

હવે મને મઝાક સૂઝવા માંડેલી. એ નાજુકડી સ્ત્રીની ભોળી, હરણ જેવી આંખો જોઈ એવું સૂઝ્યું હશે?

તેને એવી તો મોજ આવી ગઈ કે તેણે જરા મોટેથી હસતાં અજાણતામાં જ હળવેથી મારી સાથળ પર હાથ મારી દીધો.

બહાર પપ્પાશ્રી અને મમ્મીશ્રીના કાન સરવા થયા જ હશે.

'બાકી મારાં શહેરમાં લાયબ્રેરી છે. અગાથા ક્રિસ્ટી, આર્થર હેલે ને એવી અંગ્રેજી બુક્સ સમય મળે તો વાંચું. તમે?'

'ભોલી સી સુરત' મારી સામે જોઈ રહી. એણે કદાચ એ નામ જ પહેલી વાર સાંભળ્યાં. વાંક નથી કાઢતો. બધાને એ તક ન મળી હોય.

'ફિલ્મો જુઓ છો? ફિલ્મોમાં શું જોવું ગમે?' તેણે વિષય બદલ્યો.
મનમાં તો હીરો જે રીતે હીરોઈનને ચાટતો જતો કાઈંક ગાતો હોય ને બે અથડાતાં હોય એ યાદ આવ્યું. એને કાઈં એવું કહેવાય! જો કે કદાચ એને એવું જ સાંભળવું હશે.
“જે બતાવે એ બધું. ટિકિટ વસૂલ કરવી હોય ને!” મને સૂઝ્યું એ કહ્યું.
એ ફરીથી ખડખડાટ હસી પડી. કદાચ મારા હાથ પર હાથ પણ ઠપકાર્યો.
“હા, તો પણ, વધુ શું જોવું ગમે?” તેણે પ્રશ્ન દોહરાવ્યો.
''ખાસ તો શરૂમાં હલદી ઔર ચંદન.. વાળી જાહેરાત." મેં કહ્યું.

'શું તમેય તે..' કહેતી તે ફરી ખડખડાટ હસી રહી. સફેદ દંતપંક્તિઓ દેખાઈ રહી.

સુકન્યા, મારે તારો ઇન્ટરવ્યૂ ક્યારે લેવાનો? તું જ પૂછે રાખીશ? મેં મનમાં કહ્યું.

'ફિલ્મોની વાત કરું તો અમારે ત્યાં, નાનાં શહેરમાં જુનાં થિયેટરો છે. તેમાં કોઈ નવી ફિલ્મ આવે નહીં. હા. હમણાં વળી સિલસીલા આવી ગઈ. બાકી પોપ્યુલર હિન્દી કે અંગ્રેજી બેય ફિલ્મો જોઉં.'

મને પૂરક પ્રશ્ન, પ્રમેય ઉપર રાઈડર કે જમ્યા પર પાન જેવો સૂઝયો-
'તમે છેલ્લી કઈ ફિલ્મ જોઈ?'

સિલેબસ બહારનો પ્રશ્ન? એ કાન પાસે લાંબા એરિંગ નીચે આંગળી મૂકી વિચારી રહી.

'ઘણી જોઈ. છેલ્લી યાદ નથી. બાકી લોકો કહે કે આ સારી છે તે જોઈ નાખીએ. માબાપ બધી ફિલ્મોમાં જવા ન દે ને? રોજ રોજ ક્યાં..'

મેં વળી કઈંક રમુજી કોમેન્ટ કરી. 'કદાચ રોજ તો બહાર બેસતી ઠંડા પાણી વાળી પણ ત્યાં થિયેટરમાં નહીં જતી હોય.' ફરી એ મુક્ત હાસ્ય. નીચી વળી જઈને.

મેં સામાન્ય પ્રશ્નો, તે કોલેજમાં શું ભણતી હતી ને કયો કલાસ આવ્યો ને એવું અગાઉથી ખબર હોય તો પણ પૂછી નાખ્યું.
ઉભા થતાં તેનાથી કહેવાઈ ગયું કે મારી સાથે ‘ બસ, મઝા પડી ગઈ.’
છોકરો જોવા આવે ત્યારે શું પૂછવું એ તેને સમજાતું નહોતું. થોડું એ વિશેનો 'સ્ત્રી' સામયિકમાં લેખ વાંચી તે ઉલટી વધુ ગૂંચવાઈ ગયેલી. પછી થોડું એની મમ્મીને પૂછેલું કે શું પુછાય. મમ્મીએ સજેસ્ટ કર્યું તે પ્રશ્નો એણે યાદ રાખી લીધેલા. હું શું જવાબ આપું છું એનો એને મતલબ પણ નહોતો.

'તમારા જવાબોથી તો જબરી મઝા પડી ગઈ.' તેણે મને આછું ઘસાઈને બહાર નીકળતાં કહ્યું. હું સિલ્ક બ્લાઉઝ અને અંદર પાતળા ખભાનો સુંવાળો સ્પર્શ અનુભવી રહયો.
એ પછી એની કુંડળીમાં કોઈ મંગળ ને એવું નીકળેલું તેમ એના પિતાશ્રીએ મારા પિતાશ્રીને કહેલું. જે હોય તે. કેટલુંક એરેન્જ મેરેજમાં મા-બાપ કહે તે માનવું પડતું. અમે પછી ક્યારેય મળ્યાં નથી.

એ પછી 'તમારાં બહેન' ને મળ્યો ત્યારે સાવ સામાન્ય વાતોમાં એકમેકની પર્સનાલિટી છતી થઈ ગઈ. ત્રીસેક મિનિટ રસ્તે લટાર મારતાં શું વાતો થઈ એ આજે યાદ નથી. બીજે જ દિવસે સગાઓને પોસ્ટકાર્ડથી જાહેરાત, પછી અમારામાં 'ખોળા પાથરવા' કહેતા એ 'રિંગ સેરીમની' થઈ ગઈ. એ ન તો સોળ શણગાર સજી તૈયાર થયેલી કે ન તો સીધું મેગેઝીનનું શીખવ્યું 'તમને શેનો શોખ છે' પૂછેલું.
અમારાં લગ્નને ઘણાં વર્ષ થઈ ગયાં છે.

આ પ્રસંગ ખાનગી છે હોં! આ તો તમને મારા જાણીને કાનમાં કહું છું હોં!
***