HUN ANE AME - 11 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 11

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 11

સવારના લગભગ દસેક વાગ્યે નીરવ અને તેની પત્ની મનાલી બન્ને બહાર જઈ રહ્યા હતા. તેવામાં રસિલા કાકી અને અમિતા બંને પોતાના ઘરના ઓટલા પર બેસીને વાતો કરતા હતા. નીરવ અને મનાલીને જોઈને અમિતા મોટા અવાજે રસિલા કાકીને કહેવા લાગી, "બઉ સરસ સાસરિયું મળ્યું છે રાધિકાને. પૈસે ટકે કોઈ તાણ નથી. ગાડિયું માં ફરે છે રાધિકા."


તો સામે રસીલાએ પણ જવાબ આપ્યો, "નસીબદાર છે તમારી રાધિકા..." તે બંને સમજી ગયા કે અમિતા અને કાકી તેઓને સંભળાવી રહ્યા છે. છતાં બંને ચૂપ થઈ પોતાના કામે બહાર જતા રહ્યા. વિનોદને જાણ થતાં જ તેણે રસીલાને એકલી બોલાવી અને ખખડાવી નાંખી. પણ તેને કોઈ ફેર પડે તેમ નહોતો. તે તો બસ મોં ફુલાવીને બેસી ગઈ. દુનિયા આમની તેમ થઈ શકે, પણ હું ખોટી ના હોઉ, આવી જ તેની ગણના રહેતી.

રાધિકાની કૉલેજ પૂરી થઈ ગઈ હતી અને કહ્યા પ્રમાણે હવે તેના લગન માટે તારીખ પડી. રાધિકા બધું ભૂલવા પોતાના મનમાં વિચારવા લાગી કે જે થયું તે થયું, પણ હવે મયુર સાથે આગળ વધે. તે રોજે તેની સાથે વાતો કરતી અને મયુર ધીમે ધીમે તેને ગમવા લાગ્યો. તે તેને દરરોજ થોડું થોડું કરી પોતાના વિશે કહેતો અને તેણે જાણ્યું કે મયુર તેનાથી કશું નથી છુપાવતો. પણ રાકેશ સાથે બનેલા બનાવની વાત ના તો રાધિકાએ કરી કે ના બીજા કોઈએ. રાધિકાને મયુર સાથે હસીને વાતો કરતા જોઈ મહેશ વિચારતો કે રાધિકાને હવે સાચું સમજાય ગયું. રાધિકા સારી અને જે થયું તે બધુ કરનાર રાકેશ હતો. તે કોઈક ખૂણામાં પડ્યો હશે અને પોતાના ટક ટૂંકા કરતો હશે.


સાંજે જ્યારે નીરવ અને મનાલી ફરી પાછા આવ્યા ત્યારે પણ મહેશે તેને પાછળથી સંભળાવી દીધું , " ખોટા સિક્કા જેમ વ્હેલા સામે આવે તેમ સારું." પણ તે કશું જ ના બોલ્યા અને પોતાના ઘરમાં જતા રહ્યાં.


રાત્રે નીરવ કોઈક વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. મનાલી તેની પાસે આવી અને તેની સામે જોઈ સમજી ગઈ કે તે કોઈ ટેન્શનમાં છે. તેણે પૂછ્યું, " શું વાત છે? તમને આજે આ લોકોએ સંભળાવ્યું તે અંગે વિચારો છો?"

" ના મને તેની ફિકર નથી. મને ખબર છે કે રાકેશે કશું ખોટું નથી કર્યું. પણ એ અત્યારે કયાં હશે અને શું કરતો હશે? એમ વિચારું છું"


મનાલીએ તેની બાજુમાં બેડ પર બેસતા કહ્યું, "તો તેને ફોન કરીને વાત કરો ને!"

" હું ફોન કરી તેને પૂછું. પણ મારી પાસે તેને ફોન કરવાનું કોઈ કારણ નથી. મે જોયો તેને. તે જ્યારે જતો હતો, ત્યારે હું તેની તરફેણમાં એક શબ્દ ના બોલી શક્યો અને હવે ફોન કરી તેને કશું કહેતા મારું મન ભારે થાય છે." તે આટલું બોલ્યો એવામાં એક ફોન તેને આવ્યો અને ફોન પર સંજય સાથે વાત કરી તે ફરી પાછો ટેન્શનમાં આવી ગયો અને લમણે હાથ દઈને એકદમ ઉદાસ થઈ ગયો.

"ફરી પાછું શું થયું?" મનાલી એ પૂછ્યું.

"સંજયનો ફોન હતો"

"તો? શું કહ્યું તેણે"

"તેણે કહ્યું કે પૈસાનો બંદોબસ્ત થઈ શકે તેમ નથી."

" તો હવે? આટલા બધાં પૈસા આપણે ક્યાંથી લાવીશું? પાંત્રીસ લાખ, આટલી મોટી રકમ ભેગી કરતા તો કેટલો સમય વહી જશે અને નહિ થાય તો?..." તેણે પોતાની વાત અધૂરી રાખતા નીરવને સવાલ કર્યો.

" તો આપણું આ ઘર આપણા હાથમાંથી જતું રહેશે."

"એટલે?"

" એટલે એમ, કે આ ઘર બેંકવાળા જપ્ત કરશે."

નીરવની બેંકલોન વાળી વાતની તેના પપ્પા એટલે લલ્લુકાકાને ખબર નહોતી પણ કોઈ પ્રકારે સાગરને ખબર પડી ગઈ અને તેણે સવાર પડતાની સાથે રાકેશને જણાવી દીધું.


બપોરના સમયે નીરવ ચિંતા સાથે વિચાર કરતો ફરતો હતો કે તે પૈસાનો કોઈ બંદોબસ્ત કરે એટલામાં બેંકના મેનેજરે તેને બેંકમાં એક પેપર પર સાઈન કરવા બોલાવ્યો અને તે ત્યાં ગયો તો બેન્ક મેનેજરે કહ્યું કે "તમારી લોનની ભરપાઈ થઈ ગઈ છે, અગ્રીમેંટ પર સાઈન કરો."

તે આશ્ચર્ય સાથે પૂછવા લાગ્યો કે, "કઈ રીતે? કોણે ભરી?" ત્યારે તેણે રાકેશ નું નામ આપ્યું એટલે તરત જ તેણે સાગરને ફોન કર્યો. તો સાગરે કહ્યું કે, " હા! મે જ રાકેશને ફોન કર્યો હતો અને તેણે જ તમારી લોન ભરી છે."

નીરવ થોડો આશ્ચર્યમાં હતો કે તેની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? પણ બીજી વાત ન કરતા તેણે આ સવાલ સીધો રાકેશને પૂછવાનું ઠીક સમજ્યું. એટલે તેણે સાગરને કહ્યું , " મારે તેને મળવું છે. ક્યાં છે તે? શું કરે છે?"

" અત્યારે તો તે વડોદરા છે પણ થોડા દિવસમાં આવવાનો છે. હું તમને ફોન કરીશ."

"ઠીક છે. તે આવે એટલે તરત જ મને ફોન કર."

આટલું કહી તેણે ફોન મૂક્યો ને આ વાત ઘરે જઈને મનાલીને કરી તો તેણે પણ કહ્યું કે જ્યારે તે મળવા જાય ત્યારે તેને સાથે લેતા જાય. આ બાજુ રાધિકાના લગ્નની તૈયારી પુરજોશમાં ચાલતી હતી. જે રીતે સગાઈમાં કોઈ ખામી ના રહી તેમ લગ્નમાં પણ મહેશ કોઈ વાતમાં ઓછું આવવા દેવા તૈયાર નહોતો. એક મહિના અગાઉ જ તેણે આ બધી તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને હવે રાધિકા પણ બધું ભૂલી મયુર સાથે નવા જીવનમાં અને નવી રાહ પર ચાલવા તૈયાર થઈ ગઈ હતી. રોજે વાત કરતાં મયુરે અચાનક ફોન કરવાનું ઓછું કરી દીધું હતું અને જો રાધિકા તેની સાથે વાતો કરે તો પણ તેની રુચિ વાતોમાં ઓછી હોય અને કોઈ બીજા વિચારોમાં ભમ્યા કરતો હોય. રાધિકાને મનમાં નક્કી થયું કે મયુર કોઈ ટેન્શન સાથે ફરે છે અને તેને લીધે પોતાની સાથે વાત પણ નથી કરતો.

વાત જાણવા તેણે મયૂરને સાથે બહાર જવા કહ્યું. તેણે પણ સાથે બહાર જવામાં ખુશી અનુભવી અને બંને પરિવાર એક દિવસ સાથે પિકનિક પર જવા તૈયાર થયા. પણ રાધિકાએ જોયું કે ત્યાં પણ મયુર કોઈ બીજા વિચારો માં જ છે. તેણે બધાની નજર ચોરી મયુરને એક બાજુ બોલાવ્યો. "શું થયું રાધિકા?" તેણે તેની પાસે જતા જ સવાલ કર્યો.

"વાતો કરવી છે."

" એ તો આપણે રોજ કરીએ છીએ ને એમાં આમ અલગ થવાની શું જરૂર છે? ફેમિલી સાથે આવ્યા છીએ તો ત્યાં જ બધાં ની સાથે બેસીયેને!"

" હા , બેસી શકાય પણ ત્યાં તમે મને જવાબ નહી આપી શકો."

"એટલે?"

" એટલે એમ કે... " રાધિકાએ ખચકાટ સાથે ન ઈચ્છા છતાં પૂછતી હોય તેમ હિમ્મત ભેગી કરી આગળ વાત વધારી "... હું જોઉં છું કે તમે બીજા વિચારોમાં જ રહો છો. કેમ?"

તો તે બોલ્યો, " બેન્ક ના નવા નિયમ પ્રમાણે મારે બહુ જલ્દી લોન ભરી દેવી પડશે એટલે તેનું થોડું ટેન્શન છે બસ. બીજી કોઈ વાત નથી."

" તો તમે મને કહ્યું કેમ નહિ? એકલા હાથે ટેન્શન લઈને ફર્યા કરો છો. "

" તારે આમાં પાડવા જેવું નથી. હું બધું હેન્ડલ કરી લઈશ"

"હા, મને ખબર છે."

" સાચું કહું તો તારી સાથે આ ટેન્શન શેર કરી મન હળવું થઈ ગયું."

" એટલે જ તો કહું છું કે મારાથી કોઈ વાત નહિ ચૂપવો અને હું પણ બધું જ તમારી સાથે શેર કરીશ." આ રીતે રાધિકાએ અને મયુરે નક્કી કરી લીધું કે બેમાંથી કોઈ પણ એક બીજાથી કશું નહિ ચૂપાવે અને તમામ વાતો એક - બીજા સાથે કહેશે. રાધિકા અને મયુર દિવસે ને દિવસે નજીક થતાં જઈ રહ્યા હતા અને રાધિકા એમ વિચારી રહી હતી કે તે રાકેશની વાત કરી મયૂરને ખોટું લગાડવા નથી ઈચ્છતી. આમેય આ વાત હવે લગભગ બધા વિસરી જ ગયેલા.

તેવામાં નીરવને સાગરે ફોન કર્યો અને સમાચાર આપ્યા કે આવતી કાલે રાકેશ સુરત આવે છે. આ વાત સાંભળી નીરવ અને મનાલીની ખુશીનો પાર ના રહ્યો. તેણે સાગરને આ અંગે રાકેશને જાણ કરવાની ના પાડી કે અમે તેને મળવા આવવાના છીએ. આશરે દોઢ વર્ષ જેવો સમય વીતી ગયો હતો અને તેને તો બધા ભૂલી પણ ગયા હતા. જયારે રાધિકા એમ વિચારી રહી હતી કે બધા રાકેશને ભૂલી ગયા છે, એવાં સમયે રાકેશના પાછા ફરવાની તૈય્યારી થઈ રહી હતી.