પ્રકરણ ૧૬
મીનાબેને સવારે ઉઠીને જોયું તો હૉલની લાઈટ ચાલુ જ હતી. પરમ સોફા પર જ છાતી પર ડાયરી મૂકી સૂતો હતો. એની બંધ આંખો નીચે પણ ભેજ હોય એમ લાગતું હતું! વસંતભાઈને પરમની વ્યથા, એની પીડા, એની તકલીફો, એની દોડધામ અને એનાં પરિવારને સાચવવાની મથામણ જોઈ એની સામે પોતાને ખૂબ વામણા સમજવા લાગ્યા હતાં. વારંવાર પ્રભુ પાસે માંગતા કે આવો સંપૂર્ણ પુરુષ કોઈ ભાગ્યશાળીના નસીબમાં જ હોય છે, તું મારી દીકરીની પાસેથી એ વરદાન નહિ છીનવતો.
સૌનો આખો દિવસ ભારે ભારે કોઈ અકથ્ય બોજ હેઠળ પસાર થયો. રાત્રે પરમ આવ્યો અને સૌ સાથે જાણે બોલવા પૂરતું બોલ્યો અને ફટાફટ જમીને મિતેષ સાથે ક્યાંક ઉપડ્યો.
ડૉકટર આશુતોષે જૈનિશ પાસે આલાપ વિશેની ઘણી બધી માહિતી મેળવી લીધી હતી. છતાંય આજે રાત્રે ફરી એને ઘરે બોલાવ્યો હતો. ડૉકટર આશુતોષ એટલું સમજી શક્યા હતા કે આલાપ ઘણી બધી વાતોમાં નિર્દોષ છે અને ઘણો નાદાન છે. પોતાના સંગીતના શોખ સાથે મમ્મીનું સપનુ પૂરું કરવા ભણવામાં પણ અથાગ મહેનત કરે છે. એ નાનપણમાં જ પિતાને ખોઈ ચૂક્યો છે અને જે માએ મા-બાપ બન્નેની જવાબદારી નિભાવી છે, એનો ખોળો દુનિયાનાં તમામ સુખોથી ભરી દેવા ઈચ્છે છે. એનાં જીવનના આ મુકામ પર પહોંચવાની દોડમાં એક માયા નામનું ઝાંઝવું આવી ગયું અને હવે જીવનની દોડમાં આવેલ આ ફાંટો ક્યાં લઈ જશે એની અનિશ્ચિતતા છે. ખાસ વાત તો એ કે એ વિશે એની મમ્મી તદ્દન અજાણ છે! આજે જૈનિશને હકીકત જણાવી અને એક મક્કમ પગલું લેવા ડૉકટર આશુતોષ મનને તૈયાર કરી રહ્યા હતા. જૈનિશને કઈ રીતે સમજાવવો એનો પ્લાન આમ તો નક્કી જ હતો. મિતેષ અને પરમ પણ આવવાના જ હતા. પણ નક્કી એમ થયું હતું કે જૈનિશ આવી જાય પછી એ લોકોએ દસ મિનિટ રહીને આવવું.
આલાપ ઘરે આવી, કૉલેજમાં જૈનિશ સાથે થયેલી વાતચીત વિશે વિચારી રહ્યો હતો. જૈનિશના આશુભાઈ એ જ ડૉકટર આશુતોષ હતાં, જેનાં વખાણ કરતા મમ્મી થાકતી નહોતી. મમ્મીની આ જોબ પણ એમને કારણે જ ટકી રહી છે. એ મારું પણ કેટલું વિચારે! કેટલી બધી વાતો પૂછી! કેટલી સહાનુભૂતિ દર્શાવી! જ્યારે મળ્યા ત્યારે એમને ઓળખતો નહોતો વળી,મારુ મગજ બીજી દિશાએ હતું એટલે વધુ કંઈ વિચારી કે બોલી ન શક્યો. ક્યારેક જૈનિશ સાથે પર્સનલી મળીને થેન્ક્સ કહી આવીશ.
પરમ અને મિતેષ આ વખતે મિતેષની ગાડીમાં જ ગયાં હતાં. મિતેષ પરમની માનસિક સ્થિતિ વિશે અજાણ નહોતો, એણે વાત ઉંચકી, "પમ્મુ, ઘરમાં વાતાવરણ થોડું હળવું થયું કે નહીં?" પરમને આ નામે એની મમ્મી અને મિતેષ બે જ બોલાવતાં એટલે એ થોડો ભાવુક થઈ ગયો. બોલ્યો, "યાર, કાલે આખી રાત મમ્મી બહુ યાદ આવી, બહુ વખતે એકલતા કોરી ખાતી હોય એવું લાગતું હતું." મિતેષે એનાં હાથ પર હાથ મૂકતા કહ્યું, "પમ્મુ મારાં દોસ્ત, મારાં ભાઈ તારું મન હળવું કરવું બહુ જરૂરી છે. આમ આપણે ત્યાં જઈશું તો તું પોતાની જાતને કાબૂમાં નહિ રાખી શકે અને કંઈક નવનું સાડાતેર થઈ જશે." પરમ ગળગળો થઈ ગયો, " હવે કદાચ પહેલાંનો પરમ ક્યારેય પાછો ન આવે મિતેષ, આ દુઃખ, આ આઘાત મારાં આત્મા સુધી ઉતરી ગયાં છે. તું જ વિચાર યાર, જાનથી ય વ્હાલી પત્ની પતિની ઈર્ષ્યા કરે કેવું કહેવાય! એ જ પત્ની ફક્ત અને ફક્ત ચેંજ માટે કે એના કહેવા મુજબ થ્રિલ,કિક વ્હોટેવર.. એને માટે પોતાના કેરેકટર, પતિની લાગણીઓ કે સમાજમાં ઈજ્જતની પરવા કરવી છોડી દે કેવું લાગે! મારો વિશ્વાસ, મારો ગર્વ, મારો આટલો પોતાની જાત કરતાં પણ એને વધુ કરેલો પ્રેમ બધું ધૂળમાં, એની જરાય પડી જ નહોતી. વળી, એની કાલે રાત્રે કરેલી નફ્ફટ કે નિખાલસ કહેવી, એ ન સમજાય એવી કબૂલાત કે પોતે પણ એ છોકરાના પ્રેમમાં હતી. એનાથી વધુ શું કહું યાર, કહે મારી સાથેની અંગતપળોમાં પણ…શીટ..આઈ જસ્ટ હેટ હર..હું બહાર નહિ નીકળી શકું આ વાતમાંથી ક્યારેય નહિ નીકળી શકું." મિતેષે ચૂપચાપ એને ખભે હાથ મૂક્યો, એને કંઈ પણ બોલવું આ ક્ષણે અનુચિત લાગ્યું. પરમે ફરી શરૂ કર્યું, " એનાથી વધુ સાંભળ રૂમમાં ગયાં તો કહે કે, સ્ત્રીઓનાં ચરિત્રને લોકો સેક્સ્યુઅલ રિલેશનથી જ કેમ માપતા હશે? મારુ મગજ બહુ ફાટતું હતું મેં કહ્યું તું સૂઈ જા હું હૉલમાં થોડું વાંચીને પછી આવુ છું" મિતેષે ચોંકીને કહ્યું, "વ્હોટ? આ તો હદ થઈ ગઈ! ભારતીય સમાજ જો એમ માપવાનું બંધ કરી દેશે તો ગાયનેક હોસ્પિટલો અને કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ બનાવતી કંપનીઓ ધમધોકાર બિઝનેસ સ્ટાર્ટ કરી દેશે, પોતાનાં જ શેર બહાર પાડી દે એ હદે! ઠેર ઠેર અનૌરસ સંતાનો ફરતાં દેખાશે અને સમાજ વ્યવસ્થા ખોરવાઈ જશે. સ્ત્રીઓનું મહત્વ એટલે જ વધુ છે કે એ મર્યાદામાં છે. જ્યાં અને જે વાતાવરણ કે જે સમાજમાં આપણે રહેતા હોઈએ એનાં ઘણાં વણલખ્યાં નિયમો હોય છે અને એ પાળીએ તો જ સમાજ દ્વારા નક્કી કરેલી લગ્નસંસ્થા ટકી રહે છે, દરેક સ્ત્રીઓ અને પુરુષો પોતાને ગમતું જીવવા માંડે અને નિયમો નેવે મૂકે તો પશુઓ અને આપણામાં કોઈ ફેર નથી રહેવાનો." પરમ એને અટકાવતા બોલ્યો, " જસ્ટ સ્ટોપ ઇટ યાર! મને હમણાં, સમાજ, દુનિયા દેશની વાતો નથી સાંભળવી, પણ એક વાત સાંભળ, મને એની સાથે બોલવું જ નથી ગમતું. સોનુની મમ્મી તરીકે કે માનવતાની દ્રષ્ટિએ કૅર લેવાઈ જાય છે પણ મારી એ કવિતા..મને ક્યાંય અનુભવાતી નથી. હું એમ નથી કહેતો કે મેં કોઈ ભૂલ નથી કરી. મારી ફક્ત એ ભૂલ કે હું મારા અને એના સપના તરફ આંધળી દોડ લગાવી રહ્યો હતો, પાછળ ફરીને જોયું નહિ કે કવિ તો ત્યાં જ છૂટી રહી છે એ નથી ભાગી શકતી." મિતેષે વાતનો તંતુ પકડ્યો, "યુ આર રાઈટ પરમ..અમુક ભૂલો ગુનાની હદ સુધી જતી રહેતી હોય છે જે માફ કરવી બહુ અઘરી પડે છે. વક્ત કો ભી સંભલનેમેં વક્ત લગતા હે મેરે દોસ્ત, આ સમય પણ જતો રહેશે. હવે ત્યાં જેમ નક્કી થયું છે એમ રહેજે અને જરાય ગફલત નહિ કરતો. મગજ સાબદું અને મન સાબૂત રાખજે." પરમ "હમ્મ.." કહી ચૂપ થઈ ગયો. એ લોકોએ એમની ગાડી ડૉકટર આશુતોષનાં ઘરથી થોડે દુર પાર્ક કરી.
જૈનિશ ડૉકટર આશુતોષને ઘરે જવા નીકળ્યો. એને નવાઈ લાગતી હતી કે આશુભાઈને આલાપની વાતમાં આટલો ઇંટ્રેસ્ટ કેમ હશે! પણ જેટલું કહ્યું છે એનાથી વધુ મારે કંઈ જ બોલવાનું નથી એ નક્કી છે. આલાપ ક્યાંય ફસાવો ન જોઈએ. આજે આશુભાઈને મળી લઉં પણ પછી તો કોઈ બહાનું જ કાઢીશ. આમ પણ એકઝામ આવે જ છે. મામીને પણ આમ આશુભાઈ બોલાવ બોલાવ કરે એનો શું જવાબ આપવો? એ તકલીફ થાય છે. આલાપની વાત કરવા જાઉં છું એમ કહું તો એ વળી સત્તર સવાલો કરે. આજે આશુભાઈ સાથે થોડો વધારે ટાઈમ બેસીને એમણે જે વાતો કરવી હોય એ બધી પતાવી દઈશ. આમ વિચારો કરતાં એ ડૉકટરનાં ઘરે આવી પહોંચ્યો.
ડૉકટર આશુતોષ આંટાફેરા કરી રહ્યા હતાં. એમણે એકાએક વિચાર ફેરવ્યો. એક ફોન કર્યો અને એ બહાર જ જૈનિશની પાસે સામેથી પહોંચી ગયા. જૈનિશને લાગ્યું કોઈ ઈમરજન્સી આવી લાગે છે. ત્યાં જ ડૉકટર આશુતોષ પાસે આવતાં બોલ્યા, " ચાલ, જૈનિશ આપણે ક્યાંક જવાનું છે. એક બહુ અગત્યનું કામ છે." જૈનિશને આશ્ચર્ય થયું, "મારુ કામ!" જવાબ મળ્યો, "એટલું અગત્યનું છે કે એ તારા સિવાય કોઈ નહિ કરી શકે." જૈનિશને કંઈ સમજાતું નહોતું એ ચૂપચાપ ડૉકટર આશુતોષની ગાડીમાં બેસી ગયો.
ક્રમશ: