દાદા તમે મને જાણો છો...?? મારા પરિવારને જાણો છો..??" શિવમે પૂછ્યું.
“ બેટા, તારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ હું યોગ્ય સમયે આપીશ. પણ અત્યારે તું મારી સાથે ચાલ."
“ પણ ક્યાં...." શિવમે કહ્યું.
“ રહસ્યોને શોધવા." અઘોરી એ કહ્યું.
“ રહસ્યોને શોધવા...?? શિવમે પ્રશ્ન કર્યો.
“ હા, રહસ્યો...!અનેક રહસ્યો છુપાયેલા છે આ ગામમાં." અઘોરી એ ચાલતાં ચાલતાં કહ્યું.
“ પણ એ રહસ્યોથી મારા ભાઈ - ભાભીને શું લેવા દેવા...!"
“ બ્રહ્મરાક્ષક...." અઘોરી એ કહ્યું.
“ બ્રહ્મરાક્ષસ...??? એ કોણ છે ?" શિવમે પ્રશ્ન કર્યો.
“ બ્રહ્મરાક્ષસ આ એજ શૈતાન છે જેણે કેટલાય લોકોના જીવ લીધાં છે. કેટલાયના હસતાં રમતાં પરિવારને વિખેરી નાખ્યા છે. છેલ્લા વીસ વર્ષથી એ શૈતાને અમરાપુરની શાંતિને ભંગ કરી દીધી છે. જ્યારથી ઠાકુર કુળનો નાશ થયો ત્યારથી આ ગામની ખુશીઓનો પણ નાશ થયો છે. એ હસતું રમતું અમરાપુર ગામ હાલ એકદમ શાંત થઈ ગયું છે.પણ બસ..... હવે એક પણ માસૂમનો જીવ નહિ જાય. સમય આવી ગયો છે તેના અંતનો. એ સમય દૂર નથી જ્યારે આ અમરાપુર ગામમાં ખુશીયો છવાઈ જશે." અઘોરી એ કહ્યું.
શિવમને અઘોરી ની વાતમાં કંઈ પણ ખબર પડતી નહોતી. ઠાકુર કુળ કોણ છે..? તેમનો કુળનો નાશ કોણે કર્યો..? એ
બ્રહ્મરાક્ષક બાવીસ વર્ષની આ ગામનાં લોકોને ત્રાસ આપી રહ્યો છે છતાં પણ આ ગામના લોકો એ આજ સુધી તેમને કેમ ના માર્યો...??? આવા તો કેટલાય પ્રશ્નો શિવમના મનમાં ઉદ્દભવી રહ્યાં હતાં.
****
શિવમ અને અઘોરી ગામમાં પહોંચી ગયા. “ આજ છે તારા નાનાનું ગામ અમરાપુર." ગામમાં ઢળતાં ની સાથે જ અઘોરી એ શિવમને કહ્યું.
“ મારા નાનાનું ગામ એટલે કે મારું જન્મસ્થળ...!! " શિવમે ખુશ થતાં કહ્યુ.
“ મારી મમ્મીએ જણાવ્યું હતું મારો જન્મ જે દિવસે થયો હતો ને ત્યારે જ હું મારા પપ્પાના ઘરે ગયો. ત્યારથી નાની પણ અમારી સાથે જ રહે છે. " શિવમે વધારાનું ઉમેરતા કહ્યું.
“ આ ગામમાં કેટલાય રહસ્યો દફાનાવેલ છે. જેનું પહેલું પગથિયું છે ઠાકુરની હવેલી." અઘોરીએ વિરમસિંહના નિવાસસ્થાન નજીક આવતા કહ્યું.
“ ઠાકુરની હવેલી..." શિવમ હજી બોલતો જ હતો ત્યાં નિવાસસ્થાનની બહાર વિરમસિંહ ઉભેલા દેખાયા.
“ આવો આવો અઘોરીજી." વિરમસિંહે અઘોરી ને આવતાં જોઈને કહ્યું.
“ ઠાકુરસાબ આજથી આ શિવમ તમારી સાથે જ નિવાસસ્થાનમાં રહેશે." અઘોરીએ કહ્યું.
“ જ્યાં સુધી એ શૈતાનનું મૃત્યુ નહિ થાય ત્યાં સુધી મને ચેન નહિ પડે. હું એ રાક્ષકનો વધ કરીશ ત્યારેજ મારા ભાઈ - ભાભીની આત્માને શાંતિ મળશે." શિવમની આંખોમાં ક્રોધ છલકાઈ રહ્યો હતો.
અઘોરી એ બધી જ વાત વિરમસિંહને જણાવી. વિરમસિંહને ખૂબ જ દુઃખ લાગ્યું. દેવ જ્યારે નાનો હતો ત્યારે વિરમસિંહે તેને જોયો હતો. નંદિની અને રાજેશ્વરી બંને ખુબ જ સારી સહેલીઓ હતી. જ્યારે નંદિની મંદિરે પ્રાથના કરવા જતી ત્યારે રાજેશ્વરી પણ ત્યાં આવતી ત્યારથી જ વિરમસિંહ રાજેશ્વરીને ઓળખતાં.
શિવમ રાજેશ્વરીનો દિકરો છે એ જાણી વિરમસિંહને ખૂબ જ ખુશી થઈ. સાથે દુઃખ પણ થયું દેવ હવે આ દુનિયામાં નથી રહ્યો.
“ પપ્પા..." બહાર ઊભેલા વિરમસિંહને અંદરથી કાલિંદી એ અવાજ દીધો.
“ હા આવ્યો." વિરમસિંહ આટલું બોલીને શિવમની સાથે અંદર ગયા. અઘોરી પોતાના કોઈ અગત્યના કામના કારણે જંગલ તરફ ગયા.
“ શિવમ આજથી આપણી સાથે જ રહેશે. જ્યાં સુધી તેને અમરાપુર માં કામ છે ત્યાં સુધી. જે સામેનો ઓરડો છે ત્યાં જ તે રહેશે." વિરમસિંહે નિવાસસ્થાનમાં પ્રવેશતા જ કહ્યું.
નંદિની તો હજુ એ વાત થી અજાણ છે કે શિવમ રાજેશ્વરીનો પુત્ર છે. શિવમ તેમની સાથે રહે એ વાતથી કોઈને કંઈ વાંધો નહોતો. હા કાલિંદીને હતો પણ જ્યારે કાલિંદી એ શિવમની આંખો માં જોયું તો તેને એક અલગ જ નજારો જોવા મળ્યો. શિવમની આંખો એકદમ લાલ લાલ અને ક્રોધે ભરાયેલી હતી. બદલો લેવાની તાકાત એ શિવમની આંખોમાં સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી. તેનાથી વિપરીત તેનું મુખ એકદમ શાંત હતું. કોઈ ઊંડો ઘા શિવમને લાગ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
સવારના જંગલમાં બધાં ગયા હતા જે સાંજ થયે પાછા આવ્યા. બધાં ઘણા બધા થાકી ગયા હતા. બધાં જમવા બેઠા.
“ શિવમ બેટા, તું પણ અમારી સાથે બેસીને ભોજન કર." શિવમને ત્યાંથી જતા જોઈને નંદિની એ કહ્યું.
“ ના આંટી તમે જમો મને ભૂખ નથી." શિવમ એટલું કહીને પોતાના ઓરડામાં ચાલ્યો ગયો.
“ પણ શિવમ ... વિરમસિંહ પોતાના શબ્દો પૂરા કરે એ પેલા શિવમ ઓરડામાં ચાલ્યો ગયો. શિવમે ઓરડો અંદરથી બંદ કરી દિધો.
વિરમસિંહ શિવાય ત્યાં હાજર કોઈ પણ શિવમનું દુઃખ જાણતું નહોતું. વિરમસિંહ ઝટ ભોજન જમીને કંઈ પણ બોલ્યાં વગર પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. શ્રેયા અને કાલિંદી પણ તેઓના ઓરડામાં ગઈ.નંદિની રાતનું ભોજન પતાવીને તે પણ આરામ કરવા ચાલી ગઈ.
આજની રાત બધાના માટે એક અલગ જ રાત હતી. શિવમ પોતાના ભાઈ ભાભીના અવસાન થી દુઃખી હતો. તો સાથે સાથે એ બ્રહ્મરાક્ષક સાથે બદલાની ભાવનાથી બેચેન હતો. જ્યાં સુધી એ રાક્ષકનો વધ નહિ કરે ત્યાં સુધી એ ચેનથી ઊંઘી પણ નહિ શકે.તો બીજી બાજુ વિરમસિંહની પણ એજ હાલત હતી. વિરમસિંહને એ ચિંતા સતાવતી હતી કે એ અતિ ભયંકર અને મોટું કદ ધારણ કરનારા એ શૈતાનને કાલિંદી એકલી કંઈ રીતે હરાવી શકશે. નંદિનીને પોતાના પરિવારની ચિંતા સતાવી રહી હતી. જ્યારથી અહીં અમરાપુર આવ્યા છે ત્યારથી કઈક ને કઈક તો અજુગતું ઘટ્યું જ છે.એ રાતે અહીં આવ્યા ત્યારે ગાડીનું બંદ થવું, અચાનક ધરતી ધ્રૂજવી, થોડા સમય બાદ એ ધરતી શાંત થઈ જવી. કાલિંદી નું સત્ય બહાર આવવું. અને આજે તો જંગલમાં જે બન્યું તે વિચાર્યા બહારનું જ હતુ. નંદિની એ ઠાની જ લીધું કે અમરાપુર માં હવે એક દિવસ પણ નથી રોકાવું. તો શ્રેયા એ તો એક નવું જ રહસ્ય જાણ્યું હતું. શ્રેયા એ જે જોયું તેના ઉપર તેને વિશ્વાસ નહોતો આવતો....
“ શું ખરેખર કાલિંદી નંદિની આંટીની બેટી નથી..!? ભૈરવી તેની માતાનું નામ છે..!? ના ના આ કંઈ રીતે શક્ય હોઈ શકે..! તો એ કાલિંદી ની જન્મકુંડળીમાં માતાના સ્થાને ભૈરવીનું નામ કેમ..!?" શ્રેયા પોતાના મનમાં જ પ્રશ્નોને રમાડી રહી હતી.
“ શ્રેયા શું થયું કેમ આમ તેમ પડખાં ફેરવે છે ઊંઘ નથી આવતી?" શ્રેયાને પથારીમાં વારે વારે પડખાં ફેરવતી જોઈને કાલિંદી એ કહ્યું.
“ ઊંઘ તો તને પણ નથી આવતી ને ત્યારેજ હજુ સુધી જાગતી છે. શું હું જાણી શકું તેનું કારણ..?" શ્રેયા એ કાલિંદી ને વળતો જવાબ આપતા પ્રશ્ન કર્યો.
શ્રેયાના એ પ્રશ્ને.........
વધુ આવતા અંકમાં...