Dhup-Chhanv - 122 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 122

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 122

"આ ગુલાબના ફૂલોની જેમ જ તમારું બંનેનું જીવન પણ મહેકતું રહે.." અક્ષત અને અર્ચનાએ અપેક્ષા અને ધીમંત શેઠને આશિર્વાદ આપ્યા.
અપેક્ષાએ પોતાના નાના લાડકા ભત્રીજા રુષિને પ્રેમથી ઉંચકી લીધો અને હ્રદય સોંસરવો ચાંપી લીધો.
અક્ષત અને અર્ચના બંનેએ પોતાની માં લક્ષ્મીના ખબર અંતર પૂછ્યા અને માંને ફોન લગાવ્યો..આખોય પરિવાર ખુશખુશાલ હતો અને તેમાં પણ ધીમંત શેઠ અને અપેક્ષા, એ બંને તો વળી ખૂબજ ખુશ હતાં.
હવે આગળ....
અક્ષત અને અર્ચના અપેક્ષાને અને ધીમંત શેઠને જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ જતા હતા...અને આમ ત્રણ ચાર દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર પણ ન પડી..
ચાર દિવસ પોતાના ભાઈ અક્ષત અને ભાભી અર્ચના સાથે રોકાયા બાદ અપેક્ષા અને ધીમંત શેઠ પોતાના દેશ તરફ પોતાના ઘર તરફ રવાના થવા માટે નીકળી ગયા.
અક્ષત, અર્ચના અને રુષિ અપેક્ષાને છોડવા માટે બિલકુલ તૈયાર નહોતા પરંતુ હવે તે પણ પોતાનું ઘર લઈને બેઠી છે એટલે તેને પણ ત્યાંથી નીકળ્યા વગર છૂટકો નહોતો.
અપેક્ષાની વિદાય થતી હોય તેમ અર્ચના અને અક્ષત તેને ભેટીને રડી પડ્યા અને રુષિ તો પોતાની ફીયાને છોડવા માટે પણ તૈયાર નહોતો.
પોતાની બહેન ધીમંત શેઠ સાથે ખૂબજ ખુશ છે તે પોતાની નજરે જોઈને અક્ષતને ખૂબ જ આનંદ થયો અને મનને શાંતિ લાગી.
અપેક્ષા અને ધીમંત શેઠ બંને સુખરૂપ પોતાના ઘરે પહોંચી ગયા.
એ દિવસ તો એમનો આરામ કરવામાં જ પૂરો થઈ ગયો. બીજે દિવસે અપેક્ષા પોતાનો સામાન ગોઠવવા માટે ઘરે જ રોકાઈ ગઈ અને ધીમંત શેઠ એકલા જ ઓફિસમાં પહોંચી ગયા. પોતાની અને અપેક્ષાની ગેરહાજરીમાં પણ ઓફિસમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું તેથી ધીમંત શેઠને લાગ્યું કે પોતે નસીબદાર છે કારણ કે ઓફિસ સ્ટાફ પણ વફાદાર અને સુંદર મળ્યો છે અને પત્ની તરીકે અપેક્ષા પણ ખૂબજ ડાહી, સુશીલ, હોંશિયાર અને સુંદર મળી છે.
ઓફિસેથી ધીમંત શેઠ ઘરે આવ્યા ત્યારે અપેક્ષા તૈયાર થઈને જ બેઠી હતી.
અક્ષત અને અર્ચનાએ પોતાની માં લક્ષ્મી માટે ઘણો બધો પ્રેમ તેમજ ઘણી બધી ગીફ્ટ મોકલી હતી તે આપવા માટે બંને જણાં લક્ષ્મી બાને ઘરે પહોંચી ગયા.
લક્ષ્મીએ પોતાની દીકરીને ગળે વળગાડી લીધી અને જમાઈરાજાને પણ પ્રેમથી મીઠો આવકારો આપ્યો.
આજે લક્ષ્મીબા અને અપેક્ષાની વાતો ખૂટવાની નહોતી એટલે ધીમંત શેઠ પોતાના મોબાઈલમાં ખોવાઈ ગયા.
અપેક્ષા પોતાના ભાઈ અને ભાભીએ પ્રેમથી મોકલાવેલી એક એક ગીફ્ટ પોતાની માં લક્ષ્મીના હાથમાં પ્રેમથી આપી રહી હતી અને બંને ખૂબ ખુશ થઈ રહ્યા હતા.
લક્ષ્મીએ પોતાની દીકરી અને જમાઈરાજા માટે આજે ગરમાગરમ બાજરીનો રોટલો અને ભરથું બનાવ્યા હતા.
અપેક્ષા, ધીમંત શેઠ અને લક્ષ્મી બા બધા યુ એસ એ ની વાતો કરતાં કરતાં શાંતિથી પ્રેમપૂર્વક જમ્યા અને પછીથી અપેક્ષા અને ધીમંત શેઠ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.
જતાં જતાં લક્ષ્મી બાએ અપેક્ષાને પોતાના ઘરે બે ત્રણ દિવસ રોકાવા માટે મોકલવાની વિનંતી ધીમંત શેઠને કરવા લાગ્યા.
ધીમંત શેઠ પણ હસતાં હસતાં કહેવા લાગ્યા કે, "તમારી જ દીકરી છે તમે ઈચ્છો ત્યાં સુધી તેને તમારી પાસે રાખી શકો છો. મને કંઈ વાંધો નથી."
લક્ષ્મી બાએ પણ ધીમંત શેઠની આ વાતનો ઠાવકાઈપૂર્વક જવાબ આપ્યો કે, "મારી દીકરી તો ખરી પણ હવે તે પારકી થાપણ કહેવાય, તમારી અમાનત કહેવાય એટલે મારે તમારી રજા તો માંગવી જ પડે ને.."
"ના ના માં એવું કંઈ નહીં.." એમ કહીને ધીમંત શેઠ હસી પડ્યા.
હવે અપેક્ષાથી ન રહેવાયું એટલે તે બોલી ઉઠી કે, "અલા, મને તો કોઈ પૂછો..અને તમારી દીકરાની વાત પૂરી થઈ હોય તો હું વચ્ચે કંઈક બોલું?"
"હા, બોલ ને બેટા." લક્ષ્મી બાએ વ્હાલપૂર્વક પોતાની દીકરીને માથે હાથ ફેરવ્યો અને તે બોલ્યા.
"માં હું હમણાં નહીં આવી શકું. હમણાં જરા ઓફિસમાં બધું રૂટિન મુજબ કામ ગોઠવાઈ જાય અને ઘરમાં પણ કપડા વગેરે બધું બરાબર ગોઠવાઈ જાય પછી આવીશ."
"સારું સારું બેટા. તારી મરજી પડે ત્યારે આવજે."
અને અપેક્ષા તેમજ ધીમંત શેઠ બંને લક્ષ્મીબાના પગે પડ્યા અને પછી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.
બીજે દિવસથી અપેક્ષાએ રાબેતા મુજબ ઓફિસમાં જવાનું શરૂ કરી દીધું અને પેન્ડિગ કામ પોતાને હસ્તક લઈ લીધાં.
ધીમંત શેઠનું પચાસ ટકા કામ અપેક્ષા સંભાળી લેતી હતી તેથી ધીમંત શેઠને ઘણી રાહત લાગતી હતી.
લક્ષ્મીબાના આગ્રહ ને વશ થઈને અપેક્ષા બે ચાર દિવસ તેમની સાથે રોકાવા માટે પોતાના પિયર ગઈ હતી.
એ દિવસે સવારે લક્ષ્મી બા મંદિરે ગયેલા હતા અને અપેક્ષા ઘરમાં એકલી જ હતી તેની ઈચ્છા થઈ કે ઇશાન સાથે વાતચીત કરું કે તે મજામાં તો છે ને..
તેણે ઈશાનને ફોન લગાવ્યો..
ઈશાને તુરંત જ ફોન ઉઠાવી લીધો..
ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ ઈશાન પણ અપેક્ષાના ફોનની રાહ જોઈ રહ્યો હતો..
અપેક્ષાનો મીઠો મધુરો આવાજ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો અને ભાવવિભોર બની ગયો..
બંનેએ મન ભરીને..દિલ ખુશ થઈ જાય તેટલી વાતો કરી..
હવે જ્યારે અપેક્ષા મળી ગઈ છે ત્યારે ઈશાન અપેક્ષા વગર એકલો રહેવા માટે તૈયાર નહોતો..
તેને સતત અપેક્ષા યાદ આવતી રહેતી હતી..
તે અપેક્ષાને પોતાને મળવા માટે આવવા ખૂબ જ પ્રેમપૂર્વક મીઠા હૃદયથી ભાવવિભોર શબ્દો વાપરીને વિનંતી કરી રહ્યો હતો..
પરંતુ અપેક્ષાના કહેવા પ્રમાણે હમણાં તો તે શક્ય જ નહોતું..
પરંતુ જો ચાન્સ મળશે તો પોતે ચોક્કસ પ્રયત્ન કરશે અને ચોક્કસ તેને મળવા માટે આવશે તેમ પણ તેણે ઈશાનને ખાત્રી આપી હતી..
ઈશાનના પરત મળવાથી અપેક્ષા પણ પોતાનો ખોવાઈ ગયેલો પ્રેમ પાછો મળ્યો છે માટે ખૂબ જ ખુશ હતી અને તેને જાણે કોઈ પણ ભોગે છોડવા માંગતી નહોતી.
થોડી વારમાં લક્ષ્મી બા મંદિરેથી પરત ફર્યા અને તેમણે અપેક્ષાના હાથમાં મોબાઈલ જોયો અને અપેક્ષાને ખૂબજ ખુશ જોઈ...
વધુ આગળના ભાગમાં...
શું અપેક્ષા ઈશાન પોતાની જિંદગીમાં પરત આવી ગયો છે તે ખબર લક્ષ્મી બાને જણાવશે કે નહીં જણાવે?
જો જણાવશે તો લક્ષ્મી બાનું શું રીએકશન હશે?
શું અપેક્ષા ઈશાનને છોડી દેશે કે પછી ઈશાનના કારણે તેના જીવનમાં કોઈ નવું તોફાન આવશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
22/12/23