" પહેલેથી જ લખાણ દેખાઈ આવતાં હતાં. એ દુનિયાની સામે જે સોશિયલ મીડિયામાં ઠુમકા લગાવતી હતીને એ સંસ્કારોના પતનની જ શરૂઆત હતી."
" તે તારું નામ તો બદનામ કરી દીધું પણ સાથે આ સોસાયટીનું પણ કરી નાખ્યું."
" છી..! મને તો કહેતાં પણ સંકોચ થાય છે કે તારા જેવી છોકરી મારી ફ્રેન્ડ હતી."
" બેશરમ, અહીં ઊભી ઊભી સાંભળી રહી છે. જરા પણ શરમ કે સંકોચ વગર."
જોરદાર ધક્કા સાથે તેણીને પાછળ હડસેલવામાં આવી. તેનાં કદમ ડગમગાયા અને તે જમીન પર પડે એ પેલાં જ તેનાં પપ્પાએ તેને સહારો આપી દીધો.
આખી સોસાયટી મળીને તેણીને તેનાં ઘરની બહાર ન કહેવાનું કહી રહ્યાં હતાં. તે ચુપચાપ બસ મૂંગી બનીને બધું સાંભળી રહી હતી. લોકોના હ્દય વેધક શબ્દો સીધાં તેણીના હ્દયના મધ્યમાં જઈને ખુંપતા હતાં. અને તે ખૂંપ્યાનું દર્દ તેનાં આંસુઓમાં ઉભરી આવ્યું હતું. છતાં પણ તે નિઃશબ્દ હતી.
" મારી દીકરી એવી નથી. જેવી જેવી..." એવું શર્મનાક કહેતાં એ પિતાની જીભ ના ઉપડી. તેમની આંખો ઉભરી આવી અને તે ગળગળા થઈ ગયા.
"ઘરની દીકરી ક્યાં સમયે શું કરી રહી છે એ પાડોશીઓને નહીં ઘરવાળાને ખબર હોવી જોઈએ. પણ નહીં તમે તો તેને આઝાદ પંખીની જેમ ઉડાડી રહ્યાં હતાં, જોઈ લીધુંને તેનું પરિણામ!"
" આપણે બધાંને સાથે મળીને સચ્ચાઈ સુધી પહોંચવા માટે નિર્વાનો સાથ આપવો જોઈએ. આમ તેની સાથે આવો વર્તાવ કરવો યોગ્ય ન કહેવાય. આપણી સોસાયટી એક ઘર છે અને આપણે બધાં એ એકજ ઘરનાં સભ્યો. તો તમે તમારાં જ ઘરના સભ્યની સાથે આવા અપશબ્દોમાં કેવી રીતે બોલી શકો." સોસાયટીના સેક્રેટરીએ મામલાને થાળે પાડતાં કહ્યું.
" છી... છી...ઘરનું સભ્ય? અરે આવી છોકરીઓના તો પડોશમાં રહેતાં પણ લજ્જા આવે. તેણી પાડોશી બનાવવાં પણ લાયક નથી! આ પવિત્ર સોસાયટીમાંથી દુષિત કચરાને બહાર કાઢવો જ જોઈએ."
" હા, હા! સાચું કહ્યું તેણી અને તેના પરિવારને સોસાયટીમાં રહેવા જ ન દેવા જોઈએ." આખી સોસાયટી મળીને તેણી અને તેનાં પરિવારને કંઈ કેટલુંય અનાપસનાપ બોલ્યાં. આખરે તેણીનાં પિતાએ બધાંની સામે હાથ જોડીને તેમનાં ઘરનું બારણું બંધ કરી દીધું ત્યારે થોડો કોલાહલ શાંત થયો પરંતુ એતો ફકત ઉપર છલ્લો હતો ભીતરમાં તેમનાં દ્વારા છોડેલા શબ્દો અગ્નિની જેમ હજુ પણ પ્રજ્જલિત હતાં. અને એ આગ બધું ઠામ કરીને જ ઠરશે!
" મળી ગઈને ખુશી તને સમાજની સામે અમારું નાક કપાવીને." નિર્વાની મમ્મી એ રડતાં કહ્યું.
" ઈશા આ તું શું કહી રહી છે. આપણી દીકરી એવી નથી એ તું પણ જાણે છે. નિર્વાને કોઈક બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે. આપણે આ ગુનાહિત કાર્ય બદલ પોલીસ સ્ટેશનમાં જઈને F.I.R. નોંધાવવી જોઈએ. જેથી કરીને આપણી દીકરીનો ગુનેગાર જલદીથી જલદી મળી જાય અને તેને એટલી કડક સજા આપવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ કોઈની પણ બહેન, દીકરી કે પત્ની સાથે આવું ક્યારેય કરવાનું વિચારી પણ ન શકે." નિર્વાના પપ્પાએ ગુસ્સા સાથે કહ્યું.
" હું જાણું છું, તમે જાણો છો કે એ ન્યૂડ ફોટોઝ અને વિડિયો આપણી નિર્વાના હોઈ જ ના શકે. પરંતુ પૂરી દુનિયા તો તેને જ સત્ય માની રહી છે ને!"
" મમ્મી - પપ્પા હું સાચું કહી રહી છું એ ફોટોઝ અને વિડિયોમાં હું નથી. તમે મને હંમેશા સ્વતંત્ર રાખી છે અને મે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે મારા કારણે તમારું નામ ક્યારેય સમાજમાં ઉછળે નહીં. મને ડાન્સનો શોખ હતો તેથી મે તેને મારી કળા તરીકે તેનો ઉપયોગ કર્યો હતો. હું મારી કળાને ઉજાગર કરવા માંગતી હતી એટલે હું મારા સ્પેશિયલ ડાન્સ સ્ટેપને મારા ચાહકો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હતી. મને નથી ખબર કોણે મને બદનામ કરવાની કોશિશ કરી છે. મારી ભૂલ નથી છતાં પણ હું અનેકો વાર માંફી માંગુ છું." કલાકથી નિઃશબ્દ ઊભેલી નિર્વા આખરે બોલી અને તેનાં શબ્દોમાં સચ્ચાઈ હતી. તેણી રડતી રડતી પોતાનાં રૂમમાં ગઈ અને રૂમ બંદ કરીને બેડ પર આવીને એક લાશની જેમ શાંત થઈને પડી રહી.
" આ સમાજ કેટલો અજીબ છે. સો સારા કામ કર્યા હોય એ ના દેખાય પરંતુ કઈક ઊલટું જ પકડી લાવે જે સત્ય હોય જ નહીં. ફક્ત તેને ભ્રમ પેદા કરવા માટે જ ઉત્પન્ન કરવામાં આવ્યું હોય."
"બધાંને પસંદ છે કે ફોનની અંદર નવા નવા ફ્યુચર આવે. પણ ક્યારેય એમ કેમ નહિ વિચારતા હોય કે એક આજ માટે સારી લાગી રહેલી વસ્તુ કાલે ઉપાધિ પણ બની શકે છે. ટેકનોલોજી જેમ જેમ વિકસિત બનશે તેમ તેમ મનુષ્ય જાતને જ નુકશાન પહોંચશે. સમય રહેતાં જો તેનાં પર કન્ટ્રોલ નહીં કરવામાં આવે તો પ્રલય આવશે. સોફિયા નામની રોબોટ લેડીએ તો જગજાહેર કહ્યું હતું કે હું મનુષ્ય જાતને ખતમ કરી નાખીશ. છતાં પણ તેને મજાક સમજીને બધાંએ નકારી નાખ્યું. આ Al (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આવ્યાં પછી તો મનુષ્ય જાતના રીતભાવ જ બદલાઈ ગયા. માણસ વિચારતો બંદ થઈ ગયો , પોતાનાં મગજને કોસીને કષ્ટ આપવાનું તેને જરા પણ પસંદ નથી એટલે તો તુરંત તે આ ટેકનિકનો ઉપયોગ કરીને જવાબ મેળવી લે છે."
" તેનો ઉપયોગ સારા અર્થમાં કરે તો ઠીક બાકી આજે મારી સાથે જે બન્યું... નફરત થઈ ગઈ મને ટેકનોલોજીથી! તે મનુષ્ય જાત સાથે ખિલવાડ કરી જ કેવી રીતે શકે?" નિર્વા પોતાનાં રૂમમાં પથારી પર પડી પડી પોતાની સાથે આજે જે બન્યું તેના વિશે વિચારી રહી હતી.
તેણી બેડ પરથી ઊભી થઈ અને પોતાનાં ફોનને શોધવાં લાગી. રૂમમાં આમતેમ ફાંફાં માર્યાં પછી તેણીને તેનો ફોન ફર્શ પર પડેલો જોયો. જે થોડાં સમય પહેલાં જ તેનાં નિર્દોષ ચહેરાને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફોટો જનરેટર એપ દ્વારા એડિટ કરીને સોશિયલ મીડિયામાં દોષિત જાહેર કરીને વાયરલ કરવામાં આવ્યાં હતાં. કહેવાય છે ને ખરાબ વસ્તુ જલદી વાયરલ થાય બસ એમજ સેકન્ડોની અંદર તે ફોટોઝ અને વિડિયો દેશનાં કરોડો લોકોએ જોઈ લીધાં. તેમાં નિર્વાનો પરિવાર અને સોસાયટી પણ બાકાત ન હતી!
નિર્વાએ તેનાં ફોનને હાથમાં લીધો. રિસેન્ટ ટાસ્કની અંદર ગઈ તો તુરંત તે વિડિયો અને ફોટોઝ તેને મળી રહ્યાં. જે થોડાં સમય પહેલાં જ જોયાં હતાં. જેના જોયાં પછી નિર્વાનું શરીર કંપી ઉઠયું હતું અને ફોન નીચે જમીન પર પડી ગયેલો. એજ ફોનને તેણીએ હાથમાં લીધો. એ ન્યૂડ ફોટોઝ અને ડાન્સ કરી રહેલું તેનાં ચહેરા સાથેનું શરીર પહેલી નજરમાં જોનારાને સત્ય જ મનાવી આવે તેવું હતું. નિર્વાએ તેનો ફોન દીવાલ સાથે અથડાવીને ફોડી નાખ્યો. ફરી તે પથારી પર આવીને આડી પડી. સતત તેનું મન આવનારી મુસીબતોની સામે જજુમી રહ્યું હતું. રોશનીનું દરેક કિરણ ઓઝલ થઇ ગયું. બહાર તેમજ ભીતરમાં ફક્ત અંધકાર જ નજરમાં આવતો હતો.
વિચારોને પથારી પર જ પછાડીને તે ધીમે પગલે રૂમની બહાર નીકળી. તે સીધી કિચન તરફ ગઈ અને કઈક શોધવા લાગી. આખરે તેણીની નજર એક જગ્યાએ સ્થિર થઈ અને તે તેનાં તરફ આગળ વધી. ત્યાં આવીને અટકી ગઈ અને હાથ તે વસ્તુની તરફ લંબાવ્યો. નિર્વાના નાજુક હાથમા એક ધારદાર ચપ્પુ હતું. તેણી તે ચપ્પુને પોતાનાં રૂમમાં લઈને આવી.
અપલખ નજરે નિર્વા નિહાળી રહી હતી તે ચપ્પુને. તેની ધારદાર સપાટી ચળકાટ મારી રહી હતી. તેણી બારી પાસે ગઈ અને કઈક ઊંડું વિચાર્યા પછી તે પથારી પર આવીને બેસી પડી. જમણા હાથ દ્વારા તેણીએ ચપ્પુને ઊંચું કર્યું અને તેનો ડાબો હાથ ચપ્પુની એકદમ નજીક લઈ ગઈ. રડીને સુકાઈ ગયેલી આંખમાંથી એક આંસુ તેનાં ડાબા હાથ પર પડ્યું અને તે આંસુને ચીરતી એ ચપ્પુની ધારદાર ધાર તેનાં આંસુની સાથે સાથે હાથની નસને પણ બે ભાગમાં વહેંચી દીધી. લોહીનો ફૂવારો તેનાં હાથમાંથી ફૂટ્યો અને નદીની જેમ ખળખળ કરતું લોહી પથારીની આજુબાજુ વહી પડ્યું. એ ચપ્પુની ચળકાટ નિર્વાના ખૂનથી રંગાઈને ફિક્કી પડી ગઈ. હંમેશા માટે ધીમે ધીમે તેણીની આંખો બંધ થવા લાગી. થોડાં સમયમાં જ એ તેજસ્વી કિરણ રક્તની નદી સાથે વગર વાંકે હંમેશને માટે ઓઝલ થઈ ગયું.